છોડેંગે ના હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ તક… 67  વર્ષના મેરેજ બાદ આ કપલ એક જ દિવસે મોતને ભેટ્યું

છોડેંગે ના હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ તક… 67 વર્ષના મેરેજ બાદ આ કપલ એક જ દિવસે મોતને ભેટ્યું

ઓકલેન્ડના ડેસમંડ અને રૂથે એક જ દિવસે, એકબીજાની જાણબહાર લીલા

સંકેલી લીધીઃ સાત સમંદર પાર બેઠેલાં યુવા હૈયાંના અજબ પ્રેમની ગજબ કહાણી

 

ઓકલેન્ડ

 

પુરુષ અને સ્ત્રી પરણે ત્યારે લગ્નની વેદીએ, ઈશ્વરને સાક્ષી માનીને જનમજનમનો સાથ નિભાવવાના કોલ આપતાં હોય છે. સુખમાં અને દુઃખમાં એકબીજાની સાથે રહેવાના કરાર સાથે લગ્ન જીવનનો પ્રારંભ થતો હોય છે. લગ્ન જીવન દરમિયાન ઘણાં અણબનાવો, મનભેદ અને મતભેદ અને ઝઘડાઓ થતા રહે છે પણ મોટાભાગનાં કપલ જીવનભર સાથ નીભાવે છે. લગ્નજીવનનાં માધુર્યપૂર્ણ વર્ષો વીતાવ્યાં પછી કોઈ એકનું મોત થાય તો બીજું દુઃખી થઈ જતું હોય છે. એકાકી જીવન જીવવા માટે મજબૂર બને છે. તેમાં પણ મહિલા વિધવા થાય તો એ વેદના ઘણી અસહ્ય બની રહે છે. જોકે, એક કિસ્સો એવો બન્યો છે કે કુદરતે પતિ-પત્નીને લાંબા લગ્નજીવન બાદ એકલાં પડવાં દીધાં નથી પણ બંનેને સાથે જ લઈ લીધાં છે. આ કિસ્સો ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડનો છે. 67 વર્ષનું લાંબુ લગ્ન જીવન જીવનારાં ઓકલેન્ડના ડેસમંડ અને રુથ પિયેત એક જ દિવસે મોતને ભેટ્યાં છે. તેમનાં પરિવારજનોને આનંદ એ વાતનો થયો છે કે મમ્મી-પપ્પા એકબીજાનો સાથ છોડ્યાં વિના સાથે જ પરલોકની સફરે ગયાં છે.

