સૌથી પહેલું ગુજરાતી વ્યાકરણ ક્રિશ્ચિયન પાદરી જોસેફ ટેલરે તૈયાર કર્યું હતુંઃ બોરસદમાં રહીને તેઓ ગુજરાતી શીખ્યા હતા

સૌથી પહેલું ગુજરાતી વ્યાકરણ ક્રિશ્ચિયન પાદરી જોસેફ ટેલરે તૈયાર કર્યું હતુંઃ બોરસદમાં રહીને તેઓ ગુજરાતી શીખ્યા હતા

1846માં ટેલર સાહેબ વડોદરા આવ્યા હતા અને મહીકાંઠા વિસ્તારમાં પડતા બોરસદમાં તેમણે નિવાસ કર્યો હતો. બોરસદમાં  નિવાસ વખતે તેઓ સ્થાનિક ભાષા શીખ્યા હતા. ધીમેધીમે ગુજરાતી ભાષામાં રસ વધતો ગયો અને તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ વ્યાકરણની ભેટ આપી

 

યાયાવર ડેસ્ક>આણંદ

 

રેવરન્ડ જોસેફ વાન સોમરન ટેલર આમ ગુજરાતી માટે અજાણ્યું નામ છે. વાસ્તવમાં, ટેલર ગુજરાતી વ્યાકરણના આદ્યકાલીન, પહેલા પ્રથમ ઓપનીંગ બલ્લેબાજ છે અને બરાબર 150 વર્ષ પહેલાં 1867માં તદ્દન બિનગુજરાતી એવા આ આઈરિશ પ્રિસ્ટે કવિરામ દલપતે જેને ‘રાણી વાણી’ ગુજરાતી કહી હતી તેને ગ્રામેટિકલ સંસ્કારો આપ્યા હતા. 1847માં લંડન મિશનરી સોસાયટી(LMS)ના વિલ્યમ ક્લાર્કસને “Grammer Of the Gujarati Language”તૈયાર કર્યું હતું તે મુંબઈની અમેરિકન મિશન પ્રેસ(American Mission Press)માં સુંદર રીતે છાપવામાં પણ આવ્યું હતું. જોકે, તેને પ્રસિદ્ધ કરાયું પણ વિતરિત ન કરાયું. આ મિશનરીઓએ ઉલટાનું રેવરન્ડ જે.વી.એસ. ટેલરનું “ગુજરાતી ભાષાનું વ્યાકરણ”1867માં પ્રસિદ્ધ કર્યું હતું. આ વ્યાકરણ સંસ્કૃતનો આધાર લઈને રચ્યું હતું. આજે પણ તે ‘સ્ટાન્ડર્ડ’ ગણાય છે. રેવરન્ડ ટેલરના પુત્ર પણ પાદરી હતા. તેમનું નામ રેવરન્ડ જી.પી. ટેલર હતું. ઈસવીસન 1893માં તેમણે વળી ‘ધ સ્ટુડન્ટ્સ ગુજરાતી ગ્રામર’ ની રચના કરી હતી. આ ગ્રામર બિનગુજરાતીઓ માટે હતું અને બ્રિટિશ શાસનમાં ઘણાં ગુજરાતી ન બોલી શકતા અધિકારીઓ તેને વાંચીને ગુજરાતી લખતાં-બોલતાં શીખ્યાં હતાં. ગુજરાતી વ્યાકરણના પિતામહ એવા રેવરન્ડ જે.વી.એસ. ટેલરે અંગ્રેજીમાંથી ગુજરાતી ભજનોનો અનુવાદ પણ કર્યો હતો અને અમદાવાદની ઐતિહાસિક ટ્રાક્ટ સોસાયટીએ તે છાપ્યો હતો. 1863માં રેવરન્ડ ટેલરનાં કેટલાંક ગુજરાતી કાવ્યોમાંથી પસંદગીના કાવ્યો લઈને ‘કાવ્યાર્પણ’નામનું પુસ્તક તૈયાર કરાયું હતું. આ પુસ્તક તત્કાલીન સમયમાં અત્યંત લોકપ્રિય બનેલું.

