અમુલે તો આજે પણ, ભૂતકાળમાં પોલસન ડેરીએ આણંદને વિશ્વના નકશામાં મૂક્યું હતું: લોકો ખુશામત કરવાના અંદાજને પણ ‘બટર’ ના લગાવ કહેવાને બદલે ‘પોલસન’ના લગાવ કહેતા હતા

અમુલે તો આજે પણ, ભૂતકાળમાં પોલસન ડેરીએ આણંદને વિશ્વના નકશામાં મૂક્યું હતું: લોકો ખુશામત કરવાના અંદાજને પણ ‘બટર’ ના લગાવ કહેવાને બદલે ‘પોલસન’ના લગાવ કહેતા હતા

1942-43ના અરસામાં મુંબઈમાં વસતા હજારો અંગ્રેજો એકએક બીમાર પડવા લાગ્યા. તપાસમાં ખબર પડી કે તેમની બીમારીનું કારણ દૂધ હતું. લંડનમાં દુધનું સેમ્પલ મોકલાયું. લંડનથી જે રિપોર્ટ આવ્યો તે આવો હતોઃ ‘બોમ્બેનું દુધ લંડનની ગટરના પાણી કરતાં પણ વધુ પ્રદુષિત છે.’

 

આણંદ

 

આણંદ સમગ્ર દેશમાં કો-ઓપરેટિવ મૂવમેન્ટ(Co-operative movement)નું પારણું ગણાય છે. આજે જેને કારણે આણંદની નામના અને મિલ્ક સિટી(Milk City)ની ઓળખ બની છે તે ડેરી ઉદ્યોગ તો તેમાં શિરમોર છે. આણંદે પૂરી દુનિયાને દૂધનો સહકારી સ્તરે કેવી રીતે ઉપયોગ કરીને એક આખો ઓર્ગેનાઈઝ્ડ બિઝનેસ કરી શકાય તે શીખવ્યું છે.

આણંદમાં સહકારી પ્રવૃત્તિ તરીકે વિકસેલો ડેરી ઉદ્યોગ આજે ભારતભરમાં મિલ્ક રેવોલ્યુશન રૂપે ફેલાઈ ગયો છે. આણંદે પ્રખ્યાત અમુલ ડેરી ઉપરાંત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB), ઈરમા(IRMA) સહિતનાં પશુ અને પશુઓને લગતી પ્રવૃત્તિઓ કઈ કઈ હોઈ શકે તેનું જ્ઞાન અને સમજણ પૂરા ભારત સહિત દુનિયાને આપ્યાં છે. અમુલ ડેરી(Amul Dairy)એ સહકારી રીતે આ પગરણ માંડ્યાં તે પહેલાં આણંદમાં એક ખ્યાતનામ ડેરી પણ હતી એ  આજની પેઢીને નહીં ખબર હોય.

રેલવે લાઈનની સમાંતરે, ક્રોસિંગથી પેલી બાજુ એક સમયે પૂરી દુનિયામાં જેની નામના હતી તે પોલસન ડેરી(Polson Dairy) ધમધમતી હતી. દોઢ એકર જમીન પર પથરાયેલી પોલસન મોડેલ ડેરીની બિલ્ડિંગ એ વખતે લોકો માટે કૌતુક હતું. આજે પોલસન ડેરીના કોઈ અવશેષ અહીં રહ્યા નથી પણ, પોલસન રોડ હજુ લોકમાનસમાં છે ખરો.

જે લોકો નોકરીઓમાં નિવૃત્તિની વય સુધી પહોંચ્યા હશે તેમણે આણંદમાં પોલસન ડેરી(Polson Dairy) નો રોલો જોયો હશે અને ઘણાં એવાય હશે જેમણે પોલસન ડેરીનું અતિ ફેમસ અને દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ગણાતું તેનું બટર ખાધું હશે. ભારત દેશ આઝાદ થયો તે પહેલાં પોલસન ડેરીએ વિશ્વસ્તરે આણંદનું નામ નકશામાં ડેરી ઉદ્યોગરૂપે મૂકી દીધું હતું. કોમર્શિયલ લેવલે આખા ભારતમાં સૌથી પહેલું બટર પણ પોલસન ડેરીએ વેચવાનું શરૂ કર્યું હતું.

