ગુજરાતીઓ પીત્ઝા-બર્ગર રાંધોઃ ગેરકાયદે વસેલા લાખો લોકોને US સિટિજનશીપ આપવા કવાયત

ગુજરાતીઓ પીત્ઝા-બર્ગર રાંધોઃ ગેરકાયદે વસેલા લાખો લોકોને US સિટિજનશીપ આપવા કવાયત

બાઈડન સરકારે કેટલાક દસ્તાવેજો સાથે આવા નાગરિકોને ટેમ્પરરી protected status આપવા માટે સંસદમાં બિલ રજૂ કર્યુઃ ગ્રીન કાર્ડ માટે હવે લાંબી રાહ ન જોવી પડે તેની પણ તકેદારી રખાશે

 

વોશિંગ્ટન

 

અમેરિકામાં જે લોકો વર્ષોથી રહે છે પણ જેમની પાસે દેશના નાગરિક હોવાનો કોઈ ડોક્યુમેન્ટ નથી તેવા લોકો માટે જો બાઈડન તારણહાર પુરવાર થઈ શકે છે. 20મી જાન્યુઆરી 2021ના રોજ વ્હાઈટ હાઉસમાં પ્રેસિડન્ટ તરીકે દાખલ થયા તેની ગણતરીની મિનિટોમાં બાઈડને અમેરિકામાં રહેતા લાખો ઈલલીગલ લોકોને ડોક્યુમેન્ટ્સ આપવા માટેની તૈયારી કરી લીધી છે. અમેરિકામાં વર્ષોથી રહેતા લાખો ગુજરાતીઓ સહિત ભારતીયોને આનો લાભ મળી શકે છે. બાઈડને આ અંગેની પ્રપોઝલ અમેરિકી સેનેટને મોકલી આપી છે અને આગામી એપ્રિલ મહિના સુધીમાં આ અંગેનો નિર્ણય લેવાય તેમ છે. એકવાર આ નિર્ણય લેવાશે પછી ગ્રીન કાર્ડ માટેની લાંબી રાહ જોવામાંથી ઘણાં લોકોને મુક્તિ મળી જશે.

બાઈડનના નવા પ્લાન પ્રમાણે, જે લોકો પહેલી જાન્યુઆરી પહેલાં અમેરિકામાં વસી રહ્યાં છે તે લોકો તાત્કાલિક અસરથી હંગામી ધોરણે protected status (સુરક્ષિત દરજ્જો) લેવા માટે એપ્લાય કરી શકે છે. આ સ્ટેટસ ગ્રીન કાર્ડ માટેની પ્રોસેસ પહેલાંનું પગલું બની શકે છે. કેમકે, જે લોકોએ વેલિડ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરાવ્યા હશે તેમને protected status મળી જશે પછી પાંચ વર્ષ બાદ તરત ગ્રીન કાર્ડ પણ હાંસલ થશે. આ માટે કેટલાક ડોક્યુમેન્ટ્સ નક્કી કરાયા છે જેમાં ટેક્સ રિટર્ન સૌથી વિશેષ છે. જો આ વર્ષો દરમિયાન એક નાગરિક તરીકે તમે ટેક્સ ભરેલો હશે તો protected status મેળવવામાં તમને વાંધો નહીં આવે. આ ઉપરાંત, તમારું બેકગ્રાઉન્ડ પણ ચેક કરાશે. જે લોકો પાસે આવા વેલિડ ડોક્યુમેન્ટ્સ હશે તેઓ protected status માટે એપ્લાય કરી શકશે અને ત્રણ વર્ષ પછી તેઓ સિટિજનશીપ માટે પણ એપ્લાય કરી શકે છે.

જે લોકો અમેરિકામાં ગેરકાયદે આવી ગયા છે તે તમામ લોકોને નવી સરકાર એક ચાન્સ આપી રહી છે અને ગુજરાતમાંથી ગેરકાયદે વસેલા આવા લાખો લોકોને તેનો લાભ મળી શકે છે. આ ઉપરાંત, જે લોકો temporary protected status program (TPS) અંતર્ગત અમેરિકામાં સ્થાયી થયા છે તેમને પણ ગ્રીન કાર્ડ સુધી પહોંચવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. કેટલાક એગ્રીકલ્ચર વર્કર્સને પણ ગ્રીન કાર્ડ તાત્કાલિક ઈશ્યુ થાય તેમ છે. અમેરિકાના મોટાભાગના ઈમગ્રેશન એડવોકેટ્સે બાઈડનની આ માટે પ્રશંસા કરી છે. તેઓ કહે છે, “ છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં ઈમીગ્રન્ટ્સ પર દરેક રીતે હુમલા થતા આવ્યા છે. બાઈડને આ પરંપરા બંધ કરીને અમેરિકાના ઈતિહાસમાં એક નવું ચેપ્ટર ઉમેર્યું છે. બાઈડન ક્લિયર સિગ્નલ આપી રહ્યા છે કે અમેરિકા બીજા દેશોમાંથી આવેલા ઈમીગ્રન્ટ્સને હંમેશા આવકારશે.”

