1931માં માંડ 11,660ની વસતી ધરાવતું આણંદ ડો. કૂકની આ ફનાગીરીને કારણે પૂરા ભારતમાં ફેમસ થઈ ગયું હતું. ભારતના નકશામાં માંડ શોધ્યું જડે તેવા આણંદને લોકો ડો. કૂકના નામથી ઓળખતા હતા
અશોક પરમાર
આ માણસ દર્દીના હાથને અડે, બે પ્રેમાળ આંખો તેમના તરફ ફેરવે એટલે અસાધ્ય રોગના દર્દીનો આશાનો મિનારો મજબૂત બને અને તેનામાં ફરી તંદુરસ્તીનો સંચાર થવા માંડે.આ માણસ એટલે ડો. આલ્ફ્રેડ બ્રામવેલ કૂક. ડો. કૂકમાં ગજબનો જાદુ હતો. તેમનો ચહેરો સતત હસતો રહેતો અને તેમની આંખોમાં પ્રેમ સતત ડોકાતો. ડો. કૂક આણંદમાં ફરજ બજાવતા હતા અને એવા સમયે તેઓ કામ કરતા હતા જ્યારે ભારતમાં એવી કોઈ મેડિકલ ફેસિલિટી નહોતી. ડો. કૂક રાતદિવસ જોયા વિના દર્દીઓની સેવામાં રત રહેતા હતા. એમરી હોસ્પિટલ તેમનું ઘર અને સેવાશ્રય. છેક સૌરાષ્ટ્ર અને વલસાડથી ડો. કૂકના હાથે સારવાર લેવા માટે દર્દીઓ આવતા કેમકે, લોકોને તેમનામાં અતિ વિશ્વાસ હતો. 1931માં માંડ 11,660ની વસતી ધરાવતું આણંદ ડો. કૂકની આ ફનાગીરીને કારણે પૂરા ભારતમાં ફેમસ થઈ ગયું હતું. ભારતના નકશામાં માંડ શોધ્યું જડે તેવા આણંદને લોકો ડો. કૂકના નામથી ઓળખતા હતા. 1932માં એમરી હોસ્પિટલના 13મી ચીફ મેડિકલ ઓફિસર તરીકે ડો. કૂક આણંદ આવ્યા હતા અને છેક 1953 સુધી આણંદમાં સેવારત રહ્યા હતા. ડો. કૂક આણંદ આવ્યા ત્યારે તબીબી સેવાઓ સાવ પાંગળી હતી. સામાન્ય લોકોને બરાબર સારવાર મળતી નહીં. એમરી હોસ્પિટલ જાણીતી હતી અને તેની કામગીરી વખણાતી હતી પણ ડો. કૂકના આગમન બાદ તેની કીર્તિને ચાર ચાંદ લાગી ગયા. ડો. કૂકનો જન્મ 7 માર્ચ 1903ના રોજ ન્યૂઝલેન્ડના ગિસબોર્ન શહેરમાં સાલ્વેશન આર્મી ફેમિલીમાં થયો હતો. 1910માં માતાના અવસાન પછી તેમને ન્યૂઝીલેન્ડના મેલ્થામ શહેરમાં બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવ્યા હતા. 1919માં હાઈસ્કૂલ અને તે પછી તેમણે બીએની ડિગ્રી મેળવી હતી. 1922માં તેઓ મોર્ટગો મેડિકલ યુનિવર્સિટીમાં જોડાયા હતા. 1929માં બ્રિટન જઈને તેમણે એફઆરસીએસની ડિગ્રી મેળવી હતી. ડો. કૂકમાં તબીબી કુશળતા તો ભરપૂર હતી જ પણ સાથે સેવા અને સાધનાનો અખૂટ ભંડાર પણ હતો. તેમનું હ્રદય કાયમ અનુકંપા અને કરૂણાથી નીતરતું રહેતું.
1932માં તેમને આણંદના અમૂલ ડેરી રોડ પર આવેલી પ્રખ્યાત એમરી હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા હતા. એ વખતે એમરી હોસ્પિટલ રાયણવાળા દવાખાના તરીકે ચારેકોર જાણીતી હતી. એમરી હોસ્પિટલમાં 60 બેડ હતા. આણંદ એ વખતે અત્યારની સરખામણીમાં અતિ નાનું ગામ જેવું હતું. આજુબાજુ હોસ્પિટલની સગવડના અભાવે લોકો અહીં જ સારવાર કરાવવા માટે આવતાં. ડો. કૂકે તેમના આગમન સાથે જ લોકોની સેવા કરવાનું શરૂ કરી દીધું. તેમનું કામ એટલું ઝ઼ડપથી વિસ્તર્યું કે 60 બેડની હોસ્પિટલ થોડા મહિનામાં 255 બેડ ધરાવતી મોટી હોસ્પિટલ બની ગઈ. આટલી મોટી હોસ્પિટલ છતાં ઘણીવાર દર્દીઓ વધારે થઈ પડતા. 1941માં હોસ્પિટલમાં નર્સ અને ફિઝિયોથેરાપી ટ્રેનીંગ સેન્ટરની શરૂઆત પણ ડો. કૂકે કરી.
