કોઈપણ હોદ્દા પર પહોંચે ઘરનું કામ તો સ્ત્રીએ જ કરવાનું: ઈન્દ્રા નુયીએ પેપ્સીકો કંપનીનાં CEO બન્યાં પછી સૌથી પહેલું કામ દુધ લાવવાનું કરવું પડ્યું હતું

કોઈપણ હોદ્દા પર પહોંચે ઘરનું કામ તો સ્ત્રીએ જ કરવાનું: ઈન્દ્રા નુયીએ પેપ્સીકો કંપનીનાં CEO બન્યાં પછી સૌથી પહેલું કામ દુધ લાવવાનું કરવું પડ્યું હતું

મહિલા કોઈપણ સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન થાય તો પણ ઘરનાં કામ તો તેણે જ કરવાં પડે તેવી જડ માન્યતા આજે પણ પ્રવર્તે છેઃ ખુદ સ્ત્રી એ વાત સમજવા અને શીખવા તૈયાર હોતી નથી

 

મનીષ મેકવાન

 

ઈન્દ્રા કૃષ્ણમર્તિ સરેરાશ છોકરી હતી અને ચેન્નાઈમાં ટ્રેડિશનલ સ્કર્ટ અને બ્લાઉઝ પહેરીને સ્કૂલમાં જતી હતી. તેને કોલામ(રંગોળી) બનાવવી ખૂબ ગમતી અને ન્હાવાનું તેને ન ગમતું. રોજ સવારે બાથરૂમની બહાર એમ વિચારીને તે બેસી રહેતી કે આજે ન્હાવું કે નહીં! તેને ચંદ્રિકા નામની બહેન અને નારાયણ નામનો ભાઈ હતો અને તેની માતાનું નામ શાંતા અને પિતાનું નામ કૃષ્ણમૂર્તિ હતું. તેનો પરિવાર રુઢિચુસ્ત તામિલ બ્રાહ્મણ હતો અને માતા દિવસના પાંચ કલાક સુધી પૂજાપાઠ કરતાં રહેતાં.

ઈન્દ્રા મદ્રાસની પ્રતિષ્ઠિત મિશનરી સ્કૂલ ધ હોલી એન્જલ્સ એંગ્લો ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણી અને તે પછી મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાં સાયન્સમાં ડિગ્રી લેવા માટે ગઈ હતી. જેની સાથે હરિફાઈ રહેતી તે મોટી બહેન ચંદ્રિકા અમદાવાદ આઈઆઈએમમાં ભણવા ગઈ ત્યારે જ તેણે નક્કી કરી લીધું હતું કે તે પોતે પણ મેનેજમેન્ટ ભણશે.

કેમિસ્ટ્રી સાથે ગ્રેજ્યુએટ થયેલી ઈન્દ્રા આઈઆઈએમ બેંગલોરમાં ભણી અને તેનું પ્લેસમેન્ટ બ્રિટિશ ટેક્સટાઈલ કંપની ટૂટાલમાં થયું. તે પછી જોનસન એન્ડ જોનસનમાં તે બ્રાન્ડ મેનેજર બની અને સેનેટરી નેપકિન સ્ટે ફ્રીનો પૂરો ડિપાર્ટમેન્ટ સંભાળવા લાગી. 1978માં તે અમેરિકામાં યેલ યુનિવર્સિટીમાં ભણવા માટે ગઈ હતી.

સ્કર્ટ અને પોલકા ડોટ્સ બ્લાઉઝનો તેનો પહેરવેશ બદલાયો અને હવે તે સાડી પહેરવા લાગી હતી. ઈન્દ્રા કહે છે કે તેની કન્ઝર્વેટિવ મમ્મી તેને પંજાબી ડ્રેસ તો ઠીક ટ્રાઉઝર્સ કે જિન્સ પણ પહેરવા ન દેતી અને પોપ સિંગર ઉષા ઉથુપે જ્યારે સાડીમાં સ્ટેજ પરથી  રેપ સોંગ્સ ગાવા માંડ્યાં ત્યારે તો, પુરાણા ખયાલાતોવાળા સરેરાશ તામિલ પરિવારોની એ રુઢિ સફળતાનો માપદંડ છે તેવી માન્યતામાં ફેરવાઈ ગઈ.

