USના પહેલા ‘મોટેલ’ ઓનર કાનજીભાઈ દેસાઈ ઈલલીગલ ઈમીગ્રન્ટ હતા, 1940માં તેમણે સાનફ્રાન્સિસ્કોમાં ‘ગોલ્ડફિલ્ડ’ હોટેલ ખરીદી હતી

USના પહેલા ‘મોટેલ’ ઓનર કાનજીભાઈ દેસાઈ ઈલલીગલ ઈમીગ્રન્ટ હતા, 1940માં તેમણે સાનફ્રાન્સિસ્કોમાં ‘ગોલ્ડફિલ્ડ’ હોટેલ ખરીદી હતી

પટેલો અમેરિકામાં સફળ રહ્યા તેની પાછળનું કારણ એ કે તેઓ બાપદાદાના જમાનાથી ખેડૂતો છે. ખેડૂત હંમેશા પોતાના માટે કામ કરતો હોય છે, બીજા કોઈના માટે નહીં. આ જ કારણથી તેમણે અમેરિકા, કેન્યા કે બ્રિટનમાં પોતાની રીતે સ્વાયત્ત ધંધો શોધ્યો

 

આણંદ

 

આઝાદી મળી ત્યારે ભારતમાં એક તરફ અરાજકતાનો માહોલ હતો. તેની બીજી તરફ વિદેશમાં ભારતીયોનું જવાનું વધી રહ્યું હતું. વિદેશમાં મુક્ત બજારના વાતાવરણમાં ગુજરાતીઓએ એવી કમાલ કરી નાંખી કે લોકો મોંમાં આગળાં નાંખી ગયાં. અમેરિકામાં ખાસ કરીને હોટેલ બિઝનેસમાં ગુજરાતીઓએ એક અલગ ચિલો ચાતર્યો. અમેરિકાના 40 અબજ ડોલરના હોટેલ બિઝનેસમાંથી ગુજરાતીઓએ 42 ટકાથી વધુ બિઝનેસ પર પોતાનો સત્તાવાર પ્રભાવ પાથર્યો. ખાસ કરીને પટેલોએ તેમના હોટેલના ધંધાઓને એવી રીતે વિસ્તાર્યા કે તેમની અટક પરથી આજે અમેરિકામાં હોટેલ, મોટેલને સ્થાને પોટેલ શબ્દનો પ્રયોગ ચલણમાં આવ્યો છે. હકીકતમાં, તેની પાછળ બે પેઢીઓની મહેનત અને પસીનો પડેલાં છે.

અલબત્ત, પટેલોએ દૂરદેશાવર અમેરિકામાં ખૂબ જ ઓછા સમયમાં આ રીતે હોટેલ વ્યવસાય પર કબજો કેવી રીતે જમાવ્યો? ચરોતર સહિતના ગુજરાતી પટેલોએ અમેરિકામાં બિઝનેસ કરવા માટે એક મંત્ર બનાવી રાખ્યો છે. આ મંત્ર છે- પહેલાં ફેમિલી પાસે જવાનું, પછી બેન્ક પાસે ફરકવાનું. સમજ્યાં? સમજો કે જ્યારે પણ ગુજરાતી પટેલ અમેરિકામાં બિઝનેસ કરે અને ફંડની જરૂર હોય ત્યારે તે સૌથી પહેલાં તેના કાકા, ફોઈ, માસી, મામા કે ભાઈ પાસે ફંડ લેવા માટે હાથ ફેલાવે. ટૂંકમાં, જેને ઓળખતા હોય તેની પાસે જઈને ફંડની માગણી કરવાની. બેન્કમાં જઈને લોન લેવા કરતાં આ વધુ સારું. સગાં-સ્નેહીઓએ આપેલા પૈસામાંથી ધંધો થાય પછી રાતદિવસ મહેનત-મજૂરી ચાલે. ખાવાનો કે સૂવાનો ટાઈમ પણ ન જોવાય. આ રીતે 42 ટકા હોટેલોનો ધંધો પટેલોએ અમેરિકામાં પોતાના હાથમાં લીધો. જેને કારણે આજે અમેરિકામાં ગુજરાતીઓએ લીધેલી 70 ટકા હોટેલના માલિક પટેલો અને બાકીના અન્ય સમુદાયના ગુજરાતીઓ છે.

