ઈસવીસન 1200 પછી વસો નગર સ્થપાયું તેની સાથે સિંહાનગર ભાંગવા માંડ્યું, તેની એક વખતની રોનક ફિક્કી પડી ગઈ. આ સિંહાનગર અત્યારે ‘શિહોલડી’ નામથી ઓળખાય છે. વસોના અજુ પટેલને દિલ્હીમાં બાદશાહ અકબર સાથે સારા સંબંધો હતા
યાયાવર ડેસ્ક >આણંદ
વસો ખેડા(Kheda) જિલ્લાનું ઐતિહાસિક ગામ છે. વહીવંચાના ચોપડા કહે છે તે પ્રમાણે વાચ્છા પટેલે વિક્રમ સંવત 1224(ઈ.સ.1168)માં તેમના નામ પરથી આજના વસોની સ્થાપના કરેલી. ઈતિહાસ પ્રમાણે મૂળા, બાળા, સરવણ અને રામજી વાચ્છા પટેલના વારસ હતા અને વસોમાં જ રહ્યા હતા. રામજીના બે પુત્રો લાલજી અને અજુ પ્રતાપી અને શૂરવીર હતા. અજુ પટેલને પ્રાગદાસ અને કાશીદાસ નામના બે પુત્રો હતા. કાશીદાસના પુત્ર ભવાનીદાસે પેટલાદ(Petlad)નો વહીવટ કર્યાનું ઐતિહાસિક રીતે નોંધાયેલું છે. આજનું પેટલાદ પાસેનું ભવાનીપરું ભવાનીદાસે વસાવ્યું હતું. ભવાનીદાસ પછી તેમના પુત્ર વણારસીદાસ થયા. ચરોતરના પાટીદારોને સમૃદ્ધ બનાવનાર વણારસીદાસ હતા. બાજીભાઈ અને વેણીભાઈ નામે વણારસીદાસને બે પુત્રો હતા. વિક્રમસંવત 1778(ઈ.સ.1722)માં અમદાવાદના સુબા હામીદખાન સાથે રહીને વણારસીદાસે નવા સુબા સુજાતખાનને હરાવેલો. 1784 (ઈ.સ.1728)માં બાજીરાવ પેશ્વાના ભાઈ ચીમનાજીની મદદમાં વણારસીદાસે ખંભાત(Khambhat) લૂટ્યું હતું.
અન્ય કેટલાક ઉલ્લેખો પ્રમાણે ઈસવીસન 1200 પૂર્વેનો વસોનો કોઈ ઈતિહાસ નથી પણ કેટલાક પુરાવા પ્રમાણે વસોની દોઢેક કિલોમીટર દૂર સિંહાનગર કરીને એક નગરી હતી. આ નગરી અત્યંત સમૃદ્ધ હતી. ત્યાં વસતી પણ બહુ હતી. ઈસવીસન 1200 પછી વસો નગર સ્થપાયું તેની સાથે આ સિંહાનગર ભાંગવા માંડ્યું અને તેની એક વખતની રોનક સાવ ફિક્કી પડી ગઈ. આ સિંહાનગર અત્યારે ‘શિહોલડી’ નામથી ઓળખાય છે. વસોના અજુ પટેલને દિલ્હીમાં બાદશાહ અકબર સાથે બહુ સારા સંબંધો હતા. સિંહાનગરમાં પટવાઓનું શાસન હતું તેને ખતમ કરવા માટે અજુ પટેલે મોગલ સલ્તનતની મદદ માગી હતી. એવું કહેવાય છે કે અજુ પટેલે મોગલોની મદદથી સિંહાનગરની રોનક જ ખતમ કરી દીધી હતી. ગુજરાતમાં મોગલ સલ્તનતનાં મૂળ આ રીતે નખાઈ રહ્યાં હતાં. ગુર્જર ધરા પર સલ્તનતને આગળ વધવામાં કરેલી મદદના બદલામાં અજુ પટેલને બાદશાહ અકબરે શણગારેલા 9 હાથી, 13 ગામ અને રૂપિયા 23,000ની રોકડનું વર્ષાસન ઈનામ તરીકે આપ્યું હતું. અકબરે અમીનનો ખિતાબ અજુ પટેલે આપ્યો હતો.
વણારસીદાસનું વિક્રમ સંવત 1799(1743)માં અવસાન થયું પછી તેમના પુત્ર વેણીભાઈ વસોના ગાદીપતિ થયા હતા. વસોમાં આવેલું કોટેશ્વર મહાદેવનું મંદિર વેણીભાઈએ બંધાવેલું. વેણીભાઈ પટેલે ખંભાત જીતી લીધું ત્યારે ખંભાતના નવાબે ફકીરનો વેશ પહેરીને વેણીભાઈ પાસેથી ખેરાતમાં ખંભાત માગેલું. વેણીભાઈ પટેલે નવાબને તે પાછું આપી દીધેલું. વેણીભાઈ પટેલ રાજા હોવા સાથે સાહિત્યરસિક પણ હતા. તેમણે ‘સાહિત્યસિંધુ’ અને ‘દિલ્હી સામ્રાજ્ય વર્ણન’ નામે બે ગ્રંથો રચ્યા છે. વેણીભાઈ પટેલ પછી તેમના દત્તક પુત્ર જેસંગ પટેલ વસોના રાજવી થયેલા. ગાયકવાડે જેસંગ પટેલને વિક્રમ સંવત 1817થી 1827(ઈ.સ.1761થી1771) સુધી પેટલાદનો વહીવટ સોંપેલો. વડોદરાના માનાજીરાવ ગાયકવાડે જેસંગ પટેલની હત્યા કરી પછી તેમના પુત્ર જોરાભાઈ પટેલ વસોના રાજવી થયેલા. તે પછી દેસાઈભાઈ અને તેમના વારસોએ વસો પર શાસન કર્યું હતું.
