અમેરિકામાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તમામ વિધિવિધાન ફ્યુનરલ એજન્સીઓ કરતી હોય છે. મૃત્યુ પછી ફ્યુનરલ સર્વિસનો જે બિઝનેસ ચાલે છે તેને ‘ડેથ કેર ઈન્ડસ્ટ્રી’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઈન્ડસ્ટ્રી એટલે મૃત્યુ સાથે સંકળાયેલા વહીવટ અને વસ્તુનો વેપાર
સેમસન કારિયા
સામાન્ય રીતે, કોઈ હિન્દુ વ્યક્તિ મૃત્યુ પામે તો પૂરી દુનિયામાં તેની અંત્યેષ્ટિ એ રીતે જ થતી હોય છે જેવી ભારતમાં થાય છે. શ્લોક, મંત્રોચ્ચાર અને અને અન્ય ધાર્મિક વિધિવિધાન સાથે હિન્દુ વ્યક્તિને અંતિમ વિદાય આપવામાં આવે છે. અમેરિકામાં પણ અંત્યેષ્ટિનાં જે કોઈ હિન્દુ વિધિવિધાન છે તેનો ફોલો કરવામાં આવે છે. ભારતમાં જેમ પરંપરાગત રીતે અંતિમવિધિ થતી હોય છે તે જ રીતે અહીં પણ હિન્દુ અંત્યેષ્ટિ થતી હોય છે. જોકે, તેમાં થોડી અલગતા જોવા મળે છે. તેની પાછળનું કારણ સાંસ્કૃતિક અંતર અને માહોલ. બીજું કે, મૃત્યુ સાથે હિન્દુ ધર્મમાં જે કોઈ બાબતો સંકળાયેલી છે તે દેશદેશાવરથી દૂર હોય છે એટલે તેમાં થોડું અલગ જરૂર હોય છે.
ક્રિશ્ચિયન અને મુસ્લિમોમાં માણસ મૃત્યુ પામે તો તેને દફન કરાતો હોય છે. હિન્દુઓમાં અગ્નિ સંસ્કારની વિધિ છે. અમેરિકામાં તો ફ્યુનરલનો આખો બિઝનેસ છે અને જો કોઈ માણસ મરી જાય તો ઘરનાં લોકોએ કશું કરવાનું હોતું નથી પણ આ તમામ કામ પ્રાઈવેટ એજન્સી કરે છે. કોઈ વૃદ્ધ માણસ મરી જાય તો તેના શબમાંથી તમામ કરચલીઓ હટાવી દેવામાં આવે છે અને તેના શરીરને આકર્ષક બનાવી દેવાય છે. શરીર સ્વર્ગમાં જાય તો ઢીલુંઢાલું અને બદસુરત ન જવું જોઈએ તેમ માનનારા અમેરિકનો મૃત્યુ પામેલા વ્યક્તિના શરીરને પણ લગ્ન માટે તૈયાર કરતા હોય તે રીતે સજાવે છે. અમેરિકામાં ટ્રેડિશન એવી છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તમામ વિધિવિધાન ફ્યુનરલ એજન્સીઓ કરતી હોય છે. અમેરિકામાં મૃત્યુ પછી ફ્યુનરલ સર્વિસનો જે બિઝનેસ ચાલે છે તેને ‘ડેથ કેર ઈન્ડસ્ટ્રી’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઈન્ડસ્ટ્રી એટલે મૃત્યુ સાથે સંકળાયેલા વહીવટ અને વસ્તુનો વેપાર.
એક રિપોર્ટ પ્રમાણે આ પ્રકારનો બિઝનેસ અમેરિકામાં મોટાભાગે પરિવારકેન્દ્રી રહયો છે. એવું કહેવાય છે કે અમેરિકામાં 200 વર્ષ પહેલાં સિવિલ વોર વખતે જ્યારે ડઝનબંધ સૈનિકો યુદ્ધના મેદાનમાં મરી જતા ત્યારે તેમને પદ્ધતિસર દફનાવવામાં આવતા હતા. આ દફનવિધિમાંથી પ્રેરાઈને હાલનો ડેથ કેર બિઝનેસ ચાલી રહ્યો છે. એ વખતે યુદ્ધના મેદાનમાંથી મરનાર વ્યક્તિની લાશને ઘરે લાવવા માટે તેને વ્યવસ્થિત તૈયાર કરવી પડતી હતી. લાશ તૈયાર થઈ જાય પછી તેને દફનવિધિ માટે મોકલવામાં આવતી. આ આખું કામ કેટલાક ટ્રેઈન્ડ માણસો કરતા. મૃતદેહ સાચવવા માટે આર્સેનિક નામના રસાયણનો ઉપયોગ કરાતો હતો.
અમેરિકામાં મૃતદેહને તૈયાર કરીને અક્ષરધામ મોકલવાની પરંપરા 19મી સદીથી સિસ્ટેમેટિકલી શરૂ થઈ છે. મોત પછીનો કારોબાર કરતી આવી 19,332 જેટલી કંપનીઓ અત્યારે અમેરિકામાં કામ કરે છે. અમેરિકામાં આ કારોબાર વાર્ષિક 14.20 અબજ ડોલરનો હોવાનો અંદાજ છે. એકવાર તમે આવી કંપનીને કામ સોંપી દો પછી અંતિમ ઘડીનું કામ પણ તે જ કરે છે. ઘરનાં લોકોએ ફક્ત શોક પાળવાનો હોય છે. આપણે ત્યાં સામાન્ય રીતે, દરેક કમ્યુનિટીમાં ઘરમાં કોઈ મૃત્યુ પામે તો તેના શબને પહેલાં તો ઘરનાં લોકો સ્નાન કરાવતાં હોય છે. તે પછી તેને નવાં કપડાં પહેરાવાય છે. જોકે, આ તમામ કામ આપણે જાતે કરીએ છીએ. અમેરિકામાં તેને માટે કંપનીઓ છે.
