“બાળકોને નહીં, મને મારી નાંખો”: મ્યાનમારમાં બંદુકધારી સૈનિકો સામે જ્યારે સિસ્ટર ઘુંટણિયે પડી ગયાં, ફોટો વાયરલ

“બાળકોને નહીં, મને મારી નાંખો”: મ્યાનમારમાં બંદુકધારી સૈનિકો સામે જ્યારે સિસ્ટર ઘુંટણિયે પડી ગયાં, ફોટો વાયરલ

દેશમાં લોકશાહીની સ્થાપનાની માગણી સાથે રસ્તામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર આર્મીએ ગોળીબાર કરતાં સિસ્ટર એન ઘુંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગ્યાં, કરૂણા અને હિંમતની આ તસવીરે દુનિયાને હચમચાવી દીધી છે

 

યાંગોન

 

મ્યાનમારમાં ચાલી રહેલા તોફાનો વચ્ચે એક હ્રદય ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે. એક રોમન કેથોલિક સિસ્ટરની બંદુકો સાથે આવેલા મ્યાનમારના સૈનિકોની સામે ઘુંટણે પડીને બાળકોને જીવતા છોડીને પોતાને મારી નાખવાની વિનંતી કરતી તસવીર અત્યારે સોશિયલ મિડિયામાં વાયરલ બની છે. આ સિસ્ટરનું નામ એનરોઝ નુ ત્વાંગ છે અને તેમણે બાળકોને કોઈ પણ નુકસાન ન કરવા માટે આર્મીના સૈનિકોને વિનંતી કરી હતી. એટલું જ નહીં, આ સિસ્ટરે પોતાને મારી નાખો પણ બાળકોને કશું ના કરો તેમ કહીને સૈનિકોને શરમમાં મૂકી દીધા હતા.

સાદી વ્હાઈટ હેબિટમાં ઘુંટણિયે પડેલાં આ સિસ્ટર સૈનિકો સામે હાથ જોડીને વિનંતી કરી કહ્યાં છે. આ તસવીર એટલી બધી વાયરલ થઈ છે કે બૌદ્ધ બહુમતી ધરાવતા મ્યાનમારમાં સિસ્ટરની ભારે પ્રશંસા થઈ રહી છે. સિસ્ટરે આ ઘટના પછી કહ્યું હતું,”હું ઘુંટણિયે પડી ગઈ. સૈનિકો સમક્ષ મેં વિનંતી કરી અને બાળકોને ગોળી ન મારવા અને તેમને ટોર્ચર ન કરવા માટે કહ્યું હતું. મેં સૈનિકોને કહ્યું કે, તમે મને શૂટ કરી શકો છો.”

મ્યાનમારના મ્યીકક્યિ સિટીમાં સોમવારે આ ઘટના બની હતી. મ્યાનમારમાં આર્મીએ પહેલી ફેબ્રુઆરીએ બળવો કરીને ચુંટાયેલી સરકારને ઉથલાવી નાખી હતી અને તેના નેતા આઁગ સોન સૂકીને કેદ કરી લીધાં છે. આર્મીએ સત્તા ઉથલાવી તે પછી આખા મ્યાનમારમાં રસ્તા પર સૈનિકોનો ખડકલો કરી દેવાયો છે. દેખો ત્યાં ઠારના હુકમો છે. આવા માહોલ વચ્ચે લોકોએ ફરીવાર લોકશાહી સ્થાપવા માટે માગણી કરી છે. આર્મીએ તેની સામે કડક પગલાં ભરીને લોકોને ઠાર કરવા માંડ્યા છે.

સોમવારે કાચિમ સ્ટેટના મ્યીકક્યિ સિટીમાં લોકો રસ્તા પર આવી ગયા હતા અને આર્મીની સત્તા સામે વિરોધ કર્યો હતો. આ દરમિયાન આર્મીના જવાનો આવી પહોંચ્યા હતા. સૈનિકોએ તે પછી બધાંને એક ટોળાંમાં ભેગાં કર્યાં હતા અને તેમની સામે કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. આ જ વખતે સિસ્ટર એન રોઝ ત્વાંગ અને અન્ય બે સિસ્ટર આવી પહોંચ્યા હતાં અને તેમણે સૈનિકોને કશું ન કરવા માટે વિનંતી કરી હતી.

“પોલીસ અને સૈનિકોને દેખાવકારોને પકડવા માટે તેમનો પીછો કર્યો હતો. અમને બાળકોની ચિંતા હતી, તેમ જણાવીને 45 વર્ષનાં સિસ્ટર એને કહ્યું કે, મેં તેમની સામે ઘુંટણિયે પડીને વિનંતી કરી તેની થોડી વાર પછી આર્મીના જવાનોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ગોળીબાર કરવા માંડ્યો હતો. આ દરમિયાન બાળકો ગભરાઈ ગયાં હતાં અને અમારી બાજુ દોડવા લાગ્યાં હતાં. હું કશું કરી શકું તેમ નહોતી એટલે મેં બાળકોને બચાવવા અને તેમને મદદ કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરવા માંડી હતી, ” તેમ જણાવી સિસ્ટરે ઉમેર્યું કે, હું એ રીતે ઘુંટણિયે પડી ગઈ હતી જાણે આખી દુનિયા તૂટવા માંડી છે.

સ્થાનિક પત્રકારોએ આપેલી માહિતી પ્રમાણે આ સ્થળે આર્મીએ ગોળી મારીને બે પ્રદર્શનકારીઓને મારી નાખ્યા હતા.મ્યાનમારમાં કાચિન સ્ટેટમાં સ્થાનિક વંશીય જૂથો અને આર્મી વચ્ચે આ વર્ષોથી અથડામણો ચાલતી આવી છે. અહીંથી રોજ હજારો લોકો સ્થળાંતર કરી રહ્યા છે જેમને ક્રિશ્ચિયન મિશનરીઓ મદદ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!