અત્યારે સમગ્ર વિશ્વમાં છ અબજ લોકો કુલ છથી સાત હજાર ભાષા બોલે છે અને તમે જે ભાષામાં બોલો છો તે ભાષા ક્યારે ખતમ થઈ જશે તેની કોઈ ગેરંટી નથીઃ ભાષાને જીવાડવી હોય તો તેનું સ્વરૂપ લોકજબાન સાથે સતત બદલાતું રહેવું જોઈએ
મનીષ મેકવાન
ભાષા અવરોધ છે અને માધ્યમ પણ છે પરંતુ જબાન બંને છે. મિરઝા ગાલિબની જબાન ઉર્દૂ હતી. રસૂલ હમઝાતોવની અવાર અને એન્ટન ચેખવ લખતો હતો રશિયન જબાનમાં. કવિ રાવજી પટેલની વાણીરાણી ગુજરાતી હતી અને પ્રેમચંદની જબાન ઉર્દૂ મિશ્રિત હિન્દી હતી, જે એક આખો સમૂહ બોલતો હતો. સામેવાળા સમૂહની ભાષા આવડતી હોતી નથી ત્યારે તમને લાગે છે કે તમે કોઈ એલિયન જગ્યાએ આવી ગયા છો!
તમે ચીનમાં જાવ છો અને ચીનાઓ મેન્ડેરિન સિવાય કશું બોલતા નથી. ચીનાઓ ચોપસ્ટીક વડે દાળ કે કઢી ખાતા હોય તે રીતે તેમની ભાષા બોલતા જાય છે પણ, કોઈ અમેરિકન કે ભારતીય વેપારી સાથે તેને બિઝનેસ કરવાનો આવે છે ત્યારે તેની જબાન ‘વ્યવસાયિક’ બની જાય છે. કરોડો ડોલરના સોદા અનજાન ભાષા બોલતા બે જણ વચ્ચે થઈ શકે છે. ભાષા અવરોધ ઊભો કરે છે પણ, જબાન સેતુ રચી આપે છે. જે લેખક પોતાને જ આવડે તે ભાષામાં લખે છે તે તેને લોકો ફેંકી દે છે. લોકોની જબાનમાં લખવું લેખનની અનિવાર્ય શરત છે કારણકે, લોકો ભાષા સમજતા નથી. ભાષા સમજવી અઘરી હોય છે, તે સંધાન કે અનુસંધાન કરી આપતી નથી બલ્કે, વિ-સંધાન તેનો ધર્મ છે. લોકોને સમજાય છે ફક્ત જબાન.
મહાન બોક્સર મહંમદ અલી કહેતા હતા તેમ, ‘ભાષા પતંગિયાની જેમ વિહરતી અને મધમાખીની જેમ ડંખ મારતી હોવી જોઈએ.’ પૃથ્વી પર મનુષ્યને જબાન આવી ત્યારે અગણિત ભાષાઓ બોલાતી હતી અને કાળક્રમે તે એક પછી એક નાશ પામતી ગઈ. અત્યારે સમગ્ર વિશ્વમાં છ અબજ લોકો કુલ છથી સાત હજાર ભાષા બોલે છે અને તમે જે ભાષામાં બોલો છો તે ભાષા ક્યારે ખતમ થઈ જશે તેની કોઈ ગેરંટી નથી.
ભાષાઓ, મીણબત્તીની આસપાસ ફરતા રહેતા પતંગિયાની જેમ ઝડપથી મરી પરવારી રહી છે.
પૃથ્વી પર જેમ જાતિ-પ્રજાતિઓ વિકસી છે તે જ રીતે ભાષાઓ પણ વિકાસ પામી છે, અદ્ર્શ્ય થઈ છે કાં તો મ્યુઝિયમનો નમૂનો બની ગઈ છે. હજુ થોડી સદીઓ પહેલાં ઊર્દુ અને યેડિશ ભાષાની પ્રજાતિ લોકજબાન હતી પણ હવે તે, લોબાનની માફક હવામાં એરોમા મુકીને અદ્રશ્ય થઈ ગઈ છે. ઉર્દુ ઉત્તરીય ભારત અને મિડલ ઈસ્ટમાં ઉત્ક્રાંત થઈ હતી અને 600 વર્ષ પહેલાં તેનું હિન્દીમાં ઓલમોસ્ટ કાયાંતરણ થઈ ગયું છે.
