13 એપ્રિલ 1919ના રોજ ગુલામ ભારતનો સૌથી નૃશંસ હત્યાકાંડ થયો હતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે ઈતિહાસમાં કલંકિત આ લોહીઝાણ પ્રકરણના 21 વર્ષ પછી 13 એપ્રિલ 1940ના દિવસે હત્યાકાંડનો આદેશ કરનારા માયકલ ઓ’ડોયરને એક નવયુવાને લંડનની સંસદમાં જઈને ઠાર માર્યો હતો, તેનું નામ હતું…
મનીષ મેકવાન
મહાત્મા ગાંધી રોજનીશી લખતા અને ઘણીવાર તેમાં કેટલાંક વાંધાજનક નહીં તો વિવાદાસ્પદ વિધાનો ટપકાવી દેતા હતા. તેમના વિચારો સુગ્રથિત નહોતા અને આ જ કારણથી તેમને સેક્રેટરી મહાદેવ દેસાઈની મદદ લેવી પડતી હતી. ગાંધીજી ડાયરીમાં દિવસ દરમિયાન બનેલી નાનામાં નાની ઘટનાનું નિરુપણ કરતા અને ગૌરક્ષાથી લઈને અનુયાયીને ખાવામાં હળદરનું પ્રમાણ કેમ વધારવું જોઈએ તેની સૂચનાઓ લખતા રહેતા.
શરાબ પીનારાઓ સામે તેમને સખત વાંધો હતો અને સિગારેટ પીનારાઓને તેમણે આપેલી સલાહો સુદ્ધાં ડાયરીમાં ઉલ્લેખાયેલી રહેતી. ડો. જોનસન નામના એક સજ્જને ડાયરીમાં વિખરાતી રહેતી ગાંધીજીની વિચારશીલતા અને શૈલી અંગે ઘણું વિગતે લખ્યું છે અને આ સાથે એક ગંભીર ઉલ્લેખ પણ કર્યો છે.
ગાંધીજીએ પંજાબના અમૃતસરમાં 13 એપ્રિલ 1919ના દિવસે થયેલા જલિયાંવાલા બાગમાં થયેલા નૃશંસ સંહાર અંગે ફરિયાદના સ્વરમાં ડાયરીમાં વ્યક્ત થતાં લખ્યું છેઃ ‘જે લોકો મર્યા છે તેઓ દેખીતી રીતે કોઈ હીરોની જેમ મર્યા નથી. જો એ લોકો હીરો હોત તો તેમણે તલવાર ઉગામી હોત, અથવા કંઈ નહીં તો લાકડીથી પ્રતિકાર કર્યો હોત અથવા તેમણે ડાયર જ્યારે આટલી સખ્તાઈથી તેમની સામે આવ્યો ત્યારે પોતાની નગ્ન છાતી ડાયરની સામે ધરી હોત. એ લોકોએ પાછા પગલે ભાગવાનું નહોતું.’
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અખંડ ભારતની સૌથી લોહિયાળ, રુવાંડા કંપાવનારી, આંખોમાં રાવી, સતલજ, બિયાસ વહાવી મૂકતી અને ચામડીના ચારે થર ચીરી નાંખે તેવી ત્રાસદી છે અને આજે 103 વર્ષ પછી પણ આ યંત્રણા હજુ વણરુઝ્યા ઘા જેવી છે. જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયર નામના જલ્લાદે જે મેદાનમાં 1650 થ્રી નોટ થ્રી કારતૂસો છોડીને દોઢ હજાર નિર્દોષ-નિહત્થા માણસોને રહેંસી નાંખ્યાં હતાં તેની ચિચિયારીઓ એક સદી વીતવા છતાં પણ સંભળાઈ રહી છે. જલિયાંવાલા બાગની આસપાસ ચણાયેલી એ દીવાલોમાં ચારે તરફથી ડાયરની રાક્ષસી ટ્રુપ્સે આડેધડ છોડેલી કારતૂસોની કોપર અને કાંસાની ખાલી કેપ હજુ પણ કાળાતીત બનીને લોહીભીની ચીસો પાડી રહી છે અને અંગ્રેજ હુકમરાનાઓનાં પાપનો બાપોકાર કરી રહી છે.
દર વર્ષે 13મી એપ્રિલે બ્રિટનની સંસદમાં આ હત્યાકાંડ માટે માફી માગવા માટેની અરજો, આજીજીઓ અને હુંકારો થયા કરે છે પણ પૂરા ભારતને હજુ કોલોની સમજતા બ્રિટિશરોનું રુંવાડું ફરકતું નથી. બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર ટેરેસા મે એ બ્રિટિશ પાર્લામેન્ટમાં આ અંગે ખેદ વ્યક્ત કર્યો છે પણ માફી માગી નથી અને તેમના પુરોગામી ડેવિડ કેમરુને પણ તેમ જ કરવાનું અલબત્ત, મુનાસિબ માન્યું હતું.
