કોરોનાની બીજી લહેર અને ‘સ્પેનીશ ફ્લુ’ના સેકન્ડ વેવમાં ભીષણ તબાહીનો અંદેશો અને સંદેશો દેખાય રહ્યો છે!

કોરોનાની બીજી લહેર અને ‘સ્પેનીશ ફ્લુ’ના સેકન્ડ વેવમાં ભીષણ તબાહીનો અંદેશો અને સંદેશો દેખાય રહ્યો છે!

આખી દુનિયા કોરોનામય થઈ ગઈ છે ત્યારે બરાબર 100 વર્ષ પહેલાં પૃથ્વી પરની ત્રણ ટકા વસતીને નષ્ટ કરનારા ફ્લુ વિશે છેક 90 વર્ષ પછી મેડિકલ સાયન્સને સાચા કારણની જાણ થઈ હતી

 

સ્નેહલ ડાભી(Snehal Dabhi)

 

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ(COVID-19)ની મહામારી ચાલી રહી છે અને તેમાં છેલ્લા એક વર્ષની ગણતરી પ્રમાણે 30 લાખ મોતને ભેટી ચુક્યા છે ત્યારે સવાલ એ છે કે કુદરતની આ કસોટી ક્યારે પૂર્ણ થશે. કોઈને ખબર નથી કે કોરોનાનો કાળમુખો ભરડો ક્યારે ઢીલો થશે અને આપણે રાહતનો શ્વાસ લઈ શકીશું. અલબત્ત, જો તમે એમ માનતા હોય કે કોરોના મનુષ્ય ઈતિહાસની સૌથી ખતરનાક અને સૌથી જીવલેણ બીમારી છે તો તમારે 100 વર્ષ પાછળ જવું પડશે.

1918માં ફાટી નીકળેલો સ્પેનીશ ફ્લુ ઈતિહાસની સૌથી ઘાતક અને જીવલેણ બીમારી ગણાય છે. આ બીમારીમાં વિશ્વભરના 50 કરોડ લોકો પટકાયા હતા અને પૃથ્વી પરથી એક તૃતિયાંશ લોકો મોતને ભેટ્યા હતા. એક અંદાજ પ્રમાણે બે કરોડથી પાંચ કરોડ લોકો આ સ્પેનીશ ફ્લુને કારણે મોતને ભેટ્યા હતા.

1918નો ફ્લુ સૌથી પહેલાં યુરોપમાં દેખાયો હતો. એ વખતે આજના જેવી મેડિકલ સુવિધાઓ નહોતી. આજે તો કોરોના ન થાય તે માટે અગાઉથી જાતજાતના નુસખાઓ અજમાવીને પણ લોકો રોગથી બચી રહ્યા છે. રેમડેસિવીર જેવું ઈંજેકશન 70,000 રૂપિયામાં ખરીદીને પણ લગાવી રહ્યા છે અને હોસ્પિટલોવાળા લૂંટી રહ્યા છે તે વાત જાણતા હોવા છતાં 10-10 લાખના બિલ કરીને પણ જીવવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. એ વખતે આવું કશું નહોતું.

યુરોપમાં ફેલાયેલો સ્પેનીશ ફ્લુ પહેલાં અમેરિકામાં અને તે પછી એશિયાના કેટલાક દેશોમાં પણ ફેલાયો હતો. એ વખતે અંગ્રેજો રાજ કરતા હતા અને તેમની ભારતમાં અવરજવર રહેતી હતી તેના કારણે ભારત સહિતના એશિયન દેશોમાં સ્પેનીશ ફ્લુ ફેલાઈ ગયો હતો. એક તો ગોરાઓ ભારતમાં આ જીવલેણ રોગ લઈ આવ્યા અને તે પછી દાદાગીરી શરુ કરવા માંડી. પંજાબમાં આ રોગ દેખાયો એટલે ગોરાઓએ સૌથી પહેલાં આ રાજ્યમાં લોકડાઉન નાખી દીધું.

એમ પણ આખા દેશમાં એક માત્ર પંજાબ જ એવું રાજ્ય હતું જ્યાં આઝાદી અને ક્રાન્તિની લડત જીવંત હતી. પંજાબમાં લોકોનાં ટોળાં ભેગાં થાય તો એકાદ અંગ્રેજને પતાવી દેતાં કાં તો રેલવેની પટરીઓ ફૂંકી મારતા. અંગ્રેજો માટે સ્પેનીશ ફ્લુ ભારતની આઝાદીના નારા લગાવતા ક્રાંતિકારીઓના પગમાં બેડીઓ મારવા માટેના આશીર્વાદ લઈને આવ્યો.

