ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાનો હાહાકાર કેમ નથી? કોરોનાગ્રસ્ત ગુજરાત અને કોવિડ-ફ્રી મેઘાલયમાં આ ફરક છે!

ભારતનાં પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાનો હાહાકાર કેમ નથી? કોરોનાગ્રસ્ત ગુજરાત અને કોવિડ-ફ્રી મેઘાલયમાં આ ફરક છે!

ટુરિઝમ પર નભતા રાજ્યમાં કોરોના વાયરસના કેસ ન થાય તે માન્યામાં નહીં આવે પણ આ વાસ્તવિકતા છે. આ સાતેય રાજ્યોમાં જ્યારે કોઈ ટુરિસ્ટ તેમની બોર્ડરમાં પ્રવેશ કરે ત્યારે જ તેમના તમામ ટેસ્ટ કરાય છે

 

ગોપાલ પંડ્યા 

 

જેને ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાવાય છે તે પૂરોત્તર ભારતનાં સાત રાજ્યોમાં મેઘાલયનો સમાવેશ થાય છે. મેઘાલય અત્યંત ખુબસુરત રાજ્ય છે અને અહીંની હરિયાળી, પર્વતો અને નદીઓ પર્યટકોને આકર્ષતાં રહે છે. ભારતના પૂર્વોત્તરમાં મેઘાલય સહિત, નગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમ છે. માર્ચ 2020માં કોરોના વાયરસ નવોસવો આવ્યો ત્યારે આ રાજ્યોએ પણ સમગ્ર દેશ સાથે લોકડાઉનના નિયમો પાળ્યા હતા. તે પછી ધીમેધીમે અનલોકની પ્રક્રિયા તરફ દેશ ગયો અને બધું રાબેતા મુજબ થવા માંડ્યું.

હવે, બરાબર એક વર્ષ પછી 2021માં વાયરસનો નવો સ્ટ્રેઈન સેકન્ડ વેવ સાથે આખા દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે આ તમામ રાજ્યો કોવિડ-19 ફ્રી છે. એક પણ રાજ્યમાં કોરોનાનો નાનો મોટો કેસ નોંધાતો નથી અને નોંધાય તો દર્દી હોમ કોરેન્ટીન હોય છે. તમામ રાજ્યોમાં ક્યાંય હોસ્પિટલમાં કોરોનાના પેશન્ટ માટે બેડના અભાવની બૂમરાણ નથી કે ન તો ક્યાંય ઓક્સિજન ખૂટી પડ્યો તેવા સમાચારો છે.

તમને ખબર છે તેની પાછળ કયું કારણ છે?

આ તમામ રાજ્યો પ્રવાસન ઉદ્યોગ પર નભી રહ્યાં છે. ટુરિસ્ટ ન આવે તો તેમના ધંધા રોજગાર ચોપટ થઈ જાય તેમ છે. તેમની પાસે કોઈ ઈન્ડસ્ટ્રી નથી કે ન તો કોઈ એવું મોટું મેન્ચુફેકચરિંગ સેક્ટર છે જે તેમને રોજગારી આપે છે. આ સાતેય રાજ્યો પ્રવાસન ઉદ્યોગ અને સ્થાનિક ઉત્પાદનો- રબર, વાંસ કે ચા પર નભી રહ્યાં છે.

મેઘાલયની હોસ્પિટલમાં ચેકિંગ

ટુરિઝમ પર નભતા રાજ્યમાં કોરોના વાયરસના કેસ ન થાય તે માન્યામાં નહીં આવે પણ આ વાસ્તવિકતા છે. આ સાતેય રાજ્યોમાં જ્યારે કોઈ ટુરિસ્ટ તેમની બોર્ડરમાં પ્રવેશ કરે ત્યારે જ તેમના તમામ ટેસ્ટ કરાય છે. કોરોનાના ચેપ સાથે કોઈ પ્રવેશી ન શકે તેવી જડબેસલાક વ્યવસ્થા આ સાતેય રાજ્યોમાં કરવામાં આવી છે.

