ચરોતરમાં જેમણે રેડક્રોસની સ્થાપના કરી તેમણે UKમાં કારમાં સીટ બેલ્ટ ફરજિયાત બનાવડાવ્યો હતો. “લીમડાવાળા દવાખાના”ના આ મિશનરી ડોકટરને તમે ઓળખો છો?

ચરોતરમાં જેમણે રેડક્રોસની સ્થાપના કરી તેમણે UKમાં કારમાં સીટ બેલ્ટ ફરજિયાત બનાવડાવ્યો હતો. “લીમડાવાળા દવાખાના”ના આ મિશનરી ડોકટરને તમે ઓળખો છો?

આણંદમાં 1947ના એપ્રિલ મહિનામાં 26 વર્ષનો એક યુવાન સાહસિક ડોકટર આવીને ઊભો રહ્યો. તેનો દેખાવ બહાદુર સૈનિક જેવો હતોઃ આણંદને આરોગ્યનું ધામ બનાવનારા ડો. કૂકની જેમ આ મિશનરી ડોકટર પણ દર્દીઓમાં પ્રાણ પૂરી દેતા હતા

 

ડો. સુરેન્દ્ર આસ્થાવાદી(Surendra Asthavadi)

 

ગુજરાતમાં સૌથી પ્રથમ મેડિકલ ટ્રીટમેન્ટનો આરંભ 1842ના અરસામાં થયો હતો અને તેનો શ્રેય આઈરિશ મિશનરીઓને જાય છે. ઈસવીસન 1841માં સૌથી પહેલાં ગુજરાતમાં આઈરિશ મિશનરીઓ આવ્યા હતા. 1842માં બીજા પાંચ આઈરિશ મિશનરીઓ આવ્યા અને તેમણે ગુજરાતમાં સૌથી પહેલી આધુનિક ચિકિત્સા પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો. ઈસવીસન 1902માં સ્કોટિશ ડો. નેઈલ ગેવિન આવ્યા હતા. ડો. ગેવિને આણંદમાં સ્ટેશન પાસેના ખુલ્લા ખેતરમાં પદ્ધતિસરની હોસ્પિટલનો પ્રારંભ કર્યો હતો. આ જગ્યાએ આજે પૂરા ગુજરાતમાં જાણીતું થયેલું દવાખાનું આવેલું છે જેને “લીમડાવાળા દવાખાનું” (Hospital on Neem tree field)તરીકે ઓળખવામાં આવે છે. દવાખાના કંપાઉન્ડમાં એ વખતે લીમડાના અનેક વૃક્ષો હોવાને કારણે સ્થાનિક લોકો તેને “લીમડાવાળા દવાખાનું”(Hospital on Neem tree field) તરીકે ઓળખતા હતા. ઈસવીસન 1916 સુધી આ દવાખાનું પૂરા ગુજરાતમાં તેની સેવા અને સારવારને કારણે જાણીતું બની ગયું હતું. ઈસવીસન 1905માં આ દવાખાનામાં સારવાર લેનારા દર્દીઓની સંખ્યા 11,634 જેટલી નોંધાઈ હતી, જે એક વિક્રમ છે.

આ હોસ્પિટલમાં 1947ના એપ્રિલ મહિનામાં 26 વર્ષનો એક યુવાન સાહસિક ડોકટર આવીને ઊભો રહ્યો. તેનો દેખાવ બહાદુર(brave) સૈનિક જેવો હતો. દેખાવ પરથી એવું લાગે કે આ યુવક અંદરથી એકદમ કઠણ અને આકરા સ્વભાવનો હશે. તેને જોઈને કોઈ એવું પણ કલ્પી શકે કે આર્મીમાં હોવો જોઈએ. જોકે, એવું નહોતું. એ ડોકટર હતો અને તેના હાથમાં બંદુક નહીં પણ સ્ટેથોસ્કોપ હતું. તલવાર નહીં પણ ઈંજેક્શન હતું. ડોકટરે આવતાં વેંત લોકોને કહ્યું, “હું બીમારોની સેવા કરવા માટે આવ્યો છે. મને આઈરિશ પ્રેસ્બિટેરિયન ચર્ચે મોક્લ્યો છે. હું બેલફાસ્ટથી આવ્યો છું. મારું નામ ડો. વિલિયમ રૂધરફોર્ડ છે.” તેમની વાત સાંભળીને દર્દીઓની આંખોમાં ચમક આવી ગઈ.

