18,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતી અમેરિકાની ZOHO નામની કંપનીના માલિક શ્રીધર
વેમ્બુની તામિલનાડુના ગામડાંઓમાં ટેકનોસાવ્વી સ્કૂલો ખોલવાની ઈનોવેટિવ યોજના
યાયાવર ડેસ્ક>આણંદ
ભારતમાં લાખો લોકો અહીં ભણીગણીને અમેરિકામાં ગૂગલ, માઈક્રોસોફ્ટ અને ટેસ્લા જેવી કંપનીઓમાં નોકરી કરવા માટે જતા રહે છે. ત્યાં જઈને ડોલર કમાઈને ત્યાં જ સ્થિર થઈ જતા હોય છે. ભારત પાછા આવવાનું નામ લેતા નથી. જોકે, એક એવી વ્યકિત છે જે આ બધાંથી તદ્દન નોખી છે. એટલું જ નહીં, નાનીમોટી નોકરી કરીને ઘર ચલાવતી આ કોઈ નાની વ્યક્તિ નથી પણ બહુ મોટી હસ્તી છે. અમેરિકાની સિલિકોન વેલીમાં આ માણસે પોતાના દમ પર મોટી કંપની ઊભી કરી છે, નામ કમાયું છે અને હવે તે ભારત પાછા ફર્યા છે.
અમેરિકાની ઝોહો(ZOHO)કોર્પોરેશનના સંસ્થાપક શ્રીધર વેમ્બુ દુનિયાભરમાં પોતાનો ધંધો વિસ્તારીને પાછા તામિલનાડુમાં પોતાના ગામમાં આવી ગયા છે. એપ્રિલ 2020માં જાણીતા બિઝનેસ મેગેઝઈન ફોર્બ્સે જેમની પર કવર સ્ટોરી કરી હતી તે વેમ્બુ અત્યારે તામિલનાડુમાં તેમના ગામમાં સ્કૂલ સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે. ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના ટેક હબ એવા સિલિકોન વેલીમાં સ્ટાર ગણાતા શ્રીધર વેમ્બુની કંપનીનું કુલ નેટવર્થ 2.5 અબજ ડોલર(રૂપિયા 18,000 કરોડ)નું છે. વેમ્બુ તામિલનાડુમાં પાછા રહેવા માટે આવી ગયા છે અને ગામડાંઓમાં સાયકલ પર ફરી રહ્યા છે. તામિલનાડુના પરંપરાગત ડ્રેસ વેષ્ટિ(લુંગી)માં તેઓ તમને કોઈપણ ગામમાં ફરતા જોવા મળી શકે છે. તેમણે નક્કી કર્યું છે કે બાકીની જિંદગી તેઓ ટીચર તરીકે નોકરી કરશે. કોરોનાને કારણ લોકડાઉન લાગુ થયું છે અને બાળકો સ્કૂલમાં જઈ શકતાં નથી ત્યારે તેમણે ઘરેઘરે જઈને બાળકોને હોમ ટ્યુશન આપવાનું ચાલુ કર્યું છે. 53 વર્ષના વેમ્બુએ જ્યારે કોચિંગ ક્લાસ શરૂ કર્યા ત્યારે તેમની પાસે ફક્ત ત્રણ બાળકો ભણવા માટે આવતાં હતાં. આજે તેમના ગ્રૂપમાં 4 ટીચર અને 52 બાળકો ભણી રહ્યાં છે.
વેમ્બુની ઈચ્છા તો ઘણું બધું કરવાની છે પણ ભારતના ગામડાંઓમાં રહેલા અનેક પડકારો તેમને માટે અવરોધ સર્જી રહ્યા છે. વેમ્બુ કહે છે કે, સૌથી મોટો પ્રશ્ન ટ્રાન્સપોર્ટેશનનો છે. ભારતમાં શિક્ષક ગામડામાં નોકરી કરતો હોય પણ તે પોતે આ ગામડામાં રહેતો હોતો નથી. આ ટીચર પોતે 30-40 કિલોમીટર દૂરથી આવતો-જતો હોય છે. ગરીબીને કારણે જ દેશનાં મોટાભાગનાં બાળકોને સરકારી સ્કૂલમાં ભણવું પડે છે. વેમ્બુના માનવા પ્રમાણે ભારત એજ્યુકેશનમાં એટલા માટે પાછળ છે કેમકે, અહીં માર્ક્સ અને ડિગ્રીને જ મહત્વ આપવામાં આવે છે. વેમ્બુ કહે છે કે ભારતનાં ગામડાંનો હજુ વિકાસ થયો નથી. તમે જાપાનમાં જાવ તો ગામડાંમાં પણ ધનવાન અને સુખી લોકો રહે છે. ત્યાં રસ્તા સારા છે. ગામમાં કોઈ ગરીબ હોતું નથી. દરેક માણસના હાથમાં કામ છે. બધું નિયમિત અને સમયસર થાય છે. ટ્રેનો અને બસો સમય પર દોડે છે. બધું ચોખ્ખું છે. જાહેર રસ્તા હોય કે ઘર હોય બધું ચોખ્ખું હોય છે. જ્યાં આ પ્રકારની શિસ્ત, સ્વચ્છતા અને નિયમપાલન હોય તે દેશ સમૃદ્ધ રહેવાનો. આપણે ત્યાં આ બધું નથી. જાપાન પાસે જે સમૃદ્ધિ છે તે આ છે.