ભારતમાં કોઈ મૃત્યુ પામે તો તેના નિકટના સંબંધીઓ આવી જાય ત્યાં સુધી લાશને કાં તો બરફમાં કાં તો નજીકમાં હોસ્પિટલના મોર્ગ રૂમમાં રખાતી હોય છે. અમેરિકામાં દરેક જણ એક ખૂણેથી બીજા ખૂણે આવી શકે તેવું ધારી લેવું અને તે માટેની અપેક્ષા રાખવી બરાબર નથી. અમેરિકામાં મોટાભાગના લોકો વર્કિંગ પીપલ હોય છે એટલે તેમની પાસે આવો સમય હોતો નથી. વીક એન્ડમાં જ તેઓ આ પ્રકારનાં સામાજિક કામ કરી શકે છે. આ જ કારણથી અમેરિકામાં મોટાભાગનાં ફ્યુનરલ શનિ-રવિવારે રખાતાં હોય છે. જોકે, વ્યક્તિને કોઈ બીમારી હોય તો સપ્તાહના કોઈ પણ દિવસે તેમને અંત્યેષ્ટિ અપાતી હોય છે. બીજું કે, અમેરિકામાં મૃતદેહને સાચવવો મોંઘો પણ પડે છે.
તાજેતરમાં ન્યૂજર્સીમાં રહેતા એક સંબંધીનું એકાવનમા વર્ષે નિધન થયું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે ન્યૂજર્સી સહિતનાં સ્ટેટમાં બરાબરની બરફવર્ષા ચાલતી હતી. અમેરિકામાં આવા વેધરમાં કાર ચલાવવી ખતરાથી ખાલી હોતું નથી. જોકે, તેમ છતાં આ પરિવારને સધિયારો આપવા માટે ઓછામાં ઓછા 300 લોકો હાજર હતા. અમેરિકામાં ફ્યુનરલમાં કોઈપણ વ્યક્તિ સામેલ થઈ શકે છે. સ્ત્રી કે પુરુષ કે બાળક એવું કશું જોવાતું નથી. મૃતક અંગેની પૂજા-પ્રાર્થના બ્રાહ્મણ કરાવે છે. મૃતકના શરીરની આસપાસ બધાં પ્રદક્ષિણા કરે છે અને આપણે ભારતમાં કરીએ છીએ તેમ ફૂલો અર્પણ થાય છે.
ન્યૂજર્સીનાં હિન્દુઓ માટ પ્રદીપભાઈ કોઠારીનો પરિવાર ફ્યુનરલ હોમ ચલાવે છે. અમેરિકામાં પહેલાં બનતું એવું કે કોમન સ્મશાનમાં મૃતક હિન્દુ ભાઈ-બહેનને લઈ જવામાં આવે તો ધાર્મિક વિધિવિધાનમાં મુશ્કેલીઓ આવતી હતી. આ મુશ્કેલીના નિવારણરૂપે પ્રદીપભાઈએ એક દોસ્ત સાથે મળીને હિન્દુઓ માટે ફ્યુનરલ હાઉસ શરૂ કર્યું હતું. આજે ન્યૂજર્સીમાં મોટાભાગનાં હિન્દુઓ મૃત્યુના પ્રસંગે તેમના ફ્યુનરલ હાઉસની સેવા લે છે. મૃતદેહ હોસ્પિટલમાં હોય તો ત્યાંથી લઈ આવીને તેને સ્નાનાદિ કરાવવાથી માંડીને ફૂલ, બ્રાહ્ણણ અને ક્રિમેશન સહિતની તમામ વ્યવસ્થા તેઓ કરી આપે છે. આ માટે અંદાજે 4000થી 4500 ડોલર(ત્રણેક લાખ રૂપિયા)નો ખર્ચ થતો હોય છે.
અમેરિકામાં કોઈ મૃત્યુ પામે અને તેના ફ્યુનરલમાં જવાનું હોય તો મોટાભાગના લોકો કાળાં કપડાં પહેરતાં હોય છે. જોકે, હિન્દુઓને ત્યાં આવો દુઃખદ પ્રસંગ હોયતો વ્હાઈટ કપડાંમાં જ લોકો આવે છે. મંદિરમાં વિધિ કરવા માટે મૃતકને લઈ જવાના હોય તો ત્યાં પણ ચંપલ ઉતારી દેવાં પડતાં હોય છે. અમેરિકનો સામાન્ય રીતે બુટ કે ચંપલ પહેરી રાખે છે પણ આપણા ભારતીયો રીતરિવાજને ચુસ્ત રીતે પાળે છે.
સામાન્ય રીતે, ભારતમાં દર્શનાર્થે મૃતદેહ મુકવામાં આવે તો ખાટલામાં કે કોઈ એવા આસન પર મુકાય છે. અમેરિકામાં ઓપન કાસ્કેટમાં બોડી રખાય છે. તેની આસપાસ ફૂલો અને સુખડ-ચંદનની ધુપ ચાલતી હોય છે. બ્રાહ્ણણ દ્વારા હિન્દી કે સંસ્કૃતમાં શ્લોકોનું ઉચ્ચારણ થાય છે. અમેરિકામાં મૃતદેહને ખભે નાખીને રસ્તા પરથી ‘રામ બોલો ભાઈ રામ’ ઉચ્ચારણ સાથે લઈ જવાતો નથી. બલ્કે, તેને એક વ્હીકલમાં ક્રિમેટોરિયમમાં ટ્રાન્સપોર્ટ કરાય છે.