શાસ્ત્રીજી મહારાજે એમને 1939ના નવેમ્બરની 22મી તારીખે પાર્ષદની દીક્ષા આપી. પછી બીજા 50 દિવસમાં ગોંડલમાં એમને ભગવતી દીક્ષા આપી. 50 દિવસના એમના વર્તન, વાણી અને વિચારથી શાસ્ત્રીજી મહારાજ ખુશ થયા હતા. દીક્ષા મળતાં શાંતિલાલને નારાયણ સ્વરૂપ નામ મળ્યું
પ્રા.ચંદ્રકાન્ત પટેલ
સિદ્ધિને ઉંમર સાથે કંઈ લેવાદેવા નથી. જિંદગી લાંબી કે ટૂંકી તેનું મહત્વ નથી. પુરૂષાર્થ, લોક કલ્યાણનું કાર્ય અને માણસના સ્વભાવ સાથે તેને સંબંધ છે. ગુજરાતને ગરવું બનાવનાર ભગવાન સ્વામિનારાયણે 11 વર્ષની વયે વિચરણ શરૂ કર્યું અને 18 વર્ષની વયે રામાનંદ સ્વામી પાસે આવી ચઢ્યા. 19 વર્ષની વયે ધર્મધુરા ધારણ કરી અને સમગ્ર સમાજને બેઠો કર્યો. ધર્મના શાસ્રો સમાજ સુધારા કર્યાં. વ્યસન, કુસંગ દૂર કરીને સંખ્યાબંધ કોમોને આખીને આખી બદલી નાંખી. દલિત, વંચિત, ગરીબ, લોકોનો જગાડ્યા અને બદલ્યા. સ્ત્રીઓનું શોષણ અટકાવ્યું. ભગવાન સ્વામિનારાયણના જેટલી વયે પ્રમુખ સ્વામી મહારાજ સાધુ બન્યા. એમના સાધુત્વનની નોખી ભાત નીતરી. ભગવાન સ્વામિનારાયણે એમના જમાનામાં ગુજરાતને સ્વામિનારાયણના રંગે રંગ્યું તો પ્રમુખ સ્વામી મહારાજે 27 જેટલા દેશોની ધર્મયાત્રા કરી. તેમણે ભૌતિકવાદ અને ભોગવાદથી ભરપૂર સમાજમાં નવયુવાનોને આકર્ષ્યા. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રાબલ્યને કારણે વિદેશવાસી ગુજરાતીઓમાંના કેટલાંક આમાં ખેંચાયાં. ભૌતિકવાદ અને ભોગવાદ હોય તેમાં વસતા યુવકો આમાં માત્ર શબ્દોથી જ ના ખેંચાય. પ્રમુખ સ્વામી મહારાજની સરળતા, સાદગી, સાત્વિકતા અને સૌજન્યભર્યા વર્તાવને કારણે આ થયું. માત્ર ગુજરાતી જ નહીં પણ, કેટલાક ગોરા, આફ્રિકન, પારસી વગેરે યુવકોનેય પ્રમુખ સ્વામી મહારાજનું તેજ આંજી ગયું. ત્યાગ, સ્નેહ અને સામાને સમજવાની અને સાંભળવાની શક્તિ, ધીરજ અને તત્પરતાએ પ્રમુખ સ્વામી મહારાજે અનેકના હ્રદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું.
1921ની 7મી ડિસેમ્બર અને વિક્રમ સંવત 1978ના માગસર સુદ આઠમના દિવસે ચાણસદના ખેડૂત પરિવારના મોતીભાઈ પટેલને ત્યાં દિવાળીબેનને પેટે તેમનો જન્મ થયો. પરિવારમાં ભગતજી મહારાજના સમયથી સત્સંગ હતો. મોતીભાઈ અને દિવાળીબેનને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈને કહેલું, ‘આ પુત્ર અમારો છે અને અમે માગીએ ત્યારે તમે અમને આપજો.’ મા-બાપે પુત્રનું નામ શાંતિલાલ રાખેલું. દિવાળીબેન પોતાના દીકરા વિશે કહેતાં, ‘મારો દીકરો શાંત, મીઠા બોલો, શક્તિશાળી અને હોશિયાર છે.’ એમના સહાધ્યાયીઓ કહેતા, ‘શાંતિલાલની છાપ ગામમાં અને શાળામાં ઠરેલ, પ્રામાણિક અને વિશ્વાસપાત્ર વ્યક્તિની છે.’ શાંતિલાલનો વર્તાવ જોતાં એમના વિષેની ઉપરોક્ત માન્યતાઓ સાચી હતી. 17 વર્ષ સુધી ચાણસદ રહ્યા. છ વર્ષ સુધી શાળામાં ભણ્યા પછી તે ઘેર રહીને ખેતીમાં મદદરૂપ થતા. તેમને નાનપણમાં જ ભક્તિનો રંગ લાગેલો તેથી નિશાળેથી છૂટીને ગામના સ્વામિનારાયણ મંદિરે રોજ દર્શને જાય. સંતો આવે ત્યારે સંતો સોંપે તે સેવા કરે. તે જમાનામાં મંદિરમાં ઘનશ્યામ સ્વામી અને બાલમુકુંદ સ્વામી વધારે આવતા. શાંતિલાની સેવાથી બંને સંતો રાજી રહેતા. શાંતિલાલનું વર્તન જોઈને ગામ લોકોને થતું, આ છોકરો વખત આવ્યે સાધુ થઈ જશે.
