માથાભારે ખાને ફાયરિંગ કર્યું, ઈમુનો ખાસ માણસ સુધીર ફરસી લઈને દોડ્યો અને તેને ત્યાં જ પૂરો કરી નાખ્યો, આખા આણંદમાં સોપો પડી ગયો

માથાભારે ખાને ફાયરિંગ કર્યું, ઈમુનો ખાસ માણસ સુધીર ફરસી લઈને દોડ્યો અને તેને ત્યાં જ પૂરો કરી નાખ્યો, આખા આણંદમાં સોપો પડી ગયો

ઈમુ અને તેની ટોળકી જૂન બસ સ્ટેન્ડ સામેની ચોકડી જ્યાં અનવરભાઈ ચાવાળાની દુકાન હતી ત્યાં બાજુના થાંભલા પાસે ઉભી રહેતી હતી. ઈમુનું બુલેટ ત્યાં હોય જ અને તે આંગળી પર લાંબી ચેઈનવાળી બુલેટની ચાવી ઘુમાવતો ઊભો રહ્યો હોય

 

અશોક પરમાર

 

ઈમુ મૂળ બોરસદ તાલુકાના બડુખેલ ગામનો વતની હતો. તેના માતાપિતા મિશનમાં નોકરી કરતા એટલે એ અહીં આણંદમાં આવીને વસ્યો હતો. ઈમુના પિતા મિશનરીઓના કૂક તરીકે નોકરી કરતા હતા. માતાપિતા બંને કમાતા એટલે ચાલી જતું પણ ઈમુ પોતે કોઈ કામ ધંધો નહોતો કરતો. એ જમાનામાં ટિકિટો બ્લેક કરવાનો ધંધો બે નંબરના ધંધાનું પ્રથમ પગથિયું જેવો હતો. ઈમુ અને તેના દોસ્તોએ લક્ષ્મી અને ગોપાલ ટોકિઝમાં આવતાં મૂવીની ટિકિટો બ્લેક કરવાનો ધંધો અપનાવી લીધો.

આ જ અરસામાં તેમને દારૂની લત લાગી. એ સમયે રાજેશ ખન્નાનો યુગ ચાલતો હતો. રાજેશ ખન્નાનાં દરેપ પિકચરોમાં ટિકિટો બ્લેકમાં વેચાતી. તેની ફિલ્મો પણ સતત આવતી તેને કારણે બ્લેક ટિકિટ વેચનારાઓનો ધંધો પનપ્યો. ઈમુ અને તેના દોસ્તો પણ તેમાં કમાવા લાગ્યા. કોઈવાર પૈસા ખૂટી પડતા ત્યારે બસ સ્ટેન્ડ નજીકના દુકાનદારો અને ફેરિયાઓ પાસેથી પણ હપ્તા વસૂલ કરી લેતા.

આ રીતે, ધીમેધીમે ઈમુ અંધારી આલમમાં પ્રવેશ કરી રહ્યો હતો. 1970ના એ દાયકામાં એકસાથે બે ગેંગસ્ટરનો સમાંતરે ઉદય થઈ રહ્યો હતો. પરીખ ભુવન વિસ્તારમાં શાંતાં માવસિંગનો ખૌફ અને પ્રભાવ વધી રહ્યો હતો તો બસ સ્ટેન્ડ અને સ્ટેશન વિસ્તારમાં ઈમુ ધીમેધીમે તેનો ડર, પ્રભાવ અને હોશિયારી પાથરવા માંડ્યો હતો. હજુ તો 20 વર્ષની ઉંમર વટાવે તે પહેલાં તો તેનું નામ માથાભારે યુવકમાં થવા લાગ્યું હતું.

એ ‘દાદા’ બની રહ્યો હતો અને તેની ટોળી-ગેંગ વિસ્તરતી રહી હતી. ધંધા-રોજગાર વિનાના છોકરાઓ તેની સાથે જોડાઈ રહ્યા હતા અને આ સાથે જ તેને પોતાની ‘આણ’ અને ‘આલમ’ નો નજીકથી પરિચય પણ થવા માંડ્યો હતો. સૌથી મોટી વાત એ હતી કે ઈમુ અને શાંતા માવસિંગ બેરોજગારો અને ગરીબ વર્ગમાં પ્રિય પાત્ર બની રહ્યાં હતાં કેમકે, આવા લોકો પ્રત્યેની તેમની સહાનુભૂતિ કુદરતી રીતે રહેતી હતી. ભણેલાગણેલા અને નોકરિયાત વર્ગમાં તેમની છાપ આવારા-લુખ્ખા અને ગુંડાઓની હતી.

શાંતા માવસિંગના કેસમાં હત્યાઓના અનેક કલંકો હતાં જ્યારે ઈમુ હજુ સુધી તેનાથી દૂર હતો. શાંતા માવસિંગનો રોફ કોઈને પણ ખટકતો હતો જ્યારે ઈમુની દોસ્તી દાવે કામ કરાવી લેવાની હોશિયારી સૌને આકર્ષતી રહેતી. અલબત્ત, ક્રાઈમની દુનિયામાં બંનેનું નામ એક સરખું હતું અને જે સમયે મિલ્ક સિટી તરીકે ઉભરી ચુક્યું હતું તે જ સમયે દારૂ-જુગારના બદનામ શહેર તરીકે પણ તેની ખ્યાતિ ગુજરાતભરમાં થવા માંડી હતી. શેરીએ શેરીએ ટપોરીઓ અને ગેંગસ્ટર આણંદની બદનામીના ‘ટીલાંતારલાઓ’ સમાન હતાં અને એક તબક્કો તો એવો આવ્યો કે આણંદને લોકો બુટલેગરોના સિટી તરીકે જ ઓળખવા લાગ્યા હતા. શ્વેત નગરીની એ શ્યામ ઈમેજ પૂરા ગુજરાતમાં પંકાઈ ગઈ હતી.

