ચીનવાળા એમ માને છે કે અમેરિકા તેમની સામેની સાઈડે એટલે કે કાણાની પેલે પાર રહે છે અને અમેરિકા ચીનને કાણાની સામેની પાર માને છે. પૃથ્વીના એન્ટીપોડ એકબીજાથી તદ્દન વિરોધી દિશામાં આવેલા છે અને તમે નહીં માનો પણ આ તમામ સમુદ્રમાંથી પસાર થાય છે. એટલે કે મોટાભાગની શક્યતા એવી છે કે તમે પૃથ્વીના ગોળામાં કાણું પાડો તો સમુદ્રમાં જ નીકળો!
-નીકષ મેમનવા
તમને ક્યારેય એવો સવાલ આવ્યો છે કે આ પૃથ્વીનો ગોળો(Globe) એકબાજુથી બીજીબાજુ કેવડો મોટો હશે? આપણે એકબાજુથી બીજી બાજુની સફર કરવી હોય તો કેટલા દિવસો થાય? અથવા ત્યાં પહોંચાય કે કેમ? અથવા તો ત્યાં જવાય તો કેવી રીતે જવાય? પૃથ્વી(Earth) પર આપણે અબજો વર્ષોથી રહીએ છીએ પણ આપણે આપણા ઘરની આસપાસની સૃષ્ટિ સિવાય ભાગ્યેજ કશું જોયું હોય છે. અરે, એટલું પણ નહીં. હકીકતમાં, તો આપણને આપણા ફ્લેટમાં કે બંગલામાં કયા ખૂણે શું પડ્યું છે તેની પણ ઘણીવાર તો ખબર હોતી નથી. આપણને વિજ્ઞાન અંગે કેટલાક સવાલો થવા જરૂરી છે પણ ઓફિસ, કામ, ટીવી, મોબાઈલ, વ્હોટ્સ એપ અને ફેસબુકની દુનિયામાં આપણે એટલા બધા બિઝી થઈ ગયા છે કે આપણને જાણે કશું વિચારવાની ફુરસદ મળતી નથી. આપણે ટેક્નોલોજીનો ઉપયોગ ફક્ત મનોરંજન પૂરતો કર્યો છે. ટેકનોલોજી હકીકતમાં, જ્ઞાન અને માહિતીનો અદભુત સ્ત્રોત પણ છે. ઠીક છે, આ બધું. પણ એક સવાલ આજે આવો કરીએ. ધારો કે, આપણે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પૃથ્વીમાં મસમોટી ડ્રીલ લઈને કાણું પાડીએ, પાડતા જ રહીએ જો શું થાય? તમે કહેશો કે થોડા ફૂટ સુધી માટી નીકળે, પછી કઠણ પોપડા(Crust) આવે અને તે પછી પાણી આવવાનું શરૂ થાય. એ તો ઠીક છે પણ આપણે કાણું એનાથી ય લાંબું પાડીએ તો વાત ક્યાં જઈને અટકે? અથવા તો આપણે એકબાજુથી કાણું પાડ્યું હોય અને તે હોલમાંથી સાંગોપાંગ જઈએ તો કઈ બાજુએ નીકળીએ?
તમે વિચારો કે તમારા હાથમાં એક મોટી ડ્રીલ થમાવી દેવામાં આવી છે અને તમને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સામે છેડે ના પહોંચી જાવ ત્યાં સુધી કાણું કર્યે રાખો. કદાચ, તમે નકશો લઈને બેસી જશો અને જોશો કે તમે જ્યાં કાણું પાડવાનું શરૂ કરો છો તે જગ્યાની ઓપોસિટ સાઈડે એટલે કે બીજા ગોળાર્ધમાં શું આવેલું છે. પણ ઘણીવાર આપણે ગફલત ખાઈ જઈએ છીએ. એક ઉદાહરણ લો. તમે ફ્લેટમાં જે માળે રહો છો તે માળેથી બેઝમેન્ટમાં તમારી ગાડી જ્યાં પાર્ક કરો છો તે દિશાને કલ્પી જુઓ. તમે એમ માનતા હો છે કે તમે પાંચમા માળે રહો છો અને બેઝમેન્ટમાં તમારા બ્લોકની બરાબર નીચે જ તમારી ગાડી તમે પાર્ક કરો છો. પણ જ્યારે તમે ફ્લેટમાંથી નીચે ઉતરીને પાર્ક કરેલી ગાડી પાસે જાવ છો ત્યારે એ જગ્યા થોડી જુદી લાગે છે. તમે લિફ્ટમાંથી જાવ તો અલગ, સ્ટેરકેસથી જાવ તો અલગ. પૃથ્વીની એક સાઈડેથી કરેલું કાણું પણ આપણી સાથે આવું જ કરે છે. તમે ખોદો છો અને નીકળો છો ક્યાં…ચીનવાળા એમ માને છે કે અમેરિકા તેમની સામેની સાઈડે એટલે કે કાણાની પેલે પાર રહે છે અને અમેરિકા ચીનને કાણાની સામેની પાર માને છે. પણ આ વાત ખોટી સાબિત થાય છે. પૃથ્વીના એન્ટીપોડ(Antipode) એકબીજાથી તદ્દન વિરોધી દિશામાં આવેલા છે અને તમે નહીં માનો પણ આ તમામ સમુદ્રમાંથી પસાર થાય છે. એટલે કે મોટાભાગની શક્યતા એવી છે કે તમે પૃથ્વીના ગોળામાં કાણું પાડો તો સમુદ્રમાં જ નીકળો!
