‘પાસપોર્ટવાળા’ તરીકે ખ્યાતનામ બનેલા પૂનમભાઈ પટેલે સિનેમાના
ધંધામાં ઝુકાવ્યું તે પહેલાં અનેક બિઝનેસમાં ‘લક્ષ્મી’ કમાઈ હતી
અશોક પરમાર
લક્ષ્મી ટોકિઝ બંધાઇ તેના શરૂઆતના ગાળામાં જાદુગર કે.લાલ તથા જુનિયર મહેમૂદના સ્ટેજ શો પણ રાખવામાં આવતા હતા. આ ઉપરાંત સિનેસર્કલ કાર્યક્રમ પણ રાખવામાં આવતો હતો. જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલત્તા, રમેશ મહેતા વગેરેને બોલાવતા. કોઇ સારો મિમિક્રી આર્ટીસ્ટ હોય, ગાયક હોય, નાટકનું નાનું પાત્ર કરતા હોય એવા લોકોને પ્રોત્સાહન આપવા પૂનમભાઇ સી.પટેલ દ્વારા આ કાર્યક્રમ શરૂ કરાયો હતો. એને ભારે સફળતા મળી હતી. લક્ષ્મી ટોકિઝની સાથે લક્ષ્મી સ્ટુડિયો પણ આ કંપનીનો જ હતો. જેના નેજા હેઠળ ત્રણ ગુજરાતી પિકચરો બનાવાયા હતાં. સૌભાગ્ય સિંદુર, મેના ગુર્જરી અને સતના પારખાં આ ત્રણેય પિકચરો સુપર હીટ ગયાં હતાં. જેમાં મેના ગુર્જરી તો લક્ષ્મીમાં ૨૫ વીક ચાલ્યું હતું. જેના પગલે અમદાવાદનાં ટાગોર હોલમાં ફિલ્મની હિરોઇન મલ્લિકા સારાભાઇની હાજરીમાં એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો.
પૂનમભાઇ સી.પટેલનો મૂળ બિઝનેસ ટ્રાવેલ એજન્ટનો હતો. ૧૯૪૪માં તેમણે આ વ્યવસાય શરુ કર્યો ત્યારે ચરોતરના લોકો પૂર્વ આફ્રિકા જતા હતા. તેમને પૂનમભાઇની કંપની સ્ટીમરોમાં મોકલી આપતી હતી. તેમને ત્યારે બધા ‘પાસપોર્ટવાળા’ તરીકે પણ ઓળખતા હતા. પૂનમભાઇ પટેલ મૂળે સાહસિક જીવ હતા.૧૯૪૩માં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ભારત અને આફ્રિકા વચ્ચેનો વ્યવહાર ખોરવાયો હતો. એ વખતે તેમણે મોમ્બાસા ખાતે માલ લઇને ગયેલા દેશી વહાણોમાં સાહસ કરીને ૪૬ દિવસની મુસાફરી કરી ૨૨ વહાણોનાં કુલ 2200 પેસેન્જરોને મોમ્બાસાથી પોરબંદરના અખાતે સહીસલામત ઉતાર્યા હતા. આ ઘટના બાદથી તેમની ખ્યાતિ વધી ગઇ હતી અને કામ પણ વધ્યું હતું.