મિશનરી દવાખાનામાં સેવાકીય સૌરભ રેલાવીને લોકપ્રિય બનનારા અને આણંદને દેશનું સૌથી મોટું આરોગ્યધામ બનાવનારા ડોકટર આલ્ફ્રેડ બ્રામવેલ કૂક પછી ડોકટર રૂધરફોર્ડ પણ દર્દીઓમાં એટલા જ પ્રિય હતા. તેમનો હાથ ફરે કે તરત દર્દીની પીડા ગાયબ થઈ જતી. તે ઉઠીને દોડવા માંડતો. ડોકટર રૂધરફોર્ડનો જન્મ આયર્લેન્ડમાં ઈસવીસન 1921ના વર્ષમાં 15મી જુલાઈએ થયો હતો. તેમના પિતાનું નામ જેમ્સ અને માતાનું નામ બાર્થા હતું. ડબલીન યુનિવર્સિટીની ટ્રીનીટી કોલેજમાં તેમણે M.B.B.Ch.ની ડિગ્રી મેળવી હતી. તેમની ઈચ્છા શરૂઆતમાં તો ચીનમાં જવાની હતી પણ, ચર્ચે તેમની પસંદગી ભારત માટે કરી હતી. ડોકટર રૂધરફોર્ડના આગમન સાથે “લીમડાવાળા દવાખાના”(Hospital on Neem tree field)ની જાણે રોનક બદલાઈ ગઈ. ચરોતરનાં ગામે ગામથી અહીં દર્દીઓ સારવાર માટે આવવા લાગ્યા.

20મી સદીના મધ્યકાળમાં એ જમાનામાં કાર કે બસ હતી નહીં એટલે લોકો બળદ ગાડાં(Bullock Cart)માં બેસીને આવતા. ગામેગામથી આવેલાં આ બળદ ગાડાંને દવાખાનાના કંપાઉન્ડમાં પાર્ક કરવામાં આવતાં. ડોકટર રૂધરફોર્ડ દવાખાનામાં સમયસર હાજર થઈ જતા. સ્ટાફ અને દર્દીઓની સંગત સાથે પ્રાર્થનાથી દવાખાનું શરૂ થતું. ગરીબ દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ રખાતી. એ સમયમાં મેડિકલ સાધનો અને ટેક્નોલોજી આજનાં જેવાં હતાં નહીં, તેમ છતાં ડોકટર રૂધરફોર્ડે તેમની કોઠાસૂઝથી દર્દીઓની સારવાર કરવા માંડી. આણંદ એ વખતે સાવ નાનકડું ટાઉન હતું. હોસ્પિટલમાં દર્દીઓને લોહીની જરૂર પડવા માંડી. શરૂઆતમાં આમતેમ કરીને લોહી મેળવાતું પણ, તે પછી ડોકટર રૂધરફોર્ડે તેનો ઉકેલ આણી દીધો. ખેડા જિલ્લામાં તેમણે રેડ ક્રોસ સંસ્થાની શરૂઆત કરી. આમ, ખેડા જિલ્લામાં રેડ ક્રોસ સંસ્થાનો પાયો નાખવામાં એક મિશનરી તબીબ કારણભૂત બન્યા. કેટલીક વાર એવું બનતું કે દર્દીને લોહી ન મળતું ત્યારે ડોકટર પોતાનું લોહી આપતા અને દર્દીને બચાવી લેતા હતા.

ડોકટર રૂધરફોર્ડ ભારતમાં આવ્યા એક આઈરિશ નાગરિક તરીકે પણ, અહીં વસીને તેઓ આ દેશના જ બની ગયા. આટલાં વર્ષો દરમિયાન તેમનામાં સંપૂર્ણ ભારતીયતા આવી ગઈ હતી. ભારતને જ્યારે આઝાદી મળી ત્યારે 15મી ઓગસ્ટે તેઓ સંપૂર્ણ ભારતીય પોશાકમાં ધ્વજ વંદન માટે હાજર રહ્યા હતા. સફેદ ઝભ્ભા-લેંઘામાં લોકોની વચ્ચે હાજર રહીને તેમણે ભારતના તિરંગાને સલામી આપી હતી. સર્વોદય સંસ્થાના સ્થાપક વિનોબા ભાવેએ જ્યારે ભૂમીહીનો માટે ભૂદાન(land donation)ચળવળનો આરંભ કર્યો ત્યારે ડોકટર રૂધરફોર્ડે તેમાં પણ ભાગ લીધો હતો. ખાદીનાં કપડાં પહેરીને ડોકટર વાસદથી આણંદ સુધી પગપાળા પ્રવાસમાં જોડાયા હતા. 1960માં ડો. રૂધરફોર્ડે ખ્રિસ્તી ધર્મ અને હિન્દુ ધર્મના પંડિતોની સંગતની વિચારધારા વહાવી હતી. તેના પરિપાકરૂપે ઈસવીસન 1963-64માં ભરૂચ ખ્રિસ્તી આધ્યાત્મિક જીવન કેન્દ્રમાં ધર્મ પરિષદ યોજવામાં આવી હતી. આ પરિષદમાં હિન્દુ ધર્મના ધુરંધરો કાકાસાહેબ કાલેલકર, વંદનીય રવિશંકર મહારાજ, કવિ ઉમાશંકર જોષી, કવિ કરસનદાસ માણેક, શિક્ષણવિદ્ મગનભાઈ દેસાઈ તથા ખ્રિસ્તી ધર્મવિદ્ ફાધર ઈસુદાસ ક્વેલી, ફાધર વાલેસ, રેવરન્ડ બોયડ અને અન્ય સ્કોલરો હાજર રહ્યા હતા.

