ભગવાનની મૂર્તિને ફટકારવા બદલ એક્ટર પ્રાણ  સામે રાજકોટની કોર્ટમાં કેસ દાખલ થયો હતો!

ભગવાનની મૂર્તિને ફટકારવા બદલ એક્ટર પ્રાણ સામે રાજકોટની કોર્ટમાં કેસ દાખલ થયો હતો!

પ્રાણે કોર્ટમાં કહ્યું,‘મને એનો રંજ છે કે જે કામ હું વર્ષોથી કરતો

આવ્યો છું તેના વિરુધ્ધ કેસ કરવામાં આટલી વાર કેમ કરી?

 

યાયાવર ડેસ્ક> આણંદ

 

1960-70ના દાયકામાં પ્રાણકૃષ્ણ સિકંદ ભારતીય હિન્દી ફિલ્મો માટે એન્થની ક્વીન હતા. હોલિવૂડમાં ક્વીન એક એવો અદાકાર હતો જે કોઈ પણ રોલ માટે ફીટ બેસતો હતો અને તમામ પ્રોડ્યુસરો અને ડિરેકટરોનો પ્રિય હતો. પ્રાણ વિના કોઈ ફિલ્મના નંબર પડતા નહોતા અને તેમના જેલમાં જવા સાથે કે મરવા સાથે ફિલ્મ પૂરી થતી હતી. પ્રાણ હિન્દી ફિલ્મોના આત્મા હતા. તેમની ફી હીરો કે હીરોઈન કરતાં ઉંચી હતી અને રુતબો અને મિજાજ એવાં હતાં કે તે જેનો અસ્વીકાર કરતો તેની કિંમત કોડીની થઈ જતી હતી. પંજાબ (પાકિસ્તાન)ના કોઈ અજાણ્યા ભારોમલ નામના ગામના એક સમયના પેશેવર ફોટોગ્રાફરને આખા ભારતે દિલોજાનથી ચાહ્યો અને એટલો જ હતો.

પ્રાણ જોરદાર અદાકાર હોવા ઉપરાંત એક જિંદાદિલ, ખુમારીથી તરબતર ઈન્સાન હતા અને જ્યારે પણ પોતાને કે અન્યને અન્યાય થયાનું તેમની જાણમાં આવ્યું છે ત્યારે તેમણે, જીભને છૂટી મુકવાનું વધુ મુનાસિબ માન્યું છે. પ્રાણ પરદા પર ગમે તેવો બદમાશ ચોર હશે પણ વાસ્તવિક જીવનમાં શબ્દચોર, દિલચોર કે લાગણીચોર રહ્યા નહોતા. 1970માં રાજકપુરે રંગેચંગે બનાવેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’ થિયેટરોમાં પિટાઈ ગઈ અને કપુર ખાનદાનનો આ નબીરો રીતસરનો જોકર બની ગયો. સંગમમાં કમાયેલાં બધા રૂપિયા જોકરમાં બરબાદ થયા. યંગસ્ટર્સ માટે નવી ફિલ્મ ‘બોબી’ બનાવવાનો વિચાર આવ્યો પણ પૈસાની સમસ્યા હતી. ઘરનાં છોકરા રિશી કપુરને હીરો બનાવ્યો અને નવી છોકરી ડિમ્પલ કાપડિયાને હીરોઈન. એ રીતે મોટો ખર્ચ કાઢી નાંખ્યો. પણ સ્ટોરી પ્રમાણે હીરોના રોયલ કડકાઈ બતાવતા રહેતા બાપ તરીકે કોને લેવો તેની મૂંઝવણ હતી. પ્રાણની પસંદગી થઈ પણ તેમની ફી(તે વખતે અઢીથી ત્રણ લાખ લેતા હતા) સાંભળીને નજીક જવાની તાકાત નહોતી. અલબત્ત, રાજકપુર મળવા ગયા અને પ્રાણને વાત કરી, ‘આ સમયે હું તમને કશું આપી શકું તેવી સ્થિતિમાં નથી.’

‘તમારા ખિસ્સામાં એક રૂપિયાનો સિક્કો છે?’ પ્રાણે સવાલ કર્યો.

અને બોબી માટે આ અભિનેતાએ માત્ર એક રૂપિયાની ફી લઈને કામ કર્યું. ‘બોબી’ પિટાઈ ગઈ હોત તો પ્રાણને પૈસા ચુકવવાનો સવાલ ઉભો ન થાત, પણ ‘બોબી’એ ધુમ મચાવી અને રાજકપુર ફરી પાછ બુલંદ બાદશાહ બની ગયા. તેમણે પ્રાણને આ ફિલ્મ માટે એક લાખનો ચેક આપ્યો, જે પ્રાણે મોકલેલાં બિલ કરતાં ઘણો ઓછો હતો. પ્રાણે આખો ચેક પાછો મોકલી આપ્યો અને કહ્યું કે, ‘તે આ ત્રણ હજારનો ચેક સ્વીકારશે નહીં…’( તે વખતે ભારતમાં ટીડીએસ 97 ટકા હતો. એટલે કે સો રૂપિયાની આવક પર 97 ટકા ટેક્સ લાગતો હતો.) દસ્તાવેજો કહે છે કે તે દિવસથી રાજકપુરના પ્રાણ સાથેના સંબંધો બગડી ગયા.