બાઈડને અમેરિકી સેનેટમાં જે બિલ મૂક્યું છે તેમાં ફેમિલી બેઝ્ડ ઈમીગ્રેશન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ગ્રીન કાર્ડ મેળવવામાં લોકોને જે લાંબી રાહ જોવી પડે છે તેમાં પણ સુધારો કરવાની દરખાસ્ત આ બિલમાં કરાયેલી છે. કયા દેશમાંથી કેટલી સંખ્યામાં લોકોને વિઝા આપવા અને જે ઈમીગ્રન્ટ્સ અમેરિકામાં છે તેમના ફેમિલી મેમ્બર્સને કેવી રીતે અમેરિકા બોલાવી શકાય તેની શક્યતા પણ આ બિલમાં ચકાસાઈ છે.  H-1B જેવી એમ્પ્લોયમેન્ટ વિઝા કેટેગરી અંતર્ગત જે લોકો અમેરિકામાં નોકરી કરે છે તેમનાં સ્પાઉસ અને બાળકોને ઓટોમેટિકલી વર્ક પરમિટ આપવા માટેની વિચારણા પણ ચાલી રહી છે. કેટલીક ડિગ્રી માટે આવતા મેડિકલ સ્ટુડન્ટ્સને પણ ગ્રીન કાર્ડ કેપમાંથી અલગ કરાયા છે. આમ કરવાથી અમેરિકા આવતા તબીબી વિદ્યાર્થીઓને ખાસ્સો ફાયદો થઈ શકે તેમ છે.

બાઈડને પ્રેસિડન્ટ તરીકે સત્તા સંભાળી તેના પહેલા જ દિવસે, અગાઉના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક વિવાદાસ્પદ નીતિઓને રદ કરી નાંખી હતી. ટ્રમ્પે ઈમીગ્રન્ટ્સ સ્ટેટસ ધરાવતા અમેરિકી નાગરિકોને વસતી ગણતરીની પ્રોસેસમાંથી બાકાત કરી નાંખ્યા હતા. બાઈડને આ નિર્ણય રદ કરી દીધો છે. આ પ્રતિબંધને કારણે અમેરિકામાં 5 ટકા ઈમીગ્રન્ટ્સને વસતી ગણતરીમાં ધ્યાનમાં જ લેવાતા નહોતા. આમાંથી મોટાભાગના ઈન્ડિયન્સ છે. બાઈડને પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડરલ રજિસ્ટરમાં કરવામાં આવેલા H-1B વિઝા અંગેના તમામ નિર્ણયો આગામી 60 દિવસ સુધી મુલતવી રાખ્યા છે. જે નિયમો ફેડરલ રજિસ્ટરમાં પ્રકાશિત થયા નથી તેને તાત્કાલિક અસરથી પાછા ખેંચી લેવાની પણ જાહેરાત કરાઈ છે. ભારત અને ભારતીયો માટે બાઈડને કરેલો આ નિર્ણય સૌથી મોટો છે. તેનાથી અમેરિકામાં નોકરી માટે જનારા અને ત્યાં નોકરી કરનારા લોકોને મોટી રાહત થઈ જશે.

ઈન્ડિયન આઈટી પ્રોફેશનલ્સને બાઈડન સરકાર દ્વારા કરવામાં આવી રહેલા આ સુધારાથી ખાસ્સો લાભ થશે. US Citizenship Act of 2021 પ્રમાણે, જે લોકો અમેરિકામાં રહે છે તેમને વધુ સુરક્ષિત કરવાની યોજના છે. ઉપરાંત, માઈગ્રેશનની સિસ્ટમને મેનેજ કરવાનું પ્લાનિંગ છે. ટ્રમ્પ સરકારે ઈમીગ્રન્ટ્સ માટે ‘alien’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. બાઈડન દ્વારા કરવામા આવેલા સુધારામાં તેને સ્થાને ‘noncitizen’ શબ્દપ્રયોગ રખાયો છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ બેકલોગ 12 લાખ જેટલો છે. આમાંથી 68 ટકા ભારતીયો છે. તેનો અર્થ એ થયો કે 81 લાખથી વધુ ઈન્ડિયન્સ આ બેકલોગમાં છે જે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ઈમીગ્રન્સ્ટ વર્કર્સ માટેના H-1B Visa સહિતના અન્ય વર્ક વિઝા પરના પ્રતિબંધને ત્રણ મહિના સુધી વધારી દીધો હતો. 31 માર્ચ 2021 સુધી નવા વર્ક વિઝા આપવામાં આવનાર નહોતા. નવા વર્ષે  ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ આદેશ જારી કરીને ઇમિગ્રેશન અને વર્ક વિઝા પરના પ્રતિબંધોને 31 માર્ચ સુધી લંબાવી દીધા હતા. ટ્રમ્પના આ નિર્ણયની અસર ભારતની સાથે દુનિયાભરના કામદારો પર થવાની હતી. અમેરિકા સાથે કામ કરતા અથવા ત્યાં જઇને નોકરી કરવાની ઇચ્છા ધરાવનારાને તેનાથી મોટો ફટકો પડ્યો હતો. આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય IT પ્રોફેશનલ્સને પડતી હતી કારણ કે, અમેરિકન ટેક્નોલૉજી કંપનીઓ સહિત અનેક કંપનીઓ નોકરીમાં ભારતીય પ્રોફેશનલ્સને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. સૌથી વધુ H-1B વિઝા ભારતીયોને જ અપાય છે. નવા વર્ક વિઝા ઇસ્યુ કરવા પર લાગી રોક વધારાવાથી ભારતીય પ્રોફેશનલ્સ સાથે અમેરિકા અને ભારતીય આઇટી કંપનીઓને પણ નુકસાન થવાનું હતું. ટ્રમ્પ વહીવટીતંત્રએ પહેલીવાર આ વર્ક વિઝા પર પ્રતિબંધ 2020માં એપ્રિલથી જૂન સુધી મૂક્યો હતો. જૂનમાં તેને 31મી ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!