ગુજરાતમાં કોરોનાકાળમાં લગનિયાંય ઓનલાઈનઃ હવે કંકોતરી લઈને કલેક્ટરની ઓફિસે જવાની જરૂર નથી

ગુજરાતમાં કોરોનાકાળમાં લગનિયાંય ઓનલાઈનઃ હવે કંકોતરી લઈને કલેક્ટરની ઓફિસે જવાની જરૂર નથી

ચરોતરમાં વેક્સિન માટેની તૈયારીઓ ધમધમાટઃ 50 વર્ષથી વધુ વયના, જોખમી બીમારી ધરાવનારને પ્રાયોરિટીના ધોરણે રસીઃ વિધાનસભા યાદીના આધારે ડેટા બેઝ તૈયાર થશે

 

યાયાવર ડેસ્ક>આણંદ

 

ભારતમાં કોરોના સંકટ હજુ હળવું થયું નથી. ગુજરાત સહિત દેશભરમાં રોજ પોઝિટિવ કેસો નોંધાવાનું ચાલુ છે. તમામ પ્રકારના જાહેર મેળાવડા અને સમારંભો બંધ રાખવામાં આવેલા છે. ગુજરાતનાં મોટાં ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં તો રાત્રિ કરફ્યૂ અમલી છે. સ્કૂલો-કોલેજો કે શિક્ષણ સંસ્થાનો ખોલી શકાય તેવી સ્થિતિ હજુ સંભવી નથી. ક્યાંક લોકો ભેગા થાય અને કોરોનાનો મોટો વિસ્ફોટ થાય તેવો ભય ચારેબાજુ પ્રવર્તે છે ત્યારે સરકારે હવે લગ્નોની નોંધણી ઓનલાઈન કરી દેવા માટે વિચારણા કરી છે. આમ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા લગ્ન કે સત્કાર સમારંભોમાં 100 વ્યક્તિની મર્યાદા સાથે ઉજવણીને મંજૂરી આપવામાં આવેલી છે પણ હવેથી આગામી સમયમાં રાજ્ય સરકારે લગ્નની નોંધણી ઓનલાઈન કરી દેવાનું નક્કી કર્યું છે. હમણાં સુધી ઘરમાં લગ્ન હોય તો કલેક્ટરની ઓફિસે તમારે કંકોતરી લઈને લાઈનમાં ઊભા રહેવાનું બનતું હતું પણ હવેથી તેમ કરવાને બદલે ઓનલાઈન નોંધણી કરીને પરમિશન લઈ લેવાની રહેશે. ઉલ્લેખનીય છે કે દિવાળી પછીના દિવસોમાં ગુજરાતમાં અનેક લગ્ન પ્રસંગો લેવાયા હતા અને તે માટે કંકોતરી લઈને કલેક્ટરની ઓફિસે પરવાનગી મેળવવી ફરજિયાત હતી. હવે, આ નોંધણી ઓનલાઈન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online registration for organizing marriage function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર www.digitalgujarat.gov.in પર શરૂ થઈ ગયું છે. આ અંતર્ગત લગ્ન સમારંભ યોજવા અંગે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ રજિસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ કાઢી શકાશે અથવા તેની પીડીએફ મેળવી શકાશે. જ્યારે પણ તમારે ત્યાં સમારંભ ચાલતો હોય અને પોલીસ આવીને પરવાનગી લીધી છે કે નહીં તેનો પુરાવો માગે ત્યારે તમારે આ સ્લીપ રજૂ કરવાની રહેશે.

આણંદમાં શુક્રવારે ફક્ત ચાર કેસ નોંધાયાઃ 1. ભવાનસિંહ રતનસિંહ રાજ(60), રહે. 47, રઘુવીર વાટિકા સોસાયટી, ચિખોદરા ચોકડી પાછળ, આણંદ(શ્રી ક્રિશ્ના હોસ્પિટલ), 2. ભૂપેન્દ્ર જશભાઈ પટેલ(55), આકૃતિ પાર્ક સોસાયટી, આણંદ(શ્રી ક્રિશ્ના હોસ્પિટલ), 3. દુલાભાઈ ખોડાભાઈ મકવાણા(60), રહે. બુધેજ(હોમ આઈસોલેશન), 4. રમીલાબેન પટેલ(62), રહે. સળિયાની ખડકી, મેલડી માતા પાસે, ઉમરેઠ, આણંદ(ટી સ્કવેર હોસ્પિટલ, આણંદ)