1973માં ફિલ્મ ‘બેઈમાન’માં કોન્સ્ટેબલના રોલ માટે ‘ફિલ્મ ફેર’એ પ્રાણને બેસ્ટ સહાયક એકટરનો એવોર્ડ આપવાની જાહેરાત કરી. પ્રાણે તે ઠુકરાવી દીધો. એવોર્ડ ઠુકરાવવાની ઘટના પહેલીવાર બની નહોતી. પ્રાણ પહેલાં વૈજયંતિમાલા અને કે. આસિફે તેનો ઈન્કાર કર્યો હતો. અલબત્ત, તેમનો ઈન્કાર વ્યક્તિગત કારણોસર હતો જ્યારે પ્રાણનો નિર્ણય સિધ્ધાંતો સાથે જોડાયેલો હતો. માલાને વિમલરાયની ‘દેવદાસ’ માટે સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો પણ તેમણે કહી દીધું કે આ ફિલ્મની તે હીરોઈન છે અને તેનો એવોર્ડ પણ એ પ્રમાણે મળવો જોઈએ. આસિફે ‘મુઘલે આઝમ’નો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ સ્વીકારવાની એમ કહીને ના કહી દીધી કે જો ફિલ્મ શ્રેષ્ઠ હોય તો શ્રેષ્ઠ ડિરેક્ટરનો એવોર્ડ પણ તેમને જ મળવો જોઈએ!

અલબત્ત, પ્રાણનો વિરોધ સૈધ્ધાંતિક હતો, તેમનો સવાલ મેરિટ માટેની તરફદારીનો હતો. પ્રાણે જાહેરમાં કહ્યું કે એવોર્ડની વહેંચણી જ મૂળેથી અન્યાયકર્તા છે. અવવ્લ દરજ્જાની ફિલ્મ ‘પાકિઝા’ના સંગીત માટે સંગીતકાર ગુલામ મહંમદને, ફિલ્મની હીરોઈન મીનાકુમારીને કે આ ફિલ્મ બનાવનાર કમાલ આમરોહીને શા માટે એક પણ એવોર્ડ ન મળે- તેવો વાંધો તે વખતે (અને કદાચ પહેલી અને છેલ્લીવાર) આ મર્દ માણસે ઉઠાવ્યો. મેરિટને સલામ મારનારા અને ન્યાયના કાટલાં ઘડનારાઓની મતિ અને મુરાદ સામે શંકા કરનારા આ માણસે કહ્યું કે શંકર જયકિશન બેસ્ટ છે(વક્રતા જુઓ કે જે ફિલ્મ માટે પ્રાણને એવોર્ડ મળે છે તેના સંગીતકારની બેવજુદ તરફદારી પણ તે કરતા નથી.) પણ ઓવોર્ડ તો ગુલામ મહંમદને જ મળવો જોઈએ. એવોર્ડો વેચાતા મળે છે તેમ તે કહેતા હતા. ‘હું કોઈ પણ સંજોગોમાં ગૈર ઈમાનદાર કામમાં સામેલ થઈ શકું નહીં,’ એવો જાહેર લલકાર કરનારા પ્રાણને તે પછી પચીસ વર્ષ સુધી ફિલ્મ ફેર એવોર્ડ આપવાની કોઈએ જુર્રત કરી નહીં.

પ્રાણ સાથે ઘણી પ્રાણવાન વાતો જોડાયેલી છે અને તેમાંની એક તો રાજકોટ સાથે સંકળાયેલી છે. ફિલ્મ બેઈમાનમાં મનોજકુમારના પિતા અને કોન્સ્ટેબલ તરીકેની ભૂમિકામાં તેમને એક દ્ર્શ્યમાં દંડા વડે ભગવાનની મૂર્તિ પર પ્રહાર કરવાનો હોય છે. આ દ્રશ્ય જોઈને રાજકોટના પનવાડી નામના માણસે પ્રાણ અને ફિલ્મના નિર્દેશક સોહનલાલ કંવર સામે લોકલ કોર્ટમાં કેસ કર્યો હતો. પ્રાણ કોર્ટમાં હાજર થયા અને જજને કહ્યું,‘મને એ વાતનો અફસોસ નથી કે મને અદાલતે કેમ બોલાવ્યો? મને એનો રંજ છે કે જે કામ હું વર્ષોથી કરતો આવ્યો છું તેના વિરુધ્ધ કેસ કરવામાં આટલી વાર કેમ કરવામાં આવી? છેલ્લાં 30 વર્ષની મારી ફિલ્મ કરિયરમાં હું 200 કતલ, 40 બળાત્કાર અને સંખ્યાબંધ લૂંટ કરી ચુક્યો છું જે એક પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ તોડવા કરતાં પણ વધારે સંગીન જુલમ નથી?’

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!