ઈસવીસન 1928માં એક પારસી સદગૃહસ્થ પેસ્તનજી એડુલજી દલાલે પોલસન ડેરી(Polson Dairy) લોન્ચ કરી હતી. પોલસન પ્રારંભમાં કોફી મેન્ચુફેકચરિંગ કંપની હતી. 1888માં શેઠ પેસ્તનજી એડુલજી પોલસને બોમ્બેમાં કોફી વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. તેમની આ બ્રાન્ડનું નામ પણ પોલસન(Polson) હતું. મુંબઈમાં જ તેમણે 1915ની આસપાસ દૂધની બનાવટો બટર અને ચીઝ વેચવાનું પણ શરૂ કર્યું હતું. આ પહેલાં પોલસન મેન્યુફેકચરિંગ કંપની બહારથી ક્રિમ મંગાવીને મુંબઈમાં બટરનો ધંધો કરતી હતી.

1942-43ના અરસામાં મુંબઈમાં વસતા હજારો અંગ્રેજો એકએક બીમાર પડવા લાગ્યા. તપાસમાં ખબર પડી કે તેમની બીમારીનું કારણ દૂધ હતું. લંડનમાં દુધનું સેમ્પલ મોકલાયું. લંડનથી જે રિપોર્ટ આવ્યો તે આવો હતોઃ ‘બોમ્બેનું દુધ લંડનની ગટરના પાણી કરતાં પણ વધુ પ્રદુષિત છે.’ બોમ્બેમાં પીવાલાયક શુદ્ધ દૂધ ક્યાંથી મળે? અંગ્રેજ સરકારે આ રીતે ખેડૂતોના ધંધામાં ધાપ મારી. ખેડા જિલ્લામાં દુધાળાં પશુઓની ભરમાર હતી એટલે અહીં ડેરી ઉદ્યોગ સ્થપાયો.

આણંદમાં આ બિઝનેસ શરૂ કરવા પાછળનું કારણ 30 માઈલના એરિયામાંથી મળી રહેલું દૂધ હતું. આ એરિયામાં પશુપાલન જોરદાર હતું એટલે જાણે દૂધની નદીઓ વહેતી હતી. પોલસને ડેરી(Polson Dairy)એ તે વખતે તેમના સ્ટાફમાંથી એક માણસને યુરોપની ડેરીઓમાં ક્વોલિટીવાળું બટર કેવી રીતે બનાવાય તે શીખવા માટે યુરોપ મોકલ્યો હતો. એ વખતના મુંબઈના ગવર્નર ફ્રેડરિક સાઈમ્સે 3 ફ્રેબ્રુઆરી 1930ના રોજ બટર બનાવવાનો આ પ્લાન્ટ ખુલ્લો મુક્યો હતો. સૌથી મોટી વાત એ હતી કે એ જમાનામાં પોલસન ડેરીએ એગમાર્ક નિયમનું પાલન પણ કર્યું હતું. એગ્રીકલ્ચરલ માર્કેટિંગ એડવાઈઝરમાં તેની નોંધણી કરાવી હતી અને કોઈપણ સમયે આ સંસ્થાનો ઈન્સ્પેક્ટર ડેરીમાં આવીને તેનું બટર ચકાસી શકતો હતો.

પેસ્તનજી પોલસનનો બ્રિટિશ એલિટ વર્ગમાં દબદબો હતો. તેમને પોલીના હુલામણા નામે લોકો બોલાવતા હતા. 1930 સુધીમાં તો પોલસન ડેરી(Polson Dairy) ભારતભરમાં બટર બિઝનેસમાં એક જાણીતું નામ થઈ ગયું. બટર એટલે જ પોલસન અને પોલસન એટલે બટર. ત્યાં સુધી કે લોકો ખુશામત કરવાના અંદાજને પણ બટર ના લગાવ કહેવાને બદલે પોલસન ના લગાવ કહેવા લાગ્યા હતા. 1950-60ના દાયકામાં પોલસન બટરની એટલી જાહેરાત કરી દેવામાં આવી હતી કે પૂરા ભારતમાં જે લોકો બ્રેડ બટર ખાઈ શકતા હતા તેમની સવાર પોલસનની પ્રોડક્ટ સાથેજ પડતી હતી.

પોલસન બટરની એડવર્ટાઈઝ પણ એટલી કરવામાં આવતી હતી. હકીકત, એ પણ હતી કે પોલસન સિવાય ભારતમાં બીજી કોઈ એવી બ્રાન્ડ દૂધની પ્રોડક્ટ બનાવતી નહોતી. પોલસનનું બટર એક યુનિક ટેસ્ટ ધરાવતું હતું તેમ આણંદના એક સદગૃહસ્થે કહ્યું હતું. 88 વર્ષના શનાભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે, પોલસનનું બટર સોલ્ટી(ખારું) હતું અને તેનો આ ટેસ્ટ જ તેને યુનિક બ્રાન્ડ બનાવતો હતો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ડેરીએ તત્કાલીન ભારતની બ્રિટિશ સરકારના આર્મીને લાખો ટનના હિસાબે બટર આપીને મોટો ધંધો કર્યો હતો. આ દરમિયાન ચીઝનું એક નવું યુનિટ પણ પોલસન ડેરી ખાતે શરૂ થઈ ગયું હતું અને હજારો ટન ચીઝ બ્રિટિશ સૈનિકોને ફ્રન્ટલાઈન પર મોકલાયું હતું. ઈસવીસન 1945માં મુંબઈની સરકારે પોલસનને દૂધ અને તેની બનાવટો મોકલવા માટે કરાર કર્યો હતો. આ માટે એક અલગ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. કંપનીને ઈસવીસન 1938માં પોલસન પ્રાઈવેટ લિમિટેડ બનાવવામાં આવી હતી.