ઉર્દુ મિડલ ઈસ્ટમાં હવે રહી નથી અને તે પર્શિયન અને અરેબિકમાં, હરણની ડૂંટીમાં સમાયેલા કસ્તુરીની જેમ વિલીન થઈ ગઈ છે. ઉર્દુની લિપિ દેવનાગરીને બદલે અરેબિક અને પર્શિયન છે અને તેણે જનસમૂહને માટે ભયંકર મુશ્કેલી ઉભી કરી છે. ઉર્દુ નેપથ્યમાં ચાલી ગઈ છે કેમકે, તે ધર્મવિશેષની, વ્યક્તિવિશેષની ભાષા બની હતી. ભાષા જ્યારે કોર્નર થઈ જાય છે ત્યારે ખતમ થઈ જાય છે. ભાષા સેક્યુલર રહેવી જોઈએ અને બાળકના મુખેથી બોલાતી હોવી જોઈએ. બાળકના મુખેથી બોલાતી ભાષા જબાન છે અને જબાન ક્યારેય ખતમ થતી નથી, ભાષા થઈ જાય છે.
પંડિતો અને વિદ્વજનોએ મહાન સંસ્કૃતને એ રીતે જ મારી નાંખી છે. મુલ્લાંઓ ઉર્દુનું કાસળ કાઢી રહ્યા છે અને રાબ્બીઓએ યીડિશના દફન સંસ્કાર કરી નાંખ્યા છે. પૂર્વીય યુરોપમાં યહૂદી વસાહતોમાંથી યીડિશ ભાષા જન્મી હતી અને તેનો નાભિનાળ સંબંધ જર્મન અને હિબ્રુ સાથે હતો. હિબ્રુ પવિત્ર ભાષા ગણાય છે અને તેનો ઉપયોગ ફક્ત રાબ્બીઓ(યહૂદી ધર્મગુરુઓ)જ કરે છે. ધર્મગુરુઓની ભાષા ધર્મજનો બોલતા નથી અને યીડિશ એ રીતે ભૂલાઈ રહી છે. યીડિશની પોતાની કોઈ સ્ક્રીપ્ટ નહોતી અને તેણે હિબ્રુ લિપી અપનાવી હતી. ઈઝરાયેલનો જન્મ થયો અને દુનિયાના એક માત્ર યહૂદી રાષ્ટ્રએ રાજભાષા તરીકે હિબ્રુને પ્રમોટ કરી. કાળક્રમે હિબ્રુ રહી અને યીડિશ ભાષાશાસ્ત્રીઓનો પ્રોજેક્ટ બની ગઈ.
ભાષાઓ સજીવની જેમ જન્મતી હોય છે, જીવતી હોય છે અને મરતી હોય છે. કોઈ ભાષા કાળાતીત નથી, અમરપટ્ટો લખાવીને આવી નથી. સ્થળ, કાળ અને શિરસ્તાને સ્વીકારવાનો ઈન્કાર કરતી ભાષા અ-ક્ષરદેહ ધારણ કરી લે છે. બ્રાઝીલના એમેઝોન જંગલમાં ‘હિક્સકાર્યાના’ નામની ભાષા સૈકાઓથી બોલાતી હતી પણ, અત્યારે ફક્ત 300 જણ તે બોલે છે. કારણકે, તેણે વાક્યરચનાના ક્રમને સુધારવાનો ઈન્કાર કરી દીધો. હિક્સકાર્યાનામાં ઓબ્જેક્ટ(કર્મ)પહેલાં, સબ્જેક્ટ(કર્તા)વચ્ચે અને ક્રિયાપદ છેલ્લે આવતું હતું અને ઈંગ્લીશમાં ‘આઈ લવ યુ’ કહેતું સરળ વાક્ય હિક્સકાર્યાનામાં પ્રેમમાં સફળ થવા જેટલું અઘરું (યુઆઈલવ)થઈ પડતું હતું.