બાદશાહ ઔરંગઝેબના વખતમાં દરબાર ગોપાળદાસ(Darbar Gopaldas)ના પૂર્વજોને ગુજરાતના સુબાઓએ કોઈ પજવણી કરી હતી. તેની ફરિયાદ બાદશાહને થતાં તાબડતોબ તેમ ન કરવા અને ભવિષ્યમાં તેમ ન થાય તે માટેના ઉપાયો યોજવા માટે બાદશાહે હુકમ કર્યો હતો. આ હુકમ આજે પણ વસોના દરબાર મહેલમાં પડેલો છે. દરબાર ગોપાળદાસના પિતા વડોદરા જિલ્લાના સાવલીના રહેનારા કાશીભાઈ. સમજુબા તેમનાં માતા. સમજુબાનું પિયર એટલે કે ગોપાળદાસનું મોસાળ વસો હતું. હકીકતમાં, અમ્બઈદાસ(Ambaidas) ગોપાળદાસના મામા થાય પણ એમણે ભાણિયાને દત્તક લીધેલો અને તેનું નામ ગોરધનદાસમાંથી ગોપાળદાસ રાખેલું અને તેમના વારસ બનાવેલા. ગોપાળદાસ દેસાઈના નામથી ખ્યાતનામ ગોપાળદાસ અમ્બાઈદાસ દેસાઈ ઈસવીસન 1887થી 1951 સુધી વસોના રાજવી હતા. બ્રિટિશ રાજ સામે ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં ગોપાળદાસે તેમના રાજવીપણાનો ત્યાગ કર્યો હતો. ગોપાળદાસના પૂર્વજો દેસાઈ વંશના નહોતા, પણ વડોદરાના સાવલી ગામેથી તેમના પૂર્વજો આવેલા. દરબાર ગોપાળદાસ વૈષ્ણવ હતા અને જાગીરદારીને કારણે તેમને દેસાઈ અને અમીન ટાઈટલ મળ્યું હતું. ગાંધીજીના રંગે રંગાયેલા ગોપાળદાસ શિક્ષણ અને તાલિમને બહુ મહત્વ આપતા હતા. મેડમ મોન્ટેસરીના શિક્ષણ અંગેના આઈડિયાથી પ્રભાવિત થયેલા ગોપાળદાસે છેક 1915માં ગુજરાતની પ્રથમ મોન્ટેસરી સ્કૂલ(Montessori School) સ્થાપી હતી. 1921માં તેમણે ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં સંપૂર્ણપણે ઝંપલાવેલું. ગોપાળદાસ અને તેમનાં પત્ની ભક્તિબાએ ગાંધીજીના પ્રભાવમાં અસ્પૃશ્યતા નાબૂદી અને મહિલા શિક્ષણ માટે બહુ મોટું કામ કર્યું. 1935માં ગોપાળદાસે વિટ્ઠલ કન્યા વિદ્યાલયની શરૂઆત કરી હતી.
1921માં તેઓ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જોડાયા અને અંગ્રેજો વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં સામેલ થતાં બ્રિટિશ સરકારે તેમને ધમકીઓ આપી અને તેમનું રજવાડું છીનવી લેવામાં આવ્યું. બ્રિટિશ સરકારે તેમના પુત્રને વારસો આપવાની જાહેરાત કરી પણ તેમણે તે લેવાની જ ના પાડીદીધી હતી. અંગ્રેજ સરકારે તેમની તમામ સંપત્તિ પણ એક તબક્કે જપ્ત કરી લીધી હતી. બરોડાથી તેઓ ભારતની કોન્સ્ટીટ્યુઅન્ટ એસેમ્બલીના સભ્ય હતા અને ભારત આઝાદ થયો અને સરદાર પટેલે જ્યારે રાજાઓને તેમના રજવાડાંઓની સ્વતંત્ર હિન્દ સરકારને સોંપણી કરવાનું કહ્યું ત્યારે તેમણે જ સૌથી પહેલું તેમનું રજવાડું સરકારને સોંપી દીધું હતું. ગાંધીજીની પ્રપૌત્ર અને વિચક્ષણ લેખક રાજમોહન ગાંધીએ તેમની જીવનકથા ‘ધ પ્રિન્સ ઓફ ગુજરાત’(The Prince of Gujarat) લખી છે. લોકસેવક મોતીભાઈ અમીન અને ભારતના સ્વતંત્ર સંગ્રામમાં સર્વસ્વ ન્યોચ્છાવર કરનારા દરબાર ગોપાળદાસના વતન એવા વસોએ ગુજરાત અને દેશને ગણાય નહીં તેટલું આપ્યું છે. વસો ગામ નથી પણ એક આખું સ્ટેટ છે. તેની ઓળખ ગોપાળદાસ હવેલીના નામ સાથે તો અપાય જ છે પણ આ ગામ સાથે બીજું ઘણું બધું જોડાયેલું છે. ઈતિહાસ, શૌર્ય, શિક્ષણ અને સહકારની અનેક કથા-દંતકથાઓ ગુજરાત અને ભારત દેશને વસોએ આપી છે.
ઉત્કૃષ્ટ કલાકારી અને નકશીકામની ઐતિહાસિક ગવાહી પૂરતી વસોની હવેલી પર વિવાદનું તાળું