1940માં એચ.એમ. ભારત પાછા ફર્યા ત્યારે બ્રિટન બીજા વિશ્વયુદ્ધમાં ખૂંપી ગયું હતું. જર્મનો ઠેરઠેર વિજેતા બનતા હતા ત્યારે ભારતીય પ્રજા અને સૈનિકો માટે પુરવઠો જાળવી રાખવા એચ.એમ.ને પુરવઠા વિભાગના નાયબ સચિવ બનાવાયા હતા
– પ્રા. ચંદ્રકાન્ત પટેલ
મૂળજીભાઈ પટેલને ત્યાં મુંબઈમાં 27 ઓગસ્ટ 1904માં દીકરો જન્મ્યો ત્યારે ગામડા ગામના જોષીએ કાઢેલા જન્માક્ષરમાં મૂળજીભાઈનો હીરુ ડેપ્યુટી કલેક્ટર જેવો ઊંચામાં ઊંચો બોદ્દો મેળવવા સદભાગી બનશે એ નોંધ્યું હતું. તે જમાનામાં હિંદીઓને ડેપ્યુટી કલેક્ટરથી ઊંચો હોદ્દો મળતો જ નહીં. ધર્મજના મૂળજીભાઈ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે મુંબઈમાં નોકરી કરે. શિક્ષકન નોકરી કરતાં કરતાં નામું લખતાં અને પછી મકાનો અને જમીનની દલાલી કરતા થયા. આમાં એ સારું કમાયા. આ મૂળજીભાઈ અને હીરાબહેનના દીકરા તે હીરુભાઈ. પાછળથી તે માત્ર એચ.એમ.ના નામે વિશ્વવિખ્યાત થયા. હીરુભાઈ મુંબઈમાં સેંટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણ્યા. વચ્ચે લગભગ 6 મહિના પેટલાદમાં મોતીભાઈ અમીને સ્થાપેલી બોર્ડિંગમાં એ રહી ચુક્યા હતા. મુંબઈમાં સેંટ ઝેવિયર્સમાં અભ્યાસ વખતે એચ.એમ.પટેલે બીજી ભાષા તરીકે સંસ્કૃતનો અભ્યાસ કરેલો. આને લીધે તેમનો સાહિત્યમાં રસ વધ્યો. 1920માં માત્ર 16 વર્ષની વયે સવિતાબહેન સાથે તેમનું લગ્ન થયું. પિતા મૂળજીભાઈએ પટેલ સાહેબ જ્યારે કિશોરાવસ્થામાં હતા ત્યારે પૂરતી કમાણી કરી હતી. જે કમાણીનો ઉપયોગ તેમણે પુત્રને વિલાયત ભણવા મોકલવામાં કર્યો. ઈઁગ્લેન્ડમાં પ્રથમ 6 વર્ષ માટેના ખર્ચની જોગવાઈ પિતા કરી શક્યા હતા,પણ છેલ્લાં બે વર્ષ પટેલ સાહેબને ખેંચ ભોગવવી પડી. છેલ્લા બે વર્ષના અભ્યાસ માટે દેવું કરવું પડ્યું અને તે દેવું ઈંગ્લેન્ડથી પાછા આવીને નોકરી કરીને તેમણે ચુકવ્યું હતું.
1926માં તેમણે ઓક્સફોર્ડમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી. તે જ સમયે લંડન યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે બી.કોમ. થયા. આ પછી તે જ વર્ષે આઈ.સી.એસની પરીક્ષામાં ઉતીર્ણ થયા અને વધુ તાલિમ માટે એક વર્ષ લંડન રહ્યા. 1927માં તે આઈસીએસ અમલદાર તરીકે સિંધના લારખાના જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમાયા. તે જમાનામાં આંગળીના વેઢે ગણાય તેટલા હિંદીઓ આઈ.સી.એસ.અમલદાર હતા. 1934 સુધી તે સિંધમાં વિવિધ જગાએ ડેપ્યુટી કલેક્ટર તરીકે રહ્યા. આ જ અરસામાં તેમને વિદ્યાનગરના વિશ્વકર્મા ભાઈકાકાનો પરિચય થયો હતો. સિંધમાં પૂર અને કોમી રમખાણોના નિયંત્રણમાં તે સફળ રહ્યા હતા. તેમને આ અનુભવ ભવિષ્યમાં ભારતને માટે અમૂલ્ય બનનારો હતો. કચ્છ અને સિંધની સરહદે ચાંદીની દાણચોરીની સમસ્યાની તપાસ માટેના ખાસ અધિકારી કલકત્તામાં ચલણ નિયામક અને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલ સાથેની કામગીરી કરીને એચ.એમ.પટેલ આર્થિક બાબતોના નિષ્ણાત બન્યા. આ પછી 1937માં ભારત સરકારે તેમને ટ્રેડ કમિશનર તરીકે હેમબર્ગમાં અને 1939માં લંડનમાં નિમ્યા. 1940માં એચ.એમ. ભારત પાછા ફર્યા ત્યારે બ્રિટન બીજા વિશ્વયુદ્ધમાં ખૂંપી ગયું હતું. જર્મનો ઠેરઠેર વિજેતા બનતા હતા ત્યારે ભારતીય પ્રજા અને સૈનિકો માટે પુરવઠો જાળવી રાખવા એચ.એમ.ને પુરવઠા વિભાગના નાયબ સચિવ બનાવાયા હતા. 1940થી 1945 સુધી નાયબ સચિવ, નાયબ પુરવઠા નિયામક, સહપુરવઠા નિયામક એવાં વિવિધ પદો તેમણે સંભાળ્યાં. યુદ્ધ સમયે વધતા ભાવોને અંકુશમાં રાખવા કપડાં, દવાઓ વિગેરે વસ્તુઓનું વિતરણ કરવાનું તંત્ર ગોઠવવાની જવાબદારી તેમને સોંપાઈ.
