મલ્ટી કલ્ચરાલિઝમની સંવૈધાનિક માન્યતા ધરાવતો કેનેડા વિશ્વસ્તરે બિનસાંપ્રદાયિકતાનું બેનમૂન દ્રષ્ટાંત છે. અદ્રિતીય આંતરરાષ્ટ્રીય પ્રમાણ, ખ્યાતિ અને વિશિષ્ટ ગુણવત્તા ધરાવતું કેનેડાનું લિવિંગ સ્ટાન્ડર્ડ, નૈતિક ધોરણો પણ એટલાં જ ઊંચાં છે
મધુરમ મેકવાન
કેનેડામાં એક કહેવત છે કે ત્રણ ડબલ્યુ (W)નો કોઈ ભરોસો કરવો નહીં. આ ત્રણ W એટલે WORK, WOMAN અને WEATHER. મોટાભાગે હાયર એન્ડ ફાયર પદ્ધતિ તથા સ્ટ્રીક્ટ એમ્પ્લોયમેન્ટ રેગ્યુલેશનવાળા કેનેડિયન જોબ માર્કેટમાં ઈનકન્સ્ટીસ્ટન્સી અને ઈનસિક્યોરિટી માટે સામાન્ય વાત ગણાય છે. જોબનો કોઈ ભરોસો નહીં. કામ હોય તો ઠીક નહીં તો “સર, વી ડુ નોટ નીડ યોર સર્વિસ એનીમોર” કહી તમને ગમે ત્યારે માનભેર અને પ્રેમપૂર્વક વિદાય કરી દે! ક્વોલિટી ઓફ લાઈફમાં માનતા, લીવ ઈન પાર્ટનર, કોમન લો પાર્ટનરની જોગવાઈ હેઠળ લાઈફ એન્જોય કરતા તથા સિંગલ મધરનું નારી પ્રભુત્વવાળું લીગલ સ્ટેટસ તેમજ વર્ચસ્વ ધરાવતા કેનેડિયન સમાજમાં નારી આધિપત્ય અને ડિવોર્સ બહુ સામાન્ય બાબત ગણાય છે. ફાવે તો ઠીક, નહીં તો રામરામ. મોટાભાગે માઈનસ ટેમ્પરેચરવાળા વિન્ટરમાં સ્નોસ્ટોર્મ ગમે ત્યારે આવી ચઢે ને ચારેકોર બરફના ઢગલા વાળી દે. કોઈ ગેરંટી નહીં. ગમે ત્યારે વરસાદ અને ઠંડો-ગરમ એમ મિક્સ વેધરનો સમર એકદમ એનપ્રેડિક્ટેબલ છે.
આ ત્રણેય પરિબળો કેનેડિયન લાઈફને મહદ્ અંશે ડોમિનેટ કરતાં હોઈ આ ત્રણ W પ્રત્યે બધા શંકાની દ્રષ્ટિથી જોતા હોય છે. પણ, એ બાબતે મારો અનુભવ બિલકુલ અલગ રહ્યો છે. મારી આ જોબ મને પ્રમાણિકપણે આજ દિન સુધી વળગી રહી અને મને સારી એવી આર્થિક સદ્ધરતા બક્ષી. અહીં સેટલ થવામાં આ જોબ ખૂબ મદદરૂપ થઈ છે. કહે છે મહેનતનાં ફળ મીઠાં હોય છે. મારી આટલાં વર્ષોની અથાક અને અવિરત મહેનતને લીધે આજે કેનેડામાં હું ઠરીઠામ થઈ થોડી ઘણી ભૌતિક સુખ-સમૃદ્ધિ પામ્યો છું. શક્ય હોય તેટલો કુટુંબીજનો અને સ્નેહીજનોને અહીં સેટ થવામાં મદદરૂપ થઈ શક્યો છું. ઈન્ડિયામાં હોત તો આ કામ કરી શક્યો ન હોત! આ દેશનું મારા પણ એ ઋણ. કેનેડામાં સ્થાયી થવામા મારાં સ્વજનો હરદમ મારી પડખે રહી મારા સંઘર્ષના સાચા ભાગીદાર બન્યાં છે. તેમના સાથ, સહકાર, અને અમુલ્ય પ્રેમને લીધે જ વિપરિત પરિસ્થિતિઓમાં પણ હું ટકી રહ્યો છું.