મધ્યકાલીન ગુજરાતી ભાષામાં વાક્યરચનાઓ અડાતેડી રહેતી હતી. ક્રિયાપદ, કર્મ કે કર્તા ક્રિકેટના દાવની માફક ઓપનીંગ, વન ડાઉન કે સેકન્ડ ડાઉનની જેમ ઓર્ડરમાં જ નહોતાં. ઉત્તર ગુજરાતમાં લોકો અલગ ગુજરાતી બોલતાં, તો સૌરાષ્ટ્ર પ્રદેશમાં તો ગુજરાતી કાઠિયાવાડી બની જતી હતી. મધ્ય ગુજરાતમાં ચરોતરી ગુજરાતીનો પ્રભાવ હતો અને દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં વળી શબ્દોના વળાંકો જુદા જ રહેતા હતા. ગુજરાતમાં ક્યાંય પણ એકસરખી ગુજરાતી બોલાતી કે લખાતી નહોતી. 19મી સદીની આસપાસ કેટલાક સાક્ષરોએ એ વખતે એક સર્વે કર્યો હતો જેમાં ગુજરાતમાં ક્યાં સાચી ગુજરાતી બોલાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું હતું.તદ્દનુસાર, અમદાવાદ અને સેન્ટ્રલ ગુજરાતમાં જ કંઈક અંશે સુધરેલી ગુજરાતી ભાષાનો વપરાશ થતો હોવાનું જાણવા મળ્યું હતું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આ વાત સ્પષ્ટ થાય છે. જૂના ગુજરાતી કવિઓ કે લેખકોએ એ વખતે જે લખાણો લખ્યાં હતાં તે વાંચશો તો સમજાશે કે ગુજરાતમાં ચારેય ખૂણે ચાલીસ અલગ અલગ રીતે એક જ શબ્દના ઉચ્ચારો કરવામાં આવતા હતા. હકીકતમાં, ગુજરાતી ભાષાની આ ખામી હતી અને તે વૈજ્ઞીનુક ઢબે તૈયાર ન થયેલા વ્યાકરણને લઈને હતી.

ગુજરાતી ભાષા ખરબચડી ફર્શ પર ફરતા ભમરડાની જેમ તતડિયો અવાજ કરતી! એવા સમયે એક આઈરિશ પ્રિસ્ટ અને સવાયા ગુજરાતી માણસે ગુજરાતી ભાષાને વ્યાકરણ આપવાનું બીડું હાથમાં લીધું હતું. કવિ દલપતરામ જેમને કારણે ‘સુખનવર’ થયા તે જેમ્સ કિનલોક ફાબર્સે સ્થાપેલી સંસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના 1860-64ના રિપોર્ટમાં એ મુદ્દે ચિંતા ઉઠાવાઈ કે, ગુજરાતીને અન્ય ભાષાઓની જેમ પોતાનું વ્યાકરણ(અને શબ્દકોષ)નથી. ‘ગુજરાતી ભાષામાં સરસ વ્યાકરણ થયું નથી અને શબ્દકોષનું નામ શોભે એવો કોશ હજી બનાવવામાં આવ્યો નથી,’ તેમ તત્કાલીન રિપોર્ટમાં ભારે અસંતોષ સાથે સોસાયટીએ લખ્યું હતું. ભારતને દુનિયાની સૌથી લાંબામાં લાંબી રેલવે અને લોકશાહીની આદતો શીખવનારા અંગ્રેજો ગુજરાતી ભાષાને સમૃધ્ધ બનાવીને ગયા છે એ વાત પણ એટલી જ સાચી છે.

