મુઘલ શાસનકાળમાં નડિયાદ હાકેમોનું મુખ્ય મથક હતું. એ સમયમાં અકીક, ગળી, કાપડ, બાસ્તો, છીંટ અને કપડાં રંગવા સહિતના ઉદ્યોગમાં નડિયાદ ધીખતું નગર હતું. 18મી સદીમાં નડિયાદ ગાયકવાડ મલ્હાર રાવના કબજામાંથી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. 1927માં નડિયાદમાં રેલવે લાઈન આવી તે પછી તેનો વેપાર કલકત્તા અને કાશી સુધી પહોંચ્યો હતો.
યાયાવર ડેસ્ક
નડિયાદ શબ્દ કેવી રીતે બન્યો તે વિશે ઈતિહાસમાં કોઈ નોંધ નથી. નડિયાદ ગામ મૂળ ક્યાંથી વસ્યું તેના વિશેની પણ કોઈ ઠોસ માહિતી નથી. કેટલાક છૂટક ઉલ્લેખો પરથી એવું અનુમાન છે કે નડિયાદ સંવત 585-86ના ગાળામાં એક ગામની ગણતરીમાં પણ ન આવે તેવું પરું હોવું જોઈએ. પૌરાણિક કાળમાં પીલવાઈ તરીકે ઓળખાતું એક ગામ હતું.
આ ગામની બહાર જ્યાં નટ લોકો વસતા હતા તે ‘નટપરું’ કહેવાતું હતું. ક્યાંક તેને ‘નટપાદર’ તરીકે પણ ઓળખાવાય છે. કહેવાય છેકે જેમજેમ વસવાટ વધતો ગયો તેમતેમ આ પરું ‘પુર’ બન્યું અને તે ‘નટપુર’ તરીકે ઓળખાવા માંડ્યું. નટપુર વખત જતાં નડિયાદ બન્યું. જોકે, અન્ય કેટલાક ઉલ્લેખોમાં ’અલગ જ વાતની નોંધ છે. શોધગંગામાં આ મુજબ લખાયું છેઃ “ફારસી લખાણો પરથી જાણવા મળે છે તેમ ઈસવીસન 1007ના અરસામાં નડિયાદને મુસ્લિમ ઈતિહાસકારો ઈસ્લામ-આબાદ નામથી ઓળખતા હતા. આબાદ ફારસી વિશેષણ છે, તેનો અર્થ થાય છે વસેલું. ઈસ્લામાબાદ એટલે વસતી અને ધનધાન્યથી ભરપૂર.” એક વખતે આ વિસ્તારમાં નળ નામનો રાજા રાજ કરતો હતો અને નડિયાદ તેની રાજધાની હતી અને નડિયાદને ‘નગીનાબાદ’ તરીકે ઓળખાવાતું હતું.
એક સમયે નડિયાદ પર ગૂર્જર રાજાઓનું શાસન હતું. 12મી સદીમાં ડાકોરના ઠાકોર રાજાએ તેની પર ચઢાઈ કરી હોવાનું કહેવાય છે. મહંમદ બેગડાએ ઈસવીસન 1503માં નડિયાદમાં શાસન કર્યું હતું. 19મી સદીના પ્રારંભથી નડિયાદ ઐતિહાસિક અને વ્યાપારી મહત્વ ધરાવે છે. વલભી કાળમાં શેઢી નદીની પેલી પારનું નડિયાદથી ચાર માઈલ ઉપર દેગામ અગત્યનું મથક હતું. ઈસવીસન 1072થી 1092ના ગાળામાં કર્ણસિંહ સોલંકીએ અહીં ખેડૂતોને વસાવ્યા હતા અને એ રીતે નડિયાદનું મહત્વ વધાર્યું હતું. મુઘલ શાસનકાળમાં નડિયાદ હાકેમોનું મુખ્ય મથક હતું. એ સમયમાં અકીક, ગળી, કાપડ, બાસ્તો, છીંટ અને કપડાં રંગવા સહિતના ઉદ્યોગમાં નડિયાદ ધીખતું નગર હતું. 18મી સદીમાં નડિયાદ ગાયકવાડ મલ્હાર રાવના કબજામાંથી બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. 1927માં નડિયાદમાં રેલવે લાઈન આવી તે પછી તેનો વેપાર કલકત્તા અને કાશી સુધી પહોંચ્યો હતો.
