ચરોતરના એક માઈગ્રન્ટે જોહાનિસબર્ગમાં જઈને દંતકથારૂપ ‘મેબ્રો’ હેટનો બિઝનેસ એવો વિકસાવ્યો કે…

ચરોતરના એક માઈગ્રન્ટે જોહાનિસબર્ગમાં જઈને દંતકથારૂપ ‘મેબ્રો’ હેટનો બિઝનેસ એવો વિકસાવ્યો કે…

ભીખા ઉકા કુંભાર જ્ઞાતિના હતા અને તેમની સરનેમ પ્રજાપતિ હતી. સાઉથ આફ્રિકામાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમણે પોતાનો પ્રોફેશન બદલી નાખવાનું નક્કી કર્યું અને પ્રજાપતિમાંથી માસ્ટર સરનેમ કરી નાખી

 

નીલકેશ કાન્તિલાલ

 

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તેમાં પણ કોઈ ગુજરાતી જો વિદેશમાં જઈને વેપાર કરવા માંડે તો તેની સફળતા આસમાનને અડવા માંડે. ઘણાં ગુજરાતીઓએ વિદેશમાં જઈને વેપાર-ધંધા કર્યા છે અને નામ અને દામ કમાયા છે. ખાસ કરીને ચરોતર અને સુરતના પાટીદારોએ વિવિધ બિઝનેસમાં ઝુકાવીને નામના બનાવી છે. જોકે, સાઉથ આફ્રિકામાં એક બિઝનેસમેન એવા છે જેમણે એક અલગ પ્રોડક્ટ સાથે પોતાની બ્રાન્ડ ઈમેજ વિકસાવી છે.

ઇતિહાસ અને સામાજિક રીતે જોઈએ તો આ પ્રોડક્ટ ભારતમાં ભલે તમને બહુ દેખાતી નહીં હોય પણ વિદેશમાં તેની ખાસ્સી ચાહના અને ડિમાન્ડ રહે છે. આ પ્રોડક્ટ છે હેટ(ટોપી). યુરોપિયનોએ ભારત સાથે 16મી સદીમાં વેપાર શરૂ કર્યો હતો. એ વખતે અંગ્રેજોએ નક્કી કરેલું કે તેઓ તેમનું માથું ક્યારેય ખુલ્લું નહીં રાખે કેમકે, ભારત ગરમીનો પ્રદેશ છે. અંગ્રેજોને તમે મોટાભાગે હેટમાં જોશો. આ લોકોને એ જમાનામાં લોકો ‘કુલાહપોશાન’ એટલે કે ટોપીવાળા માણસો તરીકે ઓળખતા હતા.

ભારતમાં, માણસો કેવા પ્રકારની પાઘડી પહેરે છે તેના પરથી તેના કુળ અને ખાનદાનની ઓળખ થતી હતી. વર્ણ વ્યવસ્થાના આધારે આ પાઘડીઓ બંધાતી અને તેના આધારે જ જાહેરમાં માણસ ઓળખાઈ જતો હતો. પાઘડી સામે અંગ્રેજો હેટ પહેરતા હતા. ભારતમાં તે વખતે પણ હેટની કોઈ પ્રથા નહોતી. આજે પણ નથી. બહુ ઓછા લોકો હેટ પહેરે છે. એવું કહેવાય છે કે માથું ખુલ્લું રાખવું એ એક પ્રકારની અમાન્યા ન જાળવવાનો સંકેત હતો.

માથે પાઘડી બાંધવી કે ટોપી પહેરવી સ્ટેટસ સિમ્બોલ ગણાતું. નીચલી ગણાતી જ્ઞાતિઓ જો કહેવાતી ઉપલી ગણાતી જ્ઞાતિઓની સામે આવી જાય તો તેણે માથા પરથી પાઘડી કે પહેરેલું કપડું ઉતારી નાખવું પડતું. પાઘડી આદર અને અહમનો સિમ્બોલ પણ હતી. પાઘડી કોઈના પગ પર રાખી મૂકવાની લાચારી કે અદાનો અર્થ કોઈના શરણે થઈ જવું કે માફી માગવી તેમ થતો હતો.

વિદેશમાં હેટ આ રીતનું પ્રતીક હતી. ખાસ કરીને જે લોકો પૈસાદાર હતા તેમને માટે હેટ જાહોજલાલીનો પોકાર હતો. જૂના જમાનાની ગોરી મેડમોને જોશો તો તે હેટ વિના ક્યારેય દેખાશે નહીં. સ્ટોવપાઈપ હેટ પુરુષો પહેરતા અને બેરોક ફોલિયેજ હેટ મહિલાઓ પહેરતી હતી.