અમેરિકામાં તમે પૃથ્વીના ગોળામાં કાણું પાડવાનું શરૂ કરો તો, તમે હિન્દ મહાસાગર(Indian Ocean)માં પલળતા પલળતા નીકળશો. હકીકતમાં પૃથ્વી પર બહુ ઓછાં એવાં સ્થળો છે જ્યાં તમે કાણું પાડો તો કોરા નીકળો. ગ્રીન લેન્ડ(Greenland)થી એન્ટાર્કટિકા(Antarctica) વચ્ચે કાણું પાડો તો બની શકે કે તમે કોરા નીકળો. આર્જેન્ટિના(Argentina)થી ચીન(China) અને સ્પેન(Spain)થી ન્યૂઝીલેન્ડ(New Zealand) વચ્ચે પણ કોરી જમીન જ નીકળી શકે.
આપણી ધારણા બહાર આવું બધું એટલા માટે થતું હોય છે કેમકે, પૃથ્વી એક સ્ફિયર ગોળાર્ધરૂપે છે. મતલબકે, તમે પૃથ્વીના ઉત્તરીય ગોળાર્ધમાં કાણું પાડો તો દક્ષિણ ગોળાર્ધમાં નીકળો. અમેરિકાથી જો તમે કાણું પાડો તો અને તમારે ચીનમાં નીકળવું હોય તો એક એંગલ આપવો પડે. કાણું પાડતા પાડતાં તમે ધરતીના પેટાળમાં કંટાળી જાવ તો તમારે પૃથ્વીનો એન્ટીપોડ મેપ(Antipode Map) સાથે રાખવાનો અને તેમાં જોતા જવાનું કે તમે ક્યાં છો?
પૃથ્વીના ગોળામાં વચ્ચોવચ્ચે એક કાણું પાડીને એક મોટી ટનલ(Tunnel) બનાવવાની કલ્પના વિજ્ઞાનીઓના ભેજામાં ઘણી વખત આવે છે. ધારો કે, આવી ટનલ બનાવાય તો શું થાય? માઈલોના માઈલો સુધી કાદવ-કિચડ, રોકી પથરાઓ, લાવા, પાણી અને ઘણું બધું ફંફોસીને તમારે પેલે પાર પહોંચવું પડે. વિજ્ઞાનીઓએ ઉત્તર-પશ્ચિમી રશિયામાં કોલા સુપરડિપ બોરહોલ નામથી ઓળખાતું બહુ મોટું કાણું ધરતીમાં પાડ્યું છે. આ કાણું 7.5 માઈલ(12.50 કિલોમીટર) લાંબું છે. રસપ્રદ વાત તો એ છે કે આટલું કાણું પાડવામાં 25 વર્ષ લાગી ગયાં હતાં અને જ્યારે અંદર 177 ડિગ્રી સેલ્શિયસ તાપમાન સામે આવ્યું ત્યારે આ કામ અટકાવી દેવાયું હતું. વિજ્ઞાનીઓ પૃથ્વીના કોન્ટીનેન્ટલ ક્રસ્ટ તરીકે ઓળખાતા પોપડાને પણ ભેદી શક્યા નહોતા. આ પોપડો(Crust) પૃથ્વી પર સૌથી ઉપર આવેલો છે.
માણસ અંતરિક્ષમાં ઝંડા ફરકાવી શક્યો છે,મંગળ ગ્રહ પર શું ચાલે છે તે જોઈ-જાણી શક્યો છે અને ચંદ્ર પર તો સદેહે જઈ આવ્યો છે પણ પૃથ્વીની અંદર શું છે, શું ચાલે છે તે વિશે તેની પાસે હાજરાહુજુર કોઈ પુરાવા નથી. પણ, દલીલ કરવા ખાતર કહીએ તો કહેવાય કે પૃથ્વીમાં માણસે કાણું પાડી દીધું છે. એ વાત જુદી છે કે તે બીજા છેડે નીકળી શક્યો નથી. પણ એક વખત એવો પણ આવશે કે વિજ્ઞાનીઓ આ અશક્ય વાતને પણ શક્ય કરી બતાવશે અને પૃથ્વીમાં એક છેડેથી બીજા છેડે એક ટનલ બનાવી દેશે. ધારોકે, આવી ટનલ બની જાય તો એક છેડેથી બીજા છેડે પહોંચતાં માણસને કેટલો સમય લાગશે? આખોને આખો માણસ પીગળી જાય તેવી ગરમીમાં ધારોકે કોઈ એવી કેપસ્યુલ(Capsule) બનાવવામાં સફળતા મળી અને તેમાં બેસીને આપણે ટનલમાંથી પસાર થઈએ તો 30 માઈલ છેટે સામેનો દરિયો આવી જાય. એવું પણ બને કે તમે ટનલમાં એકદમ ફાસ્ટ દોડવા માંડો અને ટનલની દીવાલ સાથે અથડાઈ પણ જાવ. એક કેલ્ક્યુલેશન વિજ્ઞાનીઓએ કર્યું છે અને તે પ્રમાણે જો તમે એક છેડેથી બીજે છેડે કાણું પાડીને તૈયાર કરેલી ટનલમાં આપણે જઈએ તો માત્ર 38 મિનિટમાં પહોંચી જવાય! હકીકતમાં, તમે પૃથ્વીમાં પાડેલા એક કાણાંમાં પટકાવ ત્યારે સીધા બીજી દિશામાં ગતિ કરવા માંડો અને આ વેક્યુમમાં એકદમ ઝડપથી નીચે સરકતા જાવ. મતલબકે, 800 માઈલની ઝડપે દોડનારા વિમાનમાં એક દેશમાંથી બીજા દેશમાં પહોંચવા માટે જો તમને 8થી 10 કલાક થતા હોય તો તમે 38 મિનિટમાં ત્યાં પહોંચી જાવ. પણ, જો તમે કાણું પાડવામાં ભૂલ કરી તો સીધા સમુદ્રમાં જ પડશો…