આણંદની ‘લક્ષ્મી’ની ગોલ્ડન સફર: નાર ગામના  યુવાન પૂનમભાઈ પટેલને અચાનક વિચાર આવ્યો કે…

આણંદની ‘લક્ષ્મી’ની ગોલ્ડન સફર: નાર ગામના યુવાન પૂનમભાઈ પટેલને અચાનક વિચાર આવ્યો કે…

લક્ષ્મી ટોકિઝનો જન્મ પહેલાં તો અમુલ ડેરીની સામે

આવેલા અક્ષય બંગલો સામે થવાનો હતો પણ…

 

અશોક પરમાર

 

કોઈ વ્યક્તિ ક્યારે ક્યાં ફંટાઈ જાય, ક્યાંથી ક્યાં નીકળી જાય, એના રસ્તા બદલાઈ જાય એ ખબર ન પડે. આણંદની લક્ષ્મી ટોકિઝ પાછળ પણ આ જ ઈતિહાસ પડેલો છે. ખેતી સાથે સંકળાયેલો એક યુવાન અન્ય પાટીદાર યુવાનોની સાથે કમાવા માટે આફ્રિકાના બર્ટેન યુગાન્ડામાં ૧૯૩૩માં જાય છે. જબ્બરજસ્ત મહેનત કરે છે. દાયકા દરમિયાન હાડમારીઓ વચ્ચે એ થોડો સદ્ધર બને છે અને ત્યાંજ એમની લાઈન બદલાય છે.

૧૯૪૨માં વિશ્વ યુદ્ધ શરૂ થયું. દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા. એક મિત્ર રાષ્ટ્ર અને બીજા હિટલર, મુસોલિનની તરફેણમાં. ભારત પર બ્રિટનનો કબ્જો હતો. મિત્ર રાષ્ટ્રો બ્રિટન(ઈગ્લેન્ડ)ની આગેવાની હેઠળ લડતા હતા. ભારતના સૈનિકો ઈંગ્લેન્ડ માટે લડી રહ્યા હતા. ક્યારે શું થાય એ કહેવાય નહી. હાલમાં કોરોના કાળમાં મજૂરો ગમે તે થાય મૃત્યુ તો વતનમાં જ એમ માનીને નીકળી પડ્યા હતા. સરકારે પછી એમને માટે વ્યવસ્થા કરી પણ એ યુગમાં ૭૭ વર્ષ પહેલાં સાવ ટાંચા સાધનો, સઢવાળાં વહાણો હતાં. કોઈ સરકાર સ્પેશિયલ કોઈને તેમના વતન મોકલી આપે તે શક્ય નહોતું. મોમ્બાસામાં ૨૫૦૦થી વધુ ભારતીયો ફસાયેલા હતા. ખેડા જિલ્લાના નાર ગામનો પાટીદાર યુવાન પૂનમભાઈ સી. પટેલ ૨૭ વર્ષની ઉંમરે ત્યાં હતો. એકદમ એના મનમાં વિચાર આવ્યો. એણે બરાબર માર્ક કર્યું. એમને ત્યાં બંદર ઉપર ઓઈલના વહાણો આવતા હતાં. આ વહાણો ત્યારબાદ ખાલી પરત જતા હતાં.

