નવાં જન્મતાં બાળકોને ડહાપણની દાઢ કેમ નથી ઉગતી? મનુષ્યનો ઉત્ક્રાંતિના નવા સ્ટેજમાં પ્રવેશ

નવાં જન્મતાં બાળકોને ડહાપણની દાઢ કેમ નથી ઉગતી? મનુષ્યનો ઉત્ક્રાંતિના નવા સ્ટેજમાં પ્રવેશ

પાછલાં 250 વર્ષમાં મનુષ્યના શરીરમાં સૌથી ઝડપી ઉત્ક્રાંતિ જોવા મળીઃ પગની ઘૂંટીમાં એક નવું હાડકું અને હાથમાં નવી નસ પણ વિકસવા માંડી

 

નીકષ મેમનવા

 

યાદ કરો કે છેલ્લે તમારા ઘરમાં તમારા સિબલિંગ-ભાઈભાંડુમાંથી કોને ડહાપણની દાઢ ઉગી નીકળી હતી? જે લોકો મિલેનિયલ્સ(90ના દાયકામાં જન્મેલાં છે) તેમને તો ડહાપણની દાઢ શું છે તેની પણ ખબર નહીં હોય! બની શકે કે 1975 સુધીમાં જેમનો જન્મ થયો હશે તેમને ડહાપણની દાઢ વિશે થોડીઘણી પણ માહિતી હશે. મારા-તમારા જેવા કેટલાય લોકો ડહાપણની દાઢ ધરાવતા હશે અને એક સમયે આ દાઢે તમને બહુ પીડા પણ આપી હશે. ડેન્ટીસ્ટ પાસે તમારે જવું પડ્યું હશે અને લોકલ એનેસ્થેસિયા આપીને આ દાઢ ખેંચી કઠાવી હશે. અથવા તો કોઈ હાર્ડ વસ્તુ ખાતાંખાતાં તે અંદર જ ઢીલી થઈ ગઈ હશે અને જાતે પડી ગઈ હશે.

ગુજરાતીમાં ડહાપણની દાઢ ફૂટવી શબ્દ પ્રયોગ પણ છે. જો કોઈ સમજદાર વાતો કરવા લાગે તો તેને ડહાપણની દાઢ ફૂટી તેમ કહે છે. દાઢને ભલે ડહાપણની કહેવાતી હોય પણ તે હકીકતમાં મનુષ્યના ડહાપણ સાથે કોઈ રીતે સંબંધ ધરાવતી નથી. ઉલટાનું, ડાર્વિનના ઉત્ક્રાંતિના નિયમમાં ચાલનારું શરીરનું એક ન જોઈતું અંગ બનીને રહી ગયું છે. યસ, ડહાપણની દાઢ એટલે કે વિસડમ ટિથ ધીમેધીમે મનુષ્યમાંથી ગાયબ થવા માંડી છે. પુખ્ત વયના માણસોને ૩૨ દાંત હોય છે. સામાન્ય રીતે ડહાપણની દાઢ ૧૭થી ૨૫ વર્ષની વયની વચ્ચે આવતી-ઉગતી હોય છે. ઉત્ક્રાંતિને કારણે માણસના જડબાં પેઢી દર પેઢી નાના થતાં જાય છે, પણ દાંતની સાઈઝમાં ફેર પડ્યો નથી. એટલે અત્યારના સમયમાં માણસના જડબા ૩૨ દાંત સમાવવા માટે નાના પડે છે. આમ તો જડબાં ૨૮ દાંત સમાવી શકવા માટે પૂરતાં છે. પણ ઘણીવાર એવું બને કે કોઈને તંદુરસ્ત રીતે દાંત ઉગ્યા ન હોય તો એ જગ્યામાં ડહાપણની દાઢ કહેવાતો જાડો દાંત ઉગી નીકળતો હોય છે. આ દાંત સામાન્ય સ્થાને ઉગે તો વાંધો આવતો નથી પણ ઘણી વખત તે છેક ગાલના ખૂણામાં સંતાઈને ઉગે છે અને બહુ પેઈન કરે છે. થોડો વખત થાય પછી આ દાઢ જાતે પડી જતો હોય છે.

