ઓક્સફોર્ડની કોરોના વેક્સિનથી માણસ વાંદરો બની  જશે?: સોશિયલ મીડિયામાં વાઈરલ મેસેજથી હોબાળો

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનથી માણસ વાંદરો બની જશે?: સોશિયલ મીડિયામાં વાઈરલ મેસેજથી હોબાળો

રશિયાએ પોતાની વેક્સિન સામે બીજા દેશના સંશોધનને

નીચું દેખાડવા માટે કુપ્રચાર શરૂ કર્યો હોવાનો ધડાકો

 

લંડન

 

હાલમાં કોરોના વાયરસની વેક્સિન દુનિયાના તમામ દેશોમાં શોધવા માટે રાતદિવસના પ્રયાસો ચાલી રહ્યો છે. ભારત, અમેરિકા, યુકે, રશિયા અને ચીને રસી શોધવા માટે પ્રયાસો કર્યા છે. રશિયાએ તો પોતે રસી શોધી લીધી હોવાનો દાવો કરીને સપ્ટેમ્બર મહિનામાં એવી જાહેરાત કરી હતી કે નવેમ્બરથી તે રશિયામાં સામુહિક ધોરણે લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેશે. ચીને પણ પોતે રસી લીધી હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, દુનિયાની જાણીતી દવા બનાવતી કંપની જોનસન એન્ડ જોનસને એમ કહીને તેનું સંશોધન અટકાવી દીધું છે કે આ રસીના ટ્રાયલ દરમિયાન વિચિત્ર કહી શકાય તેવી બીમારી તેમના ધ્યાનમાં આવી છે. આ બીમારી મગજની હોવાનું કહેવાય છે.

કોરોનાની રસી અંગેના સમાચારો એક પછી એક આવી રહ્યા છે ત્યારે રશિયાએ બીજો કુપ્રચાર શરૂ કરી દીધો હોવાનું બહાર આવ્યું છે. રશિયાએ સોશિયલ મીડિયામાં એવી વાતો ફેલાવવા માંડી છે કે ઓક્સફોર્ડની રસી જો માણસને અપાશે તેનાથી તે વાંદરો બની જશે. રશિયાએ આમ કહીને યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનને વાંદરો દેખાડતું મીમ પણ બનાવ્યું છે અને ફેરવવા માંડ્યું છે. આ ઘટનાથી બ્રિટન અને અમેરિકા ખૂબ અકળાયાં છે. એવુ બહાર આવ્યું છે કે રશિયાના કેટલાક ચાંચિયાઓ આ કામમાં સંડોવાયેલા છે. તેઓ ટીવી અને સોશિયલ મીડિયામાં એવો પ્રચાર કરી રહ્યા છે કે ઓક્સફોર્ડની રસી આપવાથી માણસ વાંદરો બની જાય છે. તેના શરીર અને મોં પર વાળ ઉગી નીકળે છે અને તે બીગ ફૂટ એટલે કે ચિમ્પાન્ઝી જેવો લાગવા માંડે છે. રશિયાએ યુકેના વડાપ્રધાન બોરિસ જોનસનને એસ્ટ્રા ઝેનેકાના કોટ સાથે દર્શાવીને આ પોસ્ટર ફેલાવવા માંડ્યું છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને મેડિકલ કંપની એસ્ટ્રાઝેનેકા આ રસી શોધી રહ્યું છે. એટલું જ નહીં, અમેરિકાના અંકલ સેમનો ફોટો લગાવીને તેની નીચે રશિયન પ્રચારકોએ લખ્યું છે, હું તને ફરી પાછો વાંદરો બનાવી દેવા માગું છું. આ અંગેના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયામાં મુકાયા છે. રશિયન ટીવી પ્રોગ્રામ વેસ્ટી ન્યૂઝ કે જે બીબીસીની સમકક્ષ ગણાય છે તેણે પણ આવો કુપ્રચાર શરૂ કર્યો છે. એસ્ટ્રેઝેનેકાના ચીફ એક્ઝિક્યુટિવ પાસ્કલ સોરિયોટે કહ્યું હતું કે, રશિયા આમ કરીને તેમના કામને નીચું દેખાડી રહ્યું છે. ઓક્સફોર્ડ વેક્સિન ગ્રૂપના ડિરેક્ટર પ્રોફેસર એન્ડ્રુ પોલાર્ડે પણ રશિયાના આ પગલાંની ટીકા કરી હતી. ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું છે કે રશિયા જે વેક્સિન બનાવી હોવાનો દાવો કરે છે તેવી જ વેકિસન ઓક્સફોર્ડ બનાવી રહી છે. દુનિયામાં જ્યાં જ્યાં પ્રયોગો થઈ રહ્યા છે ત્યાં પણ રશિયા જેવી જ રસી માટે પ્રયાસો ચાલે છે. માણસના શરીરમાં વાયરસ એક જ પ્રકારનો છે એટલે રસીનું સંશોધન પણ મોટાભાગે એક જ પ્રકારનું હોય છે. ઓક્સફોર્ડના જણાવ્યા પ્રમાણે તેમણે તેમના પ્રયોગોમાં ચિમ્પાન્ઝીનો પ્રયોગ પણ કર્યો નથી. તેમણે કહ્યું કે, વાયરસ પ્રાણીઓને ઝડપથી ચેપ લગાડતો નથી.