પોલસન ડેરીએ એ વખતે દરેક ખરીદી પર ગિફ્ટ કુપનની શરૂઆત કરી હતી અને કસ્ટમર આ કુપનને રિડીમ કરાવીને તેમાંથી ટોસ્ટર કે મિક્સર લઈ શકતા હતા. અત્યારે અમુલની જાહેરાતમાં જે બેબી દેખાય છે તેવી જ બેબી પોલસન ડેરીના બટરની જાહેરાતમાં આવતી હતી. પોલસન ડેરી(Polson Dairy)નું નામ લોકોમાં એટલું બધું પ્રિય થયેલું કે દુધની વાત આવે એટલે પોલસનને જ સાંકળી દેવાતી હતી.

અત્યારે દુધની બનાવટ સાથે જેમ અમુલનો ઉલ્લેખ થઈ જાય છે તેમ 50-60ના દાયકામાં પોલસન ડેરી સાથે બનતું હતું. ચરોતરની દરેક ગૃહિણી એ વખતે ઘરમાં પોલસન જેવું બટર બનાવવા વલોણાં કરતી કેમકે, એ વખતે ખરીદીની બટર ખાવાનો મહિમા નહોતો. નોંધપાત્ર બાબત એ છે કે પોલસન દેશી ડેરી હોવા છતાં તેણે દૂધ પ્રોવાઈડ કરનારા પણ ખાઈ શકે તેવી બટરની કિંમત રાખવાને બદલે સમાજનો એલિટ વર્ગ જ તે ખરીદી શકે તેવી પ્રાઈઝ રાખી હતી.

મોટાભાગે બ્રિટિશરો અને તે પછી એંગ્લો ઈન્ડિયન્સ પોલસનનું આ બટર ખાઈ શકતા હતા. પોલસનનું બટર ખાવું એક વખતે સ્ટેટસ સિમ્બલો ગણાતું હતું. એ વખતે પૈસાદારોના ઘરોમાં પણ ફ્રીજ નહોતું એટલે પોલસનનું તાજું ખરીદેલું જ બટર ખવાતું. પોલસને એ વખતે પેશ્ચુરાઈઝડ પ્લાન્ટ પણ નાંખ્યો હતો. દુધને જીવજંતુમુક્ત કરવાનું પણ પોલસને શરૂ કર્યું હતું.

આણંદમાં પોલસન ડેરી આવી તે પહેલાં ખેડૂતોની સ્થિતિ દયાજનક હતી. દૂધનાં પૈસા મળતા નહીં અને સાચવવાની કોઈ સુવિધા નહોતી તેને કારણે ઘણીવાર તેની મહેનત માથે પડતી. પોલસનના આગમન સાથે ઢોરઢાંખર રાખનારા ખેડૂતને રાહત થવા માંડી. ખેડૂતને દૂધના બદલામાં રોકડ નાણાં મળતા તેથી તેને બારેય માસે સામાજિક કામો કરવાની મોકળાશ તેને મળવા માંડી.

જોકે, 1960ના દાયકામાં ખેડા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ એટલે કે અમુલ ડેરીની માર્કેટમાં એન્ટ્રી થતાં જ પોલસનનો સિતારો આથમવા માંડ્યો. પોલસન ખેડૂતોનું શોષણ  કરતી હોવાનું વ્યાપક ફરિયાદો હતી. ડેરી એન્જિનિયર ડો. વર્ગીસ કુરિયન અને તેમના ગુરુ ત્રિભુવનદાસ પટેલની બેલડીએ પોલસનના પરદા પાડી દીધા. આજે ‘પોલસન’ (Polson Dairy)એક સંસ્મરણરૂપે લોકોના દિમાગમાં રહી ગઈ છે.

નોટબંધી લદાઈ ન હોત, કોરોના લોકડાઉન લાગુ ન થયો હોત તો આણંદની ‘લક્ષ્મી’ હજુ રણકતી હોત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!