-ઈરફાન ઈકબાલ ઘેટા
મંગળવારે સવારે વળી પાછા એક દુઃખદ સમાચાર આવ્યા. આ સમાચાર એવા હતા કે જેણે આખા ગુજરાતી સિનેમા જગતને જ નહીં પણ દેશ-વિદેશના ગુજરાતીઓને આઘાત આપી દીધો. જેમણે 80-90ના દાયકામાં ગુજરાતી ફિલ્મો જોઈ હશે તેમને એક નામ ખાસ યાદ હશે. એ નામ એક એવી વ્યક્તિનું છે જેણે ગુજરાતી અસ્મિતા શું છે એ શિખવાડ્યું. ગુજરાતી હોવાનું ગૌરવ શું છે એ આપણને નરેશ કનોડિયા પાસેથી શીખવાનું મળ્યું. આજે આપણી વચ્ચે નરેશ કનોડિયા નથી. સમગ્ર ગુજરાતમાં શૉકનું ગમગીન વાતાવરણ છે. માનવામાં ન આવે એવી વાત છે. કેમકે, એકસાથે બંને ભાઈઓએ બે દિવસના અંતરાલમાં આ ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. પહેલાં મહેશભાઈએ જિંદગીના પરદા પરથી એક્ઝિટ લઈ લીધી અને તે પછી નાના ભાઈ નરેશ કનોડિયાએ જીવનલીલા સંકેલી. ગુજરાતને એક સાથે બબ્બે આઘાત મળ્યા છે. ગુજરાતી ફિલ્મો અને સંગીતને એક સાથે બબ્બે ન પુરાય તેવી ખોટ પડી છે.
નરેશ કનોડિયા ૭૭ વર્ષની ઉમરે કોરોના વાઇરસના શિકાર બન્યા છે. મંગળવારે અમદાવાદની યુ એન મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં તેમણે આખરી શ્વાસ લીધો. સમગ્ર ગુજરાતી સિનેમા જગત અને ગુજરાતી સિનેમાના ચાહકોમાં નિરાશા અને ગમગીનીનું વાતાવરણ છે. નરેશ કનોડિયાએ 100થી પણ વધારે ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એક જમાનામાં નરેશ કનોડિયા અને સ્નેહલતાની જોડી હોય તો એ પિક્ચર રિલીઝ થતાં પહેલાં જ સુપર હિટ બની ગયું હોય એવું માનવામાં આવતું હતું. નરેશ કનોડિયા ગુજરાતી સિનેમા જગતના પહેલા લોકલાડીલા સુપર સ્ટાર હતા. નરેશ કનોડિયા વિશે એવું કહેવાતું કે જો એ ગુજરાતનાં ગ્રામીણ વિસ્તારોમાં અમિતાભ બચ્ચન સામે ઊભા રહે તો તેમની લોકપ્રિયતાનું પલડું વધુ ભારે થઈ જાય. બચ્ચની ફિલ્મ સામે નરેશ કનોડિયાની ફિલ્મ વધારે ચાલે. ગુજરાતી ફિલ્મોમાં પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી હતા અને તે પછી નરેશ કનોડિયા આવ્યા. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ફક્ત જીવાડ્યો જ નહીં પણ તેને એક સ્થાને લઈ પણ ગયા. ગુજરાતી ફિલ્મોની કથાઓ જોકે, ગ્રામીણ બેકગ્રાઉન્ડ સાથેની હોવાથી તે શહેરમાં ભાગ્યે જ ચાલતી પણ આણંદ, નડિયાદ, બોરસદ, પેટલાદ જેવાં ટાઉનોમાં સિંગલ સ્ક્રીન થિયેટરોમાં આવી ફિલ્મો ખાસ્સી ચાલતી. ગામડાંનો મજૂર અને મહેનતકશ વર્ગ ગુજરાતી ફિલ્મોને જીવાડતો હતો અને તેની એક દુનિયા હતા. નરેશ કનોડિયાએ પરદા પર અને તેમના ભાઈએ પરદા પાછળ સંગીતની પગ થરકી ઉઠે તેવી ધુન સાથે ગુજરાતી ફિલ્મોમાં હાહાકાર મચાવી દીધો.