ભારત, ચીન, રશિયા, બ્રાઝિલ અને અમેરિકા સહિતના દેશો કોરોના વેક્સિન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોનસન એન્ડ જોનસન કંપની પણ આ દિશામાં કામ કરી રહી છે પણ તેણે સોમવારે વેક્સિનની ટ્રાયલ અટકાવી દેવાની જાહેરાત કરી હતી. જોનસન એન્ડ જોનસનના ક્લિનિકલ અને સેફ્ટી ફિઝિશિયનોએ સોમવારે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, તેમણે કોવિડ-19ની વેક્સિનની ટ્રાયલ અટકાવી દીધી છે. કેમકે, ટ્રાયલ દરમિયાન જે કેન્ડિડેટના શરીર પર રસીનો ઉપયોગ કરાયો હતો તેમને વિચિત્ર કહી શકાય તેવી બીમારી થઈ હતી. નોંધપાત્ર બાબત એ છે કે જોનસન એન્ડ જોનસન કંપનીના ક્વાર્ટર રિઝલ્ટની મંગળવારે જાહેરાત થવાની છે તે પહેલાં જ સોમવારે તેણે આ ધડાકો કર્યો હતો. કંપનીએ જોકે એમ કહ્યું હતું કે, જ્યારે મોટી બીમારીની ટ્રાયલ કરતા હોઈએ ત્યારે આ પ્રકારની મુશ્કેલીઓ આવતી રહેતી હોય છે. હાલમાં તેમણે બંધ કરેલો આ પ્રયોગ પણ આવી જ મુશ્કેલીનો એક ભાગ છે. જોનસન એન્ડ જોનસન કંપની ભલે આ વાત કરતી હોય પણ સપ્ટેમ્બરમાં પણ બીજી એક કંપની જ્યારે ટ્રાયલ કરી રહી હતી ત્યારે તેને પણ આવી વિચિત્ર બીમારીનો અનુભવ થયો હતો. સપ્ટેમ્બરમાં એસ્ટ્રાઝેનેકાએ ઓક્સફોર્ડ સાથે મળીને થઈ રહેલી કોરોના વેક્સિન માટેની તેની ટ્રાયલ અટકાવી દીધી હતી. ઓક્સફોર્ડે પણ એમ જ કહ્યું હતું કે, તેમને ટ્રાયલ દરમિયાન કોરોના કરતાં પણ કંઈ વિચિત્ર બીમારી જોવા મળી છે. ઓક્સફોર્ડની આ ટ્રાયલ હજુ સુધી પાછી ફરી શરૂ થઈ શકી નથી. એટલું જ નહીં, પેલી બીમારી શું છે તેની વિગતો પણ એ લોકોએ જાહેર કરી નથી. ઓક્સફોર્ડ ખાતે રસીના ટ્રાયલ સાથે સંકળાયેલા ડો. વિલિયમ સાફનરે કહ્યું કે, દરેક જણ આ અંગે સાવચેત છે કેમકે, જે કંઈ થયું છે તે ચોંકાવનારું છે અને તેની તપાસ કરતાં ખાસ્સો સમય લાગી શકે છે. તેમણે કહ્યું હતું કે, જો પ્રોસ્ટેટ કેન્સર, ગંભીર ડાયાબિટિસ કે હાર્ટ એટેક જેવી વાત હોત તો તેમણે આ ટ્રાયલ અટકાવી ના દીધી હોત. પણ રસીને કારણે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ ઊભા થઈ રહ્યા છે. તેનો અર્થ એ થયો કે કોરોનાની રસી માણસના મગજની સાથે છેડછાડ કરી રહી છે અને તેમાંથી એક નવી બીમારી જન્મી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!