અંગ્રેજોએ પંજાબમાં 144મી કલમ લાગુ કરી દીધી અને કોઈના બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો. 1919માં જ્યારે સ્પેનીશ ફ્લુની બીજી લહેર ચાલતી હતી ત્યારે જલિયાંવાલા બાગની ઘટના બની હતી. જનરલ ડાયર નામના શેતાને દોઢ હજારથી વધુ લોકોને ગોળીથી વીંધી નાખ્યા હતા.

ભારતમાં સ્પેનીશ ફ્લુએ આ દરમિયાન પંજો ફેલાવવો શરૂ કરી દીધો હતો અને તેમાં આખા દેશમાં 1.70થી 1.80 કરોડ લોકોએ 1918થી 1920 દરમિયાન જીવ ગુમાવી દીધા હતા. ભારતમા સ્પેનીશ ફ્લુને બોમ્બે ફ્લુ તરીકે ઓળખાવતો હતો. આ રોગને જે-તે દેશમાં જે-તે નામથી ઓળખાવાતો. અમેરિકામાં તેને અમેરિકન ફ્લુ કહેતા હતા. કોરોનાના કેસમાં એક જ નામ COVID-19 રખાયું છે તેની પાછળનું કારણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) છે. એ વખતે WHO અસ્તિત્વમાં નહોતી અને વૈશ્વિક આરોગ્યનું કેન્દ્ર અને વૈશ્વિક બીમારીનું કેન્દ્રીકરણ થયું નહોતું એટલે પોતાને મનફાવે તેવાં નામ લોકો રાખી લેતા હતા.

આમ તો આ રોગ ઈન્ફ્લુએન્ઝા તરીકે મેડિકલ સાયન્સમાં ઓળખાયો છે અને તેની રસી પણ હવે તો શોધી કાઢવામાં આવેલી છે પણ તે વખતે તેની કોઈ કહેતાં કોઈ દવા વિજ્ઞાન પાસે નહોતી. અલબત્ત, છેલ્લા પાંચ દાયકામાં વિજ્ઞાનનો જે વિકાસ થયો છે તે પણ નહોતો એટલે લોકો આ રોગચાળાને ઈશ્વરનો કોપ ગણાવતા અને તેની સામે લડવાનો કોઈ પ્રયાસ જ નહોતા કરતાં.

પ્રજાને સાવ નમાલી અને ઢીલીઢફ થયેલી જોઈને યુરોપ અને અમેરિકાની સરકારોએ મોં પર કપડું બાંધીને ફરવાનું ફરમાન કર્યું. લોકોને બહાર ન નીકળવાનો આદેશ કર્યો અને સ્કૂલો, દુકાનો સહિતનાં જે કોઈ ગેધરિંગ સ્થાનો હોય ત્યાં તાળાબંધી કરી. અંતે આ રોગ કાબૂમાં આવ્યો અને વધુ લોકોનાં જીવ જતા બચ્યા.

ઈન્ફ્લુએન્ઝા કે ફ્લુ તરીકે ઓળખાયેલો આ રોગ કોરોનાની જેમ જ રેસ્પીરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્ર પર હુમલો કરતો હતો. આ ફ્લુ અત્યંત ચેપની વાયરસથી ફેલાતો હતો અને માણસના સામાજિક સંપર્કોને કારણે તે આખી દુનિયામાં ફેલાયેલો. જેને ચેપ લાગતો તે વ્યક્તિને આખો દિવસ ખાંસી, શરદી અને તાવ રહેતો. યુરોપ અને અમેરિકામાં એ વખતે સ્વચ્છચા પણ આજે છે જેવી નહોતી એટલે લોકો રસ્તામાં થૂંકતા અને તેમાંથી વાયરસ ફેલાતો. ચેપગ્રસ્ત વ્યક્તિ કોઈ વસ્તુને અડે અને તે પછી હાથ મોં પર જાય તો પણ તેને ફ્લુ થતો હતો.