દુનિયાની 50-60 ભાષાઓમાં વાક્યરચનાઓ ટેઢીમેઢી રીતે લખાય છે અને આ તમામ ભાષાઓ અત્યારે ભાષાશાસ્ત્રીઓની ખોજનો વિષય બની છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓમાં બોલાતી ‘કાયારદિલ્દ’ ભાષ।માં ક્રિયાપદ અને કર્મ બંનેના કાળ બદલી નાખવામાં આવે છે અને સામાન્ય રીતે કાળ ફક્ત ક્રિયાપદમાં બદલાતો હોય છે.
ભાષા જેટલી સરળ બને તેટલી લોકજબાન બને છે અને તેની આયુષ્યરેખા વધે છે. દુનિયામાં નામશેષ થવા આવેલી ભાષા ફક્ત એક માણસ જ બોલતો હોય છે તેવાં દ્ર્ષ્ટાંતો પણ છે અને એક માણસને 72 જેટલી ભાષાઓ જીહવાગ્રે હોય તેવા ઐતિહાસિક દસ્તાવેજો પણ છે. કાર્ડિનલ મેઝોફેન્તી નામના ખ્રિસ્તી સંત 72 ભાષા બોલી શકતા હતા. તેમાંથી, ‘બેબેલ નો મોર’ નામના પુસ્તકમાં લખાયું છે તેમ, મેઝોફેન્તીનું એટલીસ્ટ 50 ભાષા પર પ્રભુત્વ હતું. 1774માં યુરોપમાં તેમની એટલી ડિમાન્ડ હતી કે કોઈપણ સંકેતાત્મક(coded) સંદેશો તેમની પાસે અર્થઘટન માટે લઈ અવાતો હતો. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી(MIT)માં ભાષાશાસ્ત્રી તરીકે કામ કરનારા અને 2001માં જેમનું અવસાન થયું તે કેન હેલ 50 ભાષા જાણતા હતા.
હજુ થોડાં વર્ષો પહેલાં જે ભાષાનો જન્મ થયો હોવાનું શાસ્ત્રીઓ કહે છે કે તે ઓસ્ટ્રેલિયાની આદિવાસી ભાષા વાલપિરી રેમપાકુ પણ તે સરળતાથી બોલી જાણતા હતા. વાલપિરી ઓસ્ટ્રેલિયાના ઉત્તર ભાગમાં ફક્ત 700 આદિવાસીઓને જ આવડે છે. લેબેનોનમાં જન્મેલા અને બ્રાઝીલમાં રહેતા ઝિયાદ ફઝાહ નામના એક અસામાન્ય સાધારણ માણસને નામે ગિનેસ બુક ઓફ વર્લ્ડઝ રેકોર્ડઝમાં 58 ભાષાની જાણકારીનો રેકોર્ડ નોંધાયેલો છે. જ્યારે તેને ટીવી પર ચિલીની ભાષામાં સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે ફિનીશ, ફારસી અને રશિયનમાં જવાબ આપ્યો હતો. તેણે શું જવાબ આપ્યો તે સવાલ પૂછનારને કશી ખબર પડી નહોતી. જે લોકો એકથી વધુ ભાષા જાણતા હોય અને વાત કરતી વખતે, ડિજીટલ સાઉન્ડ ટ્રેકની માફક એક ભાષાથી બીજી ભાષાનો ટ્રેક બદલે તેને ઈંગ્લીશમાં ‘હાઈપરપોલીગ્લોત્સ’ કહે છે.
ભારત દુનિયામાં સૌથી વધુ ભાષા વૈવિધ્ય ધરાવતો દેશ છે અને અલગ અલગ 780 રીતે તે બોલે છે. આશ્ચર્ય એ છે કે 1.36 અબજની વસતીમાંથી 80 વર્ષના એક વ્યક્તિને જ (માછીમારોની) સિક્કિમની માઝી ભાષા આવડે છે. માઝી થાક માઝી નામના માણસની સાથે જ દફન થઈ જશે કારણકે, તેમનાં બાળકો માઝી બોલતાં નથી.
જે ભાષા બાળકો શીખતાં નથી તે ભાષા ખતમ થઈ જાય છે.
સરસ લેખ છે.