લાંબી લડત પછી ભારતીયોને કેન્યાની 44મી ટ્રાઈબમાં સ્થાનઃયુગાન્ડામાં પણ આવી જ ડિમાન્ડ

લાંબી લડત પછી ભારતીયોને કેન્યાની 44મી ટ્રાઈબમાં સ્થાનઃયુગાન્ડામાં પણ આવી જ ડિમાન્ડ

પિરામિડ જેવો એક સેટઅપ કેન્યામાં તૈયાર થયો, જેમાં યુરોપિયનો ટોપ પર સૌથી વધુ હકો અને હકુમતો સાથે હતા. તેમની પાસે ફળદ્રુપ જમીનો હતી. ભારતીયો મિડલમાં હતા અને છેક નીચે આફ્રિકન લોકો હતા

 

-નીલકેશ કાન્તિલાલ

 

થોડા વખત પહેલાં કેન્યાના ભારતીયોને દેશની 44મી ટ્રાઈબ તરીકે બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. તમને થશે કે ટ્રાઈબ તો આદિવાસી કે વણઝારા સમુદાયના હોય તેમને કહેવાય. પણ હકીકત એ છે કે આફ્રિકામાં ટ્રાઈબ તરીકે ભારતીયોને ઓળખવામાં આવે છે. તેમાં કેન્યાએ તેને બંધારણીય સ્વરૂપ આપી દીધું છે. તેનાથી ફાયદો છે. સામાન્ય રીતે, ભારતમાં લઘુમતીનો, શિડ્યુલ કાસ્ટ કે શિડ્યુલ ટ્રાઈબનો દરજ્જો આર્થિક, સામાજિક અને નાગરિકી બાબતોને લઈને અપાતો હોય છે. કેન્યામાં ટ્રાઈબનો દરજ્જો અપાય છે. કેન્યામાં સદીઓથી વેપાર, ધંધા અને શિક્ષણ ક્ષેત્રે આગળ પડતા હોવા છતાં ભારતીયોને દેશમાં કેટલીક અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે ભારતીયોનો ટ્રાઈબમાં સ્થાન મળતાં તેમનો દરજ્જો લીગલ થયો છે એટલે કેન્યામાં હવે અમુક પ્રકારના ભેદભાવ અને અન્યાયથી બચી શકાશે. મતલબકે, તમે કોર્ટ અને કચેરીમાં જઈને તમારી સાથે થયેલા અન્યાયની વાત તમે કાયદેસર કરી શકશો અને એ માટે વળતર માગી શકશો. તેમજ તેના લાભ પણ તમને મળશે. કેન્યાની સંસદે આ અંગેની જાહેરાત કરતાં કહ્યું હતું કે, ઈન્ડિયન એક સદી કરતાં વધુ સમયથી કેન્યામાં રહે છે અને તેમણે આ દેશ માટે ઘણું બધું પ્રદાન કર્યું છે. આ દેશની સંસદ તેમના આ પ્રદાનની નોંધ લઈને અને તેમના રૂટસ જોઈને તેમને કેન્યાની 44મી ટ્રાઈબનો દરજ્જો આપે છે.

છેક 17મી સદીમાં ઈન્ડિયન ડાયસ્પોરા કેન્યામાં આવીને વસી હતી. બ્રિટિશરોએ ભારતમાં તેમનું થાણું એટલે કે કોલોની સ્થાપી ત્યારથી કેન્યા અને આફ્રિકા સાથેનો ભારતીયોનો વ્યવહાર વધ્યો હતો. 1893ના વર્ષમાં મોહનદાસ કરમચંદ ગાંધી સાઉથ આફ્રિકામાં આવ્યા તે પહેલાં પણ ઘણાં નામી-અનામી ભારતીયો-ગુજરાતીઓ આફ્રિકામાં આવીને વસી ગયા હતા. કેન્યામાં ઘણી પેઢીઓ ભારતીયોને એમ જ જન્મી ચુકેલી છે. કેન્યામાં બ્રિટિશરોનું શાસન હતું તેની સામે ઘણાં ભારતીયોએ સ્થાનિક કેન્યન લોકો સાથે મળીને આઝાદી માટે જંગ ખેલ્યો હતો.ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલા એક લેખમાં કેન્યાની સંસદના એશિયન ઓરિજિનના પહેલા સાંસદ શકીલ શબ્બીરે કહેલું કે કેન્યામાં ભારતીયોએ આર્થિક રીતે કમાલ કરી બતાવી છે પણ ઘણાં લોકોને અંદરથી એવી લાગણી થતી હતી કે આ દેશમાં તેમને રાજકીય અને સામાજિક એવાં ઘણાં કામોથી અળગા રાખવામાં આવી રહ્યાં છે. શબ્બીરના કહેવા પ્રમાણે આમ તો 44મી ટ્રાઈબ તરીકે બંધારણમાં સ્થાન પામવાથી ભારતીયોને કોઈ આર્થિક ફાયદો થવાનો નથી પણ તેના કારણે થશે એવું કે વર્ષોથી સ્થાનિક લોકોમાં જે ભાવના ઘર કરી ગઈ છે તે દૂર થશે અને તેઓ ભારતીયોને કેન્યાના જ નાગરિકો ગણશે. ભારતીય ડાયસ્પોરામાં પણ કેન્યન આઈડેન્ટિટિનો ગર્વ છલકાશે.