તેમના સૌથી મોટા પુત્ર ગ્રેહામે કહ્યું હતું કે, મમ્મી-પપ્પા સાથે જીવ્યાં છે અને સાથે જ મરશે એવું તેમને અંદરથી જ થતું હતું. આ તો એક પ્રકારના આશીર્વાદ છે કે કોઈ એકબીજાને એકલા છોડીને ગયું નથી. 11મી ઓક્ટોબરે વહેલી સવારે ઓકલેન્ડની નોર્થ શોર હોસ્પિટલમાં આ કપલે છેલ્લો શ્વાસ લીધો હતો. પહેલાં ડેસમંડ મૃત્યુ પામ્યા હતા અને તેના એક કલાક બાદ રૂથે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સૌથી આશ્ચર્યકારક ઘટના એ હતી કે રૂથને તો ખબર જ નહોતી કે તેના પતિનું હોસ્પિટલમાં નિધન થયું છે. ઓકલેન્ડના આ ઐતિહાસિક દંપતીનું લગ્ન 1953માં થયું હતું. જોકે, એ બંને પહેલાંથી એકબીજાંને ઓળખતાં હતાં. ડેસમંડની બહેન ફિલીસ ન્યૂઝીલેન્ડથી જોજનો દૂર આવેલા એક દેશમાં એક છોકરી સાથે પત્રવ્યવહાર કરતી હતી. રૂથ લંડનના કેટફોર્ડમાં રહેતી ત્યારે ફિલીસ તેની સાથે પત્રવ્યવહારથી જોડાયેલી હતી. 1943માં બીજા વિશ્વયુદ્ધ વખતે રૂથની સ્કૂલ પર જર્મન સેનાએ બોમ્બમારો કર્યો હતો. એ વખતે રૂથ 10 વર્ષની હતી. આ બાજુ ન્યૂઝીલેન્ડમાં ફિલીસ અને તેના ક્લાસમેટ ઓકલેન્ડની ગ્રામર સ્કૂલમાં લંડનમાં બનેલી ટ્રેજેડી અંગે ચિંતા કરતા હતાં. એ લોકોએ નક્કી કર્યું હતું કે તેઓ રૂથ જ્યાં ભણે છે તે સેન્ડરસ્ટ રોડ સ્કૂલને એડોપ્ટ કરશે. છેક ન્યૂઝીલેન્ડમાં બેસીને આ બાળકોએ લંડનમાં ફૂડ પાર્સલ મોકલવાનાંમ શરૂ કર્યાં હતાં. ડેસમંડના ફેમિલીમાંથી જે ફૂડ લંડન મોકલાતું હતું તેમાંથી ઘણું રૂથના પરિવારને મળતું હતું. ફિલીસ સાથે જ્યારે પત્રવ્યવહાર શરૂ થયો ત્યારે રૂથે આ વાતની જાણ તેને કરીને વારંવાર થેન્ક યુ કહ્યું હતું. આ ઘટનાના આઠ વર્ષ પછી ડેસમંડ વધુ ભણવા માટે ઈંગ્લેન્ડ ગયા હતા. તેમની બહેને ફિલીસે કહ્યું હતું કે તે લંડનમાં તેની પેનફ્રેન્ડને મળે. લંડનમાં રૂથે ડેસમંડને ચા પીવા માટે ઘરે આમંત્રણ આપ્યું હતું. તેમને ખબર નહોતી કે તેઓ એકબીજાંની સાથે આજીવન જીવવા માટે આગળ વધી રહ્યાં છે. રૂથ 19 વર્ષની હતી ત્યારે જ ડેસમંડ સાથે તેનું લગ્ન થઈ ગયું. ડેસમંડ પરણી ગયો પછી તેણે લંડનમાં ફેમિલીને પત્ર લખ્યો અને ક્હ્યું કે તેણે જીવનસંગિની શોધી કાઢી છે અને તેની સાથે ઘર પણ વસાવી લીધું છે. સરે કાઉન્ટીના ચાર્લ્સટનમાં 11 જુલાઈ 1953ના દિવસે બંનેનાં લગ્ન થયાં હતાં. બંને પરણ્યાં તેના એક વર્ષ પછી ન્યૂઝીલેન્ડ પાછાં ફર્યાં હતાં. લગ્ન જીવનમાં તેમને ત્રણ બાળકો થયાં. મોટો તે ગ્રેહામ, તે પછી જેનીફર અને હિથર. ડેસમંડ વ્યવસાયે એન્જિનિયર હતા. ન્યુઝીલેન્ડના તાકાપુનામાં અને તે પછી બેયઝવોટર ખાતે તેઓ રહ્યાં. સિંગાપોર અને યુકેમાં તેમણે નોકરી કરી. 1988માં ડેસમંડ રિટાયર થયા. કપલે માટાકાનામાં મકાન લીધું. એક ખેતર રાખ્યું અને ખેતી કરવા લાગ્યા. રૂથે પરિવારનું ધ્યાન રાખ્યું. જોકે, બંનેને જૂની વસ્તુઓના સંશોધનમાં એક સરખો શોખ હતો. ડેસમંડ કશું પણ જુએ કે તેના ધ્યાનમાં આવે તો તે તેની નોંધ કરી લેતા હતા. રૂથ આ કામમાં પણ તેમને સાથ આપતાં. છેલ્લે જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે તેમને હતું કે એ પાછા આવશે. પણ તેમની જાણ બહાર ડેસમંડે લીલા સંકેલી લીધી. રૂથ પતિના મોત બાદ એક કલાકમાં મોતને ભેટ્યાં. 67 વર્ષનું લગ્નજીવન આ રીતે ઐતિહાસિક અને દ્રષ્ટાંતરૂપ બની ગયું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!