1946માં એચ.એમ. પટેલની વરણી કેબિનેટ સચિવ તરીકે થઈ. આવો હોદ્દો ધરાવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. સંરક્ષણ સચિવપદના હોદ્દા દરમિયાન એમણે ભરેલાં પગલાં ઐતિહાસિક હતાં. ભાગલાને પરિણામે ખંડિત બનેલા લશ્કરનું નવગઠન કરવાની જબરી કામગીરી તેમણે બજાવવાની હતી. તેમના લીધેલા નિર્ણયોથી ત્રીજા વિશ્વના રાષ્ટ્રોમાં ભારત તાકાતવર બન્યું. તેમણે નવા શસ્ત્ર ભંડારો બનાવ્યા. ભાગલાથી પાકિસ્તાનમાં જૂના શસ્ર ભંડારો જતાં રહ્યાં. લશ્કરની બીજી હરોળ ઊભી થઈ શકે તે માટે નેશનલ કેડેટ કોર(NCC)ની શરૂઆત તેમણે કરી હતી. પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે નહેરુ સરકારે બચાવની વ્યવસ્થા તેમને સોંપી હતી. 24 કલાકમાં તેમણે વિમાન મારફતે કાશ્મીરમાં સેના અને ટેન્કો ઉતારી કાશ્મીરને બચાવ્યું.
1954માં એચ.એમ.પટેલ નાણા સચિવ બન્યા. તેમના અમલામાં દશાંશ પદ્ધતિનું ચલણ અમલી બન્યું. ઈમ્પિરયલ બેન્ક ઓફ ઈન્ડિયા નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એચ.એમ.પટેલે 30 હજાર કર્મચારીઓ ધરાવતી 240 જીવન વિમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું. આથી જનતાની બચતો સલામત બની અને રાષ્ટ્રીય વિકાસનાં કામો વધ્યાં. હિન્દુસ્તાન મશીન ટુલ્સ(HMT)નામથી જાણીતી કંપની ઊભી કરીને તેમણે દેશ-વિદેશમાં ડંકો વગાડી દીધો. 1958માં એચ.એમ.પટેલ નિવૃત્ત થયા. ભાઈકાકાના આગ્રહથી તે ચારુતર વિદ્યામંડળના પ્રમુખ બન્યા. 1993 સુધી ચારુતર વિદ્યામંડળની જવાબદારી સંભાળી. એચ.એમ.પટેલના પ્રયત્નોને લીધે કરમસદમાં મેડિકલ કોલેજ થઈ. સરકારની આર્થિક સહાય સિવાય મેડિકલ કોલેજનું સંકુલ ઊભું કરવાનું કામ એચ.એમ.પટેલ જેવી સંનિષ્ઠ, કાર્યદક્ષ અને ધ્યેયનિષ્ઠ વ્યક્તિ જ કરી શકે. તેમના પ્રમુખપદ દરમિયાન વલ્લભવિદ્યાનગરમાં કેટલીક નવી કોલેજો ઊભી થઈ. એચ.એમ.પટેલ હોમસાયન્સ કોલેજ, ફાઈન આર્ટ્સ કોલેજ, ફાર્મસી કોલેજ, સરદાર પટેલ સૌર ઉર્જા કેન્દ્ર, રાજરત્ન પી.ટી. પટેલ(RPTP) સાયન્સ કોલેજ, ટી.વી.પટેલ આર્ટ્સ કોલેજ, એચ.એમ.પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈંગ્લીશ તેમના કાર્યકાળમાં અસ્તિત્વમાં આવી હતી.
