ધર્મજના ધાણકા ને ખાવાપીવાના સાણકા:દાગજીપુરા ડગેડગે, ને જાખલા જકડબંધ, રતનપરાની છોડી પરણું તો ઉકાપાણી બંધ:વસોના વર રૂપાળા, પણ ખાવાપીવાના ઉપાડા

ધર્મજના ધાણકા ને ખાવાપીવાના સાણકા:દાગજીપુરા ડગેડગે, ને જાખલા જકડબંધ, રતનપરાની છોડી પરણું તો ઉકાપાણી બંધ:વસોના વર રૂપાળા, પણ ખાવાપીવાના ઉપાડા

                                                                 

ચરોતરની કહેવતો,પાર્ટ-2ઃ  સામરખા ભાલેજ-ડાકોર જવાના સીધા ધોરીમાર્ગ પર આવેલું હોવાથી સાવ અજાણ્યા માણસો પણ અનાયાસે પહોંચી શકે છે. તેથી સરળ કામ માટે કહેવત પ્રચલિત થઈ-સામે મોંઢે સામરખા યા સામે નાકે સામરખા

 

ડો. રમણભાઈ પી. પટેલ

 

ચરોતરની ગ્રામલક્ષી કહેવતોમાં ચરોતરનાં વિવિધ ગામોનું, ગ્રામવાસીઓની કેટલીક સાચી યા આરોપિત લાક્ષણિકતાઓનું નિરૂપણ થયું છે. આ કહેવતોમાંથી જે-તે ગામ અને ગામના લોકો અંગેનો ચિતાર મળી જતો હોય છે. આ કહેવતોમાં ગામના લોકોની ખાસિયતો, ટેવો, સામાજિક કે આર્થિક દશા જોવા મળતી હોય છે. ચરોતરમાં કેટલીક કહેવતો સ્ત્રીને અનુલક્ષીને પણ બની છે. પહેલાં ભદ્ર વર્ગોમાં સ્ત્રીનું પુર્નલગ્ન લજ્જાસ્પદ બાબત ગણાતું. એટલે જ ગામોમાં વિધવા સ્ત્રીઓનાં પુર્નલગ્ન(નાતરાં) થતાં હશે અથવા તો કન્યાની અછત યા પૈઠણપ્રથાને કારણે કુંવારાં રહી ગયેલાં મોટી ઉંમરના(વાંઢા)પરસ્પર ગામે સાટાલગ્નો કરતાં હશે. તેને અનુલક્ષીને એક કહેવતમાં આવો સામાજિક કટાક્ષ છે.- નાર-પંડોળી નાતરે જાય, તારાપુરને તેડી જાય. જ્ઞાતિવ્યવહારલક્ષી કોઈ કહેવતમાં તે ગામોની આડોડાઈ, અકડાઈ જેવી એબોને કારણે જ્ઞાતિબહાર મૂકાતાં તેની સાથએના રોટી-બેટીના વ્યવહારનો નિષેધ કરે છે. દાખલા તરીકે, દાગજીપુરા ડગેડગે, ને જાખલા જકડબંધ, રતનપરાની છોડી પરણું તો ઉકાપાણી બંધ.