નડિયાદ એક સમયે ખાંડેરાવ બહાદુરની રાજધાની હતું. નડિયાદને ફરતે નવ મજબૂત દરવાજા હતા. નડિયાદ તેના વગાઓ અને ભાગોળ માટે ફેમસ છે. નડિયાદમાં કોકા પટેલ તરીકે ઓળખાતા એક ઐતિહાસિક પુરુષ થયા તેમના નામ પરથી ‘કોકાનો વગો’ ઓખળાયો હતો. કોકાનો વગો હવે ‘કોચાટ વગો’ બની ગયો છે. કોકા પટેલના વંશજ રામ પટેલ થયા. રામ પટેલના નામ પરથી રામ તળાવડી અને કોકા પટેલના બીજા વંશજ ભોજા પટેલના નામ પરથી ભોજા તળાવડી વિસ્તાર બન્યો. જેને વછેવાડ તરીકે ઓળખવામાં આવે છે તેને જૂના જમાનામાં વછનાવાડી તરીકે ઓળખવામાં આવતી હતી. નડિયાદના જુદાજુદા વિસ્તારો જુદાંજુદાં નામે ઓળખાય છે. દેસાઈ વગો, કંસારાવાડ, વાણિયા પોળ, ખડાયતા પોળ, રબારી વાડ…
9 ભાગોળોમાં ડભાણ ભાગોળ, પીજ ભાગોળ, મરીડા ભાગોળ, અમદાવાદી ભાગોળ, ચકલાશી ભાગોળ, સલુણ ભાગોળ, ડુમરાલ ભાગોળ, કોકોળવાળાની ભાગોળ, બિલોદરા ભાગોળ. આ તમામ ભાગોળ પર એક વખતે નડિયાદના 9 દરવાજા હતા. અત્યારે એક મરીડા ભાગોળનો દરવાજો બચ્યો છે. જે વિસ્તારોમાં ખેડૂતો અને પાટીદારોની વસતી વધુ છે તે જુદીજુદી પાટીને નામે ઓળખાય છે. નડિયાદમાં સાત પાટી છે. 1. આલ્હાદ પાટી, 2. કાકરવાડ પાટી, 3. ચકલાશી પાટી, 4. લખાવાડ પાટી, 5. હીરજી પાટી, 6. રતનજી પાટી અને 7. કિલેદારી પાટી.
ચરોતર સર્વસંગ્રહમાં અપાયેલી માહિતી અનુસાર, એક સમયે બાદશાહી ઊંટ અત્યારે જ્યાં કાકરખાડ છે ત્યાંથી પસાર થતું હતું. ત્યાં ખાડો હતો. ખાડામાં ચીકણી જમીન હતી. આ ખાડો ગામ બહાર હતો. એ સમયે આ વિસ્તાર એકદમ નિર્જન હતો. બાદશાહના ઊંટનો પગ આ ખાડામાં લપસ્યો અને અંદર ઉતરી ગયો. ઊંટનો પગ બહાર કાઢી આપે તેવું કોઈ હતું નહીં. ઊંટ તો ત્યાં જ બેસી રહ્યું. જે માણસો તેની સાથે હતા એ તો સામાન લઈને ચાલતા થઈ ગયા. ઊંટનું નામ કાકર હતું. ઊંટ અહીં બેસી રહ્યું એટલે આ વિસ્તારનું નામ કાકરખાડ પડી ગયું. ઊંટની કોઈએ દરકાર ના કરી એટલે દિવસો સુધી કણસ્યા પછી તે અંતે મરી ગયું. કાકરખાડમાં પહેલાં વહોરાઓ રહેતા હતા. એ પછી આ વિસ્તાર વ્હોરવાડ બન્યો હતો.(જુઓ વિડીયો)
મુઘલ સામ્રાજ્યના અંત સુધી નડિયાદ આબાદ રહ્યું. નડિયાદના વણકરો ખાદીનું કાપડ વણી પરદેશ મોકલાવતા. નડિયાદનું રંગાટનું કામ અને નડિયાદના કાપડની થપાઈ વખણાતી. નડિયાદની બનાવટો માળવા અને રજપૂતાના તરફ ખૂબ વેચાતી. નડિયાદની અકીકના ઓપની કિંમત સારી અંકાતી હતી. નડિયાદની સુખ અને સમૃદ્ધિ એટલી બધી હતી કે મોગલ બાદશાહ ઔરંગઝેબ ચરોતરમાં જાતે આવીને મહેસૂલી હિસાબો તપાસતો હતો. એ વખતે જે લોકો સરકાર વતી ટેક્સ ઉઘરાવતા તેમને અમીન અને દેસાઈ કહેવાતા હતા. ઔરંગઝેબે કેટલાક અમલદારોની ગફલતો કાઢીને ફરીથી આવી ભૂલ ન થાય તે માટેનું ફરમાન બહાર પાડ્યું હતું.