અમેરિકામાં પણ ઈન્દ્રાનો પહેરવેશ બહુધા સાડી રહ્યો અને બિઝનેસ ટ્રાઉઝર્સ બોર્ડ મીટિંગોનો ભપકો બની રહ્યો. વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ફૂડ કંપનીની સીઈઓનો વોર્ડ રોબ સાડીઓથી ભરપૂર હતો અને તેમાં એક પણ સ્કર્ટ નહોતું.

ચેન્નાઈમાં પાની સુધીનું, ચણિયા ટાઈપનું સ્કર્ટ પહેરીને ફરતી એક શરમાળ છોકરીને અમેરિકામાં સ્કર્ટ પહેરવું નહોતું કેમકે, તેને ઘુંટણથી નીચેના પગ દેખાડવા ગમતા નહોતા. યેલમાં ફરજિયાત સમર જોબ માટે તેણે યુનિવર્સિટીના રિસેપ્શનિસ્ટ તરીકે કામ કર્યું કેમકે, સાડી સિવાય બીજું કશું તે પહેરી શકતી નહોતી.

‘ઈન્દ્રા નૂયી, એ બાયોગ્રાફી’માં લેખિકા અન્નપૂર્ણાને તે કહે છે કે અમેરિકામાં નવાં કપડાં ખરીદવા માટે તેની પાસે પૈસા નહોતા અને ભારતથી લાવેલી સાડીઓથી ચલાવી રહી હતી. ત્યાં સુધી કે એક બિઝનેસ સ્કૂલમાં તેને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી ત્યારે પણ તેણે સાડી જ પહેરી હતી અને કંપનીએ તેને રિજેક્ટ કરી નાંખી હતી.

ઈન્દ્રા અત્યંત નર્વસ બની ગઈ હતી અને પોતાની પાસેના પચાસ ડોલરમાંથી તેણે બિઝનેસ સુટ ખરીદવાનું નક્કી કર્યું હતું. તેણે 43 ડોલરનો બજેટ સુટ ખરીદ્યો અને બાકીના સાત ડોલરમાંથી હાઈ હિલ શુઝ લેવાનું નક્કી કર્યું. આટલા ઓછા રૂપિયામાં તેને કોર્પોરેટ વર્લ્ડ ઈમ્પ્રેસ થાય તેવા શુઝ ન મળ્યાં અને અંતે તેણે નક્કી કર્યું કે, બિઝનેસ શુટની નીચે તે બરફ પડે ત્યારે કામમાં આવતાં ઓરેન્જ રંગનાં સ્નો બૂટ પહેરીને ચલાવી લેશે. ઈન્ટરવ્યૂઅર કંઈ ટેબલ નીચેથી, તેણે પગમાં શું પહેર્યું છે તે થોડું જોવાનો હતો?

ઈન્દ્રાને જોકે, ઈન્ટરવ્યૂ લેનારા તમામ લોકો તાકી રહ્યા હતા. તેનો બિઝનેસ શુટ લઘરો, ઢીલોઢસ હતો અને તે ફુવડ દેખાતી હતી. યેલમાં તેના કરિયર ડેવલપમેન્ટ કાઉન્સેલરને તેણે ફરિયાદ કરી કે તેની સાથે પહેરવેશની બાબતે ભેદભાવ દાખવવામાં આવી રહ્યો છે. કાઉન્સેલરની સલાહથી તેણે ઈન્ટરવ્યૂ વખતે હવેથી સાડી જ પહેરવી શરૂ કરી અને ઈન્દ્રા કહે છે કે ત્યારથી સાડી(પાછળથી જમણા ખભેથી નીચે લબડતી રહે તેવી કાશ્મીરી શોલ)તેની કોર્પોરેટ ઓળખ બની ગઈ.

કર્ણાટકનો બ્રાહ્મણ યુવક રાજકિશન નૂયી તેને અમેરિકામાં મળ્યો હતો અને હ્યુલેટ પેકાર્ડમાં તે મોટા પદ પર નોકરી કરતો હતો. પરણ્યાના પહેલાં વર્ષે ઈન્દ્રા માતા બની અને કોર્પોરેટ વર્લ્ડમાં તેને લાગ્યું કે એક સ્ત્રી હોવાને કારણે તેની ભૂમિકા ધીમેધીમે ક્ષીણ થઈ જશે. ઈન્દ્રાએ બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપની નોકરી છોડી અને મોટોરોલામાં વાઈસ પ્રેસિન્ડટ તરીકે જોડાઈ.

