MDH મસાલાના ‘બાદશાહ’ ધર્મપાલ ગુલાટીએ પાકિસ્તાનથી આવ્યા પછી દિલ્હીમાં પહેલો ધંધો કયો કર્યો હતો જાણો છો?

MDH મસાલાના ‘બાદશાહ’ ધર્મપાલ ગુલાટીએ પાકિસ્તાનથી આવ્યા પછી દિલ્હીમાં પહેલો ધંધો કયો કર્યો હતો જાણો છો?

અવિભાજિત ભારતમાં સિયાલકોટ ખાતે તેમના પિતાની મહેંદીની દુકાન હતીઃ આજે તમે જેને MDH તરીકે ઓળખો છો તે દુકાનનું નામ હતું: મહાશિયાન દી હટ્ટીઃ 95મા વર્ષે પણ દાદા પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ જાતે કરતા હતા

 

યાયાવર ડેસ્ક>આણંદ

 

જેમને આપણે વર્ષોથી ટીવી પર MDH મસાલાની જાહેરાતમાં જોતા હતા તે દાદા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમનું નામ મહાશય ધર્મપાલ ગુલાટી હતું અને ભારતના એક મોટા બિઝનેસમેન હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જે કેટલાંક પરિવારો રાતોરાત પહેરેલાં કપડે ભારત આવીને વસ્યા હતા તેમાંના તેઓ એક હતા. આખી જિંદગી સંઘર્ષ કરીને પોતાનું એક નામ ઊભું કરનારા પૈકી તેઓ એક હતા. તેઓ 25 વર્ષના હતા ત્યાં સુધી પાકિસ્તાનમાં રહ્યા હતા. વિભાજન વખતે ભાગીને દિલ્હી આવી ગયા હતા. દિલ્હીમાં તેમણે એક નાનકડી દુકાન શરૂ કરી હતી અને આ દુકાન આજે આખી દુનિયામાં સ્પાઈસ એટલે કે મસાલા માટે સુગંધ ફેલાવી રહી છે. ગુલાટીસાહેબનો જન્મ પાકિસ્તાનના સિલાલકોટમાં 27 માર્ચ 1923ના રોજ થયેલો. પાકિસ્તાનમાં બાળપણ અને જવાની વીતી હતી. ત્યાં જ તેમણે શિક્ષણ લીધું હતું. પાંચમા ધોરણ સુધી ભણ્યા તો ખરા પણ તેમને ભણવાની બહુ ઈચ્છા નહોતી. છઠ્ઠા ધોરણથી નથી ભણવું તેમ કહીને સ્કૂલ છોડી દીધી. તેમના પિતા પાકિસ્તાનનાં મસાલાની દુકાન ચલાવતા હતા. સ્કૂલમાંથી ડ્રોપ આઉટ લીધા પછી તેમણે પિતાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. આજે જેને તમે MDH મસાલા તરીકે ઓળખો છો તેનું ખરું નામ છેઃ ‘મહાશિયાન દી હટ્ટી(MDH). ધર્મપાલ ગુલાટીના પિતાનું નામ હતું મહાશય ચુનીલાલ ગુલાટી. માતાનું નામ ચાનન દેવી હતું. તેઓ ખત્રી હતા. 125 વર્ષ પહેલાં પાકિસ્તાનમાં તેમના પિતા સૌથી પહેલાં જેનો વેપાર કરતા હતા તે મહેંદી હતી. તેમની મહેંદી ખૂબ ફેમસ હતી. પાકિસ્તાન અને ભારત નામના બે અલગ દેશ તો એ વખતે નહોતા એટલે હિન્દુ, મુસલમાન, સિંધી, પંજાબી, શિખ એમ તમામ ધર્મ અને કોમના લોકોની બહેનો MDHની મહેંદી વાપરતી. મહેંદીનો રિવાજ ભારતમાં સદીઓથી ચાલતો આવ્યો છે. કોઈ કોમ એવી નથી જેમં બહેનો મહેંદી લગાવતી ન હોય. હિન્દુ મહિલા માટે મહેંદીનો મહિમા જેટલો છે તેટલો જ મુસ્લિમ મહિલા માટે છે. મહેંદી એક સરખી લોકપ્રિય હતી. ગુલાટી સાહેબના પિતાનો આ પહેલો ધંધો હતો અને રોજ તેમને એ જમાનામાં રૂપિયા 20ની કમાણી થતી હતી. વિચારો કે સવાસો વર્ષ પહેલાં આટલી કમાણી એ વખતે તેમને થતી હતી. જોકે, અવિભાજિત ભારત હતું ત્યારની આ વાત છે.