1940માં ગુજરાતી ડાયસ્પોરા અમેરિકામાં આવીને વસેલું તે આજે અમેરિકામાં ફૂલીફાલીને વડના ઝાડ જેવું બન્યું છે. આ ડાયસ્પોરા વિશે પવન ધીંગરા નામના લેખકે ‘લાઈફ બિહાઈન્ડ ધ લોબીઃ ઈન્ડિયન અમેરિકન મોટેલ ઓનર્સ એન્ડ ધ અમેરિકન ડ્રીમ’ નામનું પુસ્તક લખ્યું છે. ધીંગરાનું કહેવું છે કે પટેલો પોતાની રીતે અમેરિકામાં સફળ રહ્યા તેની પાછળનું પહેલુ અને મહત્વનું કારણ એ છે કે તેઓ બાપદાદાના જમાનાથી ખેડૂતો છે. ખેડૂત હંમેશા પોતાના માટે કામ કરતો હોય છે, બીજા કોઈના માટે નહીં. આ જ કારણથી તેમણે અમેરિકા, કેન્યા કે બ્રિટનમાં પોતાની રીતે સ્વાયત્ત ધંધો શોધ્યો. મતલબકે, સ્વરોજગારની સૌથી પહેલી તાલિમ તેમને ખેતરમાં મળી હતી અને આ તાલિમનો ઉપયોગ તેમણે કોર્પોરેટ ધંધાઓમાં પણ વિકસાવી. હકીકતમાં તો સાત સમંદર પાર કોઈ નવા અજનબી દેશમાં તમે જ્યારે કામ કરવા માટે જાવ ત્યારે તમારે તમે કલ્પી ના હોય તેટલી મુશ્કેલીઓનો સામનો કરવાનો આવે છે. ગુજરાતીઓ- પટેલો જ્યારે અમેરિકામાં આવ્યા ત્યારે તેમની પાસે ધંધાનો કોઈ અનુભવ નહતો. ખાસ કરીને હોસ્પિટાલિટીના બિઝનેસનો.

અમેરિકામાં પહેલા મોટેલ ઓનર કાનજીભાઈ દેસાઈ નામના એક ઈલલીગલ ઈમીગ્રન્ટ હતા, તેમ ધીંગરાએ લખ્યું છે. ઈસવીસન 1940માં કાનજીભાઈએ સાનફ્રાન્સિસ્કોમાં ગોલ્ડફિલ્ડ હોટેલ ખરીદી હતી. જોકે, તે પછી દસ વર્ષમાં બહુ ઓછા ગુજરાતીઓ હોટેલના ધંધામાં આવ્યા. ભુલાભાઈ વનમાળીભાઈ પટેલ નામના એક બીજા સદગૃહસ્થ પણ આ આરસામાં એક હોટેલના માલિક બનેલા. ભુલાભાઈના પૌત્ર પ્રમોદ પટેલ આજે અમેરિકામાં હોલિડે ઈન્સ, રમાદા અને કમ્ફર્ટ ઈન્સ સહિતની જાણીતી હોટેલો ચલાવે છે. કેલિફોર્નિયામાં સાક્રામેન્ટોમાં જાપાનીઝ મૂળની એક લેડીઝે એશિયનો અમેરિકામાં જમીન ન ખરીદી શકે તેવા નિયમની સામે ઓછા ભાડાંવાળી હોટેલોનો ધંધો શરૂ કર્યો હતો. આ જાપાનીઝ મેડમના ગેસ્ટ હાઉસમાં કાનજીભાઈ ભાડું આપીને રહેતા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે અમેરિકા અને જાપાન વચ્ચેનું ઘર્ષણ વધી ગયું ત્યારે કાનજીભાઈને આ મેડમે કારભાર સોંપી દીધો અને એ રીતે અમેરિકામાં પટેલોનો પગપેસારો હોટેલના વ્યવસાયમાં થયો. કાનજીભાઈ વેસ્ટ ઈન્ડિય ટાપુઓ ફરતા ફરતા મેક્સિકો સરહદેથી અમેરિકામાં કાગળિયાં વિના આવી ગયા હતા. જ્યારે તેમણે જાપાનીઝ મેડમની હોટેલ ખરીદી ત્યારે તેમને અંદાજ નહોતો કે એક સમય એવો આવશે કે અમેરિકાના હોટેલ ઉદ્યોગ પર પટેલો હાવી થઈ જશે.