કર્ણાટકના બેલ્લારીમાં 3 જુલાઈ 1820માં જન્મેલા મૂળ એડિનબર્ડ(આયર્લેન્ડ)ના જોસેફ ટેલરે ગુજરાતી વ્યાકરણનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ આપેલા રૂપિયા 1,000ના ફંડમાંથી તેમણે તેનું પુસ્તક છપાવ્યું હતું. ટેલર કલકત્તાની બિશપ્સ કોલેજમાં 15 વર્ષના હતા ત્યાં સુધી ભણ્યા અને તે પછી 1838માં વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા. 1843માં તેમણે ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં બીએનો અભ્યાસ પૂર્ણ કર્યો અને એ જ વર્ષે લંડન મિશનરી સોસાયટીમાં જોડાયા અને તત્કાલીન મદ્રાસ પ્રેસિડન્સી આવ્યા. 1846માં ટેલર વડોદરા(Baroda) આવ્યા હતા અને મહીકાંઠા વિસ્તારમાં પડતા બોરસદમાં તેમણે નિવાસ કર્યો હતો. બોરસદમાં તેઓ ખાસ્સું રહ્યા હતા અને તેમના આ નિવાસ વખતે તેઓ સ્થાનિક ભાષા શીખ્યા હતા. શરૂઆતમાં ચરોતરી ગુજરાતી શીખનારા ટેલર સાહેબને ધીમેધીમે ગુજરાતી ભાષામાં રસ વધતો ગયો અને તેમણે ગુજરાતી ભાષાને સમૃદ્ધ વ્યાકરણની ભેટ આપી.

ટેલર સાહેબે લખેલું એ વ્યાકરણ ગુજરાતી ભાષામાં અવતરેલું પહેલું(વેરી ફર્સ્ટ) સર્વગ્રાહી અને ગહન પુસ્તક હતું. આ કારણથી જ તેમને ગુજરાતી વ્યાકરણના ‘પિતામહ’ કહેવાય છે. તત્કાલીન બોમ્બે પ્રોવિન્સની સ્કૂલોમાં ટેલરનું વ્યાકરણ ભણાવાતું હતું અને ત્યાં સુધી તેનાં સુધરેલા સંસ્કરણોથી ગુજરાતી ભાષા રળિયાત થયા કરતી હતી. 1919માં ‘ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ’ નામનું કમળાશંકર ત્રિવેદીએ લખેલું પુસ્તક પ્રસિધ્ધ થયું ત્યાં સુધી ટેલર વ્યાકરણ ગુજરાતી પાઠ્ય પુસ્તક તરીકે ભણાવાતું રહ્યું હતું. આજે ટેલર સાહેબે લખેલા વ્યાકરણને ભૂલી જવાયું છે પણ એક સમયે તેમના આ પુસ્તકની સ્કૂલો-કોલેજો અને વિદ્વાનોમાં ભારે બોલબાલા હતી. હાલમાં અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલા ભો.જે. ગ્રંથાલય અને એમ જે લાઈબ્રેરીમાં આ વ્યાકરણની ચોપડીઓ એક ખૂણામાં ધુળ ખાઈ રહી છે.

ઈસવીસન 1867માં ટેલરનું વ્યાકરણ પ્રસિધ્ધ થયું ત્યારે તત્કાલીન ગુજરાતી બૌધ્ધિકોએ તેને ઉમળકાભેર આવકારી લીધું અને લખ્યું હતું: ‘ગૂર્જર દેશમાં પણ ન્હાનાં વ્યાકરણ થતાં થતાં હવણાં મોટું ટેલર વ્યાકરણ થયું છે. ટેલર સાહેબ યદ્યપિ ઈંગ્રેજ છે, પણ તેમણે ગૂર્જર ભાષા વિશે વધારે જ્ઞાન મેળવ્યું છે…ટેલર વ્યાકરણ વાંચનારાઓને વ્યાકરણ સંબંધી જ્ઞાનમાં ઘણો જ વધારો થશે…’ ગુજરાતીઓના વ્યાકરણના જ્ઞાનમાં વધારો કરી જનારા ટેલર સાહેબે ગુજરાતીઓ તેમની ભાષાને શા માટે પ્રેમ કરતા નથી એ અંગે ચિંતા વ્યક્ત કરતાં લખ્યું હતું: ‘…એમાં કોઈ વાંક ભાષાનો નહિ, પણ લોકોનો છે. નવો શબ્દ, નવો વિષય, ભાષાનું કંઈ નવું વલણ વાપરીએ, તો વિવેકથી સમજી લેવાનો અભ્યાસ લોકોમાં નથી, માટે બોલનાર અટકે છે; કેમકે, બહેરાની આગળ ગાતાં છાતી કેમ ચાલે વારું? અને જ્યાં લગી લોક સારું નરસું, નવું જૂનું પારખી મૂલ્ય ઠરાવી નથી શકતા, ત્યાં લગી પારખનારનો વિવેક કેમ પ્રફુલ્લિત થાય?…’

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!