ભારતના બે ભાગલા પડ્યા તે પછી તેમના પરિવારે નક્કી કર્યું કે તેઓ ભારત જઈને રહેશે. 1947ના ભારત-પાકિસ્તાનના વિભાજનની જે દર્દનીય કથાઓ છે એ ગુલાટી ફેમિલીએ જોઈ હતી. તેમને પણ હું હિન્દુ- તું મુસ્લિમ એવો અહેસાસ એ વખતે થયો હતો. વાતાવરણ એકદમ ખરાબ હતું. હવામાં ઝેર ભળેલું હતું અને હિન્દુ-શિખ પરિવારો માટે પાકિસ્તાનમાં રહેવું અઘરું હતું. રહી પણ જાય તો પાછળથી મુશ્કેલીઓ આવવાની હતી. ગુલાટી પરિવારે નક્કી કર્યું કે, ભારત જતા રહેવું. પરિવાર સાથે તેઓ દિલ્હીમાં સેટલ થયા. શરૂઆતમાં તેઓ કારોલબાગમાં તેમના મામાની છોકરીને ત્યાં રહેતા હતા. આ ઘરમાં ન તો વીજળી હતી ન તો ટોઈલેટની સુવિધા. ઘરમાં પાણી પણ આવતું નહોતું. કોઈ બુનિયાદી સુવિધાઓ વિનાના આ ઘરમાં એક મોટો પરિવાર એકસાથે રહેતો હતો અને જીવનની રોજેરોજની અગવડોને નિભાવ્યે જતો હતો. એક વખતે વેપાર કરીને આખું પરિવાર જ્યાં સુખેથી રહેતું હતું તે સિયાલકોટ છોડીને આવ્યા પછી દિલ્હીમાં તેમની હાલત દયનીય બની ગઈ હતી. ઘણી વાર તો ખાવાપીવાના સાંસા પડી જાય તેવી હાલત થતી. કમાણી વિના ઘરમાં રાતી પાઈ આવતી નહોતી.
ઘરમાં બે ભાઈ અને પાંચ બહેનો. મોટો પરિવાર અને તેમાં મામાની દીકરીનું ફેમિલી રહે. જોકે, ધીમેધીમે જિંદગી થાળે પડવા માંડી. દિલ્હીમાં ભાઈઓ સાથે મળીને એક નાનકડી દુકાન લીધી અને તેમાં પિતાએ જેનો બિઝનેસ કર્યો હતો તે મસાલાનો જ બિઝનેસ આગળ વધાર્યો. ધર્મપાલજીના બે ભાઈઓ મહાશય સતપાલ ગુલાટી અને ધરમવીર ગુલાટી પણ બિઝનેસમેન છે. 1941માં જ્યારે ધર્મપાલની ઉંમર 18 વર્ષની હતી ત્યારે તેમનાં લગ્ન લીલાવતી સાથે થયાં હતાં. 1992માં લીલાવતીનું અવસાન થયું હતું. ધર્મપાલે જીવનમાં દુઃખ સિવાય કશું જોયું નહોતું. ઘરમાં મૃત્યુના પ્રસંગો એટલા બધા આવતા કે તેનાથી તેઓ જાણે આદતવશ બની ગયા હતા. 1992માં પત્નીનું અવસાન થયું તે પછીના બીજા જ મહિને તેમનો એકનો એક દીકરો સંજીવ મૃત્યુ પામ્યો હતો. ગુલાટી સાહેબને છ દીકરીઓ હતી. આ તમામ મોટા બિઝનેસ ફેમિલી સાથે છે અને સુખી છે. તેઓ મૃત્યુ થયું તે દિવસ સુધી તેમના પૌત્ર અને પ્રપૌત્રની સાથે રહેતા હતા. દીકરા સંજીવ ગુલાટીના મોત પછી જીવનમાં તેમનો રસકસ ઓછો રહ્યો હતો પણ બિઝનેસમાં તેમનું ધ્યાન સતત રહેતું. પોતાની બ્રાન્ડને ઉની આંચ ન આવે તે માટે તેઓ સતત પ્રયાસશીલ રહેતા. એડવર્ટાઈઝમાં કંપનીના માલિકને દર્શાવીને પ્રોડક્ટની જાહેરાતના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરવાનું ગુલાટી સાહેબે શરૂ કર્યું હતું. હકીકત એ હતી કે MDH મસાલા કંપનીના માલિકની જેમ મોટી ઉંમરમાં પણ અડિખમ અને વિશ્વસનીય છે તેમ દર્શાવવા માટે આ જાહેરાત બનાવાઈ હતી. તમે નહીં માનો, પણ જ્યારથી ગુલાટી દાદાએ પોતાની પ્રોડક્ટનું મોડેલિંગ કરવા માંડ્યું ત્યારથી ભારત અને દુનિયાના ખૂણેખૂણે MDH મસાલા પોપ્યુલર બ્રાન્ડનેમ બની ગયા હતા. તેનું વેચાણ સતત વધતું ગયું હતું. ભારતમાં કેટલાક લોકો સ્વાભાવ પ્રમાણે આ ઉંમરે પણ દાદાને જાહેરાતમાં ચમકવાનું શું સૂઝ્યું તેમ કહીને મોં વકાસતા હતા પણ હકીકત એ હતી કે તેઓ જ્યારથી તેમના MDH મસાલાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા ત્યારથી તેમની કંપનીના નફામાં દિન દોગુના, રાત ગોગુના વધારો થતો ગયો હતો.