ઈતિહાસકાર સના ઐયરે નોંધ્યું છે કે કેન્યાએ જ્યારે આઝાદી મેળવી ત્યારે તેની કુલ વસતીના બે ટકા ભારતીયો હતા. ભારતીયો રિટેલ, હોલસેલ અને મેન્યુફેકચરિંગ સેક્ટર સાથે સંકળાયેલા હતા અને તેઓ સ્કીલ્ડ લેબર પૂરો પાડતા હતા. જોકે, આર્થિક અને રેસિયલ રીતે ભારતીયો તદ્દન જુદા થઈ જતા હતા. ખાસ કરીને, જેમની સૌથી વધુ વસતી છે તેવા ગુજરાતીઓને તેનાથી બહુ સહન કરવું પડતું હતું. નૈરોબીમાં આતંકી હુમલા વખતે આ જ કારણથી ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. 17-18મી સદીમાં અંગ્રેજ સરકારની રેલવે અને શેરડીના ખેતરોમાં કામ કરવા માટે આવેલા ગુજરાતીઓની બીજી એક પેઢી 20મી સદીના પ્રારંભમાં આફ્રિકનો, પ્રોસ્પરસ ભારતીયો અને યુરોપિયનોને ત્યાં કામ કરવા માટે મજદૂર બનીને આવી. કેન્યામાં બ્રિટિશ શાસન રેસિયલ, રિલિજિયસ અને એનથીક લાઈન પર ચાલતું હતું. પરિણામરૂપે, પિરામિડ જેવો એક સેટઅપ કેન્યામાં તૈયાર થયો. જેમાં યુરોપિયનો ટોપ પર સૌથી વધુ હકો અને હકુમતો સાથે હતા. તેમની પાસે ફળદ્રુપ જમીનો હતી. ભારતીયો મિડલમાં હતા અને છેક નીચે આફ્રિકન લોકો હતા. 20મી સદીના મધ્યભાગમાં ભારતમાં અંગ્રેજ શાસન વિરુદ્ધ બળવો જોરમાં હતો ત્યારે જ કેન્યામાં પણ ઈમીગ્રન્ટસ દ્વારા બ્રિટિશ શાસન સામે વિપ્લવાદી મૂડ તૈયાર થયો હતો. એ વખતથી આફ્રિકનો અને ભારતીયો રાજકીય રીતે એકજૂથ થયા હતા. એક બાજુ કેન્યનો અને ભારતીયો વિદેશી શાસનથી આઝાદી ઈચ્છતા હતા તો બીજી બાજુ આ બે કમ્યુનિટી વચ્ચે આધિપત્ય માટેનો આંતરિક સંઘર્ષ પણ ચાલી રહ્યો હતો. કેન્યનો ભારતીયોને બહારથી આવેલા પરદેશી જ ગણતા હતા. પરિણામ એ આવ્યું કે, ભારતીયોએ ખાસ કરીને ગુજરાતીઓએ કેન્યાની આઝાદી માટે લોહી-પાણી વહાવી દીધાં તો પણ તેમને કેન્યનો જેટલું એકનોલેજમેન્ટ રાજકીય અને ઐતિહાસિક સ્તરે ન મળ્યું. હવે, ભારતીયોને 44મી ટ્રાઈબ તરીકે સ્થાન અપાતાં મૂળ કેન્યન આફ્રિકન અને ભારતીય આફ્રિકન વચ્ચેનું રેસિયલ અંતર ઘટી જશે.

હવે, કેન્યાની માફક યુગાન્ડામાં પણ ભારતીયોનો સ્થાનિક ટ્રાઈબ તરીકે સમાવેશ થાય તેમ માટેની મુહિમ ચાલી રહી છે. યુગાન્ડામાં ઈદી અમીને જે જુલમો કર્યા તેની યાદ હજુ પણ અહીંના 20,000 ડાયસ્પોરાના મનમાં તાજી છે. યુગાન્ડાની સરકારે કેન્યાની લાઈન પર ભારતીયોને ટ્રાઈબમાં સમાવવા અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે. યુગાન્ડામાં પણ આફ્રિકાના અન્ય દેશોની જેમ અનેક ટ્રાઈબ છે. ભારતીયોને ટ્રાઈબમાં સમાવી લેવાથી યુગાન્ડામાં આમ કોઈ મોટું જોખમ આવે તેમ નથી. યુગાન્ડા સરકાર ભારતીયોને વાહિન્દી(Wahindi) ટ્રાઈબ તરીકે સ્થાન આપવાના મતમાં છે. યુગાન્ડામાં ચાર કરોડન વસતીમાં ભારતીયોનો હિસ્સો એકદમ નગણ્ય છે. જોકે, ઈદી અમીનના અનુભવ પછી અને કેન્યામાં નૈરોબી તેમજ આફ્રિકાના બીજા દેશોમાં ભારતીયો જે રીતે ટાર્ગેટ કરાઈ રહ્યા છે તે જોતાં આ માગણી પ્રસ્તુત અને વ્યાજબી છે. વાસ્તવિકતા એ પણ છે કે આજે પણ યુગાન્ડામાં 65 ટકા ટેક્સ ભારતીયો ચુકવે છે. યુગાન્ડાનું બહુમતી બિઝનેસ સેક્ટર ભારતીયોના હાથમાં છે અને મોટાભાગના યુગાન્ડયન ભારતીયોની માલિકીની કંપનીઓના કર્મચારીઓ છે.

(લેખક નૈરોબીમાં રહે છે, હાલ મોટા વ્યવસાયકાર છે.)

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!