ગુજરાતીઓ આફ્રિકા ગયા ન હોત તો આજે પણ ત્યાં બાર્ટર સિસ્ટમ જ ચાલતી હોત! સાટા પદ્ધતિને સ્થાને મની ઈકોનોમી ગુજરાતીઓએ શરૂ કર્યું

ગુજરાતીઓ આફ્રિકા ગયા ન હોત તો આજે પણ ત્યાં બાર્ટર સિસ્ટમ જ ચાલતી હોત! સાટા પદ્ધતિને સ્થાને મની ઈકોનોમી ગુજરાતીઓએ શરૂ કર્યું

ઈદી અમીને ગુજરાતીઓને હાંકી કાઢ્યા ન હોત તો યુગાન્ડા આજે આફ્રિકા અને એશિયામાં સૌથી પાવરફુલ ઈકોનોમી ધરાવતો દેશ બની ગયો હોતઃ આફ્રિકામાં પ્રારંભમાં ગુજરાતીઓને ‘દુકાવાલા’ તરીકે ઓળખવામાં આવતા

 

નીલકેશ કાન્તિલાલ

                                       

1972માં ઈદી અમીન નામના તાનાશાહે ગુજરાતીઓ સહિતના ભારતીયોને યુગાન્ડા છોડવા માટે આદેશ કર્યો હતો. વર્ષોની મહેનત પછી તેમણે વસાવેલું તે સઘળું છોડીને ગુજરાતી પરિવારોને યુગાન્ડા પહેરેલા કપડે છોડવું પડ્યું હતું. કેટલાક લોકો ત્યારે ઈંગ્લેન્ડ જતા રહ્યા હતા, તો કેટલાકે અમેરિકાની વાટ પકડી હતી. બરાબર 25 વર્ષ પછી ઓક્ટોબર 1997માં લંડનમાં સ્વામિનારાયણ ટેમ્પલ ખાતે ગુજરાતીઓને સંબોધન કરતાં યુગાન્ડાના તત્કાલીન પ્રેસિડન્ટ યોવરી કાગુતા મુસેવેનીએ કહ્યુંકે, ગુજરાતીઓ અને તમામ એશિયનોને હું વિનંતી કરું છું કે તેઓ યુગાન્ડામાં, તેમના આફ્રિકન રૂટ તરફ પાછા ફરે.

હકીકત એ હતી કે, યુગાન્ડાને ગ્લોબલ ઈકોનોમીના જમાનામાં ગુજરાતીઓની ભારે ખોટ વર્તાઈ રહી હતી. ઈદી અમીને જે પાપ કર્યું હતું તે આવનારી પેઢીને ભોગવવું પડ્યું હતું. ગુજરાતીઓની બિઝનેસ સ્કીલ અને તેના થકી દેશના અર્થતંત્રને ઊંચું લાવવાની જે આવડત હતી તેની યુગાન્ડાને જરૂર પડી હતી. ઈસ્ટ આફ્રિકામાં ગુજરાતીઓ કે જેને ‘દુકાવાલા’ તરીકે ઓળખવામાં આવતા હતા તેઓ દલાલી અને ઉદ્યોગપતિ સહિતનાં તમામ સ્તરે કામ કરી શકતા હતા. સ્થાનિક લોકો પાસે, વૈશ્વિક અર્થતંત્રના જમાનામાં આવી આવડતનો સંપૂર્ણ અભાવ હતો.

ગુજરાતીઓને કારણે યુગાન્ડા, કેન્યા સહિતના ઈસ્ટ આફ્રિકાનો આર્થિક વિકાસ થવા માંડ્યો હતો અને તે દરમિયાન સ્થાનિક સ્તરે બણબણાટ પણ ચાલુ થયો. અન્યાય અને શોષણની વાતો સાથે અલ્પસંખ્યક એવા ગુજરાતીઓના માથે ઠીકરું ફોડવામાં આવ્યું અને દેશના મૂળ વતનીઓની કંગાળ હાલત માટે તેઓ જવાબદાર છે તેવા બેબુનિયાદ આરોપો સાથે ઈદી અમીન નામના લશ્કરી તાનાશાહે યુગાન્ડાનો દોર સંભાળ્યો.