મોટોરોલાએ તે વખતે પહેલું પેજર લોન્ચ કર્યું હતું અને ટેલિકમ્યુનિકેશનની દુનિયામાં ક્રાંતિ લાવવાનું કામ આરંભાયું હતું. 1994માં ઈન્દ્રાના જીવનમાં એક વીજળીક બદલાવ આવ્યો. જનરલ ઈલેકટ્રીકના સીઈઓ જેક વેલ્ચે તેને નોકરી ઓફર કરી. તેના થોડા દિવસોમાં પેપ્સીકોના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વેન કેલોવેએ પણ તેને જોબ માટે બોલાવી. અલબત્ત, કેલોવેની ઓફર વધારે લલચામણી હતી: ‘વેલ્ચ એક બેસ્ટ સીઈઓ છે…પણ મને તારા જેવી યંગ સ્માર્ટ લેડીની જરુર છે અને પેપ્સીકોને હું તારા માટે એક વિશેષ કંપની બનાવીશ…’

ઈન્દ્રાએ તે વખતે ફક્ત સોફ્ટ ડ્રિંક બનાવતી પેપ્સીકો પસંદ કરી અને તેમાં ચીફ સ્ટ્રેટેજિસ્ટ તરીકે જોડાઈ. ઈન્દ્રા તે વખતે 40 વર્ષની હતી. સીઈઓ રોજર એનરિકો સાથે મળીને તેણે રેસ્ટોરાં બિઝનેસ શરૂ કરાવ્યો અને પેપ્સી એ રીતે ફૂડ અને બેવરેજિસમાં સૌથી જાયન્ટ કંપની બનવા માંડી. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં તેનો સ્ટોક ઉછળવા માંડ્યો અને કંપનીની બેલેન્સ શીટ તગડી બની. ઈન્દ્રાએ પિઝા હટ, કેન્ટુકી ફ્રાઈડ ચિકન, તાકો બેલ, ફ્રિટો લે, ક્વેકર ઓટ અને ટ્રોપિકાના સહિતની કંપનીઓ પેપ્સીકોમાં ભેળવી દીધી. સૌદાબાજીમાં માસ્ટર ઈન્દ્રાને કંપનીએ ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર બનાવી અને અમેરિકી કોર્પોરેટમાં આ સ્થાને પહોંચનારાં તે પહેલા ભારતીય મહિલા બન્યાં.

2001માં ઈન્દ્રાની કંપનીના પ્રેસિડન્ટ તરીકે પસંદગી થઈ અને જ્યારે તે આ ખુશખબર સાથે ઘરે પહોંચ્યાં ત્યારે મમ્મી શાન્તાનો કર્કશ પ્રતિભાવ આવ્યો, ‘હમણાં તું એ વાત છોડ પહેલાં નીચે જઈને દુધ લઈ આવ…’

‘…પણ, ઘરમાં રાજ(કિશન)પણ છેને? એને મોકલને?’

‘ના, એ થાકી ગયો છે, સૂતો છે.’

ઈન્દ્રા કહે છે કે એક ટિપિકલ ભારતીય સાસુ તેના જમાઈને ડિસ્ટર્બ કરવા માગતી નહોતી અને ઘરનું કામ તો સ્ત્રીએ જ કરવાનું તે મતની હતી. ઈન્દ્રાનો સવાલ હતો, ‘ઘરનું કામ સ્ત્રી જ કેમ કરે અને બીજું કોઈ કેમ ન કરે?’

ઈન્દ્રા પેપ્સીકોના સીઈઓ પદે પહોંચ્યાં ત્યાં સુધીમાં રાજકિશને હ્યુલેટ પેકાર્ડની લ્યુક્રેટિવ કરિયર ટૂંકાવી નાંખી હતી અને ઘરમાં બે દીકરીઓના ઉછેરમાં ધ્યાન આપવા માંડ્યું હતું. પત્નીની ઉન્નતિ માટે પતિએ સદીઓ જૂની પરંપરાઓ ફગાવી હતી.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!