એક વખત એવો હતો કે, વિદેશી ગોરાઓ માટે હેટ પહેરવી એક પ્રકારનું ગાંડપણ થઈ ગયું હતું. ત્યાં સુધી કે રાજકીય એક્ટિવિટી પણ તેનાથી મપાતી હતી. 17મી સદીમાં ફ્રાન્સમાં રાજકીય નેતાઓએ હેટ પહેરીને પોતાનો ઈગો દેખાડવાનું શરૂ કર્યું હતું. જોકે, સૂર્યનો તાપ વધુ વખત વેઠી ન શકવાને કારણે પણ તેઓ હેટ પહેરતા હતા.

છેક હમણાં સુધી અંગ્રેજો તેમણે ઉભી કરેલી કંપનીઓમાંથી આવેલી હેટ પહેરતા હતા પણ આપણા એક ચરોતર બંધુએ અંગ્રેજો અને સ્થાનિક આફ્રિકનોને તેમણે બનાવેલી હેટ પહેરવા માટે હવે મજબૂર કરી દીધા છે. આ હેટ મેબ્રો હેટ તરીકે પહેચાન પામી છે અને જોહાનિસબર્ગમાંથી તેની કહાની શરૂ થઈ છે.

ચરોતરના ઈમીગ્રન્ટ ભીખા ઉકા પ્રજાપતિએ અંગ્રેજો અને આફ્રિકનોને મેબ્રો હેટ પહેરતા કરી દીધા હતા. સાત સમંદર પાર સાઉથ આફ્રિકામાં તેઓ આવીને વસ્યા હતા. અંગ્રેજોએ જ્યારે આફ્રિકામાં રેલ ટ્રેક નાખવાનું શરૂ કર્યું ત્યારે તેમની પેઢી અહીં આવી હતી. સાઉથ આફ્રિકામાં તેમણે અપાર મહેનત કરી હતી.

ભીખા ઉકા કુંભાર જ્ઞાતિના હતા અને તેમની સરનેમ પ્રજાપતિ હતી. સાઉથ આફ્રિકામાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમણે પોતાનો પ્રોફેશન બદલી નાખવાનું નક્કી કર્યું અને પ્રજાપતિમાંથી માસ્ટર સરનેમ કરી નાખી. ભીખા ઉકા માસ્ટરે હેટ બનાવવાની કંપની મેબ્રો 1932માં સ્થાપી હતી. તેમની કંપનીમાં 80 કર્મચારીઓ કામ કરતા અને રોજની 100 હેટનું ઉત્પાદન તેમાં થતું હતું.

મેબ્રો બ્રાન્ડ નેમથી અત્યારે આખા આફ્રિકામાં જેમની હેટ લોકો પહેરતા હતા તે હકીકતમાં માસ્ટર બ્રધર્સ (Master Brothers)નું ટૂકું ફોર્મ છે. તેમની હેટ રાજવી ઘરનાના લોકોથી લઈને સામાન્ય રસ્તા પરનો માણસ પણ પહેરતો હતો. તેમની હેટમાં સ્ટાઈલ અને શાહીપણું હતું અને તેને કારણે જ તે આટલા લોકપ્રિય બન્યા હતા.

હેટ બનાવવા માટે તેઓ ફ્રાન્સ, સ્વીત્ઝરલેન્ડ અને જાપાનથી મટિરિયલ મંગાવતા હતા. પ્રવર્તમાન તમામ ફેશનનનો અભ્યાસ કર્યા પછી તેઓ હેટ બનાવતા અને યુવાનોમાં તે ખાસ લોકપ્રિય હતા. જોહાનિસબર્ગમાં નોમેન્સ લેન્ડમાં તેમણે પ્રોપર્ટી ખરીદી હતી. વંશીય ભેદભાવને કારણે તેમને આફ્રિકનોને જ્યાં રહેવા માટે ગોરી સરકાર જમીન આપતી હતી ત્યાં તેમણે સૌથી પહેલાં કંપની ખોલી હતી.