યુરોપ અને અમેરિકા આ રોગચાળા અને બે વિશ્વયુદ્ધમાંથી કેટલાક મહાન પદાર્થપાઠ શીખ્યાં છે. એક, વધારે પડતા ધાર્મિક થવાનો કોઈ ફાયદો નથી. બે, શિસ્ત, સ્વચ્છતા અને પ્રમાણિકતાથી જીવ જીવો. ત્રીજું વિજ્ઞાનને વિકસાવો. ધર્મ કે કહેવાતો ઈશ્વર નહીં પણ વિજ્ઞાન આપણને બચાવશે નહીં તો રોગને રોકી તો શકશે. (કમનસીબે, ભારત હજુ સુધી આવું કશું શીખવા માટે તૈયાર નથી. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તમે તમારી સગી આંખે આ બધું જોઈ શકો છો.)

કોરોનાના કેસમાં થયું છે તેવું ફ્લુના કેસમાં પણ થયેલું. પહેલીવાર લોકોએ લોકડાઉન પાળ્યો અને માસ્ક પહેર્યાં અને કાળજી રાખી. પણ, પછી જલસા કરવાના શરૂ કર્યા. 1919માં બીજી લહેર આવી અને કરોડો માણસોને ભરખી ગઈ. કોરોનાના વાયરસની જેમ ફ્લુનો વાયરસ પણ સતત મ્યુટેટ થતો હતો.

ફ્લુમાં શરૂઆતથી બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને જેમને કોઈને કોઈ રોગ હોય તેઓ જલ્દીથી પટકાતાં અને થોડા દિવસમાં મૃત્યુ પામતા હતાં. 1918માં વસંત ત્રતુમાં ફ્લુની શરૂઆત થઈ હતી. એ વખતે તેની અસર એકદમ માઈલ્ડ હતી. જેમને શરૂઆતમાં ફ્લુ થયો હોય તેમને શરદી, ખાંસી થતી અને તાવ આવતો. થોડા દિવસમાં એ લોકો રિકવર થઈ જતાં. મોતને સંખ્યા પણ ઓછી હતી.

જોકે, વર્ષના અંતમાં આ ફ્લુ વધુ ઘાતક બનવા માંડ્યો. ઘણાં કેસમાં તો દર્દી સહેજ ખાંસી ખાય અને મરી જતો. અમેરિકામાં ચાલતી બસોમાં ડ્રાઈવર અને કંડકટર આ રીતે મોતને ભેટતા હતા. ત્યાં સુધી કે વાયરસ એટલો મ્યુટન્ટ બની ગયેલો કે જેમને ફ્લુ થતો તેમની ચામડીનો રંગ ભૂરો થઈ હતો અને ફેફસાંમાં અઢળક પાણી ભરાઈ જતું. શ્વાસ લેવામાં દર્દીને તકલીફ પડતી.

આટલો ઘાતકી ફ્લુ ક્યાંથી આવ્યો તે કોઈને ખબર નહોતી પડતી અને એ વખતે રાજાશાહીઓ ચાલતી એટલે સાચી વિગતો પણ છુપાવાતી હતી. અત્યારે ભારતમાં જેમ કોરોનાના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે તેમ એ વખતે પણ યુરોપ અને અમેરિકામાં અખબારો સાચું લખતાં ડરતાં કેમકે, તેમને રાજાની બીક લાગતી હતી. જોકે, એ પછી સ્પેનનાં અખબારોએ સ્ટેન્ડ લીધું અને સાચી વિગતો જાહેર કરવાની હિંમત બતાવવા માંડી.

સ્પેનના રાજા આલ્ફોન્સો XIIIને પણ ફ્લુ થયો હતો તેવું લખાયું. પ્રજાને પણ લાગ્યું કે, આ રોગ તો રાજાને પણ છોડતો નથી ત્યાં આપણી શી વિસાત? સ્પેનીશ અખબારોએ લીધેલા બોલ્ડ અને હિંમતભર્યાં પગલાંને કારણે આ ફ્લુને આખા વિશ્વમાં ‘સ્પેનીશ ફ્લુ’નું નામ મળ્યું.મેડ્રિડના અખબારોએ 1918માં જ ફ્લુ વિશે લખવાનું શરૂ કરી દીધું હતું. યુરોપ પ્રથમ વિશ્વ યુદ્ધની ખુવારીમાંથી હજુ બહાર નહોતું આવ્યું અને યુરોપના દેશો અંદરોઅંદર સંધિઓ કરતા હતા ત્યારે જ આ રોગચાળો ફાટી નીકળ્યો હતો એટલે રાજાએ તેના વિશે કશું ન લખવાનો આદેશ કર્યો હતો. ઘણાં લોકો આજે પણ એમ માને છે કે આ ફ્લુનું નામ સ્પેનીશ છે એટલે એ દેશમાં આ રોગ પહેલો આવ્યો હતો. પણ હકીકત એ હતી કે ત્યાંના અખબારોએ હિંમતથી તેના રિપોર્ટ છાપ્યા એટલે આખી દુનિયાને તેની જાણકારી મળી. ફ્રાન્સનાં અખબારો પણ આવા રિપોર્ટ છાપતા અને તેમને ત્યાં લખાતા રિપોર્ટમાં ‘ફ્રેન્ચ ફ્લુ’નો રોગચાળો એમ લખાતું હતું.