બહારગામથી અમુક ગામમાં આવીને વસેલા માણસો ન તો બહારગામના ગણાય કે ન તો ગામના ગણાય કે ન તો ગામના વતનીઓ તરીકે પ્રતિષ્ઠા પામે. તેમની આવી ત્રિશંકુ જેવી વિષમ સ્થિતિને કહેવતમાં ટીખળરૂપે અભિવ્યકિત મળી છે. દાખલા તરીકે, કહે કુંજરાવનો અને અથડાય આખડોલ.(પ્રતિષ્ઠિત કુંજરાવ ગામનો હોવાનો દાવો કરનાર વ્યક્તિ હકીકતમાં તો સામાન્ય સ્થિતિના પછાત આખડોલ ગામનો રહેવાસી હોય!) એવી જ રીતે ગામ ગાનાના નહિ અહીંના કે નહિ ત્યાંના, વસોનું કૂતરું જ અમીન જેવી કહેવતમાં વસોની ઈતરકોમ પોતે અમીન હોય-તેવી વૃત્તિ-પ્રવૃત્તિ અને મોટાઈનો દેખાડો કરે તે વિશે ટીકા છે. કોઈની શેહશરમ યા પરવા ન કરનારી કરમસદના લોકો માટે કાના માત્રા વગરના લોકો એવો રૂઢિપ્રયોગ પ્રયોજાય છે. આર્થિક રીતે સમૃદ્ધ અને સામાજિક રીતે પ્રતિષ્ઠિત  ગણાતા છ ગામના પાટીદારોનો માન-મરતબો ઊંચો ગણાય છે. આમ છતાં કોઈ કહેવતોમાં તેમની બદલાયેલી સ્થિતિનું, વૃત્તિ-પ્રવૃત્તિનું કંઈક જુદુંજ દર્શન થાય છે. દાખલા તરીકે, ધર્મજમાં નહીં ધાન, ને ભાદરણ નરી ભૂખ, સારું બિચારું ઝારોળા, કોકડીઓનું તો સુખ, ધર્મજના ધાણકા, ને ખાવાપીવાના સાણકા, વસોના વર રૂપાળા, પણ ખાવાપીવાના ઉપાડા. એથી ઉલટું, આર્થિક, સામાજિક રીતે પાછળ પણ દેખાડો કરવામાં શૂરા-પૂરા એવા નાનકડા ગામ નિરમાલીના લોકોને પ્રદર્શન પ્રવૃત્તિ-વૃત્તિ આ કહેવતમાં જોવા મળે છે- નિરમાલી નવાજણા, દાંડિયા રમે ત્રણ જણા, પહોળા રહો-જગ્યા કરો, એવી બૂમો પાડે ઘણાં.

અમુક ગામોની ભૌગોલિક રચનાને લીધે તેની સ્થિતિ-પરિસ્થિતિ પણ કહેવતમાં રમૂજનો વિષય બને છે. દાખલા તરીકે, આણંદ તાલુકાનું સામરખા ગામ ભાલેજ-ડાકોર જવાના સીધા ધોરીમાર્ગ પર આવેલું હોવાથી સાવ અજાણ્યા માણસો પણ અનાયાસે પહોંચી શકે છે. તેથી સરળ કામ માટે એક કહેવત પ્રચલિત થઈ- સામે મોંઢે સામરખા યા સામે નાકે સામરખા. કોઈ ગામના ચોરા યા ગામની ભાગોળ ઢંગધડા વિનાનાં હોય તો તેમને લક્ષ્ય કરીને વ્યંગાત્મક કહેવત પ્રચલિત છે. દાખલા તરીકે, ચકલાશીનો ચોરો ફૂસ, વઘાસીની ભાગોળ ફૂસ, ભલાડાની ભાગોળો ફૂસ, માતરિયાનો મોટો ચોરો, ઉકરડાનો ઓથો, વિગેરે…