યુવાન પૂનમભાઈ વહાણોના ખલાસીઓને મળ્યા. શું શું થઈ શકે એની વાતચીત કરી. એમના મનમાં ઠસાવ્યું અને પછી પૂનમભાઈ પટેલની એક નવી યાત્રા શરૂ થઈ. એક મહિનો થાય ત્યારે આફ્રિકાથી ભારત અવાતું. સઢવાળાં વહાણમાં અનાજ, પાણી, બળતણ, થોડી દવાઓ વગેરેની વ્યવસ્થા કરવી પડે. આ બધાંનો તોડ કાઢ્યો અને પહેલી સફર શરૂ થઈ. આફ્રિકાથી પહેલો જથ્થો ભારત આવ્યો, પછી ધનાધન ભારત પરત ફરવા ઈચ્છતા ૨૨૦૦ વ્યક્તિઓને ૨૨ વહાણોમાં પોરબંદર પરત લઈ આવ્યા. આ ઘટનાએ પૂનમભાઈને નવો વિચાર આપ્યો. ભારત-આફ્રિકા વચ્ચે વહાણોની ફેરી શરૂ કરવાનો, અને એમણે સૌરાષ્ટ્ર એન્ડ મોમ્બાસાની ફેરી કરવા મેસર્સ ચન્દ્રશેલ શીપ કંપનીની ૧૯૪૩માં જ સ્થાપના કરી. પોરબંદર અને જામનગરમાં બેડી બંદરથી તેમના વહાણો ફેરી કરવા લાગ્યાં. ૧૯૪૮માં તેમણે મુંબઈથી ઈસ્ટ આફ્રિકા માટે મુસાફરી સેવા શરૂ કરવા ટ્રાવેલ એજન્ટ સ્ટીમર કંપની શરૂ કરી. ટ્રાવેલ એજન્ટનું કામ હાથ પર લીધા બાદ એ જ વર્ષે તેમણે એર ટિકિટ, પાસપોર્ટ અને વીઝાનું કામ પણ હાથ પર લીધું. મુંબઈ તારદેવમાં ગેસ્ટ હાઉસ ઉભું કર્યું. તેમના બધા જ મુસાફરો મુંબઈના પટેલ ગેસ્ટ હાઉસમાં ઉતરતા અને ત્યાંથી વહાણોમાં તથા પછીથી પ્લેનમાં જતા. નારથી આફ્રિકા ત્યાંથી પરત ભારત અને પછી મુંબઈ પૂનમભાઈનું બીજું ઘર બન્યું. તેઓ મુંબઈ આવ્યા તે વખતે બોલકા-બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મનો યુગ જામી ગયેલો હતો. ફિલ્મોની ઝડપ વધવા લાગી હતી. દુનિયામાં ધીમો પણ મક્કમ બદલાવ આવવા લાગ્યો હતો. પૂનમભાઈ બારીકાઈથી બધું નિહાળતા હતા. ફરી એક વખત તેમને ઝબકારો થયો. એમને ખબર પડી ગઈ. હવેના યુગમાં ફિલ્મી થિયેટરો અને પેટ્રોલ પંપોની બોલબાલા હશે. ૧૯૬૦થી લઈ છેક ૧૯૯૦ સુધીના ગાળામાં પેટ્રોપ પંપ અને થિયેટર માલિકોને લોકો અહોભાવથી જોતા હતા. પૂનમભાઈને આ અંદાજ આવી ગયો હતો. ૧૯૬૧-૬૨ના વર્ષમાં તેમણે અમુલ ડેરીની બરાબર સામે હાલમાં જ્યાં અક્ષય બંગલો છે તે વિશાળ જમીન ખરીદી લીધી. આ જ સ્થળે લક્ષ્મી ટોકીઝ ઉભી કરવાનું નક્કી કર્યું, પણ પછી એમને લાગ્યું કે આ રોડને વિકસતાં વાર લાગશે. ગામ રેલ્વે સ્ટેશન તરફ આગળ વધી રહ્યું હતું. એટલે તેમણે જુના રસ્તા પર જમીન ખરીદી અને ૧૯૬૩ના માર્ચ મહિનામાં લક્ષ્મી ટોકિઝનું ખાતમુર્હુત થયું. એ અરસામાં સ્વસ્તિક અને ગોપાલ હતી. એ બંનેથી શ્રેષ્ઠ અને જાજરમાન થિયેટર બનાવવાનું નક્કી કર્યું.

