આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ તથા પેટલાદ નગરપાલિકાઓના વિસ્તારોમાં તથા તારાપુર ગામની ગ્રામ પંચાયત વિસ્તાર માટે સાંજના પાંચથી સવારના છ વાગ્યાના બંધ માટે કલેક્ટરનું જાહેરનામું
આણંદ
આણંદ જિલ્લામાં કોરોનાની વકરી રહેલી પરિસ્થિતિને પગલે બજારોમાં ભીડ ઓછી કરીને રોગચાળાને કંટ્રોલ કરવાના એક પગલાંરૂપે બુધવારે રામનવમીથી આગામી 30મી એપ્રિલ સુધી સાંજે પાંચ વાગ્યાથી તમામ મોલ, શાક માર્કેટ, બજારો, દુકાનો સહિત બધું બંધ રાખવા માટે વેપારીઓ વચ્ચે સંમતિ સધાઈ છે.
મંગળવારે બપોર પછી આણંદના વેપારી એસોસિએશનના પ્રમુખ અને હોદેદારોએ કલેક્ટર આર.જી.ગોહીલ મળી તેઓની સાથે બેઠક કરી હતી. આ બેઠક માં કલેક્ટરે સૌને કોરોના સંક્રમણને અટકાવવા સાંજે પાંચ વાગ્યા પછી બજારો બંધ રહે તો બજારમાં ભીડ ન થાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય તેમ જણાવ્યું હતું.
કલેક્ટરે લોકોને કોરોનાગ્રસ્ત થતા અટકાવી શકાય એવી ભાવના સાથે વેપારી આગેવાનોને વિનંતી કરી હતી જેનો તમામ વહેપારી આગેવાનોએ જાહેર જનતાના હિતમાં સર્વાનુમતે સ્વીકાર કર્યો હતો. આમ, બુધવારે સાંજે પાંચ વાગ્યાથી બજારો બંધ રહેશે અને બીજા આદેશ સુધી રોજ સાંજ પાંચ વાગ્યા પછી બજારો સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે.
આ બેઠક માં ભરત પટેલ, એ.પી.એમ.સી.ના નંદલાલ ભાનુશાળી , આણંદ વહેપારી એસોસિએશનના પટેલ જગદીશભાઈ બાબુભાઈ,સુપર માર્કેટના ઈનતુભાઈ દીવાન, મંત્રી હાજી અલ્તાફભાઈ સહિત વિવિધ બજારો, એસોસિએશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન, રોગચાળાને નિયંત્રણમાં લેવા જરૂરી પ્રતિબંધો મુકવામાં આવેલા હોય આણંદ જિલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવેલું છે. આ મુજબ તા.૨૧/૦૪/૨૦૧૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી સાંજના ૦૫:૦૦ કલાકથી સવારના ૦૬:00 કલાક સુધી આણંદ, કરમસદ, વિદ્યાનગર, ઉમરેઠ, ખંભાત, બોરસદ તથા પેટલાદ નગરપાલિકાઓના વિસ્તારોમાં તથા તારાપુર ગામની ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ શોપિંગ મોલ, સિનેમાગૃહ, બાગ-બગીચા, ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા (પાનનાં ગલ્લા, ચાની લારીઓ સહિત તમામ), શાકભાજી બજારો સહિત તમામ પ્રકારના માર્કેટ, તમામ વાણિજ્ય વિષયક ઓફિસ તથા કોમર્શીયલ કોમ્પલેક્ષ, હોટલ-રેસ્ટોરન્ટ, સ્વીમીંગપુલ, દુકાનો, ખાનગી ઓફિસો, જીમ, ધાર્મિક સ્થળો, કોમ્યુનીટી હોલ, વગેરેતમામ જાહેર સ્થળો બંધ રાખવાના રહેશે.
મેડિકલ સ્ટોર તથા ઇ-કોમર્સ દ્વારા ફાર્માસ્યુટીકલ હોમ ડિલેવરી,દુધ વિતરણ, ટીફીન સર્વિસ, હોટલ રેસ્ટોરન્ટમાં સાંજે ૦૫:૦૦ ક્લાકથી ૦૮:૦૦ કલાક દરમિયાન હોમ ડિલિવરી- ટેક અવે કરી શકાશે. કંપનીઓના શિફ્ટિંગ ડ્યુટીવાળા કર્મચારીઓને લાવવા લઇ જવા આવતા કંપનીના વાહનો તથા તેમાં પ્રવેશ કરતા કર્મચારીઓને રાત્રિ કરફર્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. જોકે, સંબંધિત કર્મચારીઓએ તેમના વાહનો અને તેમાં પ્રવાસ કરનાર કર્મચારીની વિગત પોલીસ કંટ્રોલરૂમમાં આપવાની રહેશે.