એરપોર્ટ પરથી તમે રાજ્યમાં પ્રવેશો ત્યાં જ તમારું સ્કેનિંગ થાય છે અને તમે જો સંપૂર્ણ સ્વસ્થ ન હોય તો તમને ત્યાંથી જ પાછા ધકેલી દેવામાં આવે છે. તાજેતરમાં પરાગ ડાભી નામના આણંદના એક યુવકને આ અનુભવ થયો હતો. આ યુવક પત્ની સાથે હનીમૂન મનાવવા માટે મેઘાલય ગયો હતો.

પરાગના જણાવ્યા પ્રમાણે મેઘાલયની રાજધાની શિલોંગના એરપોર્ટ પર જ્યારે તે ઉતર્યો ત્યારે ત્યાં જ તેના અને પત્નીના તમામ કાગળોનું એકદમ ધ્યાનથી નિરીક્ષણ કરાયું. તેમનો ત્યાં જ કોરોના ટેસ્ટ થયો અને તે પછી જ તેમને રાજ્યમાં પ્રવેશવા દેવામાં આવ્યા. મેઘાલયમાં તેમણે જોયું તો બધું રાબેતા પ્રમાણે ચાલી રહ્યું છે. કોરોનાની કોઈ બીક કે હાઈપ જ આ રાજ્યમાં નથી.

રાજ્યના લોકો સરકારના આદેશો તો પાળે જ છે પણ સાથે પોતે ય કોરોનાની દરેક ગાઈડલાઈનનું પાલન કરે છે. માર્કેટમાં કે હોટેલમાં ક્યાંય કોઈ ગરબડ કે અવ્યવસ્થા દેખાતી નથી. રાજ્યમાં બહારથી આવનારા તમામ લોકોનું એ રીતે સ્કેનીંગ થાય છે જે રીતે યુદ્ધ વખતે સૈનિકોનું થતું હોય છે. આ જ કારણથી આ રાજ્યોમાં કોરોનાનો હાહાકાર નથી. બીજી તરફ, પરાગભાઈ કહે છે, તેઓ જ્યારે હરીફરીને પાછા આવ્યા ત્યારે ગુજરાતમાં એરપોર્ટ પર કોઈએ તેમનાં કાગળ ન જોયાં કે ના તો કોઈ પણ પ્રકારનું સ્કેનિંગ કરાયું. સામાન્ય રીતે, બહારથી કોઈ વ્યક્તિ રાજ્યમાં પ્રવેશે તો તેની ચકાસણી અને ટેસ્ટિંગ થવાં જોઈએ પણ અમારા કેસમાં એવું કશું જ થયું નહીં.

ગુજરાતમાં કોરોના વાયરસે આખા રાજ્યમાં ભરડો લીધો છે ત્યારે પણ કોઈપણ પ્રકારની તકેદારી રખાતી નથી તે દર્શાવવા માટે જ આ ઘટનાનું અહીં નિરુપણ કરવું પડ્યું છે. ગયા વર્ષે જ્યારે કોરોનાનો પ્રારંભ જ હતો ત્યારે અમદાવાદમાં અમેરિકાના તે વખતના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બોલાવ્યા હતા અને ફેબ્રુઆરીમાં યોજાયેલા આ કાર્યક્રમ પછી ગુજરાતને રડવાનો વારો આવ્યો હતો.

આ વખતે પણ સ્થિતિમાં કશો સુધારો થયો નથી.