પૂનમભાઈ પટેલ ત્વરિત નિર્ણય લેનારા હતા. તેમણે આણંદ મોટા અડધના પાટીદાર શાંતિલાલ એમ.પટેલ (બચુકાકા)ને પોતાની સાથે લીધા. તેઓ મેનેજમેન્ટની કુશળતા ધરાવતા હતા. ઉપરાંત વી. સી. દેસાઈ જેવી એકદમ શિસ્તબદ્ધ વ્યક્તિને પણ સાથે રાખ્યા અને તેમની યાત્રા શરૂ થઈ. શાંતિલાલ પટેલ (બચુકાકા)હીસ્ટ્રી અને પોલિટીકલ સાયન્સ સાથે એમ.એ. થયેલા. એ જબ્બર ઉત્સાહી હતા. આજે તેઓ ૮૮ વર્ષના અડિખમ છે અને એમની કામ કરવાની ધગશ જરા પણ ઘટી નથી. પૂનમભાઈને ધંધાની જબ્બર સૂઝ હતી તો સામે બચુકાકામાં તેને જાળવીને માવજતથી આગળ વધારવાની આવડત હતી. જેના ફળ સ્વરૂપ આજદિન સુધી બમ્બરે બમ્પર હીટથી હીટ પિક્ચરો આવ્યાં પણ લક્ષ્મીમાં ક્યારેય બબાલ નથી થઈ, નથી કોઈ છેડતી કે હેરાનગતિનો બનાવ બન્યો નથી. પૂનમભાઈની સાથે બચુભાઈ એવા ભળી ગયા કે બંને બાપ દીકરો જ લાગે. પુનમભાઈ બહુ ઓછું થિયેટરમાં આવતા. તેમના સંતાનોને પણ ટોકિઝ પર આવવા દેતા નહીં.૧૯૬૬માં આ બેલડીએ વડોદરામાં લક્ષ્મી ફિલ્મ લેબોરેટરી એન્ડ સ્ટુડિયોની સ્થાપના કરી. ૧૯૭૪માં વલ્લભ વિદ્યાનગરમાં વિદ્યાર્થીઓને આણંદ સુધી લાંબા ન થવું પડે તે માટે ત્રિમૂર્તિ ટોકિઝ લક્ષ્મી સ્ટાઈલમાં જ બનાવી. કરમસદમાં જલારામ નામની ઓપન ટોકિઝ પણ તેમની દેન હતી. થિયેટર અને ફિલ્મ સ્ટુડિયો ઉભો કર્યા બાદ ફરી એક વખત બચુકાકા તથા પટેલ તથા અન્ય અગ્રણીઓને બેગા કરી તેમણે લક્ષ્મી ટોકિઝની પાછળ આણંદ મર્કન્ટાઈલ કો.ઓ. બેન્ક શરૂ કરી. ત્યાર પછી આણંદ મર્કન્ટાઈલ કોલેજ ઉભી કરવામાં પણ તેમણે ફાળો આપ્યો. ૨૦૦૨માં સહકારી બેન્કો અને મંડળીઓ તૂટી ગઈ, પરંતુ આણંદ મર્કન્ટાઈલ બેન્કને તેની અસર પણ ન થઈ. એ તેના તમામ મજબૂત ફાઉન્ડરોને લઈને શક્ય બન્યું. તા. ૨૬-૧૧-૧૯૧૬ માં પાંચ ગામમાં સમાવિષ્ટ નાર ગામના પટેલ પરિવારમાં જન્મેલા પૂનમભાઈ પટેલ ૯૩ વર્ષે ૨૦૦૭ માં ગુજરી ગયા. તેમનો વારસો તેમના દિકરીના દિકરી અવનીબેન પટેલ સંભાળી રહ્યાં છે. દાદા જેવાં જ શાંત અને વિનમ્ર અવનીબેન આ દિવાળી સુધી લક્ષ્મી ટોકિઝને ચાલુ રાખવા માંગતા હતાં પરંતુ, કોરોનાએ શક્ય બનવા ન દીધું. ટોકિઝવાળો સમગ્ર વિસ્તાર લક્ષ્મી ચોકડીના નામે ઓળખાય છે. એટલે ભલે ભવ્ય ભૂતકાળ ધરાવતી લક્ષ્મી ટોકિઝ તૂટી ગઈ પણ, તેની ઉપર જે કોમર્શિયલ બિલ્ડીંગ બનશે તેનું નામ “લક્ષ્મી આર્ક” રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!