મારા સંઘર્ષમાં સાચા મિત્રની જેમ મારા દુઃખમાં સહભાગી બનેલ મારી પત્નીના નિઃસ્વાર્થ પ્રેમને મેં તેની સમર્પણ ભાવનામા વ્યક્ત થતો જોયો છે. મારી દીકરીના નિર્મળ પ્રેમને મેં તેના અભ્યાસની સાથેસાથે મને મદદરૂપ થવા માટે વિક એન્ડ જોબ કરી પળેપળે મારા સંઘર્ષમાં સહાયરૂપ થતો અનુભવ્યો છે. પરિવારજનો અઠવાડિયાં સુધી મારું મોંઢું નહિ જોઈ શકતા. ડોલર સ્ટરોના ફક્ત એક ડોલરના રમકડાંથી હરખની પરાકાષ્ઠા અને સંતોષની પરિતૃત્પતા અનુભવી મારી પર ઓળઘોળ થઈ જતાં. મારા ફક્ત એક આલિંગન માટે તરસતા, લોનલીલેસ અનુભવતા મારા પુત્રના નિર્દોષ પ્રેમને મેં વિવશપણે દોષિત દિલે છેક અંદરથી અનુભવ્યો છે. અહીં વસેલા ગુજરાતી કેથોલિક કમ્યુનિટીને એક પરિવાર બનાવવામાં ટોરન્ટો સ્થિત નડિયાદના સેવાભાવી વડીલ મિત્ર પોલ મેકવાનનો જે પ્રેમ અને સાથ-સહકાર મળ્યો તે સોનામાં સુગંધ ભળે તેવો અહેસાસ. આજે મારી દીકરી કેનેડાની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાંથી હેલ્થ સ્ટડિઝનું ઉચ્ચ શિક્ષણ પામી કેનેડિયન હેલ્થ સેક્ટરમાં મેનેજમેન્ટ કારકિર્દી બનાવી રહી છે. પુત્ર આઈટી ક્ષેત્રમાં ઝળહળ્યો છે. કેનેડામાં મારા ઘરમાં વાવેલાં મેપલ ટ્રી અને ચેરીનાં ઝાડનાં મીઠાં ફળ મને મળ્યાં છે.
અઢળક રઝળપાટ, માનસિક તણાવ અને માનહાનિ તથા આંખમાંથી લોહીના આંસુ ટપકે તેવી બે દાયકાની આ સંઘર્ષ યાતના છે. વીતેલાં વર્ષો પર નજર નાખું છું ત્યારે વિદેશ સુખપ્રાપ્તિના આનંદ સાથે એક અવર્ણનીય માનસિક વ્યથા અનુભવું છું. હજુ પણ એ ફેસ ઓફ ધ બોટ તથા એફ વર્ડ સાથેનું ઈમીગ્રન્ટનું લેબલ મારી રાતોની ઊંઘ હરામ કરી દે છે. કલર અને ક્વોલિફિકેશનના અભાવે આટલાં વર્ષોમાં કેટલીય વાર રેસિઝમનો ભોગ બન્યો છું. આવા વખતે એરપોર્ટ પર મળેલા વેલકમ ટુ કેનેડાના સન્માન્ય સ્વાગતમાં હ્યુમિલિએટ થયાની અકલ્પનીય પીડા થાય છે. સમયની સાથે આ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થયું ત્યારે લેલેન્ડ ઈમીગ્રન્ટના લેબલમાંથી છૂટકારાનો હાશકારો થયેલો.
પણ, શપથ(oath)લેતી વખતે જ્યારે ‘ઓ કેનેડા’ રાષ્ટ્રગીત ગાયું ત્યારે માતૃભૂમિને તરછોડ્યાનો તીવ્ર આઘાત લાગેલો. સ્વજનો અને માતૃભૂમિની યાદમાં ક્ષણેક્ષણે ‘ધોબીકા કુત્તા ન ઘર કા ન ઘાટ કા’ એવો દુઃખ અહેસાસ મનને કોરી ખાય છે. વતનમાં વસતા સ્વજનોના આકસ્મિક અવસાનના સમાચાર અને તેની અસહ્ય વેદના દિલ પર કારમો ઘા કરી લાગણીઓને હચમચાવી માનસિક સમતુલા અસ્તવ્યસ્ત કરી નાંખે છે. આઈસીયુમાં દાખલ કરેલ બીમાર પિતાની ખબર કાઢવા, એર એમિરેટ્સના એ લક્ઝુરિયસ ડબલ ડેકરના વિશાળ અને વૈભવી પ્લેનમાં બેઠો ત્યારે ખબર નહોતી કે તેમના અંતિમ દર્શન કરવા જઈ રહ્યો છું. જન્મદાતા પિતાના આશીર્વાદથી પામેલ આ વિદેશ સુખ, મૃત પિતાની કાંધને ખભો દેતાં મારી નજરો સમક્ષ વિલીન થતું મેં નિહાળ્યું છે.