વધતા કામને જોતાં પૂનમભાઇ પટેલે સૌરાષ્ટ્રના જામનગરનાં ઓખા અને પોરબંદર વચ્ચે વહાણોની સર્વિસ ચાલુ કરી હતી. આ માટે તેમણે ચંદ્ર સેઇલ કંપનીની સ્થાપના કરી હતી. ૧૯૪૭ સુધીમાં તેમણે ૬૦ હજાર જેટલા લોકોને પોતાની સર્વિસ દ્વારા વિદેશ મોકલ્યા હતા. પૂનમભાઇ પટેલ પાંચ ગામના અગ્રણી નારના વતની હતા. તેમણે મુંબઇ સેન્ટ્રલ પાછળ તારદેવની હિન્દમાતા હોટલની બાજુમાં ત્રીજા માળે પટેલ ગેસ્ટ હાઉસ ઉભું કર્યું હતું. ગુજરાતથી મુંબઇ થઇ આફ્રિકા જનારા મુસાફરો પહેલાં તેમના ગેસ્ટ હાઉસમાં મફત રોકાતા હતા. ત્યારપછી તેનું ભાડું એક રૂપિયો કરવામાં આવ્યું હતું. ૨૦૧૨ સુધી ૨૪ કલાકનું ભાડું રૂ.૧૦૦ હતું. અને છેલ્લે ભાડું રૂ. ૩૦૦ કરાયું હતું. હાલમાં આ ગેસ્ટ હાઉસ બંધ છે.પૂનમભાઇ એક પછી એક સાહસ કરતા જતા હતા. ૧૯૬૩માં આણંદ શહેરનો જૂનો રસ્તો ગાડાવાટનો માર્ગ હતો. શહેરમાં આ રસ્તેથી સૌથી વધુ અવરજવર થતી હતી. ગામ સ્ટેશન તરફ ખસવા લાગ્યું હતું એટલે બસ અને રેલવે સ્ટેશનની નજીક જૂના રસ્તા પર તેમણે વી.સી. દેસાઇ અને બુચકાકાના સહયોગથી માર્ચ ૧૯૬૩માં લક્ષ્મી ટોકિઝ બનાવવાની શરૂ કરી હતી. વડોદરાની આરાધના ટોકિઝ જેવી જ દેખાતી લક્ષ્મી જૂન ૧૯૬૪માં બંધાઇ જતાં તેમાં પ્રથમ પિકચર ફૂલો કી સેજ આવ્યું હતું. તેઓ ટ્રાવેલિંગ વ્યવસાય બાદ સિને ઉદ્યોગમાં ઉતર્યા અને લક્ષ્મી ટોકિઝનાં નિર્માણ બાદ તેની આટીઘૂંટી સમજયા પછી ફિલ્મ નિર્માણમાં ઉતર્યા હતા. ત્રણ પિકચરો તેમણે બનાવ્યા હતા. જેમાં મેના ગુર્જરી પિકચરે તો સિલ્વર જ્યુબિલી ઉજવી હતી અને બંમ્પર હીટ ગયું હતું. ફ્લ્મિ નિર્માણ પછી તેઓએ સ્ટુડીયોમાં હાથ અજમાવ્યો હતો. ૧૯૯૬માં લક્ષ્મી લેબોરેટીઝ એન્ડ સ્ટુડિયોઝ પ્રા.લિ.ની સ્થાપના કરી ત્યારે આ સ્ટુડિયોમાં વર્ષ દરમિયાન ૩૦થી ૩૫ જેટલાં ગુજરાતી પિકચરો બનતાં હતા. અન્ય ફિલ્મ સ્ટુડિયોની સ્થાપના થતાં તેમનું આ સાહસ વધુ વિકસી શકયું નહોતું.
ગુજરાતી ફિલ્મોને ટકાવી રાખવા તેમણે તનતોડ પ્રયત્નો કર્યા હતા. લક્ષ્મી ટોકિઝમાં છેલ્લા ૨૦ વર્ષમાં ૯૦ ટકા ગુજરાતી પિકચરો જ આવ્યાં છે. પોતાનો સ્ટુડિયો ઉભો કર્યા બાદ નિર્માતાઓની માગણીને માન આપીને તેમણે ગુજરાતી ફિલ્મો માટે લક્ષ્મી ટોકિઝ સમર્પિત કરી દીધી હતી. ૧૯૯૬ પછી ઘણો સમય એવો આવ્યો કે નવા પિકચર ન આવે તો રી-રન પિકચર પણ લાવ્યા હતા. જે ટોકિઝ કયારેય રી-રન પિકચર નહોતી લાવતી તેમાં અમિતાભનું કાલા પથ્થર, મુકદ્દરકા સિકંદર તથા બીજા ત્રણેક પિકચરો રી-રનમાં આવ્યા હતાં. પછી નરેશ કનોડિયાનો અસ્ત અને હિતેન કુમારના ઉદય સાથે લક્ષ્મી ટોકિઝ ગુજરાતી ફિલ્મો માટેની જ બની ગઇ હતી. જેનું કારણ એ હતું કે, ૧૯૯૮માં એસ.કે. અને પછી શિવાલય ટોકિઝ નવી રીતે બની. મલ્ટીપ્લેકસનો પવન ફુંકાવો શરૂ થયો. આ ગાળામાં લક્ષ્મી ટોકિઝે ગુજરાતી ફિલ્મના ચાહકોને પકડી રાખ્યા. તેઓ ગુજરાતીની નીતિને અપનાવીને અડીખમ ઉભા રહ્યા એટલે એમને કોઇ ઘસરકો ન પડયો પરંતુ ૨૦૧૬માં નવેમ્બરમાં દિવાળી પછી કેન્દ્ર સરકારે નોટબંધીનો નિર્ણય લીધો. રાતોરાત ૫૦૦ અને ૧૦૦૦ની નોટો પાછી ખેંચી લેવાઇ એ ઘા કારી નીવડયો. લક્ષ્મી ટોકિઝમાં ગુજરાતી ફિલ્મ જોવા આવનાર કારીગર, શ્રમિક અને તળિયાનો વર્ગ હતો. અમાસ અને પૂનમના દિવસે ટોકીઝ ફુલ રહેતી, પરંતુ છથી આઠ મહિના સુધી આ વર્ગ નાણાં મેળવવાની લ્હાયમાં દોડતો રહ્યો. હાથ પર રોકડ હતી નહીં તેની સીધી અસર મલ્ટીપ્લેકસ પર તો પડી જ પરંતુ સૌથી વધુ અસર ગુજરાતભરના લક્ષ્મી ટોકિઝની જેમ જ ગુજરાતી ફિલ્મો લાવતાં સિંગલ સ્ક્રીન થિયેટરોને પડી. એમની કમર ભાંગી ગઇ.