1974ના વર્ષમાં ઈમુના માણસો જગદીશ, ટિરીયો અને બીજા બે ભાલેજ ફાટક પાસે(જ્યાં આજે ઓવરબ્રિજ છે ત્યાં) તીનપત્તીનો જુગાર રમાડતા હતા. તેમના નાણાં ખાનના નામે ઓળખાતા માથાભારે વ્યક્તિએ ઝૂંટવી લીધા હતાં. ખાન ત્યારે રિવોલ્વર રાખતો હતો અને તેની ધાક બહુ હતી. આ વાત ઈમુના કાને પડી. એ સમયે તે પોતાની ગેંગ સાથે મેલડી માતા ઝૂંપડપટ્ટીમાં રમણ ભગતને ત્યાં બેઠો હતો. નાણાં લૂંટી ખાન મેલડી માતા ઝૂંપડપટ્ટી ગયો અને ઈમુને લલકારી તેની પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. એકદમ ભયનો માહોલ ફેલાઈ ગયો.

Representational Image

ઈમુનો ખાસ માણસ સુધીર ત્યાં હાજર હતો. તે ફરસી લઈને દોડ્યો. ખામ પોતાની રિવોલ્વરમાં બીજી ગોળી ભરે એ પહેલાં તેના ગળા પર એણે ફરસીનો ઘા મારી દીધો. ખાન ત્યાં જ ફસડાઈ પડ્યો. એ સાથે જ આખી ટોળકી તેની ઉપર તૂટી પડી અને હત્યા કરી નાંખી. ખાનની હત્યાએ આણંદમાં ભારે સોપો પાડી દીધો. ત્યારથી ઈમુદાદાનું આણંદમાં એકચક્રી શાસન સ્થપાઈ ગયું. ઈમુ અને તેની ટોળકી જૂન બસ સ્ટેન્ડ સામેની ચોકડી જ્યાં અનવરભાઈ ચાવાળાની દુકાન હતી ત્યાં બાજુના થાંભલા પાસે ઉભી રહેતી હતી. ઈમુનું બુલેટ ત્યાં હોય જ અને તે આંગળી પર લાંબી ચેઈનવાળી બુલેટની ચાવી ઘુમાવતો ઊભો રહ્યો હોય. ઈમુ દિવસમાં બેથી ત્રણ વખત ડ્રેસ બદલતો રહેતો હતો.

ખાનની હત્યાએ ઈમુનો ખૌફ વધારી દીધો. એ સાથે જ છેક મુંબઈની અંધારી આલમ સુધી તેના સંપર્કો થઈ ગયા. દાણચોરો પણ તેની આમન્યા રાખતા હતા. ગોપાલ ચોકડી પાસે પુરોહિત અને ઉત્તર ખમણ હાઉસ નામની દુકાન છે. ત્યાં પહેલાં મનીષા રેસ્ટોરન્ટ હતી. ઈમુની બેઠક ત્યાં પણ હતી.

ઈમુની આજુબાજુ ત્યારે મિસ્ત્રી બુઠિયો અને તેના જેવા ત્રણ-ચાર ટપોરીએ પણ ફરતા હતા. ખાનની હત્યામાં આ લોકો પણ સામેલ હતા. મિસ્ત્રી બુઠિયાને ત્યારબાદ જીવતો સળગાવીને દાટી દેવાયો હતો. આણંદની અંધારી આલમની આ સૌથી ક્રૂર હત્યા હતી. ત્યારબાદ ઈમુની સાથે ફરતા બીજા ત્રણેક ટપોરીઓને પણ મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ હત્યાઓ કોણે કરી તે કોઈ દિવસ બહાર ન આવ્યું.

1974/75ના વર્ષમાં મુંબઈથી લંબુદાદા કરીને એક ગુંડો આણંદમાં ઉતરી આવ્યો હતો. આ ગુંડાએ વિદ્યાનગરમાં વસવાટ શરૂ કર્યો હતો. લંબુ દાદા આણંદમાં પગપેસારો કરે તે પહેલાં જ તેની ઉપર ઘાતક હુમલો થયો હતો. લાંભવેલ રોડથી બાકરોલ જવાના રસ્તે તે ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. તેને પ્રાથમિક સારવાર આપી મુંબઈ મોકલી દેવાયો હતો. મુંબઈમાં તે કોમામાં સરી પડ્યો હતો અને પાછળથી તેનું મોત થયું હતું.

આણંદમાં એ અરસામાં દર વર્ષે આ રીતે રહસ્યમય ખૂનનો ઘટનાક્રમ ચાલુ થઈ ગયો હતો. પોલીસને પણ ખબર પડતી નહોતી કે કોણ આ બધું કરી રહ્યું છે. છેક 1994 સુધી સિરાજ ઘાંચીની હત્યા સુધી આ ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો…

( વાંચો આવતા સપ્તાહેઃ પોલીસ પર ચાકુ લઈને ધસી ગયેલા ઈમુ અને તેના દોસ્ત સુધીરને ત્યાં હાજર પોલીસે તરત પકડી  લીધા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!