પરદેશ જવાનું સપનું સાકાર થયું તો થયું પણ તેમાં સત્ય અને હકીત જે છે તે આ છે. સત્યને મેં સ્વીકારી લીધું છે. જ્યારે હકીકતને સ્વીકારવી હજુ અઘરી લાગે છે. આરા અસ્તિત્વમાંથી કોઈ કિંમતી વસ્તુ ઝુંટવાઈ ગઈ હોય તેમ લાગે છે. તો પણ ફરીફરીને રોજ એ જ આશા સાથે સવારે ઊઠું છું કે કદાચ જીવવા માટે પાછો કોઈ ભ્રમ મળી જાય. મારા બાપુએ મને એક પત્રમાં લખેલું કે, ‘બેટા, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. જીવનમાં સુખ-દુઃખ, સફળતા-નિષ્ફળતા અને હારજીત એ કર્મનાં ફળ છે. આઝાદી પહેલાં હું જન્મેલો અને વર્ણ વ્યવસ્થા, જ્ઞાતિવાદ, સામાજિક શોષણ તથા અન્યાયોના ઓળા હેઠળ ઉછરેલો. પણ કહેવાતા સવર્ણ કે ભદ્ર સમાજે મને સ્વીકાર્યો કારણ, મારી સાહિત્યિક સિદ્ધિઓ તથા સામાજિક ઉપલબ્ધિઓ. માણસની ચામડીનો રંગ ભલે અલગ અલગ હોય પણ, તેના લોહીનો રંગ વિશ્વના ગમે તે ખૂણે જાવ એક જ જોવા મળશે. અને એ જ લોહી તમારા સંસ્કારો, તમારી અસલ ઓળખ અને ખુમારી છે જે તમારી નીતિ અને કર્મોથી ઓળખાય છે, નહિ કે નાતજાતથી.’
આજે વ્હાઈટ સ્કીનના વર્ચસ્વવાળા કેનેડિયન હેલ્થ સેક્ટરમાં મારી દીકરીને ગોરા ડોકટર અને નર્સ સાથે ખભેખભા મિલાવી કામ કરતી જોઉં છું ત્યારે સેકન્ડ જનરેશનમાં તેનું પ્રભુત્વ ગુમાવતી અસ્ત થતી રંગભેદ નીતિ અને રેસિઝમ ઉપર આ પેઢીનો વિજય હવે હર્ષોલ્લાસ સાથે ઉડીને આંખે વળગે છે. વીક એન્ડમાં મારા ઘરે સ્લીપ ઓવર કરતા, ખાવા માટે દેશી ફૂડની સામે ચાલીને માગણી કરતા તથા મારા ઘરને તેમનું સેકન્ડ હોમ કહેતા મારા પુત્રના વ્હાઈટ કેનેડિયન મિત્રોને હું ‘માય સન’ કહીને સંબોધું છું ત્યારે આ યંગ, શ્વેત ટીનેજર્સ મને હરખના માર્યા ‘યો ડેડ’થી નવાજતા હોય છે. જોબ પર મારી સાથે કામ કરતો મારો પરમ કેનેડિયન મિત્ર ગેરીનું કુળ તો મૂળે ઈંગ્લેન્ડ પણ, તે ગાંધીજીનો પ્રખર ચાહક અને પ્રશંસક છે. ભેદભાવનો તે પ્રખર વિરોધી છે. ઝેનોફોબિયા નીતિની સખત ટીકા અને ખંડન કરતા કેનેડાના વડાપ્રધાન જ્યારે નેટિવ ઈન્ડિયનોને થયેલા સામાજિક અન્યાયો બદલ જાહેરમાં માફી માગે છે ત્યારે સમયથી સાથે બદલાતા જતા કેનેડાના સામાજિક વાતાવરણમાં પ્રસરતી પરિવર્તનની હવામાં મારી વ્યથા ધીમેધીમે વિસરાતી જાય છે. કેનેડાના મારા સંઘર્ષના મીઠાં ફળ આજે હું જોઈ રહ્યો છું ત્યારે લાગે છે કે મારું વેઠ્યું વ્યર્થ નથી ગયું. મારા બાપુ કહેતા કે, બેટા આપણાં અંજળપાણી જ્યાં લખાયાં હોય તે ભૂમિ આપણું કર્મસ્થળ બને છે પણ, કર્મના સિદ્ધાંતને અનુસરી અને ભૌતિક સુધની મર્યાદામાં રહી જીવનનો આનંદ લેવો એ જ કર્મસિદ્ધિની સાચી પ્રાપ્તિ છે. મલ્ટી કલ્ચરાલિઝમની સંવૈધાનિક માન્યતા ધરાવતો કેનેડા દેશ વિશ્વસ્તરે બિનસાંપ્રદાયિકતાનું એક બેનમૂન દ્રષ્ટાંત છે. અદ્રિતીય આંતરરાષ્ટ્રીય પ્રમાણ, ખ્યાતિ અને વિશિષ્ટ ગુણવત્તા ધરાવતું કેનેડાનું લિવિંગ સ્ટાન્ડર્ડ, નૈતિક ધોરણો પણ એટલાં જ ઊંચાં છે. મારી સુખની વ્યાખ્યાને મહદ અંશે સમાવી લેતા કેનેડામાં રહેવાનું મને સદભાગ્ય મળ્યું તેને હું મારું અહોભાગ્ય માનું છું.
(આ લેખ ગુજરાતી કેથોલિક ડાયાસ્પોરા 2013માંથી થોડા એડિટિંગ સાથે પુનઃ પ્રકાશિત કરાયો છે. લેખક મધુરમ મેકવાન છેલ્લાં બે દાયકાથી કેનેડામાં વસે છે)