૧૫મા “ધર્મજ ડે”નું SHINE સેલિબ્રેશનઃ કોરોનાકાળમાં પરિવર્તન સ્વીકારી વર્ચ્યુઅલ ઉજવણી

૧૫મા “ધર્મજ ડે”નું SHINE સેલિબ્રેશનઃ કોરોનાકાળમાં પરિવર્તન સ્વીકારી વર્ચ્યુઅલ ઉજવણી

વાહનનો રીઅર વ્યુ મીરર ખૂબ નાનો હોય છે જ્યારે વીન્ડ શીલ્ડ ગ્લાસ ખૂબ મોટો હોય છે તેમ મનુષ્ય એ પણ પોતાના જીવનમાં આગળ જોવાની દ્રષ્ટિ વિશાળ રાખવી જોઇએઃ જય વસાવડા

 

ધર્મજ

 

છેલ્લાં ૧૫ વર્ષથી સતત ઉજવાતા આવેલા “ધર્મજ ડે”ની ઉજવણીને પગલે ધર્મજ ગામની આગવી ઓળખ ઉભી થઈ છે. ચાલુ વર્ષે કોરોના મહામારી પડકારને ધ્યાનમાં રાખી ઉજવણીના સ્વરૂપમાં પરિવર્તન અપનાવી તે વર્ચ્યુઅલ સ્વરૂપે રાખવામાં આવી હતી. આ વર્ષે આયોજક સંસ્થા ધરોહર ફાઉન્ડેશન, ધર્મજ સાથે ટીચર યુનિવર્સિટી, ગાંધીનગર પણ જોડાઈ હતી. ભારતીય સમય મુજબ સાંજે 12મીએ સાંજે ૬:૩૦ કલાકે શરૂ થયેલા કાર્યક્રમનો પ્રારંભ ધર્મજ ગીત સાથે થયો હતો. શાબ્દિક સ્વાગત કરતાં સંસ્થાના પ્રમુખ રાજેશ પટેલે કાર્યક્રમમાં વિશ્વભરમાંથી વર્ચ્યુઅલ સ્વરૂપે જોડાયેલા ધર્મજીયનો તથા ધર્મજના શુભેચ્છકોને આવકાર્યા હતા. તેઓએ કોરોનાકાળના ઉભી થયેલ પરિસ્થિતિના સંદર્ભમાં જણાવેલ કે લડાયક વૃત્તિ ધર્મજના લોહીમાં રહેલી છે. તેથી જ “Come what may, Show must go on” ના સ્પિરિટ સાથે વર્ચ્યુઅલ ઉજવણી કરીને “ધર્મજ ડે” ને સૌના દિવાનખંડ સુધી લઇ ગયાં છીએ. ટીચર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હર્ષદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં પોતાની યુવાનીના વર્ષો ધર્મજીયન પરિવારના ત્યાં જ વિતાવેલી તે વાત યાદ કરીને પોતાના ઘડતરમાં ધર્મજના યોગદાન બદલ ઋણ સ્વીકાર કર્યું હતું. આ પ્રસંગે જાણીતા કવિ ભાગ્યેશભાઇ જહા દ્વારા ખાસ ધર્મજ માટે રચાયેલી અને તેમના જ સ્વરમાં ગવાયેલી કવિતા પણ રજુ કરવામાં આવી હતી.

