આ છે ચરોતરની નારી શક્તિઃ ડો. રૂપાંદે પટેલ અને ડો. ગોરાંદે કાનાબારે US અને UKમાં મેડિકલ સેવાઓમાં ભારતનું નામ રોશન કર્યું છે

આ છે ચરોતરની નારી શક્તિઃ ડો. રૂપાંદે પટેલ અને ડો. ગોરાંદે કાનાબારે US અને UKમાં મેડિકલ સેવાઓમાં ભારતનું નામ રોશન કર્યું છે

ડો. રૂપાંદે પટેલ અમેરિકન આર્મીમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે, 2003માં ઈરાક વોર વખતે તેમને મિડલ ઈસ્ટ મોકલાયાં હતાઃ ડો.ગોરાંદે લંડનના જાણીતાં કન્સલટન્ટ ક્લિનિકલ ન્યુરોફિઝિયોલોજિસ્ટ છે

 

આણંદ

 

નારી શક્તિ અને તેની સાથે જોડાયેલી બેમિસાલ સિદ્ધિઓની જ્યારે વાત કરતા હોય ત્યારે આ બંને બહેનો અંગેની વાત ના કરીએ તો ઈન્ટરનેશનલ વિમેન્સ ડે અધુરો ગણાય. ચરોતરની આ બંને નારીઓએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એવી સિદ્ધિઓ મેળવી છે જેને જોઈને કોઈને પણ તેમાંથી પ્રેરણા મેળવવાની ઈચ્છા થઈ આવે. ડો. રૂપાંદે પટેલ અને ડો. ગોરાંદે કાનાબાર ચરોતર, ગુજરાત અને સમગ્ર ભારતનું ગૌરવ છે. આ બંને બહેનો મૂળ ધર્મજની છે અને પોતપોતાની રીતે તેમણે યુએસ અને યુકેમાં સાહસ અને સિદ્ધિનાં સોપાન કર કર્યાં છે.

ડો.રૂપાંદે પટેલ અમેરિકી આર્મીમાં ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવે છે, જ્યારે ડો. ગોરાંદે પટેલ(કાનાબાર)લંડનમાં કન્સલટન્ટ ક્લિનિકલ ન્યુરોફિઝિયોલોજિસ્ટ છે. બંને બહેનો ડોકટર છે અને દુનિયાના બે મોટા દેશોમાં ભારતનું નામ તેમણે પોતાની મહેનત અને સિદ્ધિઓ સાથે રોશન કર્યું છે.

ડો. રૂપાંદે પટેલે ઈરાક વોરમાં સક્રિય રીતે ભૂમિકા પણ કરેલી છે. 2003માં જ્યારે મિડલ ઈસ્ટ સળગ્યું ત્યારે ઈરાકના મોરચે જે અમેરિકી સૈનિકોને મોકલવામાં આવેલાં તેમાં ડો. રૂપાંદે પટેલ પણ હતાં. ડો. રૂપાંદેને અમેરિકી સૈનિકોના સ્વાસ્થ્યની સારસંભાળ લેવા માટે ઈરાક મોકલાયાં હતાં. યુએસ આર્મીમાં એ વખતે પહેલીવાર ડેન્ટલ યુનિટ મોકલવામાં આવ્યું હતું જેને ડો. રૂપાંદે પટેલ લીડ કરતાં હતાં.

ઈરાક વોર વખતે તેઓ જ્યાં રોકાયાં હતાં તે વેરહાઉસ પર એક વખતે બોમ્બ ફેંકાયો હતો. આ હુમલામાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ડો. રૂપાંદે પટેલે યુએસ આર્મી રિઝર્વમાં 965મી ડેન્ટલ કંપનીના ડેન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી છે. ઈરાક વોર વખતે તેઓ કર્નલ હતાં તે પછી 2006માં કેપ્ટન બન્યાં હતાં. ગ્વાટેમાલાના પોપટુનમાં મેડિકલ રેડીનેસ ટ્રેનીંગ એક્સરસાઈઝ વખતે તેઓ કેપ્ટન હતાં અને ડેન્ટિસ્ટ તરીકે સ્થાનિક લોકોની સેવા કરી હતી.

US આર્મી કેપ્ટન ડો. રૂપાંદે પટેલ ગ્વાટેમાલામાં એક છોકરાના દાંતની તપાસ કરી રહ્યાં છે. ફોટો કર્ટસીઃ યુએસ આર્મી ઓફિશિયલ વેબસાઈટ

આણંદ જિલ્લામાં 2020માં 14મા ‘ધર્મજ ડે’ નિમિત્તે ડો. રૂપાંદે અને ડો. ગોરાંદેનું સન્માન કરવામાં આવ્યું હતું. 20 વર્ષથી યુએસ આર્મીમાં ફરજરત ડો. રૂપાંદેના જણાવ્યા પ્રમાણે 2001માં ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જ્યારે હુમલો કરાયો ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે તેઓ આર્મીમાં જોડાશે.