ખંભાત તાલુકાનું કણીસા ગામ કોઢનો રોગ નાબૂદ કરવાની વિશેષતાને લીધે અને વીરપુર-ખેરાલી ગંધારી તેની નુકસાનકારક પ્રાકૃતિક વિશેષતાને લીધે કહેવતમાં સ્થાન પામ્યું છે –કાણીસાનો કુંડ, દુધિયું તલાવ ને ગંગલો કૂવો, આ જન્મે ખેરાલીની ટાઢ, એથી ના મરે તો ગંધારીમાં કાઢ. પ્રસિદ્ધ તીર્થધામ ડાકોરમાં તથા ભાલ વિસ્તારના વૌઠાના જાણીતા મેળામાં યાત્રાળુઓ મોટી સંખ્યામાં, અનેક અગવડો છતાં શ્રધ્ધાભક્તિ યા મોજ માટે ઉમટતા હોય છે. જેનો અગવડ અને આનંદભર્યો અનુભવ અભિવ્યક્ત થાય છે. ડાકોર મંદિર સુંદર ધામ, ઉપર ફરકે ધોળી ધજા, ખાવા-પીવાનું કંઈ ના મળે, (પણ) ધોતિયાં ધોવાની ભારે મજા, વૌઠાનું મેળું ને ખાવાનું કેળું, સૂવાનું વેળુ ને રહેવાનું ભેળું. એવી જ રીતે- ધર્મજ ગામનો ઊંચો ચોરો, માથે ફરકે ધોળી ધજા, ખાવા-પીવાનું કંઈ ના મળે, પણ હૂઈ રહેવાની મજા-જેવી કહેવતમાં ધર્મજની આર્થિક સમૃદ્ધિ-સગવડ-સુવિધાનાં દર્શન થાય છે. કેટલીક કહેવતોમાં વિવિધ ગામોની પરસ્પર તુલના કરીને તે ગામની યા ગામના લોકોની પાક્કાઈ, કઠણાઈ, કંજૂસાઈ જેવી સ્વભાવગત લાક્ષણિકતાઓની વૃત્તિ-પ્રવૃત્તિને વ્યક્ત કરવામાં આવી છે. દાખલા તરીકે, નાડા માટે નડિયાદ જવું, પાઈ માટે પેટલાદ જવું, નવા ટાંકી માટે નડિયાદ જવું, નવ નડિયાદી બરાબર પાંચ પેટલાદી, નવ નડિયાદી, બે બોરસદી ને એક અમદાવાદી, સો નડિયાદી, બે બોરસદી ને એક અમદાવાદી, સો નડિયાદી બરાબર એક ભડિયાદી વગેરે કહેવતો તેવા ગુણ-વૃત્તિ-પ્રવૃત્તિ દાખવતા કોઈપણ વિસ્તારની વ્યક્તિને લાગુ પડે એવી વ્યવહારલક્ષી સર્વવ્યાપક બની છે. આવી જ રીતે ગામડી, ઉમરેઠ, ચકલાશી, આંકલાવ ગામોને ગૌરવ અપાવે તેવી કહેવતો પણ મળે છે.

ઉમરેઠના નવશા નવી હવેલીવાલા, પણ કન્યા તો જૂના ઝરુખાવાલી, સોના જેવી ચામડી ગામ ગામે તો ગામડી, સો વાર કાશી, બરાબર એક ચકલાશી. રાસ, અડાસ અને કરમસદની પ્રજાનું શૌર્ય-ખમીર એક દુહાત્મક કહેવતમાં આ રીતે વ્યક્ત થયું છે-રાસમાં રણકો પડ્યો અડાસમાં છે વીર, કરમસદે હાકલ પાડી, એ છે જિલ્લાનું ખમીર. વ્યક્તિની બાઘાઈ, મૂર્ખાઈ, અણસમજ ભાષા વગેરેની દ્યોતક એવી કેટલીક ગ્રામલક્ષી કહેવતો પણ પ્રચલિત છે. જેમકે, પેટલાદ તરફનાં કેટલાંક ગામોમાં અણસમજુ કે બાઘાઈભરી વ્યક્તિ માટે દેવાનો કે ડભોઉનો, ભાદરણથી તાજા આવ્યા લાગે છે, લાખલો કરમસદ જઈ આવ્યો, સમજાવ્યું હતું સામરખા ને પહોંચ્યા પણસોરા, જેવી રૂઢિપ્રયોગાત્મક કહેતો પણ જાણીતી છે. કાયર યા બીકણ માટે પેટલાદી યા પેટલાદી પરમાણિયાની પાળવાળો એવો હીન પ્રયોગ થતો સંભળાય છે. બોરસદના મુસ્લિમોની ગુજરાતી-હિન્દી મિશ્ર બોલી પરથી અશુદ્ધ હિન્દી ભાષા માટે બોરસદી હિન્દી એવો ઉપહાસલક્ષી શબ્દપ્રયોગ વ્યાપકરૂપમાં પ્રયોજાય છે. ભાનેર ગામના લોકો કંજૂસાઈ-કરકસર માટે જાણીતા હોવાથી કોઈ હાસ્યાસ્પદ લાગે તેવી કંજૂસાઈ કરે ત્યારે ભાનેરિયું કર્યું  એવું કહેવાય છે. તોફાની ઢોર-ઢાંખરને ઉદ્દેશીને રોષમાં બોલાતી કહેવત- તને ભાલેજ મોકલેમાં ભાલેજ ગામના કતલખાનાનું સૂચન છે. કામની સફળતા આનંદયુક્ત ઉદગાર રૂપે કે બેપરવાઈના અર્થમાં જખ મારે જિટોડિયાવાળી, જખ મારે જાખલાવાળી જેવા પ્રયોગો પણ લોકવ્યવહારમાં થતા જોવા મળે છે.