વેલ, મનુષ્યને અમુક ઉંમરે હેરાન કરતી આ દાઢ હવે ઉત્ક્રાંતિના નિયમોનું પાલન કરીને શરીરમાંથી ગાયબ થવા માંડી છે. ડોકટરો કહે છે કે હવે જે બાળકો જન્મે છે તેમના મોમાં વિઝડમ ટિથ હોતો નથી. નિષ્ણાતોના માનવા પ્રમાણે પાછલાં 250 વર્ષથી મનુષ્ય બહુ ઝડપથી ઉત્ક્રાંતિના નવા કદમ તરફ આગળ વધી રહ્યો છે અને તેમાં ડહાપણની દાઢનો વારો આવ્યો છે. ઉત્ક્રાંતિના નવા સ્ટેજમાં મનુષ્યનું ફેસ નાનું થવા માંડ્યું છે, પગ અને પાનીમાં એક એકસ્ટ્રા હાડકું નીકળવા માંડ્યું છે અને હાથની અંદર એક નવી આર્ટરી-રગ પણ ધીમેધીમે વિકસી રહી છે. ડોકટરો કહે છે કે આધુનિક મનુષ્યમાં આ એનેટોમિકલ એટલે કે શારિરીક ફેરફારો હવે નોંધી શકાય તેવા બન્યા છે. ઓસ્ટ્રેલિયન સાયન્ટીસ્ટોએ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે મનુષ્ય જાતિ(સ્પિસીસ) એક માઈક્રોરેવોલ્યુશન(સૂક્ષ્મ ઉત્ક્રાંતિ)ની દિશામાં આગળ વધી રહી છે. હવે પછીનાં થોડા વર્ષોમાં મનુષ્યમાં નરી આંખે જોઈ શકાય તેવા ભૌતિક પરિવર્તનો પણ દેખાય. આ દરમિયાન મનુષ્ય તેને અનુરૂપ નેચરલ સિલેક્શનની પ્રોસેસ હેઠળ આવી ગયો છે.

એડિલેઈડની ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના તેઘન લુકાસના રિપોર્ટમાં દર્શાવાયું છે કે, ઘણાં લોકો એમ માને છે કે મનુષ્યે હવે ઉત્ક્રાંતિનું પગલું ભૂલવા માંડ્યું છે. જોકે, અમારો સ્ટડી દર્શાવે છે કે ઉત્ક્રાંતિ ચાલુ જ છે અને તે 250 વર્ષમાં સૌથી વધુ ફાસ્ટ છે. સંશોધકોએ શોધ્યું છે કે મનુષ્યના પગમાં વધુ એક હાડકું ઉગી નીકળવા માંડ્યું છે જ્યારે ડહાપણની દાઢ ગાયબ થઈ રહી છે. મોટાભાગના લોકો ચાર ડહાપણની દાઢ સાથે જન્મતા અને એડલ્ટ થાય ત્યાં સુધીમાં તે પડી જતી હતી. એન્થ્રોપોલોજિસ્ટ માને છે કે એક વખતે મનુષ્ય જ્યારે જંગલમાં રહેતો અને આગની શોધ થઈ નહોતી ત્યારે તે રાંધ્યા વિનાનો ખોરાક ખાતો હતો. એ વખતે તેને આ વિઝડમ ટિથ બહુ કામમાં આવતો હતો. પણ ઉત્ક્રાંતિ થતી ગઈ અને મનુષ્યને આ દાઢની જરૂર ઓછી થવા માંડી. હવે એ તબક્કામાં આપણે આવી ગયાં છે કે નવાં બેબી જન્મે ત્યારે તેમને ડહાપણની દાઢ હોતી જ નથી. ડો, લુકાસે કહ્યું કે, આપણા મોં પણ વધુને વધુ નાનાં-સંકોચાવા માંડયાં છે. આ જ કારણથી તેમાં વધારાના દાંતની કોઈ વ્યવસ્થા રહી નથી. આપણે પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું શરૂ કર્યું છે એટલે આમ થવા માંડ્યું છે. વિજ્ઞાનીઓએ જોયું છે કે કેટલાક લોકોમાં હવે પગની ઘૂંટીની પાછળની સાઈડે ફેબેલા નામનું એક વધારાનું હાડકું પણ ઉગવાનું શરૂ થયું છે. તે ઉપરાંત, સ્પાઈના બાઈફિડા ઓકલ્ટાના કેસ પણ વધ્યા છે. કરોડરજ્જુમાં આવેલી અને સેક્રલ કેનાલ તરીકે ઓળખાતી જગ્યામાં આ હાડકું ઉપસી રહ્યું છે. ડોકટર લુકાસ કહે છે કે મનુષ્ય અગાઉ ક્યારેય ન હોય તેના કરતાં વધુ આરામની અવસ્થામાં હવે આવી ગયો છે. આપણને માફક પર્યાવરણ પણ વિકસ્યું છે. સજીવોમાં મનુષ્ય ઉત્ક્રાંતિના સૌથી એડવાન્સ સ્ટેજમાં છે.