બન્યું એવું કે, જે અમેરિકનો હોટેલના ધંધામાં હતા તેમને તેમાં કશો રસકશ દેખાતો નહોતો. તેમને જેટલો ખર્ચ કરવો પડતો તેનાથી ઓછી આવક મળતી હતી. તેમાં પણ યંગ અમેરિકનોને તો આવા બિઝનેસ મોડેલમા કોઈ રસ નહોતો જેમાં 24 કલાક આપવા પડે. ધીંગરા લખે છે કે પટેલોને પણ હોટેલ ચલાવવી પોસાય તેમ નહોતી પણ તેમણે ઘરમાંથી જ ફંડ ભેગું કર્યું હોય અને બહોળા પરિવારનો તેમાં સ્ટેક હોય એટલે વાંધો આવે તેમ નહોતો.

1972માં યુગાન્ડમાં ઈદી અમીને જોરજુલમો કરવા માંડ્યા એટલે પટેલો અમેરિકા અને બ્રિટનમાં જઈને વસ્યા. યુગાન્ડામાંથી ખાનાબદોશ ભાગી આવેલા પટેલોએ પણ તેમના કામકાજનો વિસ્તાર આ હોટેલોમાંથી કર્યો. લાંબા કલાકો સુધી ધીરજથી કામ કરવાની તેમની આવડતને કારણે ધીમેધીમે ધંધામાં બરકત આવવા માંડી. પટેલ પરિવારો પ્રારંભમાં મોટેલોમાં રહેતા અને ઘરનાં તમામ સભ્યો સાથે મળીને જ કામ કરતાં. ગુજરાતમાંથી એક પછી એક રિલેટિવને બોલાવાતાં જાય અને હોટેલ-મોટેલના ધંધામાં જોતરી દેવાય. 1970ના દાયકામાં અમેરિકાની બેન્કોએ રોડસાઈડની ઘણી પ્રોપર્ટી કે જે પ્રોફિટેબલ નહોતી તેને સસ્તામાં કાઢી નાંખી. આ પ્રોપર્ટીઓ પટેલોએ ખરીદી. એક રીતે જોઈએ તો બેન્કોએ પટેલોને આ પ્રોપર્ટી સામેથી આપી. બેન્કોને એવું કે જો હોટેલો નહીં ચાલે તો પટેલો બેન્કોને સારી કંડિશનમાં પ્રોપર્ટી તો પાછી આપી જ દેશે.

જોકે, બેન્કો માનતી તેનાથી થયું ઉધું. પટેલોએ પૂરા પરિવાર સાથે ધંધામાં દિલોજોન રેડી દીધાં. 24 કલાક કામ કર્યું અને ધંધો ગુલાબના ફુલની માફક ખીલવા માંડ્યો. પટેલોએ તેમની બાજુમાં ચાલતી મોટેલોને પણ ખરીદવા માંડી અને એ રીતે પોતાનાં સંબંધીઓ-સગાંઓ સાથે કોમ્પિટિશન શરૂ કરી. આ રીતે એવી કોમ્પિટિશન વધી કે આજે અમેરિકામાં 40 અબજ ડોલરનો હોટેલ બિઝનેસ પટેલ ડાયસ્પોરા પાસે છે. જોકે, આ સફળતા પાછળ ફક્તને ફક્ત મહેનત અને ઈમાનદારી જ જવાબદાર છે. શરૂઆતમાં અમેરિકનો પટેલો જે હોટેલો ચલાવતા તેમાં રોકાવાનું પસંદ ન કરતા. તેમને સેફ્ટી અને હાઈજિનનો ઈશ્યુ નડતો હતો. આજે સ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA)માં 9,000 લોકો છે અને તેમાંના 90 ટકા ગુજરાતીઓ છે. મેરિયોટ, હિલ્ટન અને સ્ટારવૂડ જેવી પ્રખ્યાત હોટેલ ચેઈન પટેલોને સામેથી ફ્રેન્ચાઈઝી આપવા માટે તૈયાર છે.

One thought on “USના પહેલા ‘મોટેલ’ ઓનર કાનજીભાઈ દેસાઈ ઈલલીગલ ઈમીગ્રન્ટ હતા, 1940માં તેમણે સાનફ્રાન્સિસ્કોમાં ‘ગોલ્ડફિલ્ડ’ હોટેલ ખરીદી હતી

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!