વેમ્બુ દિવસમાં ઘણાં ગામડાં ફરે છે. સવારથી સાયકલ પર નીકળી જાય છે અને સાંજે ગોધુલિ ટાણે પાછા ફરે છે. તેમને ચાલવાનું ગમે છે. તળાવ જુએ તો તેમાં સ્વીમીંગ પણ કરી લે છે. વેમ્બુ ટીવી જોતા નથી. મ્યુઝિક કોઈવાર સાંભળે છે. અમેરિકા સહિતી આઈટીની દુનિયા માટે આજે પણ શ્રીધર વેમ્બુ ઝોહો કોર્પોરેશનના માલિક છે. જોકે, આટલા રૂપિયા કમાયા પછી અને સામ્રાજ્ય ઊભું કર્યા પછી તેમને ચેન નહોતું એટલે તેઓ તેમના ગામ તેનકાસી પાછા આવી ગયા છે. વેમ્બુએ આ સ્કૂલ શરૂ કરી તે પહેલાં 2018-19ના વર્ષમાં ઝોહો કોર્પોરેશને રૂપિયા 3,300 કરોડની આવક રળી હતી અને 516 કરોડનો નફો કર્યો હતો. ઝોહો કંપનીના પાંચ કરોડ ક્લાયન્ટ હતા. તામિલનાડુ પછી વેમ્બુ આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ આવી સ્કૂલ શરૂ કરવા માગે છે.
એક વખતે વેમ્બુ અમેરિકા ભાગી ગયા હતા. 1989માં વેમ્બુ આઈઆઈટી મદ્રાસમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. પ્રિન્સટનમાં તેમણે પીએચડી કર્યું અને ક્વાલકોમમાં બે વર્ષ સુધી વાયરલેસ સિસ્ટમ એન્જિનિયર તરીકે નોકરી કરી. 1996માં પોતાના બે ભાઈઓની સાથે તેમણે એડવેન્ટનેટ શરૂ કરી હતી. એ પછી સાન ફ્રાન્સિસ્કો બે એરિયામાં રહેવા ગયા હતા. અહીં જ તેમને એક સપનું આવ્યું હતું- સિલિકોન વેલીને ભારતના ગામડાંઓ સુધી પહોંચાડવાનું. 1996માં તેઓ જ્યારે 22 વર્ષના હતા ત્યારે એડવેન્ટનેટ નામની કંપની સ્થાપી હતી. આ સોફ્ટવેર કંપનીની પ્રોડક્ટ અમેરિકામાં ખૂબ વખણાઈ હતી. 2009માં તેમણે ઝોહો કોર્પ શરૂ કરી હતી. કંપની નેટવર્ક ઈક્વિપમેન્ટ વેન્ડરને સર્વિસ આપવાથી લઈને તેઓ ઈનોવેટિવ ઓનલાઈન એપ્લીકેશન પ્રોવાઈડર તરીકે કામ કરતી હતી. ઝોહો આજે ક્લાઉડ બેઝ્ડ કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ(CRM) સોલ્યુશનમાં મોટું અને વિશ્વસનીય નામ ગણાય છે. તેણે 40થી વધુ એપ ક્રિયેટ કર્યાં છે અને ઓનલાઈન એકાઉન્ટિંગ, હ્યુમન રિસોર્સિસ અ ઈન્વેન્ટરી મેનેજમેન્ટમાં પણ કમાલ કરી દેખાડી છે. કોરોના અને તેના પગલે લોકડાઉન ન આવ્યું હોતો તો વેમ્બુ પાછા પોતાના વતનમાં ફર્યા હોત?
ફોર્બ્સ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યૂમાં વેમ્બુએ કહેલું: “એક કે બે વર્ષ પહેલાં મેં નક્કી કર્યું હતું કે મારે કશું નવું કરવું છે. મારે ભારતના કોઈ નાના ગામડામાં જવું છે અને ત્યાં જઈને એવી સ્કૂલ શરૂ કરવી છે જે સેટેલાઈટથી ઓફિસ સેન્ટર સાથે કનેક્ટ હોય અને તેમાં 10થી 20 લોકો કામ કરતા હોય…” અત્યારે ઝોહોએ રૂરલ ઓફિસ બનાવી છે. એક તેનકાસીમાં અને બીજી આંધ્રપ્રદેશના રુનીગુંટામાં છે. ઝોહોમાં અત્યારે 9300 કર્મચારીઓ વર્લ્ડવાઈડ કામ કરે છે. તેમાંથી 500 કર્મચારીને આ કામમાં જોતરી દેવાની તેમની ઈચ્છા છે. તે ઉપરાંત ભારતમાં કંપનીના 8800 કર્મચારીઓ છે તેમને પણ રૂરલ સ્કૂલિંગનું કામ આપી દેવાનું તેમનું સપનું છે. તેઓ માને છે કે ગામમાં રહેવાથી અનેક આઈડિયા તમને મળી રહે છે. તેમના કહેવા પ્રમાણે એકવાર વ્યક્તિ ઊંચો સેલેરી મેળવતો થઈ જાય છે પછી તેનામાં ખરાબ આદતો પણ વિકસતી જાય છે.
વેમ્બુ અત્યારે સવારે 4 વાગ્યે ઉઠી જાય છે અને અમેરિકાની પોતાની ઓફિસમાં કોલ કરે છે. 6 વાગે ત્યાં સુધીમાં બધું તૈયાર કરી નાખે છે અને તે પછી સાયકલ લઈને ગામડામાં જવા પ્રયાણ કરે છે. જ્યાં તળાવ દેખાય ત્યાં ન્હાય લે છે. કોઈવાર રસ્તામાં સાપ કે નાગ દેખાય તો તેને કુતૂહલથી જોવા માટે ઊભા પણ રહી જાય છે. બપોરે લંચ વખતે અમેરિકામાં કસ્ટમર્સ સાથે વાત પણ કરી લે છે. વાત પતે એટલે ફરી પાછું બાળકોને ભણાવવાનું શરૂ કરી દે છે.