મલ્ટીપ્લેકસ થિયેટરો ૨૦૦૮નાં વર્ષથી ફરી ચાલવા લાગ્યાં. ૨૦૧૮ અને ૨૦૧૯માં દરેક ત્રીજું હિન્દી પિકચર સફળ થતું રહ્યું પણ, સામે ગુજરાતી ફિલ્મો ઘટી ગઇ અને બાકી હતું તે કોરોનાને પગલે આવેલ લોકડાઉને પૂરું કરી દીધું. એટલે નાછૂટકે લક્ષ્મી ટોકિઝ બંધ કરીને જમીન વેચી દેવાનો કડવો નિર્ણય ભારે હૈયે લેવો પડયો તેવું પૂનમભાઇ પટેલના પરિવારનાં ત્રીજી પેઢીનાં અવનીબેન પટેલ જણાવી રહ્યાં છે.
લક્ષ્મીમાં ઘણાં બધાં એવા કર્મચારીઓ હતા જેઓ છેક સુધી વફાદારીથી તેમની સાથે રહ્યા. તેનાં કારણે જ ટોકિઝ ૫૬ વર્ષની લાંબી મજલ કાપી શકી. જેમાં હાલના મેનેજર રાકેશભાઇ કે જેઓ છેલ્લાં ૩૪ વર્ષ ફરજ બજાવતા રહ્યા હતા. આ ઉપરાંત ફિલ્મના બોર્ડ બનાવતા પીટરભાઇ અને ત્યાર પછીના મહેશભાઇ ઉપરાંત પ્રિન્ટ ચલાવનાર ભાઇ પલ્બિસીટી માટે લારી લઇને ફરતીં વ્યકિતઓ, સાયકલ સ્ટેન્ડ ચલાવનાર સહિતનાં બધાં જ કંપનીની સાથે જ રહ્યાં. અંતે, ભારે હૈયે બધાંએ નાછૂટકે છુટા થવું પડયું.અવનીબેન કહે છે કે, ઘણીવાર રાતનો શો શરૂ થઇ ગયા પછી અમે પરિવારનાં લોકો ટોકીઝના બાંકડે જઇને બેસતા. ઇન્ટરવલમાં લોકોનાં રીવ્યુ પણ સાંભળતા હતાં. એક નિવૃત્ત શિક્ષકને લક્ષ્મી ટોકિઝ સાથે સ્નેહનો એવો નાતો બંધાઇ ગયો હતો કે તેઓ વીકમાં ચારથી પાંચ વખત આવતા, ટીકીટ લેતા અને ટોકિઝમાં દોઢ-બે કલાક બેસી ચાલ્યા જતા. સ્ટાફ અને પરિવારજનો તેમને ઓળખી ગયા હતા. તેઓ આવતા નિશ્ચિત જગ્યાએ બેસતા અને ચાલ્યા જતા હતા…
Laxmi tolkies… Vah bhai.. Khub saras mahiti. ..bhai tari aalekhan ni saili ek ghadayela nipun shilpi jevi che… Tera lakhan vishe pan ghanu lakhvu che..
Very true
Wow….one another master article with great details….keep up the good work guys. ..love to read anything and everything on my home city
વાંચવામાં ઘણી મજા પડી. ભાઈકાકા વિશે ઘણું જાણવાનું મળ્યું. આવી જ રીતે જૂની માહિતી આપતા રહેશો.
લિ. કાન્તિલાલ કામદાર
નોરવોક, કેલિફોર્નિયા