આમ, ચરોતરના ખેડા-આણંદ જિલ્લાના મોટાભાગે ગ્રામ વિસ્તારમાં પ્રચલિત સ્થાનિક ચરોતરી કહેવતોમાં-રૂઢિપ્રયોગોમાં ચરોતરના સંખ્યાબંધ ગામો અને તેમાં વસતા લોકોનું કંઈક વિનોદાત્મક લાગે તેવું, હળવું અને સૂત્રાત્મક નિરૂપણ થયું છે. એમાં જે તે ગામની વિશિષ્ટ પરિસ્થિતિ, ધ્યાનપાત્ર પ્રાકૃતિક પરિવેશ, ગ્રામવાસીઓની અમુક વિચિત્ર વૃત્તિ-પ્રવૃત્તિ, એમની સમૃદ્ધિ યા કંગાલિયત, પતરાજી, આડંબર, હુંપદ, અમુક રીતરિવાજ, સામાજિક વટ-વ્યવહાર વગેરેનું ખરું કે ખોટું પ્રતિબિંબ ઝીલાયું છે. ચરોતરી ચૈડવે ઊણો જેવી કહેવતોમાં તો ચરોતરના સર્વ લોકોના સ્વભાવનું સાચું યા ખોટું દર્શન લાઘવરૂપમાં થયું છે. આ બધી કહેવતોમાં ઘણી કહેવતો તો વર્ણસગાઈ, પ્રાસાનુપ્રાસની ગોઠવણીમાંથી જન્મી હોવાથી તેમાં વિનોદ યા રમૂજ મુખ્ય અને સત્ય કે તથ્ય ગૌણ યા નહિવત હોય છે. જોકે, કેટલીક કહેવતોમાં વિનોદ-કટાક્ષ દ્વારા સત્યના અંશો પણ ભળેલા છે. તેમાંથી જે તે ગામની કે લોકોની અમુક વૃત્તિ-પ્રવૃત્તિ માનસનો ખ્યાલ મળી રહે છે. અલબત્ત, કેટલાંક સમૃદ્ધ ગામ અને તેના લોકો તરફની, અન્ય ગામો અને લોકોની ઈર્ષ્યામાંથી, સ્પર્ધાત્મક ભાવમાંથી પણ, કેટલીક હાંસીયુક્ત કહેવતો સર્જાઈ હોય તે શક્ય છે. ગામના કે ગ્રામવાસીઓનાં વખાણ કરતી કહેવતો જે તે ગામના જ લોકો દ્વારા તેમજ વગોણું કરતી કહેવોત ઘણે ભાગે અન્ય ગામના લોકો દ્વારા સર્જાઈ હોય અને પ્રચલિત થઈ હોય તે બનવાજોગ છે.

One thought on “ધર્મજના ધાણકા ને ખાવાપીવાના સાણકા:દાગજીપુરા ડગેડગે, ને જાખલા જકડબંધ, રતનપરાની છોડી પરણું તો ઉકાપાણી બંધ:વસોના વર રૂપાળા, પણ ખાવાપીવાના ઉપાડા

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!