શ્રીમતિ ડોરોથી ડો. કૂકનાં પત્ની હતાં અને તેમની સાથે ચોવીસે કલાક તબીબી સેવામાં રચ્યાંપચ્યાં રહેતાં હતાં. ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનમાં તેમણે મિશનરી સર્વિસની તાલિમ લીધી હતી. 21મી ફેબ્રુઆરી 1935માં ભારતીય પરિધાન સાથે તેમણે ડો. કૂક સાથે લગ્ન કર્યાં હતાં. ડોરોથીએ એ વખતે લાલ બ્લાઉઝ અને લાલ કિનારીવાળી સાડી પહેરી હતી. ડો. કૂકે ગુજરાતી ભાષા શીખી તે પછી દર્દીઓ સાથે તેમની વાતચીત ગુજરાતીમાં જ ચાલતી હતી. એક સમય એવો આવ્યો કે ડો. કૂકના કારણે એમરી હોસ્પિટલ જાણીતી થઈ ગઈ અને રાયણવાળા દવાખાનાને બદલે લોકો તેને ડો. કૂકની હોસ્પિટલ તરીકે વધુ ઓળખવા માંડ્યાં. ગુજરાત અને ગુજરાત બહારથી રોજના 300 પેશન્ટ ડો. કૂક પાસે અનેરી આશા સાથે આવતાં. ડો. કૂક રોજ બપોરના 3 વાગ્યાથી રાતના મોડી રાત સુધી ઓપરેશન થિયેટરમાં કામ કરતા અને ઘણી વખત તો ઓપરેશન 3-3 દિવસ સુધી મુલતવી રાખવું પડે એટલી ભીડ થતી. એ વખતે જુદાજુદા નિષ્ણાત ડોકટરો નહોતા એટલે બધાં જ દર્દીઓનો ઈલાજ ડો. કૂક એકલા કરતા. ગામડાંનો અત્યંત ગરીબ ખેડૂત હોય કે કોઈ મોટો જમીનદાર-તમામ લોકો ડો. કૂકના દવાખાને જ આવવાનું પસંદ કરતા. ડો. કૂકના હાથમાં એવો જાદુ હતો કે ગમે તેવા દર્દથી કણસતો દર્દી પણ સાજો-નરવો થઈ જતો. તેમની આ જાદુગરીને કારણે આખા પંથકમાં “ડો. કૂક, મારે ફૂંક, મટાડે દુઃખ” લોકોક્તિ બની ગઈ હતી.
ડો. કૂકના સમયમાં એમરી હોસ્પિટલની સાથે તે વખતે મુક્તિપુર, ખંભાત અને ખેડામાં બ્રાન્ચ ડિસ્પેન્સરીઓ પણ જોડાઈ હતી. ડો. કૂક બુધવારે બપોર પછી હોસ્પિટલમાં ન રહેતા અને આ ડિન્સ્પેન્સરીઓની મુલાકાતે જતા. ઘણી વખત તેઓ તેમની મોટરમાં ગંભીર દર્દીઓને બેસાડી લાવતા અને એમરી હોસ્પિટલમાં દાખલ કરતા. ડો. કૂકના આ સેવાયજ્ઞમાં તેમનાં પત્ની ડોરોથી હંમેશા પડછાયાની જેમ રહ્યાં. ડો. કૂકે 1932થી 1953 સુધી એમ સતત 21 વર્ષ સુધી દર્દીઓની સેવા કરી. 1953માં પત્ની ડોરોથી, ચાર દીકરા અને એક દીકરી એમ પાંચ સંતાનો સાથે તેઓ પાછા માદરે વતન ન્યૂઝીલેન્ડ જતા રહ્યા. ન્યૂઝીલેન્ડમાં તેઓ ટેરીટરી ચીફ સેક્રેટરી બન્યા હતા અને 1968માં નિવૃત્ત થયા હતા. રિટાયરમેન્ટ પછી પણ ડો.કૂકે તેમની મેડિકલ પ્રેક્ટિસ તો ચાલુ જ રાખી હતી. 1992માં ડોરોથીનું અવસાન થતાં તેઓ એકલા પડી ગયા હતા. દોઢ વર્ષ પછી 1994માં 90 વર્ષની વયે તેમણે પણ ફાની દુનિયાનો ત્યાગ કર્યો હતો. 1935માં આણંદમાં તેમનો સેવાયજ્ઞ જોઈને ભારત સરકારે તેને ‘કૈસર-એ-હિન્દ’નો ખિતાબ આપ્યો હતો. આણંદને આરોગ્યધામનું બિરૂદ અપાવનાર ગૌરવવંતા સવાયા ચરોતરી એવા ડો. કૂકના માનમાં આણંદ નગર પાલિકાએ જોયલેન્ડથી લઈને શાસ્ત્રીબાગવાળા રોડને ‘ડો. કૂક માર્ગ’ નામ આપ્યું છે. ચરોતર પંથકમાં આજે પણ ડો. કૂકની સેવા અને તબીબી કુશળતાની ઘણી વાતો લોકમુખે તાજી છે.