આણંદના ભાટપુરા ગામે જન્મ, ડાકોર અને અમદાવાદમાં અભ્યાસઃ ટીબી અને ડાયાબિટિસની જીવલેણ બીમારી સાથે જીવનનો પનારોઃ રાવજી પટેલ નાની જિંદગીમાં બહુ મોટું જીવન જીવી ગયો
જયેન્દ્ર શેખડીવાળા
“રાવજી પટેલનો જન્મ 15મી નવેમ્બર 1939માં આણંદ પાસેના ભાટપુરા ગામે થયેલો. એનું વતન ડાકોર પાસેનું વલ્લભપુરા. ડાકોર અને અમદાવાદમાં રહી રાવજી ભણ્યો. એસવાયબીએ સુધી એ ભણે તે પહેલાં ટીબીમાં સપડાયો. આણંદમાં રહી સારવાર કરી. સાજો થયો અને પાછો અમદાવાદમાં આવી જીવવા લાગ્યો. જીવેલું લખવા લાગ્યો. પણ ટીબી તેની સાથે રહેવા માગતો હતો. એ ફરી ક્ષયમાં પટકાયો. ને સોનગઢ પાસેના અમરગઢ ક્ષય ચિકિત્સાલયમાં સારવાર માટે ગયો. ક્ષય હતો ને ડાયાબિટિસ પણ રાવજીની સાથે થયો. 1967માં તો એ બધાંથી અર્ધપાગલ જેવો થઈ ગયો. એને વલ્લભપુરા પહોંચાડવામાં આવ્યો. એ ત્યાં રહ્યો પણ ફરી ડાયાબિટિસનો ઉથલો થયો ને એને અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં દાખલ કરાયો. દસેક દિવસે વાડીલાલમાંથી એ ઘરે આવ્યો. એ પછી ચોથા દિવસે યુરેમિયા થયો. એ પાંચ દિવસ સુધી બેભાન રહ્યો અને 10 ઓગસ્ટ 1968ના પરોઢિયે તો ચાલી નીકળ્યો, કવિતાનો એ તેજસ્વી તારક ખરી ગયો.”
-આનંદ મહેતા
મૂળે વલ્લભીપુરાથી નજીકમાં જ આવેલા થામણા ગામેથી આવેલા રાવજીના પૂર્વજોમાં ભગવાનભાઈથી આગળના પૂર્વજો વિશે કંઈ માહિતી પ્રાપ્ત થતી નથી. રાવજી તેમના મોસાળ ભાટપુરા, તા, આણંદમાં જન્મેલા. તેમના માતાપક્ષે તેમના મામા બબુભાઈ સાથે તેમનું સ્વભાવે તેમ જીવન વિષયક સામ્ય આશ્ચર્ય પમાડે તેવું છે. બબુભાઈને પણ ટીબી હતો. સ્વભાવે તે પણ રાવજી જેવા જ આકરા. તેમને પણ એક સંતાન! રાવજીનાં માતાના કહેવા અનુસાર રાવજી બબુભાઈ પર પડેલા. બબુભાઈનું અવસાન પણ 30-32 વર્ષની ઉંમરે થયેલું. 1939નો સમય. વલ્લભપુરા ગામના અત્યંત નિર્ધન કુટુંબમાં રાવજી જન્મેલા. ચોતરફ અભણતા અને નિર્ધનતાનું રાજ. પાંચ-પચાસ કૃષક કુટુંબો કાળી મજૂરીને અંતે બે ટંકનો રોટલો મેળવે. લોકો ભજનકીર્તન અને કૃષિજીવન સાથે ધબકે. વળી, રાવજીનું કુટુંબ લીંગડાવાળા પ્યારેલાલ પંડિત, જે પ્રણામી ધર્મના ગુરુ હતા, તેમનું અનુયાયી હતું. વલ્લભપુરાના જેફ રઈજીભાઈ ભાઈજીભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે રાવજીના પિતા છોટાભાઈ ભજનિક હતા. તે વલ્લભપુરાની આજુબાજુનાં ગામડાંમાં રાત્રે પગપાળા ભજનમંડળી લઈને જતા. એમનો ધર્મ પ્રણામી હતો. રાવજીની ઉંમર ત્યારે પાંચ-સાત વર્ષની. રઈજીભાઈના કહેવા પ્રમાણે, રાવજી નાના હતા ત્યારે બાપુ(પિતાજી છોટાભાઈ)સાથે ભજનમાં જતા. બેચરી, લીંગડા વગેરે જતા. આમ રાવજીના શૈશવ સુધી જઈને જોઈએ તો ગાનમાં લય, શબ્દની સંગત, અને મર્મનાં રહસ્યો તેની ચિત્ત સૃષ્ટિમાં બહુ પહેલેથી જ બીજરૂપે પડી ચુકેલાં હતાં. તો ગરીબાઈ અને કૃષકજીવન સાથેનો નાભિ-નાળનો નાતો પણ બાળપણથી જ સ્થપાઈ ગયો. તેમના એક મિત્ર ચતુરભાઈના કથન અનુસાર રાવજીને બાળવયથી જ કવિતાનું આકર્ષણ હતું. તે પોતાના ખેતરમાં જાય અને અન્યનાં લખેલાં જોડકણાં યા ગીતો ગાતા અને ક્યારેક તેમાં પોતાની પંક્તિઓ પણ જોડતા. રાવજી ડાકોર ભણવા જતા. રસ્તામાં સૂઈ ગામેથી એક વૃદ્ધા ડાકોર કશેક કામે જતાં. ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસે રાવજીની નજર ઉઘાડપગી વૃદ્ધાના શેકાતા પગ ઉપર પડી અને પોતાનાં ચંપલ કાઢીને એ વૃદ્ધાને આપી દીધાં. પોતે વડનાં પાંદા પગે બાંધ્યાં. પ્રસંગ એમ નાનો લાગે છે, પરંતુ એમાં સહેજ ઊંડા ઉતરતાં જણાય છે કે એમાં રાવજીના જીવનની ઘણી બધી લાક્ષણિક મુદ્રાઓ સંચિત થયેલી છે. રાવજી ઉપર હંમેશા બૌદ્ધિક તંત્રની ઉપેક્ષાએ ભાવતંત્રએ પ્રાબલ્ય ભોગવ્યું છે. ગરીબાઈનો અહેસાસ તેના મૂળનો અહેસાસ છે. ડો. મફત ઓઝા સાથે તેમની મુલાકાતમાં કહે છે તેમ- ‘રાવજીને હંમેશા ગરીબોથી ચિંતા થતી. આણ એ કંઈ વિચારક કે ચિંતક નહોતો. પણ એ હંમેશાં વિચાર્યા કરે કે આ જેને બે ટંક ખાવા મળતું નથી એનું શું? રાવજીનો આ પ્રશ્ન તેના ચિત્તતંત્રને સતત ઘમરોળતો રહ્યો છે.’ રાવજી વલ્લભપુરાથી ડાકોર ભણવા જાય. બાળપણમાં ભજનમંડળીએ પોષેલો શબ્દ સંસ્કાર હવે તેમને ડાકોરના પુસ્કાલય ભણી વાળે છે. શિક્ષક તેમના પથદર્શક બને છે. તેની અગડંબગડં કવિતાઓ સુધારે છે. પણ આ બધું અત્યંત અસ્પષ્ટ અને ધુંધળું. રાવજીની સર્જનાત્મકતાને દિશા સાંપડી તેના અમદાવાદ નિવાસ પછી. અમદાવાદ હાઈસ્કૂલમાં ભણવાની લગનીને લીધે રાવજી પોતાના કાકા ચતુરભાઈને ત્યાં અમદાવાદ ભણવા માટે જાય છે. આ ક્ષણથી જ રાવજીમાં સંઘર્ષનાં બી રોપાય છે. ગરીબીની ભીષણતામાંથી છૂટવા અને પોતાના કુટુંબને છોડાવવાના ભગીરથ પ્રયાસરુપે તે ભણીગણીને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરવા ચાહે છે.
ડો. ચિનુ મોદી કહે છે તેમ, ‘અને આમ તો એ બિચારો એના કાકાને ત્યાં રહેતો હતો. અને એ પોલીસ ઈન્સ્પેક્ટર એટલે બહુ કડક માણસ. અને એની(રાવજી) પાસે રામા જેવું કામ કરાવડાવે. પછી એ મને મળે તો ખાવાના ઠેકાણાં ના હોય.’ રાવજીની તરુણાવસ્થા દીવાસ્વપ્ન-સેવીતાપૂર્વક પસાર થઈ. ખેતર, ગામ કુટુંબ બધાંને માટે એણે કંઈકને કંઈક કરવું હતું. એની ઝંખનાઓ અને મહત્વાકાંક્ષાઓને જાણે આ કામે પાંખો આપી. પરિસ્થિતિને ઉપર-તળે કરી નાખવા એ મથે છે. નોકરીઓ સ્વીકારે છે, નોકરીઓ તરછોડે છે. સ્વમાનના ભોગે ક્ષણેય ન જીવાય તેવી ટેકીલી જીવનશૈલી આચારમાં મૂકે છે. મિલનો મુકર્દમ પોતાની જગ્યાએ અન્યને રાખવા માગે છે તેવી જાણ થતાં જ પોતે માર્ગ મોકળો કરી આપે યા છાપાના માલિકને પોતાના અસ્તિત્વની જાણ જ ન હોય તો તેના માટે શા સારું પરસેવો પાડવો?એવાંતેવાં કારણોસર સાલસતાપૂર્વક નોકરીઓ છોડે છે. કાકાનું ઘર છોડીને ગુજરાત કોલેજ સામેના મેદાનમાં સૂઈ રહેવા જેવાં તેનાં પરાક્રમો પણ જાણીતાં છે. રાવજી પાસે જીવવાનું પોતાને લોજિક હતું. પોતાની આંતર સૃષ્ટિનાં સંવેદનોની માવજત કરવામાં એ કશીય કસર છોડતો નહીં. ચિનુ મોદી કહે છે તેમ, રાવજીમાં વ્યવહારજ્ઞાન નહીં. જો વ્યવહારજ્ઞાન રાખ્યું હોત તો માણસ જીવી ગયો હોત. અમદાવાદ શહેર સાથે રાવજીને ફાવ્યું જ નહીં.