દરમિયાન, આણંદ અને ખેડા જિલ્લામાં પણ દેશનાં અન્ય વિસ્તારોની માફક કોરોના વેક્સિન આપવા માટેની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. આ માટે ડેટાબેઝ તૈયાર કરાશે અને તેની કામગીરી શુક્રવારથી શરૂ થઈ ગઈ છે. 13મી સુધી આ ડેટાબેઝ તૈયાર કરાશે અને તેના માટે ઘેરઘેર જઈને જેને સૌથી પહેલાં વેક્સિન આપવી પડે તેમ છે તેમનાં નામ તૈયાર કરાશે. પ્રારંભમાં જે લોકોની ઉંમર 50થી વધુ છે તેમને આ રસીકરણ કાર્યક્રમમાં પ્રાથમિકતા અપાશે. ડેટાબેઝ વિધાનસભાની મતદાર યાદીનો આધાર લઈને તૈયાર કરાશે અને તે પછી આવા લોકોનો સંપર્ક કરીને તેમને રસીકરણ માટે લઈ જવાશે. આણંદ અને ખેડા કલેક્ટર ઓફિસ દ્વારા શુક્રવારથી આ કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. બુથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓની સાથે આરોગ્ય વિભાગના કર્મચારી અને સ્થાનિક નગરપાલિકાના એક કર્મચારીની ટીમ બનાવીને અત્યારે આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રવિવાર સુધીમાં આ તમામ કામગીરી પૂર્ણ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ડેટાબેઝમાં જે વ્યક્તિને રસી આપવાની છે તેના નામ, સરનામાં સાથે તેના મોબાઈલ નંબરની વિગતો પણ મૂકવામાં આવનાર છે. આ ડેટાબેઝ તૈયાર થઈ જાય પછી જ્યારે પણ રસી આવશે ત્યારે આ લોકોનો ફોન પર સંપર્ક કરીને તેમને હોસ્પિટલમાં કે આરોગ્ય કેન્દ્રમાં બોલાવવામાં આવશે અને તેમને કોરોનાની રસી આપવામાં આવશે. આ સિવાય અન્ય પ્રાયોરિટીમાં જે લોકોની વય 50 વર્ષથી નીચે છે પણ જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હ્રદયરોગ, એચઆઈવી કે કેન્સર જેવી ગંભીર બીમારી છે તેમને પણ આ સાથે જ રસીનો ડોઝ આપવામાં આવનાર છે. બુથ લેવલ ઓફિસર તરીકે આરોગ્ય વિભાગના સ્થાનિક નગરપાલિકાના કર્મચારીની કામગીરી ઉપર દેખરેખ માટે બીજા 10 બુથ પ્રમાણે એક સુપરવાઈઝરની નિયુક્તિ કરવામાં આવી છે. સમગ્ર આણંદ અને ખેડા જિલ્લામાં આ માટે પ્રાંત અધિકારી સાથે મામલતદાર, ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીની દેખરેખમાં રવિવાર સુધીમાં એક સોફ્ટવેર બનાવીને તેમાં આ તમામ ડેટા ફિડ કરવામાં આવશે. જે લોકોને પ્રાયોરિટી ધોરણે વેક્સિન આપવાની છે તેમને પણ આ માટે માનસિક રીતે તૈયાર થવા માટે જણાવવામાં આવશે અને જે લોકો રસી આપવાના છે તેમને પણ આ માટેની ટ્રેનીંગ પૂરી પાડવામાં આવશે. આટલા વ્યાપક સ્તરે કોરોના વેક્સિન આપવાનું હોવાથી શુક્રવારે બંને જિલ્લાઓમાં વહીવટી અને આરોગ્યતંત્રની એકસાથે મિટિંગ ભરવામાં આવી હતી અને તેના અંગેનાં સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યાં હતાં. દરમિયાન, ચરોતરમાં ખેડા જિલ્લામાં કોરોનાના કહેર જારી અલબત્ત, છેલ્લાં અઠવાડિયાથી જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વધુ ૨૪ કેસ નોંધાયા છે. જિલ્લામાં ઠાસરા તાલુકાના સમાદરા, ઠાસરા અને સુઈ ગામમાં એકએક મળી તાલુકામાં કુલ ત્રણ કેસ નોંધાયા હતા. ગળતેશ્વર તાલુકાના અંબાવ અને મીઠાના મુવાડામાં એક-એક મળી બે કેસ નોંધાયા હતા. તદુપરાંત, તાલુકા મથક મહેમદાવાદ અને તાલુકાના કાચ્છઈ ગામમાં એકએક કેસ નોંધાયો હતો. ખેડા તાલુકાના કનીજમાં એક કેસ તેમજ તાલુકામથક કપડવંજમાં પણ એક કેસ જોવા મળ્યો હતો. જિલ્લાના વડામથક નડિયાદ ખાતે ૧૫ કેસ સાથે કોરોનાનો વિસ્ફોટ જોવા મળ્યો હતો. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 1.40 લાખ નાગરિકો કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં 1.38 લાખ નાગરિકો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આણંદ જિલ્લામા આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ અને પીએચસી કેન્દ્રો સહિત કેટલીક સંસ્થાઓ મળીને એક લાખ જેટલા રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં 15 દિવસ સંક્રમણ ઘટી જાય છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!