મગજના ફરેલા ઈદી અમીને એકલા ગુજરાતીઓને જ નહીં દેશના તમામ એશિયનોને ટાર્ગેટ પર લીધા અને તેમની જોરજુલમો કર્યા. અર્થતંત્રના નિષ્ણાતો અને સમાજવિજ્ઞાનીઓના મત પ્રમાણે જો આફ્રિકામાં ગુજરાતીઓ ગયા ન હોત તો આજે પણ ત્યાં બાર્ટર સિસ્ટમ જ ચાલતી હોત! ગુજરાતી લોકોએ ઈસ્ટ આફ્રિકામાં ચાલતી સાટા પદ્ધતિને સ્થાને મની ઈકોનોમી(પૈસાનું અર્થતંત્ર) પ્રસ્થાપિત કર્યું તેમ નિષ્ણાતો કહે છે. કેન્યાના નૈરોબીમાં જ્યારે મોટો આતંકવાદી હુમલો કરવામાં આવ્યો ત્યારે આ જ કારણથી ગુજરાતી લોકો વધુ ભોગ બન્યા હતા.

આજે પણ આફ્રિકામાં ગુજરાતીઓની મહેનત અને કૌશલને ધ્યાનમાં લેવાને બદલે તેઓ ખોટી રીતે આગળ આવી ગયા છે તેવી કાનભંભેરણીને કારણે સ્થાનિક પ્રજા ગુમરાહ થઈ છે અને તેમને સમયાંતરે આ માટે હેરાન કરવામાં આવે છે. એક એસ્ટીમેટ પ્રમાણે સમગ્ર કેન્યામાં 300 મોલ છે અને તેમાંની 72 શોપ્સ તો ગુજરાતીઓની માલિકીની છે. કેન્યામાં અત્યારે કુલ 2,85,000 ગુજરાતીઓ(યુગાન્ડામાં 20,000 અને તાન્ઝાનિયામાં 90,000) છે અને તેમાંથી એક લાખનું મૂળ ભારતીય એટલે કે તેઓ ત્યાંજ જન્મેલા છે.

કેન્યાની કુલ વસતી 5.25 કરોડ છે અને તેમાં ગુજરાતીઓનો હિસ્સો માંડ 1% જેટલો છે પણ, કેન્યા અને ઈસ્ટ આફ્રિકાના અર્થતંત્રમાં 60%ની ચાવીરૂપ ભૂમિકા ગુજરાતીઓ કરે છે. ગુજરાતીઓ કેન્યા, યુગાન્ડા અને તાન્ઝાનિયાના કલ્ચર સાથે એ રીતે વણાઈ ગયાં છે કે હવે તેમનાં રોટી-બેટી રિવાજો પણ ત્યાંજ થતા રહે છે. તેમને વતનમાં આવવાની જરૂર પડતી નથી.

અત્યારે નૈરોબી, મોમ્બાસા, કેરુગોયુ, કિસુમુ, નાકુરુ અને એલ્ડોરેટમાં 15 સ્વામિનારાયણ મંદિરો આવેલાં છે. નૈરૌબીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક ક્રિકેટ ક્લબ પણ ચાલી રહી છે જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ડઝનથી વધુ ક્રિકેટરો પાક્યા છે. કેન્યન ટીમનો કેપ્ટન સ્ટીવ ટિકોલો પણ આ જ ક્લબમાં એક સમયે રમતો હતો.

દરિયામાં વહાણો ચાલતાં થયાં ત્યારથી ગુજરાત અને ઈસ્ટ આફ્રિકા વચ્ચેનો વેપાર વહેવાર શરૂ થઈ ગયેલો પણ આ દેશો સાથેનો આપણો નાતો 1860ના અરસામાં શરૂ થયો હતો તેમ કહેવાય છે. એ વર્ષોમાં અંગ્રેજોએ કચ્છ અને પંજાબમાંથી કુલ 983 મજૂરોને હાયર કર્યા હતા. બ્રિટિશ સરકાર કેન્યાના મોમ્બાસા અને યુગાન્ડાના કંપાલા વચ્ચે રેલવે ટ્રેક બિછાવી રહી હતી. 1896થી 1900ના સમયગાળામાં આ કામ કરતાં કરતાં 2500 મજૂરો કમોતે મરી ગયા હતા. દર વર્ષે ભારતમાંથી આ રીતે મજૂરો જતા. જોકે, તેમાંના કેટલાક લોકોએ ટાઢ-તડકો અને ભૂખ વેઠીને ત્યાં જ રહેવાનું પસંદ કર્યું. આવા લોકોની સંખ્યા 7,000ની હતી.