આર્થિક બેહાલી અને અમદાવાદમાં જ્યાં રહેતો તે કાકાના ઘરનાઓનું ઉપેક્ષાભર્યું વલણ તેને ખોતરી રહ્યાં હતાં. તેની પાસે ન તો દવા કરાવવાના પૈસા હતા ન તો ખાવા માટે મૂઠી ધાન હતું. ન તો રહેવા માટે પોતીકું લાગે તેવું કોઈ સ્થળ હતું. પરિણામે એ એક અલગ પડી ગયેલા દ્વિપની જેમ જીવવા લાગ્યો. અલબત્ત, તેમાં ક્યાંક ક્યાંક મળતી મિત્રોની લાગણીનું આશ્વાસન હતું. રાવજી સતત અંજપાભરી પરિસ્થિતિ અને માનસિક દબાણો વચ્ચે જીવતો રહ્યો અને જીવનની ઉખળ-બાખળતાને શબ્દસ્થ કરતો રહ્યો. જીવનમાં વણતોષી રહેલી ઝંખનાઓ તે સાહિત્ય સર્જન દ્વારા પૂરી કરવા મથે છે. પોતાની ‘વૃત્તિ’ નવલકથા તો નોબેલ પારિતોષિક માટે યોગ્ય ઠરે તેવા ખ્યાલ સાથે એ રાચતો હતો. બીજી બાજુ રોગ અને નિર્ધનતા એક સાથે વકરતાં જતાં હતાં. ચિનુ મોદી કહેતા કે રાવજીને ક્ષણની સારવાર વખતે જે કોઈ ચરીઓ પાળવાની આવી તે પાળી નહીં. ભજીયાં ખાવાનું સાવ ના પાડવા છતાં ભજીયાં ખાઈ આવતો. આણંદના ક્ષણ ચિકિત્સાલયમાં રાવજીએ સારવાર લીધી અને ત્યાં જ ‘અશ્રુઘર’ રચી અને હોસ્પિટલના વાતાવરણ, તેના ધબકાર અને પરિવેશને પોતાના સંદર્ભે તેણે સજીવ કર્યો. હોસ્પિટલના ચપરાસી કે સ્વીપર સાથે એ હંમેશા માનાર્થે જ વર્તતો. મૃત્યુની નજીક ઢસડાટો રાવજી જીવનના અંતકાળમાં જાણે ચેતો-વિસ્ફોટને કારણે વિક્ષુબ્ધિનો અનુભવ કરે છે. કપડાંલત્તાનું ભાનસાન પણ ભૂલી જાય છે. સતત પ્રલાપો કરે છે. અને સમયકસમયનું કંઈ લખ્યા કરે છે. પાંચેક દિવસના નિર્મનપણા બાદ 10મી ઓગસ્ટ 1968ના પરોઢિયે રાવજીએ દેહ છોડ્યો. રાવજી ત્યારથી શબ્દ થયો.
રાવજીના સમગ્ર જીવન ઉપર આછો દ્રષ્ટિપાત કરતાં અનુભવાય છે કે રાવજી અનેકવિધ વિરોધાભાસો અને વિસંગતિઓની વચ્ચે જીવ્યો છે. અપ્રાપ્યની ઝંખના અને પ્રાપ્યની અનિશ્ચિતતા વચ્ચે તે સતત રિબાતો રહ્યો છે. વળી, અંતરના ધરાતલ ઉપર સુસવતા પ્રલંબ એકાંત અને એકાકીપણાને તે ઝેલતો રહ્યો છે. જીવનને પામી લેવાની ધખના અને મૃત્યુની ઉપસ્થિતિની વચ્ચે તે રહેંસાતો રહ્યો છે. તેને અનુભવાતી અધુરપ તે સતત તેના શબ્દોમાં ઠાલવતો રહ્યો છે. આટઆટલી વિષમતાઓ પછી પણ રાવજીને મનુષ્યજાતિ અને સર્જન વ્યાપારમાં શ્રધ્ધા રહી છે. કદાચ, તેથી જ રાવજી જીવનમાં તેમ કવિતામાં ધબકારપૂર્વક જીવન જીવી ગયો.