જોકે, શારિરીક રીતે પોતે એટલાં બળવાન ન હોવાથી ફ્રન્ટલાઈન પર જઈને લડવાના યુનિટમાં જોડાવાને બદલે તેમણે પોતાની સ્કીલનો ઉપયોગ આર્મીમાં સેવા આપવા માટે કરવાનું નક્કી કર્યું. ડો. રૂપાંદેએ ડેન્ટિસ્ટ તરીકે યુએસ આર્મીના યુનિટમાં નોકરી લીધી હતી. 2002થી તેઓ યુએસ આર્મીમાં જોડાયાં હતાં.

આર્મીમાં જોડાયાં તેના એક વર્ષમાં જ ઈરાક સાથે યુદ્ધની સ્થિતિ આવી હતી. યુએસ આર્મીના જે યુનિટને ઈરાક મોકલવામાં આવ્યું તેમાં ડો. રૂપાંદે પણ સામેલ હતાં. પહેલીવાર અમેરિકાએ આર્મી યુનિટ સાથે ડેન્ટલ કેર માટે એક ટીમ મોકલી હતી. ઈરાક ગયેલા કુલ 1.20 લાખ અમેરિકી સોલ્જર્સની સારસંભાળ મેડિકલ યુનિટે રાખવાની હતી. અમેરિકા સાથે યુકે અને જર્મનીના પણ કેટલાક સૈનિકો હતા.

1999માં યુનિવર્સિટી ઓફ મેલબોર્ન મેડિકલ સ્કૂલમાંથી રૂપાંદે પટેલ ગ્રેજ્યુએટ થયાં હતાં. 1991માં બેલોર કોલેજ ઓફ ડેન્ટિસ્ટ્રી અંડરગ્રેજ્યુએટ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો. ઈરાક વોર દરમિયાન તેમની ડ્યુટી ચાર મહિના સુધી રહી હતી અને તે વખતે તેમને યુદ્ધના બિહામણા અનુભવોમાંથી પસાર થવાનું બન્યું હતું. એક વખતે રાતે સૂતા હતાં ત્યારે એક વાગ્યાની આસપાસ પ્રચંડ વિસ્ફોટ તેમણે સાંભળ્યો હતો. આ ધડાકાથી ધરતી ધ્રુજી ઉઠી હતી અને ડો. રૂપાંદે સહિતનું યુનિટ જ્યાં સૂતું હતું તે ટેન્ટ પણ નીચે પડી ગયો હતો.

પળનોય વિલંબ કર્યા વિના આખું યુનિટ ત્યાંથી ભાગ્યું હતું. થોડી મિનિટો પછી બધું એકદમ શાંત અને સ્તબ્ધ બની ગયું હતું. આર્મી યુનિટે જોયું તો ખબર પડી કે તેઓ જ્યાં સૂઈ રહ્યાં હતાં તે વેરહાઉસમાં જ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ડો.રૂપાંદે જ્યારે ઈરાક ગયાં ત્યારે તેમને 6 વર્ષનો દીકરો અને 3 વર્ષની દીકરી હતી. એ ચાર મહિના બાળકોની સંભાળ તેમના હસબન્ડ સુકુમાર પટેલે રાખી હતી. ડો. રૂપાંદેને ઈરાક અને અફઘાનિસ્તાનમાં લડતા સૈનિકોની સંભાળ માટે તેમને ત્રણ વખત મોકલાયાં હતાં. યુએસ આર્મીમાં સેવાઓ માટે તેમને આર્મી એચિવમેન્ટ મેડલ અને આર્મી કોમેન્ડેબલ મેડલ સહિતનાં મિલિટરી એવોર્ડથી સન્માનિત કરાયાં છે.

ડો. રૂપાંદેના બહેન ડો. ગોરાંદે કાનાબાર એમડી, એફઆરસીપી થયેલાં છે. 1989માં તેઓ ક્વોલિફાય થયાં હતાં અને અત્યારે કન્સલટન્ટ ક્લિનિકલ ન્યુરોફિઝિયોલોજિસ્ટ તરીકે કામ કરે છે. યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી ડો. ગોરાંદે કાનાબારે લંડન NHS ટ્રસ્ટ ખાતે ક્લિનિકલ ન્યુરોફિઝિયોલોજીમાં CCST પૂર્ણ કર્યું હતું. લંડનના ઈસ્ટ એન્ડ નોર્થ હર્ટ્સ NHS ટ્રસ્ટમાં તેમણે 16 વર્ષ સુધી સેવા આપી છે. અહીં તેમણે નવી પિડિયાટ્રીક EMG સર્વિસ અને વિડિયો EEG સર્વિસ શરૂ કરાવી હતી. ડો. ગોરાંદે ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ખાતે ઓનનરી કન્સલટન્ટ તરીકે ફરજ બજાવી ચુક્યાં છે. મિડલસેક્સ યુનિવર્સિટીમાં તેઓ સિનિયર લેક્ચરર છે.

એનઆરઆઈના ગઢ એવા ધર્મજ ગામમાં 2020માં 14મા ધર્મજ ડે પ્રસંગે બંને બહેનોને ગામનું નામ રોશન કરવા બદલ ધર્મજ ડેના પ્રેરક રાજેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા ધર્મજ જ્યોતિ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!