એક દાખલો વંધ્યત્વનો છે. નેચરલ સિલેક્શન પ્રમાણે એવું કહેવાય છે કે મનુષ્ય પોતાના જિન આગળ ન વધારે. મતલબકે, તેનાં બાળકો ન થાય. જોકે, મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે નેચરલ સિલેક્શનના નિયમની વિરુદ્ધમાં આર્ટિફિશિયલ ઈનફર્ટિલાઈઝેશન કે સરોગેશન થકી તે બાળકો પેદા કરી શકે છે.

સાયન્ટીસ્ટે મનુષ્યના હાથમાં એક નવી આર્ટરી પણ શોધી છે. આ આર્ટરી ઉત્ક્રાંતિનો એક ફેરફાર જ છે. પહેલાં એવું બનતું હતું કે લોહીને લઈ જતી આ નસ બાળક જેમજેમ મોટું થતું જાય તેમ તેમ ગાયબ થઈ જતી હતી. પણ હવે તે જેમની જેમ રહેવા માંડી છે. આ આર્ટરીનું મુખ્ય કામ હાથને લોહી પહોંચાડવાનું છે. પહેલાં તેની બાજુની નસ મોટી થતી જતી ત્યારે તે ગાયબ થતી જતી હતી પણ હવે તે પણ તેની સાથે વિકસી રહી છે. મનુષ્ય જીવે ત્યાં સુધી તે શરીરમાં રહે છે.

ડોકટરો કહે છે કે તેનાથી કોઈ શારિરીક જોખમો સર્જાતાં નથી. હકીકતમાં તો તેના કારણે હાથમાં વધુ સારી અને સરળ રીતે લોહીનો પ્રવાહ પહોંચતો રહે છે. ઘણીવાર ડોટકરો સર્જરી વખતે પણ તેનો ઉપયોગ કરતા હોય છે. ડો. લુકાસ કહે છે કે, 18મી સદીથી સંશોધકો આ આર્ટરી પર રિસર્ચ કરતા આવ્યા હતા અને તેમને ધીમેધીમે સમજાયું છે કે તે શરીરમાંથી પહેલાંની જેમ જતી રહેતી નથી પણ મનુષ્ય જીવે ત્યાં સુધી શરીરમાં રહે છે. 1880ની મધ્યમાં જન્મેલા 10 ટકા લોકોમાં આ આર્ટરી અસ્તિત્વ ધરાવતી હતી. પણ હવે 20મી સદીમાં આ આર્ટરી 30 ટકા મનુષ્યોમાં જોવા મળી રહી છે. તેનો અર્થ એ થયો કે આવનારાં વર્ષોમાં મનુષ્ય શરીર થોડા ફેરફારો ધારણ કરવાનું છે. આ ફેરફારો હશે એનું સંશોધન મેડિકલ સાયન્સ કરે તે પહેલાં તમે અરીસા સામે ઊભા રહીને કલ્પના કરી જુઓ કે તમારી આવનારી 20મી કે 30મી પેઢી તમારાથી કેટલી જુદી હશે!

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!