બીજું કારણ એ પણ હતું કે સ્પેનમાં આ રોગથી સૌથી વધુ ખુવારી પણ થઈ હતી. પહેલા વિશ્વયુદ્ધમાં અમેરિકાના જેટલા સૈનિકો શહીદ નહોતા થયા તેના કરતાં વધારે સૈનિકોને આ સ્પેનીશ ફ્લુએ મારી નાખ્યા હતા. અઢી વર્ષમાં તો સ્પેનીશ ફ્લુએ આખી દુનિયાની ત્રણ ટકા વસતીનો વિનાશ કરી નાખ્યો.

કોરોના વાયરસ ચીનના વુહાનમાંથી આવ્યો એ વાત અંગે 100માંથી 99 માણસ સંમત થાય છે પણ સ્પેનીશ ફ્લુ ક્યાંથી આવ્યો તેની કોઈને આજ સુધી ખબર નથી. ફ્રાન્સ, ચીન, બ્રિટન કે અમેરિકામાંથી આ રોગ આવ્યો તે વિશે મતમતાંતર છે. અલબત્ત, એવું કહેવાય છે કે ફ્લુનો પહેલો કેસ 11 માર્ચ 1918ના દિવસે અમેરિકાના કેન્સાસના ફોર્ટ રિલેમાં આવેલા કેમ્પ ફન્સ્ટનમાં નોંધાયો હતો. એવું મનાય છે કે પહેલાં આ રોગ અમેરિકન સૈનિકોને થયો હતો અને વિદેશમાં જ્યાંજ્યાં અમેરિકી સૈનિકો પથરાયેલા હતા ત્યાં તે ફેલાયો હતો. માર્ચ 1918માં 84,000 અમેરિકી સૈનિકોને આ ફ્લુ થયો હોવાનું નોંધાયું છે.

આ ફ્લુની પહેલી રસી છેક 1940માં અમેરિકામાં શોધાઈ હતી. ત્યાં સુધી ડોકટરો પોતાની રીતે આ રોગના દર્દીને ટ્રીટ કરતા હતા. ઘણીવાર એસ્પિરિન સહિતની દવાઓ દર્દીને આપતાં રોગ વધુ વકરતો હતો. એસ્પિરિનનો ડોઝ આપવાને કારણે ઘણાં દર્દીઓ મરી જતા તો ઘણાંને બીજાં કોમ્પ્લીકેશન્સ થતાં હતાં.

1919નો ઉનાળો આવ્યો ત્યાં સુધીમાં માનવ શરીરે(હર્ડ ઈમ્યુનિટીના આધારે) શરીરમાં આ વાયરસ સામે કુદરતી રીતે જ રોગપ્રતિકારક શક્તિ કેળવી લીધી. છેક 2008માં, એટલે કે 90 વર્ષ પછી મેડિકલ સાયન્સે શોધી કાઢ્યું કે ઈન્ફ્લુએન્ઝા આટલો ઘાતક કેમ હતો. કારણ એવું હતું કે, માનવ શરીરનાં ત્રણ જનીનો વાયરસને ઉત્તેજન આપતાં હતાં અને તેને કારણે શ્વસનતંત્ર અને ફેફસાંની સિસ્ટમ નબળી પડી જતી હતી અને માણસને થોડા સમયમાં બેક્ટેરિયલ ન્યુમોનિયા થઈ જતો હતો.

કોરોનાના રોગચાળામાં પણ મેડિકલ સાયન્સ હજુ સાચું કારણ શોધી શક્યું નથી. આશા રાખીએ કે ફ્લુના કેસમાં બન્યું તેમ કોરોના કેસમાં પણ તે સાચું કારણ શોધવા 90 વર્ષ ના લગાડે!

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!