1950-60ના દાયકામાં કેટલાક લોકો લસુંદ્રાના કુંડનું આ પાણી અશેકું થાય પછી પીતા પણ ખરા અને કેટલાક લોકો ચણા બફાય ત્યાં સુધી પલાળી રાખી તે દવા માનીને પી પણ જતાઃ એક વખતે આ ગામમાં 100થી વધુ ગરમ પાણીના કુંડ હતાં
લસુંદ્રા
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાનું લસુન્દ્રા ગામ ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે પણ આજકાલ તેની સૌથી વધુ ઉપેક્ષા થઈ રહી છે. એક સમયે આ કુંડ જોવા માટે ગુજરાતની તમામ પ્રાયમરી સ્કૂલનાં બાળકો બસોમાં ભરીભરીને અહીં ગરમ પાણીના કુંડની કમાલ જોવા માટે આવતાં હતાં પણ, કમનસીબે આજે આ પૌરાણિક ગામ અને કુંડ ઉપેક્ષાના કૂવામાં ધરબાઈ ગયાં છે. ઐતિહાસિક દસ્તાવેજો પ્રમાણે ગરમ પાણીના આ કુંડ 500 વર્ષ જૂના છે. નરી આંખે જોઈ શકાય તેવા કૂવાઓનું આ પાણી ગરમ છે. જોકે, ફોસ્ફરસ(ગંધક)હોવાથી આ તેનું પાણી ગરમ નથી પણ રેડિયો એક્ટિવિટીને કારણે તે ગરમ હોવાનું કહેવાય છે. કેટલેક સ્થળે આવા ગરમ પાણીના કુંડ જ્યાં હોય છે ત્યાં ગંધકનાં ચોસલાં બાઝે છે. ઘણાં સ્થળોએ ગંધકની બહુ સખત વાસ આવતી હોય છે પણ લસુન્દ્રા ગામમાં આ કુંડમાંથી જ હાઈડ્રોજન મિશ્રિત ગંધકની વાસ આવે છે. ત્યાં કોઈપણ સ્થળ ગંધક દેખાતો નથી. આવા કુંડની આસપાસ જમીનમાં ક્ષાર હોય છે પણ, તે ક્ષાર મુખ્યત્વે કરીને સોડિયમ કાર્બોનેટ હોય છે. આ કુંડ ધોરણસરનાં બન્યાં તે પહેલાં જમીનમાં ખાડા ખોદીને ગોળ કુંડ ગોઠવી દેવાયાં હતાં. તેમાંથી પાણી સતત વહ્યા કરતું હતું. ગામના વૃદ્ધોએ કે જેમણે આ જોયું હતું તેમના મતે અહીં 100થી વધુ કુંડ હતાં. રસપ્રદ ઘટના એ બની કે લોકલ સરકારી તંત્રના ધ્યાનમાં આ વાત આવી. કેમકે, અહીં રોજ હક્કેઠઠ પબ્લિક જમા થતી હતી અને ત્યાં જ પાણી લઈને ન્હાતી હતી.
તંત્રએ લોકોની સુવિધા માટે ત્યાં અલગ અલગ 15-16 કુંડ તૈયાર કરી દીધાં. તેની ઉપર પાક્કું કોંક્રિટ તૈયાર કરાયું અને તેને કૂવાનો આકાર અપાયો. ન્હાવા માટેની સગવડ ઊભી કરાઈ. કૂવાની આજુબાજુમાં પરથાળ એવી રીતે કર્યા કે અંદર પાણીનું લેવલ ત્રણેક ફૂટ ઊંડું રહે અને લોકો સહેલાઈથી તે ખેંચી શકે. 1950-60ના દાયકામાં મુંબઈ સહિતના કેટલાક શહેરી ડોકટરો જેમને ત્વચાનાં દર્દો હોય તેમને એક વખત લસુન્દ્રા આંટો મારી આવી ગરમ કુંડના પાણીએ ન્હાવા માટે સલાહ સુદ્ધાં આપતા હતા તેમ કહેવાય છે. કેટલાક લોકો આ પાણી અશેકું થાય પછી પીતા પણ ખરા અને કેટલાક લોકો ચણા બફાય ત્યાં સુધી પલાળી રાખી તે દવા માનીને ખાઈ પણ જતા. આજે પણ ઘણાં લોકો આમ કરતા હોવાનું અહીં કામ કરનારા લોકોનું કહેવું છે. પહેલાં પરથાળ પર બેસીને ખુલ્લામાં ન્હાવાનું હતું પણ કેટલાંક વર્ષો પહેલાં સરકારે બંધ બાથરૂમ બનાવ્યાં હતાં. કુંડમાંથી પાણી ભરીને આ બાથરૂમમાં જવાનું અને ત્યાં જ નાહી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. એક સંશોધન પ્રમાણે કુંડના દરેક પાણીનું ઉષ્ણતામાન અલગ અલગ હોય છે. મજાની વાત એ છે કે બે કુંડ વચ્ચે માંડ એકાદ ફૂટનું અંદર છે છતાં પાણીની ગરમાઈ સાવ જુદી જોવા મળી છે. એક વખતે અહીં ભારતભરમાંથી રોજ હજારો ટુરિસ્ટ આવતા હતા પણ આજે ભાગ્યેજ કોઈ ફરકે છે. સ્થાનિક તંત્રએ પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરાયા છતાં કુંડની સંભાળ રાખી નથી. આજે કુંડ એકલાં પડી ગયાં છે અને તેની કોઈ દેખભાળ પણ થતી નથી. વર્ષો પહેલાં કુંડના પાણીથી ન્હાવા માટે જાહેર સ્નાનાગારની વ્યવસ્થા ઊભી કરાઈ હતી પણ આજે તેની હાલત કોઈ રીતે સારી નથી. જ્યાં જુઓ ત્યાં ગંદકી અને રેઢિયાળપણું તરત દેખાઈ આવે છે.
