યાયાવર ડેસ્ક> આણંદ
પૂણેની સિરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા મોકલાયેલો કોરોના વેક્સિનનો જથ્થો મંગળવારે સવારે પોણા અગિયાર વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યો તે પછી સિવિલ હોસ્પિટલમાં તેની તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તે પછી આ વેક્સિનનો જથ્થો રાજ્યમાં વિવિધ સ્થળે મોકલાયો હતો. આણંદ અને ખેડામાં પણ વેક્સિનનો જથ્થો મંગળવારે સાંજ સુધીમાં આવી પહોંચ્યો હતો. આણંદમાં જૂની તાલુકા પંચાયત બિલ્ડિંગ ખાતે જિલ્લા પંચાયત વેક્સિન સ્ટોર ઊભો કરાયો છે ત્યાં આ જથ્થો મોટા ફ્રિજમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આણંદ જિલ્લા માટે કુલ 18,500 ડોઝ ફાળવ્યા છે. ગાઈડલાઈન પ્રમાણે તેને સ્ટોર કરી દેવામાં આવ્યા છે, તેમ એક અધિકારીએ કહ્યું હતું. રાજ્યમાં 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સિનની ઝુંબેશનો પ્રારંભ થશે. જિલ્લામાં 11 અલગ અલગ સેન્ટર રખાયાં છે અને અહીં સૌથી પહેલાં આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને વેક્સિન આપવામાં આવશે. મંગળવારે પૂણેથી દેશનાં 13 શહેરોમાં વેક્સિનનો જથ્થો મોકલાયો હતો. એક મુંબઈને બાદ કરતાં તમામ સ્થળોએ ફ્લાઈટમાં વેક્સિન પહોંચી હતી. મુંબઈમાં રસીનો જથ્થો ટ્રકમાં મોકલાયો હતો.