ભીખા ઉકા માસ્ટરે તેમના અન્ય બે બિઝનેસ પાર્ટનરની સાથે મળીને પશ્ચિમ જોહાનિસબર્ગમાં છ માળની બિલ્ડિંગ બનાવી હતી. આ બિલ્ડિંગની બરાબર ઉપર એક મંદિર પણ બનાવાયું હતું. સાઉથ આફ્રિકામાં ગોરાઓ બ્રાઉન કલરના માણસો સાથે એટલા ભેદભાવ રાખતા કે આ વિસ્તારમાં એ વખતે ભાગ્યેજ કોઈ અંગ્રેજ ફરકતો હતો. દૂરથી આવેલી કોઈ વ્યક્તિને રોકાવું હોય તો હોટેલમાં રહેવા માટે જગ્યા ન મળતી ત્યારે આ માસ્ટર મેન્શનમાં ઈન્ડિયન કે આફ્રિકન ગેસ્ટ બનીને રહી શકતો હતો.

માસ્ટર મેન્શનમાં એક બાજુ મેબ્રો હેટ બનાવવાનું કામ ચાલે અને બીજા બાજુ તેનો ઉપયોગ ગેસ્ટ હાઉસ તરીકે પણ થાય તેને કારણે આ આખો વિસ્તાર એક વિલેજ જેવો બની ગયો હતો. ગુજરાતમાંથી જે કોઈ મહેમાન જોહાનિસબર્ગ જતું તે અહીં રોકાતું. સાધુ-કથાકારોનો મુકામ પણ માસ્ટર મેન્શનમાં જ રહેતો હતો.

ઈસવીસન 1994માં સાઉથ આફ્રિકામાં સત્તાવાર રીતે વંશીય ભેદભાવ ખતમ કરવામાં આવ્યા. જોકે, તેની સાથે અર્બન આફ્રિકનોમાં હેટની ફેશન લુપ્ત થવા માંડી. અંગ્રેજોનું શાહીપણું ખતમ થયું તેની સાથે સમાનતાનો સિદ્ધાંત અમલી બન્યો અને હેટ પહેરવાની પ્રથા સામંતશાહીના પ્રતીકમાં ખપવા માંડી. બિઝનેસ ઓછો થયો એટલે મેબ્રો હેટને ધંધો સમેટી લેવો પડ્યો.

માસ્ટર મેન્શન તે પછી એકલું અટૂલું પડી ગયું. જ્યાં એક વખતે ગામ જેટલી વસતી થઈ ગઈ હતી ત્યાં હવે સૂનકાર વ્યાપવા માંડ્યો. મેબ્રો હેટનો ઈતિહાસ જોકે, સ્થાનિક સ્તરે સુવર્ણ અક્ષરે લખાયો. નેલ્સન માંડેલાના પત્ની વિન્ની મેડિકિઝેલાએ વંશીય લડત દરમિયાન મેબ્રો હેટ પહેરીને જ ગોરાઓ સામે ઝીંક ઝીલી હતી. માંડેલા જ્યારે પ્રેસિડન્ટ બન્યા ત્યારે પણ વિન્નીએ આ હેટ પહેરી હતી.

મોબ્રો હેટ જ્યાં બનતી હતી તે માસ્ટર મેન્શન તે પછે વેચાઈ ગયું અને ભારતીય બિઝનેસમેને જ ખરીદી લીધું. માસ્ટર બ્રધર્સે હેટનો ધંધો બંધ કરીને ચાઈનીઝ દવાનો વેપાર શરૂ કર્યો. તેની બાજુમાં એક મ્યુઝિક શોપ પણ શરૂ કરી. જોહાનિસબર્ગમાં રસ્તા વચ્ચે ચાલતાં વાહનોના ઘોંઘાટ વચ્ચે આ શોપમાં દિવસરાત ઈસ્લામિક બાંગ, આફ્રિકન મ્યુઝિક અને જાઝ સંગીત વાગતું રહે છે.

આ શોપની ઉપર બરાબર ઉપરની સાઈડે કોંક્રિટથી કોતરીને “I love my India” લખાયું છે. સાઉથ આફ્રિકાની અત્યારની ઈન્ડિયન જનરેશનને ભીખા ઉકા માસ્ટર વિશે ઝાઝી ખબર નથી પણ જોહાનિસબર્ગમાં આવેલા માસ્ટર મેન્શન વિશે તે જાણે છે. ‘માસ્ટર મેન્શન’ આફ્રિકામાં વંશીય અત્યાચારો સામે ઝઝૂમતા અને ઝૂઝનારા લોકોનો ઈતિહાસ સાચવીને બેઠું છે.

ગુજરાતીઓ આફ્રિકા ગયા ન હોત તો આજે પણ ત્યાં બાર્ટર સિસ્ટમ જ ચાલતી હોત! સાટા પદ્ધતિને સ્થાને મની ઈકોનોમી ગુજરાતીઓએ શરૂ કર્યું

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!