એક તવારિખ પ્રમાણે લસુન્દ્રા ગામ એટલું બધું પ્રાચીન નથી. ગામમાં સંવત 1579(ઈસવીસન 1523)માં બંધાયેલી એક જૂની વાવ અત્યારે ખંડિયેર દશામાં છે. એક ઐતિહાસિક ઉલ્લેખ પ્રમાણે એક સમયે લસુન્દ્રાનું નામ ‘લેપલરે’ હતું. અહીંના લોકો મોજીલા છે. મહોર અને શેઢી નદીના વહેતા કાંસ પર આ ગામ વસેલું છે. કાંસને કારણે પાણીનાં તળ બહુ ઊંચા રહે છે. પાણીનાં તળ ઊંચા હોવાને કારણે વહેળા પણ અહીં નદી બની ગયા છે. આવી જ એક ‘લુણી’ નદી છે. લુણી નદી પરથી ‘લુણપુર’ નામ પડ્યું હોઈ શકે તેમ કહેવાય છે. પાછળથી પૂરનું પદ્ર થઈને ‘લુણપદ્ર’ બન્યું હોય શકે, તેમ ‘ચરોતર સર્વસંગ્રહ’માં લખ્યું છે. આગળ જે વાવની વાત કરી છે તે મહંમદ બેગડાના સમયમાં બની હોવી જોઈએ કેમકે, 15મી સદીમાં બેગડાનું શાસન હતું. પહેલાં ‘લુણપુર’, પછી ‘લુણપદ્ર’ અને ધીમેધીમે ‘લુણસુંદ્રા’ નામ બન્યું હોવું જોઈએ અને તે પછી લોકબોલીએ ‘લસુન્દ્રા’ નામ ચઢી ગયું હશે તેમ કેટલાક ઈતિહાસકારો કહે છે.
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ વિસ્તાર રામાયણના હેડંબા વનનો એક વિસ્તાર હતો. સીતાહરણ પછી ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની શોધ કરતાં કરતાં અહીં આવી પહોંચ્યા હતા. વાયકા પ્રમાણે સર્ભાવ નામના એક ઋષિના આશ્રમમાં રામ અને લક્ષ્મણ રોકાયા હતા. લોકોક્તિ પ્રમાણે સર્ભાવ ઋષિને કોઢનો રોગ હતો. તેઓ સખત હેરાન થતા હતા. ભગવાન રામે બાણનો પ્રહાર કરીને જમીનમાંથી ગરમ પાણીનો પ્રવાહ કાઢયો હતો તે ગરમ પાણીનું કુંડ.
બે-ત્રણ દાયકા પહેલાં આ કુંડની જબરદસ્ત બોલબાલા હતી. ગામેગામની સ્કૂલનાં છોકરાંઓને પિકનિકમાં અહીં લવાતાં અને ગરમ પાણીનાંકુંડ બતાવીને તેનું વૈજ્ઞાનિક મહત્વ અને પૌરાણિક સંદર્ભ સમજાવાતો હતો. લસુન્દ્રા ગામના મોટાભાગના લોકોનો ધંધો-રોજગાર પ્રવાસીઓ પર આધારિત હતો. લસુન્દ્રા ગામના પ્રવેશદ્વારે જ આ કુંડ આવેલા છે. અમદાવાદથી જઈએ તો પહેલાં ગામની કમાન આવે તે પછી થોડે આગળ ડાબી બાજુએ વળી જતાં આ કુંડ આવે છે. કુંડના વિસ્તારમાં બગીચા જેવું વાતાવરણ ઊભું કરાયું છે પણ તેનું કોઈ મેઈનટેનન્સ હાલની તારીખમાં થતું હશે કે કેમ તે સવાલ છે. લસુન્દ્રા ગામના લોકોની કે જેમનો ધંધો-રોજગાર પ્રવાસીઓ પર નભે છે તેમની ફરિયાદ છે કે ઐતિહાસિક કુંડની ઉપેક્ષાને કારણે અહીં હવે પહેલાંની જેમ લોકો આવતાં નથી એટલે તેમની કમાણી અટકી પડી છે. લસુન્દ્રા ગામની રસપ્રદ વાત એ છે કે આ ગામમાં બીજાં ગામોની જેમ રામજી મંદિર આવેલું છે પણ તેમાં સીતાજી જોવા મળતાં નથી. સર્ભાવ ઋષિએ ભગવાન રામ અને લક્ષ્મણનું આ મંદિર બનાવ્યું હતું.