એલન મસ્કની ટેસ્લા કાર ભારતમાં  2021થી રસ્તા પર દોડતી થઈ જશે?

એલન મસ્કની ટેસ્લા કાર ભારતમાં 2021થી રસ્તા પર દોડતી થઈ જશે?

મસ્ક અગાઉ ત્રણેક વાર આવી જાહેરાત કરી ચુક્યા છે, આ

વખતે સિરિયસ છે કે નહીં તે ટૂંક સમયમાં ખબર પડી જશે

 

યાયાવર ડેસ્ક>નવી દિલ્હી

 

ટેસ્લાના ફાઉન્ડર અને સીઈઓ એલન મસ્કે કહ્યું છે કે તેમની વિખ્યાત ટેસ્લા કાર ભારતમાં 2021મો લોન્ચ કરાશે. પોતાના સ્ટાઈલીશ બિઝનેસ મોડેલ અને સ્ટાઈલિશ પેશકશ માટે જાણીતા મસ્કે આ વાત ટ્વીટર પર જાહેર કરી છે. ટ્વીટર હેન્ડલ પર ટેસ્લા ક્લબ ઈન્ડિયા નામનું એક ગ્રૂપ ચાલી રહ્યું છે જેણે મસ્કની સાથે એક ઈન્ટરવ્યૂ કર્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં ટેસ્લા ક્લબ ઈન્ડિયાએ સવાલ કર્યો હતો કે અમેરિકામાં વખણાયેલી ટેસ્લા કાર તમે ભારતમાં ક્યારે લોન્ચ કરવાના છો.

આ સવાલના જવાબમાં મસ્કે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ આવતા વર્ષે તેમની આ રોયલ ઈલેકટ્રીક કાર ભારતમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. અન્ય એક ટ્વીટર હેન્ડલ પર ટેસ્લાએ એક રિસ્પોન્ડન્ટને કહ્યું કે, તમે ઘણાં સમયથી રાહ જોઈ રહ્યા છો તે માટે હું તમારો આભાર માનું છું. જોકે, મસ્કની વાત પર ખાસ કોઈ ભરોસો કરાય તેમ નથી કેમકે, તેઓ અગાઉ પણ આ પ્રકારની લોલીપોપ આપી ચુક્યા છે. 2016માં ટ્વીટર પર તેમણે જ જાહેરાત કરી હતી કે તેમની કંપની ટેસ્લા મોડેલ 3નું ભારતમાં લોન્ચિંગ કરવા માગે છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે, ભારતમાં કંટ્રીવાઈડ સુપર ચાર્જર નેટવર્ક માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. એ પછી 2018માં પણ મસ્કે કહેલું કે તેઓ 2019માં ઈન્ડિયામાં તેમની ઈલેકટ્રીક કાર ટેસ્લા લોન્ચ કરવાના છે. જોકે, એકપણ વાર મસ્કે તેનો ધંધો ભારતમાં વિસ્તાર્યો નહોતો. તે પછી મસ્કે ભારતમાં જે રીતે ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે તેની સામે જાહેરમાં વાંધો લીધો હતો. તાજેતરમાં એક એવા ન્યૂઝ પણ આવ્યા હતા કે ટેસ્લાએ બેંગલોરમાં આરએન્ડડી વર્ક ચાલુ કરી દીધું છે. બની શકે કે ટેસ્લા કારના લોન્ચિંગ માટેની આ તૈયારીઓ હોય. મસ્કે તાજેતરમાં લોકોને પોસાય તેવા ભાવમાં નવી ટેબલેસ બેટરી સાથેની 25,000 ડોલરની હેચબેક કાર લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

ટેસ્લા કારનાં 4 મોડેલ છે. આ ચારેય મોડેલ ભારતમાં વેચાય તો આ કિંમતે પડી શકે છે. Tesla Model S ભારતમાં રૂપિયા 1.5 કરોડમાં, Tesla Model3 રૂપિયા 70 લાખમાં, Tesla Model X રૂપિયા 2 કરોડમાં અને Tesla Model Y રૂપિયા 50 લાખમાં પડી શકે છે. જોકે, સ્ટેટ પ્રમાણે અલગ ટેક્સ થાય તેમ છે.  એલન મસ્ક ઈનોવેટિવ ટેકનોલોજીની દુનિયાના રાજા ગણાય છે. તેમને ચાર બિલિયન ડોલર કંપનીઓ શરૂ કરી હતી. જેમાં પેપાલ, ટેસ્લા, સ્પેસએક્સ અને સોલર સીટીનો સમાવેશ થાય છે. 16 વર્ષ પહેલાં તેમને પેપાલ નામની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરતી કંપનીની સ્થાપના કરી નાંખી હતી. એલને ટેસ્લા નામની કંપની શરૂ કરીને  પેટ્રોલ-ડિઝલ વગર માત્ર ઈલેકટ્રિસિટીથી ચાલતી ગાડીઓ બનાવીને દુનિયાને વધુ એક ભેટ આપી દીધી હતી.

એલન મસ્કની વધુ એક કંપનીનું નામ સ્પેસએક્સ(સ્પેસ એકસ્પ્લોરેશન) છે. આ કંપની રોકેટ બનાવે છે. જે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નામની કાયમી અવકાશી મથકમાં કામ કરતાં અવકાશયાત્રીઓ માટે જરૂરી માલસામાન પૃથ્વી પરથી મોકલે છે. નાસા જેવી દિગ્ગજ સંશોધન સંસ્થા પણ આ ખાનગી કંપનીને મલ્ટિ-બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ આપે છે. સ્પેસએક્સનું હવે પછીનું લક્ષ્ય મંગળ અને અન્ય ગ્રહો પર માનવજાતને વિકસાવવાનું છે. એલન મસ્ક લાંબા ગાળાનું વિચારીને મંગળ ગ્રહ પર માનવ વસાહત ઉભી કરવાનું વિચારી રહ્યાં છે. જ્યારે પૃથ્વીનો વિનાશ થઈ જશે તેવી સ્થિતિમાં માનવજાતને બીજે ક્યાંક આશરો મળી રહે તે માટે હાલમાં એલન મસ્ક ગંભીરતાપૂર્વક કામ કરી રહ્યાં છે. તે માટે દુનિયાભરના લોકોની નજરો પણ તેમના પર ટકેલી છે. આમ સ્પેસએક્સ રોકેટ બનાવવાની સાથે-સાથે માનવજાતના અસ્તિત્વને ટકાવી રાખવા માટે દિવસ-રાત કામ કરી રહી છે.તે ઉપરાંત એલનની ચોથી કંપની સોલર સિટી ઈકો ફ્રેન્ડલી એનર્જી અને એનર્જી સ્ટોરેજના ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે. તે ઉપરાંત હાલમાં એલન યાત્રાને આંખના પલકારામાં પૂરી કરવા માટે હાઈપરલૂપ નામની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ વિકસાવી રહ્યાં છે. જે ટેકનોલોજી દ્વારા લોકો એક જગ્યાથી બીજી જગ્યાએ રોકેટની સ્પીડથી યાત્રા કરી શકશે. એટલે કે અમદાવાદથી મુંબઈ જવામાં 15 મીનિટ પણ લાગશે નહી. આમ એલને દુનિયાને એવી ટેકનોલોજીની ભેટ આપી રહ્યાં છે, જે લોકોના જીવનને સરળ બનાવી દેશે. એલને ટેકનોલોજીની દુનિયામાં એક ક્રાંતિ સર્જી છે.

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!