પહેલી પેઢી ભૂખમરો વેઠીને બીજી પેઢી માટે સારું કામ કરતી ગઈ અને આજે ચોથી-પાંચમી પેઢી તેના ફળ ગણી રહી છે. તમે ઈસ્ટ આફ્રિકાના કોઈ પણ ખૂણે જાવ તો ત્યાં તમને ગુજરાતીમાં દુકાન અને ઓફિસોનાં પાટિયાં જોવા મળી જશે. અસલ ચરોતરી લહેકા સાથેની ગુજરાતી બોલતા લોકો પણ તમને સંભળાશે. એવી કેટલીક પેઢી કે જે આજે કંપનીઓમાં પરિવર્તિત થઈ છે તેણે કરોડો આફ્રિકનોને રોજગારી પૂરી પાડવાનું કામ કર્યું છે.

એવું કહેવાય છે કે જો ઈદી અમીને ગુજરાતીઓને હાંકી કાઢ્યા ન હોત તો આજે ઈસ્ટ આફ્રિકા આર્થિક વિકાસની દ્રષ્ટિએ એશિયા કરતાં પણ આગળ હોત! જોકે, થોડા આવા અપવાદોને બાદ કરતાં ઈસ્ટ આફ્રિકા હજુ પણ ગુજરાતીઓથી ભરપૂર છે. રાજકીય, સામાજિક, આર્થિક અને બીજી રીતે ગુજરાતીઓએ જબરદસ્ત પ્રદાન કર્યું છે. કેટલીય નામી ગુજરાતી-મૂળ ગુજરાતી હસ્તીઓ ઈસ્ટ આફ્રિકાએ વિશ્વને આપી છે.

રોક સ્ટાર ફ્રેડી મરક્યુરી(Freddie Mercury) યુગાન્ડામાં ફારુક બલસારા નામે જન્મ્યા હતા. કેન્યાની પ્રથમ ટેલિકોમ કંપની કેનસેલના સ્થાપક નૌશાદ મૈરાલી મૂળ ગુજરાતી છે. કેન્યા સ્થિત નેશનલ સિમેન્ટ કંપની ઈસ્ટ આફ્રિકાની સૌથી મોટી કંપની છે જેના માલિક ગુજરાતી નરેન્દ્ર રાવલ છે. રાવલને કેન્યામાં લોકો ‘ગુરુ’ નામથી ઓળખે છે અને કેન્યાના 50 રિચ વ્યક્તિ પૈકીના તેઓ એક છે.

સુરેન્દ્રનગરના માથક નામના ગામમાંથી 40 વર્ષો પહેલાં તેમના પરિવારે કેન્યા પ્રયાણ કરેલું. કિસુમુના સ્વામિનારાયણ મંદિરમાં તેઓ મદદનીશ તરીકે કામ કરતા હતા. પ્રારંભના વર્ષોમાં રાવલ નૈરોબીની હાર્ડવેર શોપમાં નોકરી કરતા હતા. 4 દાયકાના સંઘર્ષ અને મહાત્મા ગાંધીના આદર્શોને કારણે નરેન્દ્ર રાવલ આજે ઈસ્ટ આફ્રિકાના ‘સિમેન્ટ કિંગ’ તરીકે પ્રસ્થાપિત થયા છે. ઈસ્ટ આફ્રિકાના કેન્યા, મોઝામ્બિક, તાન્ઝાનિયા અને યુગાન્ડામાં ગુજરાતીઓએ આર્થિક અને સામાજિક ક્ષેત્રમાં જે કમાલ કરી દેખાડી છે તેની પાછળ વર્ષોની મહેનત અને લગન પડેલી છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!