અંગ્રેજ ઈતિહાસકારોએ લખેલાં મોટાભાગનાં પુસ્તકોમાં જલિયાંવાલા બાગમાં મરનારાઓની સંખ્યા 379 દર્શાવાય છે પણ હકીકત એ છે કે આ આંકડો 1600 જેટલો છે. જેની પર શંકા જાય તેની ધરપકડ કરીને, ટ્રાયલ ચલાવ્યા વિના જેલમાં ઠુંસી મારવાનો આદેશ કરતા રોલેટ એક્ટ નામના કાળા કાયદાની સામે વિરોધ નોંધાવવા માટે પૂરા દેશમાં ચાલી રહેલી ચળવળના એક હિસ્સારૂપે પંજાબ સળગી રહ્યું હતું અને આ દરમિયાન એક નર્સ સહિત ત્રણ અંગ્રેજની હત્યા હિન્દીઓએ કરી નાંખી હતી.
પંજાબના ગવર્નર સર માયકલ ઓ’ડોયરે કેટલાક કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી હતી અને પૂરા પંજાબ પ્રાંતમાં માર્શલ લો નાંખી દીધો હતો. લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ હતો અને તેમ છતાં જલિયાંવાલા બાગમાં 5,000 લોકો એકત્ર થઈ ગયા હતા. ડાયરે ગવર્નર ડોયરના ઓર્ડર પછી ગોરખા, સિખ, બલુચી અને રાજપૂતોની બનેલી ટ્રુપ્સને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વિના ફાયરિંગનો આદેશ આપ્યો હતો અને જ્યાં સુધી ગોળીઓ ખતમ ન થાય ત્યાં સુધી મોતનું તાંડવ કરવામાં આવ્યું હતું.
જનરલ ડાયરની આ શૈતાનિયત સામે પૂરા દેશમાં રોષ વ્યાપી ગયો હતો અને કોંગ્રેસ, મુસ્લિમ લીગના નેતાઓ ધુંઆપુંઆ થઈ ગયા હતા. અલબત્ત, જલિયાંવાલા બાગથી 1500 કિલોમીટર દૂર બેઠેલા મહાત્માને એમ લાગતું હતું કે લોકોએ હીરોની માફક સામી છાતીએ ગોળીઓ જીરવવાની હતી.
વાસ્તવ એ હતું કે, બાગમાં ઉપસ્થિત ઘણાં લોકોની છાતીમાં ગોળીઓ ધરબાયેલી હતી અને ખુદ ખાન અબ્દુલ ગફારખાને પણ અંગ્રેજો સામેના આક્રોશ વખતે આ વાત કરી હતી. રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજ હકુમતથી અત્યંત ખિન્ન થઈ ગયા હતા અને તેમણે વિરોધમાં 1915માં અપાયેલો નાઈટહૂડનો ખિતાબ પાછો આપી દીધો હતો. જલિયાંવાલા બાગની ઘટના પછી પૂરા દેશમાં અંગ્રેજો સામેનો જનઆક્રોશ વધી ગયો હતો અને તેને ધ્યાનમાં લઈને ડાયરને ઈંગ્લેન્ડ પાછો બોલાવી લેવાયો હતો.

તેની સામે કોર્ટ ઓફ ઈન્કવાયરી શરૂ કરાઈ અને હંટર કમિશને પૂરા ઘટનાક્રમની તપાસ કરી હતી. ડાયરને તેણે કરેલાં હીન કૃત્યનો કોઈ રંજ નહોતો. ઘટનાના બીજા દિવસે 14મી એપ્રિલે તેણે જાહેરમાં કહેલું, ‘તમે લોકો જાણો છો કે હું એક સિપાઈ છું. તમારે શાંતિ જોઈએ છે કે યુદ્ધ? જો તમારે યુદ્ધની ઈચ્છા હોય તો સરકાર તેના માટે તૈયાર છે. મારા આદેશને અનુસરો નહીંતર હું ગોળી મારી દઈશ. મારા માટે ફ્રાન્સની યુદ્ધભૂમિ કે અમૃતસર બંને સરખાં છે. હું મિલિટરીનો માણસ છું અને સીધી ભાષામાં વાત કરું છું…’
હંટર કમિશન સામે પણ તેણે ગુનાનો સ્વીકાર કર્યો નહોતો અને સૌથી રોષજનક બાબત તો એ હતી કે બ્રિટનનો એક એલિટ, માલિકી ભાવનાના સનેપાતથી પીડાતો વર્ગ તેની તરફેણમાં આવી ગયો હતો. ‘ધ મોર્નિંગ પોસ્ટ’ નામના એક રુઢિચુસ્ત, ગોરી ચામડીના દોષથી પીડાતા અખબારે તેના સમર્થનમાં 26,000 પાઉન્ડ ઉઘરાવ્યા હતા.