કાર્યક્રમના હાર્દ સમા વક્તા, જાણીતા લેખક અને ચિંતક જય વસાવડાએ સતત સવા કલાક સુધી પોતાની અસ્લખિત વાણી દ્વારા શ્રોતાઓને જકડી રાખ્યા હતા. તેમના વ્યક્તવ્યના વિષય “પડકારમાંથી પરિવર્તન” વિશે અનેક જીવન ઉપયોગી ઉદાહરણો આપી સુંદર છણાવટ કરવા સાથે સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલથી લઇ અનેક હસ્તીઓએ પડકારોને ઝીલી લઇ કેવી રીતે પરિવર્તન લાવેલા તેની વાતો રસપ્રદ રીતે રજૂ કર્યું હતું. ધર્મજ ગામના પાટીદારો પેઢીઓથી પડકારોનો સામનો કરી કેવી રીતે પરિવર્તન અને પ્રગતિ કરતા રહ્યા છે તે વાતને SHINE શબ્દના અક્ષરો સાથે ધર્મજના સ્વભાવને સમજાવતાં તેમણે જણાવેલ કે, S  – Sincerity (નિષ્ઠા અને પ્રતિષ્ઠા),H- Humanity    (માનવતા– બીજા માટે જીવવાની વૃત્તિ),I – Integrity (પ્રમાણિકતા અને વફાદારી), N – Novelty (નવું કરતા રહેવું–પડકારો ઝીલતા રહેવું),E – Enjoyability (મોજ કરતાં રહેવું).

તેમણે યુવાનોએ ખાસ સંદેશ આપેલો કે “Enjoy the moment” જીવનની નાની નાની ક્ષણનો આનંદ માણતા રહો, મોજ કરતા રહો, પરિવર્તન સ્વીકારતા રહો. કારણકે, પરિવર્તન સ્વીકારે એ જ ટકી રહે છે. ભારતીય સંસ્કૃતિનો દાખલો આપતાં તેમણે જણાવેલ કે તે વહેતી સરિતા જેવી છે જેણે દરેક નવી વાતને સ્વીકારીને આગળ વધતી રહી છે માટે જ આજે પણ જીવંત છે. પ્રવચનમાં અનેક જીવન ઉપયોગી દ્રષ્ટાંતો આપવા સાથે સમાપન કરતાં જણાવેલું કે જેમ વાહનનો રીઅર વ્યુ મીરર એટલે પાછળ જોવાનો અરીસો ખૂબ નાનો હોય છે જ્યારે વીન્ડ શીલ્ડ ગ્લાસ એટલે કે આગળ જોવાનો કાચ ખૂબ મોટો હોય છે તેમ મનુષ્ય એ પણ પોતાના જીવનમાં આગળ જોવાની દ્રષ્ટિ વિશાળ રાખવી જોઇએ. યુવાનોને લોકો સાથે બિનજરૂરી સંઘર્ષ ટાળી “ૐ ઇગ્નોરાય નમ:” મંત્ર અપનાવી નકારાત્મક વાતોને અવગણીને આગળ વધવા જણાવ્યું હતું.

આ પ્રસંગે “ટીમ ધર્મજ” વતી રાજેશ પટેલે જાહેરાત કરતાં જણાવ્યું કે આગામી વર્ષે ૧૬મો “ધર્મજ ડે” યુવાશક્તિને સમર્પિત કરી યુવાનોને પસંદ એવા ડેનીમના ભૂરા રંગની થીમ સાથે ઉજવવામાં આવશે. જેની તૈયારી માટે આજથી જ સમગ્ર ટીમ કામે લાગશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ૧૫મા ધર્મજ ડેની વર્ચ્યુઅલ ઉજવણીના કાર્યક્રમનું સુંદર સંચાલન ટીચર યુનિવર્સિટીના સેન્ટર ઑફ એક્ષટેન્શનના વડા ડૉ. મેહુલભાઇ દવે દ્વારા થયું હતું. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની સફળતાનો ક્યાસ એ વાત ઉપરથી નીકળે છે કે ૧૩મી જાન્યુઆરીની સવાર સુધીમાં ટીચર યુનિવર્સિટીના ફેસબુક પેજ ઉપરથી ૭,૫૦૦ લોકોએ તેને નિહાળવા સાથે ૭૩ લોકોએ શેર કર્યો હતો. જય વસાવડાની યુ ટ્યુબ ચેનલ ઉપરથી ૪,૭૦૦  લોકોએ નિહાળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!