1939માં શાંતિલાલ 17 વર્ષના હતા ત્યારે એમને શાસ્ત્રીજી મહારાજે પત્ર લખીને સાધુ થવા બોલાવ્યા. શાંતિલાલને મા-બાપે રાજી થઈને સાધુ થવા માટે રજા આપી. પત્ર લખ્યો તે જ દિવસે શાંતિલાલ ઘર છોડીને શાસ્ત્રીજી મહારાજને મળવા માટે શાહપુર આગલવાળી પોળ, અમદાવાદ પહોંચ્યા. શાસ્ત્રીજી મહારાજે એમને 1939ના નવેમ્બરની 22મી તારીખે પાર્ષદની દીક્ષા આપી. પછી બીજા 50 દિવસમાં ગોંડલમાં એમને ભગવતી દીક્ષા આપી. 50 દિવસના એમના વર્તન, વાણી અને વિચારથી શાસ્ત્રીજી મહારાજ ખુશ થયા હતા. દીક્ષા મળતાં શાંતિલાલને નારાયણ સ્વરૂપ નામ મળ્યું. હવે, સાધુ નારાયણ સ્વરૂપનાં ત્યાગ, તપ, સેવા અને ભક્તિથી શાસ્ત્રીજી મહારાજ ખુશ રહેતા. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ભાદરણ અને ખંભાતમાં રહીને શાસ્ત્રોનો અભ્યાસ કરીને તેઓ શાસ્ત્રીની પદવી પામ્યા. શાસ્ત્રીજી મહારાજે સ્થાપેલ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાને તે જમાનામાં વડતાલના વિરોધનો સામનો કરવો પડતો. અવારનવાર કોર્ટમાં જવું પડતું. બીજા સાધુઓ હતા પણ તે વડીલ હતા. નારાયણ સ્વરૂપદાસજી કરતાં તેમનું ભણતર ઓછું, આથી શાસ્ત્રીજી મહારાજને બધો વહીવટ અને જવાબદારી સંભાળે તેવા સાધુની જરૂર હતી. નારાયણ સ્વરૂપદાસ એવા સાધુ હોવાથી માત્ર 10 વર્ષમાં તેમને પ્રમુખ બનાવ્યા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું, ‘આમ કરીને હું સંસ્થાના પાયા પાતાળે નાખું છું.’ મારા અને યોગીજીના તેમને આશીર્વાદ છે. યોગીજીને આગળ રાખીને એ કામ કરશે. પ્રમુખ બનતાં બધાંએ પ્રમુખ સ્વામી કહેવાનું શરૂ કર્યું. શાંતિલાલમાંથી નારાયણ સ્વરૂપ સ્વામી અને પછી પ્રમુખ સ્વામી તરીકે ત્રીજી ઓળખ મળી.
પ્રમુખ બન્યા પછી તે દિવસે સાંજના ભોજન પછી તે સત્સંગીઓની ના છતાં વાસણ અજવાળવા મંડી પડ્યા. તેમની આ નમ્રતા અને ઉદ્યોગ પરાયણતા પછીના વર્ષોમાંય ચાલુ રહી. ઉતારાનાં સંડાસ કોઈ ના જુએ તેમ રાત્રે એકલા એકલા સાફ કરવાનુંય તેઓ કરી લેતા. શાસ્ત્રીજી મહારાજ હતા ત્યાં સુધી પ્રમુખ સ્વામીએ એમની છત્રછાયામાં રહીને કામ કર્યું. પોતે ક્યાંય નેતા કે પ્રમુખ છે તેવો ભાવ બતાવ્યો નહીં. શાસ્ત્રીજી મહારાજના અક્ષરધામગમન પછી યોગીજી મહારાજને આગળ રાખીને, તેમનો રાજીપો મળે તેવી રીતે કામ કરતા. 1960 અને 1970માં પૂર્વ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ધર્મપ્રસાર અને વિચરણ બંનેમાં તે યોગીબાપાના સાથીદાર બનીને વર્ત્યા અને બંને સ્થળે મંદિરો બાંધવામાં તેમને સાથ આપ્યો.
(ચરોતરના પ્રજાજીવન અને ઈતિહાસના અભ્યાસુ લેખક હાલમાં અમેરિકા નિવાસી છે.)
અબુધાબીઃ પહેલા સ્વામિનારાયણ હિન્દુ મંદિરની ફાઈનલ ડિઝાઈનની પ્રથમ તસવીરો જાહેર કરાઈ