જોકે, ડાયર વધુ ન જીવ્યો અને એકલતામાં ઝુરતો મરી ગયો. ડાયરને આદેશ આપનારા ગવર્નર ઓ ડોયરને મારવાનો મોકો સરદાર ઉધમસિંઘ નામના એક અનાથ છોકરાને મળ્યો અને તેણે દરેક ભારતીયમાં રહેલી બદલાની પેલી અતૃપ્ત ઝંખનાને ઠારવાનું પ્રાગૈતિહાસિક સાહસ કર્યું. ઉધમસિંઘ ક્રાંતિકારી ગદર પાર્ટીનો સભ્ય હતો. જલિયાંવાલા બાગનો બદલો લેવા માટે ભાગતો-ફરતો બ્રિટન પહોંચ્યો હતો. ઉધમે મેસોપોટેમિયા, ઈજિપ્ત, આફ્રિકા, રશિયા, યુરોપ, નોર્થ અમેરિકા અને ત્યાંથી યુકેમાં પ્રવેશ કર્યો હતો. આટલી લાંબી અને થકવી નાખનારી મુસાફરીએ ઉધમસિંઘના મનમાં જલિયાંવાલા બાગનો બદલો લેવાની ભાવનાને વધુ વેગીલી બનાવી દીધી હતી.

પંજાબ ક્રાંતિકારીઓનું પારણું હતું અને અહીંથી જ અંગ્રેજો સામે સામી છાતીએ લડનારી એક આખી જનરેશન જન્મી હતી, જેણે 200 વર્ષથી રાજ કરનારા ગોરાઓના નાકે દમ આણી દીધો હતો. અમૃતસરમાં જન્મેલા મદનલાલ ધીંગરાએ સર કર્ઝન વિલીને 1909માં લંડનમાં ઠાર માર્યો હતો. ઉધમસિંઘે આ ક્રાંતિકારીઓમાંથી પ્રેરણા મેળવી હતી અને તે શહીદ-એ-આઝમ ભગતસિંઘને પોતાના ગુરુ માનતા હતા.
13 માર્ચ 1940માં, જલિયાંવાલા ત્રાસદીનાં 21 વર્ષ પછી તેણે લંડનમાં વેસ્ટમિન્સ્ટર હોલમાં ચાલી રહેલી પબ્લિક મિટિંગમાં સર માયકલ ડોયરની હત્યા કરી નાંખી. તેમને પકડી લેવામાં આવ્યા અને પેન્ટોવિલા પ્રીઝનમાં રખાયા. 30 જુલાઈ 1940ના રોજ સવારે નવ વાગ્યે પેન્ટોવિલા પ્રીઝનમાં તેમને ફાંસી આપવામાં આવી. ઉધમસિંઘ શહીદ થઈ ગયા.
ઉધમસિંઘે છેક સુધી પોતાનું નામ અંગ્રેજ પોલીસને ન કહ્યું. કોર્ટમાં જ્યારે પણ કશું પૂછવામાં આવે ત્યારે તે કહેતા, ‘મારું નામ રામ મહોમ્મદ સિંઘ આઝાદ છે અને મરવા માટે ઘરડા થવાની મારે જરૂર નથી. ડોયર સામે મને વાંધો હતો એટલે મેં તેને મારી નાંખ્યો. મને મરવાનો રંજ નથી…’ ચોંકાવનારી વાત એ છે કે બ્રિટિશ સરકારે ઉધમસિંઘ સાથે જોડાયેલી તમામ ફાઈલો અને પેપર્સ 100 વર્ષ સુધી જાહેર ન કરવાનો આદેશ કરી દીધો. અંગ્રેજ સરકારે એવાં કેવાં કારસ્તાન કર્યાં કે ઉધમસિંઘને લગતાં તમામ કાગળો જાહેર ન કર્યાં? 2040 સુધી હજુ આ પેપર બહાર નહીં આવી શકે અને સત્ય ઉજાગર નહીં થાય. શહીદ ઉધમસિંઘ અંગેની હકીકતો જાણવા માટે હજુ આપણે 19 વર્ષ સુધી રાહ જોવી પડશે. જય હિન્દ!