1966માં તે સ્વતંત્ર પક્ષમાં જોડાયા. ગુજરાતમાં સ્વતંત્ર પક્ષની ચૂંટણીમાં ઝુંબેશનું તેમણે એવુ સુંદર આયોજન કર્યું કે અગાઉની ધારાસભામાં 21 બેઠકો ધરાવતો પક્ષ 67 બેઠકો ધરાવતો થઈ ગયો. આણંદની લોકસભા અને ધારાસભાની બેઠક પર તે હાર્યા, તો ધાંગ્રધ્રાની પેટા ચૂંટણી લડીને તે ધારાસભ્ય બન્યા. ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્ય તરીકે તેમણે રચનાત્મક અભિગમ દર્શાવ્યો. આ પછી તે ગુજરાત સ્વતંત્ર પક્ષના પ્રમુખ બન્યા. 1971માં તે ધંધુકામાંથી સાંસદ તરીકે ચુંટાયા. 1976માં ઈન્દિરાજી સામે એક બનેલા વિરોધપક્ષોના લોકસભામાંના જનતા મોરચાના નેતા તરીકે તેમની વરણી થઈ. 1977માં એચ.એમ.પટેલ સાબરકાંઠા જિલ્લામાંથી જનતા પક્ષની ટિકિટ પર ચુંટાઈને લોકસભામાં ગયા હતા. જનતા પક્ષની મોરારજીભાઈ દેસાઈની સરકારમાં નાણામંત્રી બન્યા હતા. તેમના પગલાંથી ભારતના અર્થતંત્રમાં ક્યારેય ન હોય તેવી સ્થિરતા અને ભાવનિયંત્રણ આવ્યાં. ભારતની આર્થિક નીતિઓ તેમણે ધરમૂળથી બદલી નાંખી અને વિદેશી રોકાણો માટેનો માર્ગ મોકળો કરી દીધો. જનતા સરકારના પાછળના સમયમાં તેઓ ગૃહપ્રધાન રહ્યા. 1980ની મધ્યસત્ર ચૂંટણીમાં તે સાબરકાંઠામાં પરાજિત થયા પણ 1984ની લોકસભાની ચૂંટણીઓમાં વિજેતા બન્યા. દિલ્હીમાં એ જ્યારે સચિવપદે હતા ત્યારે ગુજરાતી સમાજના પ્રમુખ હતા. તેમના અમલ દરમિયાન ગુજરાતી સમાજે નવું મકાન બાંધવા જમીન ખરીદી. દિલ્હીમાં તેમણે ગુજરાત એજ્યુકેશન સોસાયટી સ્થાપી. અમદાવાદમાં સરસપુરમાં આવેલ સરસ્વતી વિદ્યાલય ટ્રસ્ટના એ પ્રમુખ હતા. તેમના કારણે અમદાવાદમાં એ સ્કૂલ પ્રથમ હરોળની શાળા તરીકે પ્રતિષ્ઠિત થઈ. એચ.એમ.પટેલનો નિત્યક્રમ રાત્રે 10 વાગ્યે સુવાનો અને સવારે બે વાગ્યે ઉઠી જવાનો. ઉઠઈને તેઓ વાંચવા બેસી જાય.
એચ.એમ. પટેલનો સાહિત્યનો શોખ પણ ગજબનો. એ ભારે વાચનરસિયા. તેમના અંગત પુસ્તકાલયમાં 10થી12 હજાર પુસ્તકો હતાં. વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રનો તેમણે સુંદર અનુવાદ કર્યો હતો. કનૈયાલાલ મુનશીની નવલકથાઓનો તેમણે કરેલો અનુવાદ વાચકને પોતાની ભાષાની કૃતિ જેવો લાગે છે. સસ્તુ સાહિત્યવર્ધક ટ્રસ્ટના તેઓ પ્રમુખ હતા. એચ.એમ.પટેલ ‘પટેલ સાહેબ’ના હુલામણા નામે જાણીતા. તેઓ જે પ્રવૃત્તિ હાથમાં લે તેમાં સફળ થાય. પ્રવૃત્તિ હાથમાં લીધા પછી તેઓ તે માટે પૂરતો સમય ફાળવે અને કાળજી રાખે,એવી તેમની ખાસિયત. સમયના પણ આગ્રહી. કોઈ મુલાકાતીને સમય આપ્યો હોય તો તે સમયસર હાજર રહે. પટેલ સાહેબ, વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ પછી રાજકીય અને જાહેર સેવા અને કાર્યદક્ષતાનો સંગમ રચનાર અને આટલી લાંબી સેવા આપવામાં અનન્ય હતા.
(એચ.એમ.પટેલનું લાંબી સેવા અને જાહેર જિંદગીમાં અનેરા પ્રદાન પછી 30 નવેમ્બર 1993ના દિવસે નિધન થયું હતું.)
very nice description….recall history………keep updated
Thanks. will keep u. Visit Yayavar regularly.
Very happy to share our heritage
My 8 years of Secondary School days in Village of Chaklashi I learned and experienced about Charoter
Very rich culture Instilled values learned about our ancestors Best time of my life those 8 years made Me Ideal citizen of the world
Keep it up marketing Charoter
Best Wishes
Thank You Sir, Thank You very much. Proud to be Charotarian.