ગુલાટી સાહેબ રાજકપુર અને ઓમપ્રકાશ સાથે.

ગુલાટી સાહેબે તેમની જિંદગીમાં જે કામ કર્યાં તેમાં મહારત હાંસલ કરી હતી. પાકિસ્તાનમાં પાંચમા ધોરણથી સ્કૂલ છોડી દીધી પછી તેઓ સુથારીકામ શીખ્યા હતા. એમ્બ્રોઈડરી તેમને આવડતી હતી. એવું કહેવાય છે કે હેન્ડીક્રાફ્ટના પણ તેઓ માસ્ટર હતા. એક સમયે તેમણે હેન્ડીક્રાફ્ટના બિઝનેસનમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું પણ તેમના પિતાએ તેમને મસાલાના ધંધામાં જ ધ્યાન આપવા જણાવેલું. જ્યારે માઈગ્રેટ થઈને ભારત આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં રૂપિયા 1500 હતા. આમાંથી રૂપિયા 650 ખર્ચીને તેઓ ટાંગા(ઘોડાગાડી) ખરીદી લાવ્યા હતા. એ વખતે દિલ્હીમાં કોનોટ પ્લેસથી કારોલ બાગ વચ્ચે તેઓ ટાંગાની વર્ધી લેતા હતા. પાછળથી તેમણે આ ઘોડાગાડી વેચી દીધી હતી. તેમને થોડા વખત પછી થયું કે તેઓ આ કામને બિઝનેસનું સ્વરૂપ આપી શકશે નહીં. અંતે, પિતાએ જેમાં ફરજિયાત જોતરાવવાનું કહેલું તે મસાલાના ધંધામાં તેમણે ઝુકાવ્યું. 1948માં કારોલ બાગમાં એક નાનકડી દુકાન ભાડે રાખીને તેમણે ધંધો શરૂ કર્યો. 1953માં ચાંદની ચોકમાં તેમણે બીજી એક દુકાન લઈ લીધી હતી. 1959માં તેમણે દિલ્હીના કીર્તિનગરમાં MDH મસાલાની ફેકટરી શરૂ કરી હતી. આ ફેકટરી શરૂ કરી તેના થોડા વર્ષમાં તો MDH મસાલાએ આખા દેશમાં તેની સુગંધ ફેલાવી દીધી હતી. એ પછી વિદેશમા પણ તેમના સ્પાઈસે કમાલ કરી નાંખી હતી. 1954માં કારોલબાગમાં તેમણે ભારતનો પ્રથમ સ્પાઈસ સ્ટોર શરૂ કર્યો હતો. રૂપક સ્ટોર નામથી જાણીતો આ સ્ટોર પાછળથી તેમણે તેમના ભાઈ સતપાલ ગુલાટીને આપી દીધો હતો. આજે પણ આ સ્ટોરના મસાલા દિલ્હીમાં ખૂબ વેચાય છે. તેની બોટલ કાચની છે.

આજે દુનિયાનાં 100થી વધુ દેશમાં MDH મસાલા વેચાય છે. ભારતમાં ઘેરઘેર રસોડામાં MDH મસાલા પહોંચાડવાનું કામ તેમણે કરવા માંડ્યું. કંપનીના પ્રોડક્ટ તો ઠીક પણ બ્રાન્ડ પણ બનવી જોઈએ તેવો તેમનો આગ્રહ હતો. આ જ કારણથી 95મા વર્ષે પણ તેઓ પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કરતા હતા. ગુલાટી સાહેબને પબ્લિસિટીનો કોઈ શોખ નહોતો. તેમને પદ્મ એવોર્ડ મળેલો છે. આ ઉપરાંત પણ તેમને ઘણાં સન્માનોથી નવાજાયા છે. ગુલાટી સાહેબ 2017માં ભારતના સૌથી વધુ પગારદાર CEO હતા. તેમને વર્ષે રૂપિયા 21 કરોડો સેલેરી મળતો હતા. 2017માં તેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 1000 કરોડ હતું. આજે આ ટર્નઓવર 2000 કરોડથી ઉપર પહોંચી ગયું છે. ગુલાટી ફેમિલીએ મહાશય ચુનીલાલ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા પણ ખોલી છે જે દિલ્હીમાં સ્લમ વિસ્તારમાં 250 બેડની હોસ્પિટલ ચલાવે છે. આ ટ્રસ્ટ સંદેશ નામનું એક મેગેઝિન પણ પબ્લિશ કરે છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!