જાણીતા વકીલ હેમંત જે. પટેલના દાદા ડાહયાભાઈ રાવ બહાદુર, સહકારી આગેવાન ત્રિભુવનદાસ પટેલ, શિક્ષણકાર ડો.ગોરધનભાઈ વકીલ, નટવરલાલ દવે, લેખકો ડાહયાભાઈ નાગરિક અને ઈશ્વર પેટલીકર તેમજ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ  કુલપતિ ઈશ્વરભાઈ પટેલ જેવા મહાનુભવો સાથે ડો. રૂધરફોર્ડનો અત્યંત ઘરોબો. ઈશ્વરભાઈ પટેલ ડી.એન. હાઈસ્કૂલના આચાર્ય અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પણ રહેલા. વિઠ્ઠલભાઈ પટેલના તેઓ મોટાભાઈ. ‘પ્રભુના નામે’ પુસ્તકની પ્રસ્તાવનામાં ડો. કાકાસાહેબ કાલેલકરે ઈશ્વરભાઈ પટેલ અને ડો. રૂધરફોર્ડની દોસ્તી  અંગે એક પ્રસંગ ટાંકીને લખ્યું છેઃ “આણંદમાં રહી, વરસો સુધી લોકસેવા કરનાર ડો. વિલિયમ રૂધરફોર્ડની ઓળખાણ અને દોસ્તી થઈ એમાં આશ્ચર્ય શું?ભાઈ રૂધરફોર્ડે, એમને ખૂબ ગમેલી એક ચોપડી, ઉપકુલપતિ ઈશ્વરભાઈને વાંચવા આપી. ઈશ્વરભાઈને એ એટલી ગમી કે એમણે તમામ ગુજરાતીઓને એનો સ્વાદ ચખાડવા માટે, એનું ગુજરાતીનું રૂપાંતર કર્યું. આ છે આ ચોપડીના પ્રકાશનનો ઈતિહાસ.” કાકાસાહેબ જે પુસ્તકની વાત કરે છે તે પુસ્તક એટલે રેવરેન્ડ ડેવિડ વિલ્કરસ લિખિત પુસ્તકનો ઈશ્વરભાઈ પટેલે કરેલો ગુજરાતી અનુવાદઃ ‘પ્રભુના નામે.’

ડોકટર રૂધરફોર્ડ આખો દિવસ સતત કામમાં રહેતા. આરામનો તેમને બહુ ટાઈમ મળતો નહીં. ગરીબ દર્દીઓની સેવા જ તેમના મનમાં રમ્યા કરતી. એ વખતે આજના જેવી તબીબી શાખાઓ વિકસી નહોતી પણ, ડોકટર રૂધરફોર્ડે પોતાની રીતે સ્ત્રીરોગ વિષયક સર્જરીમાં જ્ઞાન મેળવ્યું હતું. એક સારા ફિજિશિયન હોવા ઉપરાંત તેઓ એનેસ્થેટિસ્ટ તરીકે પણ કામ કરતા હતા. ડોકટર રૂધફોર્ડ આણંદ ડોકટર્સ એસોસિએશનના પ્રમુખ પણ બન્યા હતા. તેમને દરબાર ગોપાળદાસ હોસ્પિટલના નોટિસ બોર્ડ પર પણ સ્થાન અપાયું હતું. આજે પણ આ બોર્ડ પર તેમનું નામ વાંચી શકાય છે. ડોકટર રૂધરફોર્ડે “લીમડાવાળા દવાખાના” (Hospital on Neem tree field)ને સાજાપણાના ધબકારનું કેન્દ્ર બનાવી દીધું હતું. દર્દીઓ તેમના પ્રચંડ પ્રકોપ અને અનુકંપાને પામીને જ સાજા થઈ જતા. ડોકટરના પ્રચંડ પ્રેમ અને પવિત્ર ફરજના મિશ્રણનો એક રસપ્રદ કિસ્સો જાણવા જેવો છેઃ એક શ્રમજીવી મહિલા માંદી હતી. તેનો બેદરકાર પતિ તેને દવાખાને લાવ્યો. ડોકટરે મહિલાને તપાસી. તેને બહારના લોહીની જરૂર હતી. ડોકટરે તેના પતિને તેની પત્ની માટે લોહી આપવા માટે અપીલ કરી અને સમજાવ્યું કે ‘જો સમયસર લોહી નહીં મળી શકે તો તેની પત્નીનો જીવ જોખમમાં છે.’ પેલા નિષ્ઠુર પતિએ કહ્યુંકે, ‘તેણીએ જીવવું હોય તો તે જીવે, એ મૂઈ મરી જાય તેનો મને વાંધો નથી. મારે મારું લોહી આપવું નથી.’ ડોકટરે પ્રકોપિત થઈને પેલા માણસને કાઢી મૂકતાં જણાવ્યું કે, ‘તું અહીંથી જતો રહે. હવેથી આ સ્ત્રી મારી દીકરી છે. એને માટે લોહીની હું વ્યવસ્થા કરીશ.’ 