બ્રિટન અને સાઉથ આફ્રિકામાં વાયરસના નવા સ્ટ્રેઈન(મ્યુટેશન)નો ફેલાવો ચાલુ હતો ત્યારે ભારતમાં પ્રેમપૂર્વક આ બંને દેશના નાગરિકો(અને એનઆરઆઈ)ને આવકારવાનું આપણએ ચાલુ રાખ્યું હતું. ક્રિકેટ મેચમાં સવા લાખ દર્શકોનો મેળાવડો તો સ્થાનિક ઘટના હતી પણ ગંભીર ખતરો તો બહારથી ચેકિંગ વિના ઘુસી જનારા લોકો હતા.

અત્યારે ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તે ફેબ્રુઆરી, માર્ચ દરમિયાન યુકેથી આવેલી ફ્લાઈટોમાંથી ઉતરેલા અને કોઈપણ પ્રકારના સ્કેનિંગ, ચેકિંગ કે કોરેન્ટીન વિના સોસાયટીઓ, ચાલીઓ, શેરીઓ અને સમારંભોમાં ઘુસી ગયેલા લોકોને કારણે સર્જાયેલી છે. ગુજરાત રણીધણી વિનાનું પૈસાલાલચુ રાજ્ય છે અને જો તમે વીઆઈપી હોય, થોડા વગસવીલાવાળા કે એનઆરઆઈ હોય કે પૈસાદાર હોય તો તમને કશા નિયમો, આચારસંહિતા કે ગાઈડલાઈન નડતાં નથી.

હાઈટ એ છે કે વાયરસનો નવો સ્ટ્રેઈન યુકેમાં મળી આવેલા મ્યુટન્ટ પેથોજન સાથે મળતો આવે છે જે જાણ્યા પછી પણ આપણે હજુ સરહદોએ વાડ કરવાનું મુનાસિબ માન્યું નથી.

આ દરમિયાન, હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાંથી પાછા ફરી રહેલા ભાવિકોએ કોરોનાના કેસોમાં બમણો-ચોગુણો વધારો કરવાનું જોખમ અને સંકટ વધારી દીધાં છે અને સુરતમાં હરિદ્વારથી પાછા ફરેલા ભક્તો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે.

રિપોર્ટ પ્રમાણે કુંભ મેળામાંથી પાછા આવેલા 300થી સુરતીઓનું ટેસ્ટિંગ કરાયું હતું જેમાંથી હરિદ્વારથી આવેલા 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ તમામને ફરજિયાત કોરેન્ટીન થવા સુરત મહાનગર પાલિકાએ આદેશ આપ્યા છે. હરિદ્વારમાં યોજાયેલા કુંભમેળામાં બે દિવસ દરમિયાન કુલ 49 લાખ લોકો અને 4000 જેટલા સાધુઓએ શાહી સ્નાનમાં ભાગ લીધો હતો. રિપોર્ટ છે કે હરિદ્વારમાં દૈનિક એક હજાર જેટલા કોરોનાના કેસ મળી આવી રહ્યા છે. કુંભ મેળામાં ભાગ લેનારા સમગ્ર દેશમાંથી હરિદ્વાર ગયા હતા અને તેમાં અનેક ગુજરાતીઓ પણ હતા.

સુરતમાં જેમ પોઝિટિવ કેસ મળી આવ્યા છે તેમ ગુજરાતમાં અન્ય શહેરોમાં પણ આ સ્થિતિ સર્જાઈ શકે છે. અત્યારે ગુજરાતમાં કાબૂ બહાર સ્થિતિ છે ત્યારે કુંભમાંથી આવેલા લોકોને જો યોગ્ય રીતે કોરેન્ટીન નહીં કરાય અને તેમના પ્રમાણિકતાપૂર્વક ટેસ્ટિંગ અને નિયમ પાલન નહીં થાય તો વધારે ખરાબ સ્થિતિ આવી શકે છે.

કોઈ ફાલતુ ફિલોસોફી નહીં, ટીવી પર વાર્તાબાજી નહીં…ઈઝરાયેલે ચુપચાપ મોટાભાગના નાગરિકોને કોરોનાની વેક્સિન આપી પણ દીધી

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!