બ્રિટિશરાજ સ્થપાયા પછી 50-60 વર્ષમાં નડિયાદની કાયાપલટ થવા માંડી હતી. ઈસવીસન 1814માં અંગ્રેજ સરકારે નડિયાદમાં પહેલો તલાટી નીમ્યો હતો. ઈસવીસન 1820થી 1826 સુધીમાં નડિયાદની વિવિધ મોજણી બ્રિટશ હકુમતે કરાવી ત્યારે નડિયાદની વસતી 20762 માણસોની હતી. નડિયાદમાં એ વખતે ગાયકવાડી રાજની કરન્સી ચાલતી હતી તે અંગ્રેજ સરકારે પાછી ખેંચાવી લીધી હતી. બ્રિટિશ સરકાર દેશમાં બીજી બધી જગ્યાએ જેમ ખેડૂતનું શોષણ કરતી તેવું જ શોષણ ખેડામાં પણ થતું. 1959માં નડિયાદમાં ખેડૂતો જે પાક પકવતા હતા તેમાંથી એક મણે સવાશેર સરકારને, પાશેર ગામના હિસાબ રાખનારનો, અડધો શેર પટેલનો, અડધો શેર વાણિયાઓનો જુદો કાઢવાનો રિવાજ હતો.
નડિયાદ ભવિષ્યમાં સાક્ષર નગરી બનવાની હતી તેનો સંકેત અહીં સ્થપાયેલી સ્કૂલમાંથી જ મળી ગયો હોવો જોઈએ. નડિયાદમાં છેક ઈસવીસન 1826માં પહેલી સરકારી સ્કૂલ સ્થાપવામાં આવી હતી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે નડિયાદમાં પહેલી ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ છેક 1856માં સ્થપાઈ ગઈ હતી. ગુજરાતમાં આજે શિક્ષણનું કેન્દ્ર ભલે વિદ્યાનગર ગણાતું હોય પણ નડિયાદમાં એક વખતે જ્યાં નજર દોડાવો ત્યાં સ્કૂલો મળી જતી હતી. ઈસવીસન 1877-78માં નડિયાદમાં આઠ સરકારી સ્કૂલો હતી. જેમાં એક હાઈસ્કૂલ, એક એઁગ્લો વર્નાક્યુલર સ્કૂલ, છોકરાઓ માટે ચાર ગુજરાતી મિડિયમની સ્કૂલો, છોકરીઓ માટેની એક સ્કૂલ અને એક ઉર્દુ શાળા હતી. ઈસવીસન 1879માં નડિયાદમાં દોલતરામ પંડ્યાએ પ્રથમ લાઈબ્રેરી સ્થપી હતી જેનું નામ નેટિવ જનરલ લાઈબ્રેરી હતું. 1890માં ડાહીલક્ષ્મી પુસ્તકાલય શરૂ થયું હતું.