જ્યારે કેબલ ટીવી નહોતું, સોશિયલ મીડિયા નહોતું કે યુટ્યૂબ ચેનલ નહોતી ત્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા લોકોના દિલ ઉપર રાજ કરતા હતા. બીજા શબ્દોમાં કહેવાય કે નરેશ કનોડિયાને લોકપ્રિય થવા માટે સોશિયલ મીડિયાની જરૂર બિલકુલ નહોતી. કોણ ભૂલી શકે એ લાંબી કતારો. સિનેમા હોલની બહાર જ્યારે એમની ફિલ્મ રજૂ થતી ત્યારે ટિકિટ લેવા માટે પડાપડી થતી. જ્યારે સ્નેહલતા અને નરેશ કનોડિયા પરદા ઉપર તું મારો મેરુ…હું તારી માલણ…ગાતાં હોય ત્યારે ગુજરાતના નાનકડા ગામડાના ગરીબ ખેડૂતની જિંદગી અચાનક જીવવા જેવી બની જતી હતી. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય સિંગલ સ્ક્રીન થિયેટરમાં પરદા પર આવે ત્યારે ગામડાનો એ વર્ગ ખુરશીઓ પર નાચવા માંડતો જોયેલો છે. આ ગીતે એક સમયે ગુજરાતના ગામડાં અને શહેરમાં એક સરખી ધુમ મચાવી હતી. રેડિયો પર રોજ એ ગીત વાગતું અને પાનના ગલ્લાઓ પર પાનનાં બીડાં આ ગીત સિવાય વળતાં નહોતાં. નવરાત્રિમાં આજે પણ આ ગીતની ધુન પર દાંડિયા ખેલવાની પરંપરા રહી છે. મહેશ કનોડિયા સાથે પરદા પર ગાયેલાં ગીતો હજુ એમના ચાહકોના દિલોમાં રાજ કરે છે. નરેશ કનોડિયાના ભજવેલાં પાત્રો હજુ પણ એટલાં જ લોકપ્રિય છે જેટલાં એ એમની ફિલ્મો રજૂઆત વખતે હતાં. કોણ ભૂલી શકે રૂડો રબારી, ઢોલી તારો ઢોલ વાગે, મોતી વેરાણા ચોકમાં, લાડી લાખની સાયબો સાવ લાખ નો… નરેશ કનોડિયા એક ઓલ રાઉન્ડર હતા. કોમેડી પણ એટલીજ સહજતાથી કરી શકતા જેટલી સહજતાથી પરદા ઉપર રોમાન્સ કરતા હોય. અને જ્યારે ઢીશુમ ઢીશુમની વાત આવે ત્યારે નરેશ કનોડિયા એટલા જ વાસ્તવિક લાગતા હતા. ટૂંકમાં, નરેશ કનોડિયા એક નેચરલ અભિનય કરવામાં માનનાર જૂની પેઢીના કલાકાર હતા. એમની પાસે કોઈ પણ પાત્ર ભજવી શકવાની અપાર ક્ષમતા હતી. પોતાના ચાહકોને ક્યારે. પણ નિરાશ નહીં કરવાની એક અદભૂત ખૂબી તેમનામાં હતી.
કદાચ સ્વર્ગમાં મનોરંજન પૂરું પાડી શકે એવા લોકો ભગવાનને ઓછા લાગ્યા હશે આ કોરોનાના કપરા સમયમાં એટલા માટે એમણે મહેશ-નરેશ કનોડિયાને બોલાવી લીધા હશે પોતાની પાસે. એમ પણ 2020માં ઈરફાન અને રિશી કપુર નામના એક્ટરને ઈશ્વરે દંતકથા બનાવી દીધા છે. હવે નરેશ-મહેશને લઈ લીધા છે. નરેશ કનોડિયા ભલે આપણી વચ્ચે નથી રહ્યા પણ એમના ચાહકોના દિલમાં એ હમેશને માટે રાજ કરતા રહેશે. કલાકાર હમેશા અમર રહેતો હોય છે. મૃત્યુ કલાકારને ક્યારેય મારી શકતું નથી. હીરો નરેશ કનોડિયાના શબ્દોમાં કહીએ તો, “મોત ને હું તો મુઠ્ઠી માં લઈ ને ફરું છું.” મોટાભાઈ મહેશ સાથે તેમનો પૂર્વાપરનો સંબંધ. બંને ભાઈઓ વચ્ચે એટલું બનતું કે રામ-લક્ષ્મણની જોડીની જેમ સાથે જ હોય. મહેશભાઈ સ્ત્રી અને પુરુષ એમ બંને અવાજમાં ગાઈ શકનારા અદભુત કલાકાર હતા. એક વખતે શોમાં લત્તાજી ન આવ્યાં ત્યારે મહેશ કનોડિયાએ લત્તાજીના અવાજમાં એ રીતે ગાયું કે ઓડિયન્સ સ્તબ્ધ બની ગયું. ખુદ લત્તાજી ત્યાં આવી પહોંચ્યાં પછી મૂર્તિની જેમ ખોડાઈ ગયેલાં. મહેશ-નરેશ પાર્ટીએ ગુજરાતનાં એક પણ શહેર કે ગામડાંમાં 80-90ના દાયકામાં કાર્યક્રમો નહીં કર્યા હોય એવું ના બને. બંને ભાઈઓ કળા અને જીવનમાં સાથે જ રહ્યા. ખુદ મોત પણ તેમને જુદા ના કરી શક્યું. મહેશભાઈ પથારીવશ હતા ત્યારે નરેશભાઈએ તેમની સાથે ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના ગીત ગાઈને એક વિડીયો બનાવેલો. જીવતાંજીવ અત્યંત લોકપ્રિય રહેલા બંને ભાઈઓ મર્યા પછી લોકસ્મરણમાં દંતકથા બનીને સજીવન થઈ ગયા છે.
Vah bhai…. Superb
નરેશ અને મહેશ કનોડિયા એ એક હિન્દી ફિલ્મ “છોટા આદમી ” પણ બનાવી હતી.મહેશ કુમાર એન્ડ પાર્ટી નાં આણંદ માં હાઉસ ફૂલ શો યોજાતા.