સારવારને અંતે મહિલા સાજી થઈ. ડોકટરે તેને તેના પતિને ઘેર મોકલી. ઈસવીસન 1947થી 1966 સુધીનાં 20 વર્ષ સુધી તન, મન અને ધનથી ડોકટર રૂધરફોર્ડે ગુજરાતમાં આરોગ્યસેવાનો સિલસિલો ચાલુ રાખ્યો. આયર્લેન્ડથી આવતી આર્થિક સહાયની સમાપ્તિ થવાને લીધે દવાખાનું બંધ કરવાનો વારો આવ્યો. સ્થાનિક ચર્ચ એ ચલાવવા ખમતીધર નહોતું. એ બાબત ચર્ચની ક્ષમતાની ઉપરવટ હતી. ઘરના વડાની ગેરહાજરીમાં ઘર સૂમસામ થઈ જાય છે. એવી જ રીતે ડોકટર રૂધરફોર્ડની વિદાય પછી દવાખાનાના ધબકાર શાંત પડી ગયા. વચમાં કેટલાંક વર્ષો “લીમડાવાળા દવાખાનું”(Hospital on Neem tree field) બંધ કરવામાં આવ્યું.

ડોકટર સ્વદેશ આયર્લેન્ડ ગયા. ઈસવીસન 1966થી ત્યાં બેલફાસ્ટ શહેરમાં રોયલ વિક્ટોરિયા હોસ્પિટલમાં તેઓ સર્જન ડોકટર તરીકે નિમાયા. ત્યાં પૂરી નિષ્ઠાથી મેડિકલ ફરજો બજાવી. ડોકટર રૂધરફોર્ડ ગુજરાતને ભૂલ્યા નહોતા. ઈસવીસન 1966થી 2000 સુધીમાં અને તે પછી પણ તેઓ અવારનવાર ગુજરાતની મુલાકાતે આવ્યા કરતા હતા. તેમના બે દીકરાઓ ડો. જેમ્સ અને ડો. જોન પિતાને પગલે મેડિકલ સેવામાં જોડાયા હતા. 22મી ડિસેમ્બર 2007ના રોજ 86 વર્ષની વયે ડોકટર રૂધરફોર્ડનું નિધન થયું હતું. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમણે દર્દીઓની સેવા કરી હતી. ડોકટર રૂધરફોર્ડને આજે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સિડન્ટ અને ઈમરજન્સી મેડિકલ ક્ષેત્રના પ્રણેતા મનાય છે. બ્રિટનમાં કાર અકસ્માતમાં લોકો મોતને ભેટતા હતા તે જોઈને તેમનું હ્રદય દ્રવી ઉઠતું હતું. અનેક ઘટનાઓમાં તેમણે જોયું કે, કારમાં બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ પહેર્યો નહોતો તેના કારણે તે મોતને ભેટી હતી. ડોકટર રૂધરફોર્ડે યુકે સરકાર પાસે કારમાં બેઠેલી વ્યક્તિએ ફરજિયાત સીટ બેલ્ટ બાંધવો તેવો કાયદો બનાવડાવ્યો હતો. રોયલ કોલેજ ઓફ ઈમરજન્સી મેડિસીન(RCEM) દ્વારા તેમની કામગીરીને બિરદાવીને વિલિયમ રૂધરફોર્ડ ઈન્ટરનેશનલ એવોર્ડની પણ શરૂઆત કરવામાં આવી છે. ઈમરજન્સી કેરમાં જે લોકો માનવતાલક્ષી કામગીરી કરે છે તેમને આ એવોર્ડ અપાતો હોય છે.

(લેખક જાણીતા સાહિત્યકાર, કર્મશીલ છે અને એજ્યુકેશન ઈન્સ્પેક્ટર રહી ચુક્યા છે.)

સૌથી પહેલું ગુજરાતી વ્યાકરણ ક્રિશ્ચિયન પાદરી જોસેફ ટેલરે તૈયાર કર્યું હતુંઃ બોરસદમાં રહીને તેઓ ગુજરાતી શીખ્યા હતા

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!