ઉત્કૃષ્ટ કલાકારી અને નકશીકામની ઐતિહાસિક ગવાહી પૂરતી વસોની હવેલી પર વિવાદનું તાળું

ઉત્કૃષ્ટ કલાકારી અને નકશીકામની ઐતિહાસિક ગવાહી પૂરતી વસોની હવેલી પર વિવાદનું તાળું

હવેલીની ખાસિયત એ છે કે તે કાષ્ટની ઉત્કૃષ્ટ કળાકૃતિ છે. કોલમો અને મોભ પર બારીક નકશીકામ છે. હાથી સહિતનાં પ્રાણીઓનાં મુખ, નાચતી અપ્સરાઓ, સંગીત અને ગીતનો નજારો, બ્રહ્માંડનું દર્શન, ઉપરાંત કેટલીક ભાતીગળ આકૃતિઓ કાષ્ટ પર જોવા મળે છે

 

યાયાવર ડેસ્ક

 

છેક ઈસવીસન 1168માં વસો ગામ સ્થપાયેલું. વાચ્છા પટેલે વસોની સ્થાપના કરી હતી. તેમના વારસ એટલે દરબાર ગોપાળદાસ. દરબાર ગોપાળદાસના પિતા કાશીભાઈ વડોદરા જિલ્લાના સાવલીના રહેવાસી હતા. તેમના પિતાનું નામ સમજુ બા. સમજુ બાનું પિયર વસો ગોપાળદાસનું મોસાળ. અમ્બઈદાસ મૂળે ગોપાળદાસના મામા થાય. ભાણિયા ગોરધનદાસને તેમણે દત્તક લીધો હતો. ગોરધનદાસનું નામ બદલીને ગોપાળદાસ રખાયું અને વસોની ગાદીના વારસ બન્યા. ગોપાળદાસ દેસાઈના નામથી ખ્યાતનામ ગોપાળદાસ અમ્બાઈદાસ દેસાઈ ઈસવીસન 1887થી 1951 સુધી વસોના રાજવી હતા. બ્રિટિશ રાજ સામે ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં ગોપાળદાસે તેમના રાજવીપણાનો ત્યાગ કર્યો હતો. ગોપાળદાસના પૂર્વજો દેસાઈ વંશના નહોતા, પણ વડોદરાના સાવલી ગામેથી તેમના પૂર્વજો આવેલા. દરબાર ગોપાળદાસ વૈષ્ણવ હતા અને જાગીરદારીને કારણે તેમને દેસાઈ અને અમીન ટાઈટલ મળ્યું હતું. વસો આજે દરબાર ગોપાળદાસને દિલદારી અને ન્યોચ્છાવરીને કારણે વિશ્વભરમાં ખ્યાતનામ બન્યું છે. અત્યારે જે હવેલી છે તે તેમના નામે ઓળખાય છે.

આ હવેલી ગુજરાતમાં ચાંપાનેર, અડાલજ કે અમદાવાદમાં આવેલી ઐતિહાસિક ઈમારતનો ટપી જાય તેવી ઉત્કૃષ્ટ કક્ષાની છે. કોઈ એક લાકડામાંથી નકશીકામ કરીને આખું માળખું ઊભું કરાયું હોય તેવી આ હવેલી અત્યારે તો વિવાદને કારણે તાળાબંધી ફરમાવે છે પણ હજુ ત્રણેક વર્ષ પહેલાં તે લોકો માટે ખુલ્લી રહેતી હતી. 19મી સદીમાં ત્રણ માળની આ હવેલી તૈયાર થઈ હતી. તેમાં સેન્ટ્રલ કોર્ટયાર્ડ કહેવાય તેવું વિશાળ ચોગાન છે. તેનો દરવાજો પહેલાં ઉત્તર દિશામાં પડતો હતો. વસોમાં આ હવેલી જોવી હોય તો ગામમાં પ્રવેશીને સીધા જતા રહેવાનું. ત્યાં બે રસ્તા છે. જમણી બાજુથી કાર જઈ શકે છે, ડાબી બાજુએ એક માણસ જઈ શકે તેટલી સાંકડી જગ્યા છે. દોઢેક મિનિટ ચાલો ત્યાં એક ખુલ્લી જગ્યામાં વિટ્ઠલભાઈની હવેલી છે. આ હવેલી 1872માં બંધાઈ હતી અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ તેને અંદરથી રિપેર કરીને પોતાના હસ્તક લઈ લીધી છે.

આ હવેલીની બરાબર પાછળ ગોપાળદાસની(અત્યારે મહેન્દ્રદેસાઈની)હવેલી આવેલી છે. આ હવેલીની ખાસિયત એ છે કે તે કાષ્ટની ઉત્કૃષ્ટ કળાકૃતિ છે. એક સમયે ભારતમાં સંયુક્ત પરિવારનું જે મૂલ્ય હતું તે આ હવેલી જોઈને સ્પષ્ટ દેખાય આવે છે. અત્યારે તો હવેલી વિવાદને કારણે બંધ કરી દેવામાં આવેલી છે પણ તેના અંગે ઘણું બધું લખાયું છે. આ પ્રમાણે હવેલી ત્રણ માળની છે અને તેમાં રાજ્યનો વહીવટ ચાલી શકે તે પ્રકારનું બાંધકામ અને બંધારણ છે. બાલ્કની અને કોર્ટયાર્ડ વિશાળ છે. તેના એકએક કોલમો અને મોભ પર બારીક નકશીકામ કરેલાં છે. હાથી સહિતનાં પ્રાણીઓનાં મુખ, નાચતી અપ્સરાઓ, સંગીત અને ગીતનો નજારો, બ્રહ્માંડનું દર્શન, ધરતીના ગુણાનુરાગ ઉપરાંત કેટલીક ભાતીગળ આકૃતિઓ કાષ્ટ પર જોવા મળે છે. એક ધ્યાને જો તમે નિહાળો તો એમ લાગે કે આ કાષ્ટમાંથી જાણે સંગીત વહી રહ્યું છે અને તમે 100-200 વર્ષ પાછળ જઈને અતીતમાં ખોવાઈ રહ્યા છો. વસોની હવેલીમાં હિન્દુ યુગપુરુષો અને દેવી-દેવતાઓનાં કાષ્ટ ચિત્રો પણ ખાસ રીતે આકારિત થયાં છે. ભગવાન ગણેશ, શ્રીકૃષ્ણ સહિતનાં ચિત્રોને બારીકાઈથી કોતરીને ઉપસાવાયાં છે. યક્ષ, નાગ, ગાંધર્વ, સિંહાકૃતિઓ સહિતનાં ચિત્રો તેની પર બારીકાઈથી કોતરાયાં છે. તેની સિલિંગ પણ લાઈનીંગવાળાં કાષ્ટની બનેલી છે. હવેલી દોઢેક વિઘા જમીનમાં પથરાયેલી છે. બે સદીથી આ કાષ્ટ પરનું નકશીકામ કાળની થપાટો સામે જીવંત રહ્યુ છે તો તેની સાથે દોરાયેલું ફેસ્કો પેઈન્ટિંગ પણ હજુ એવું જ લાગે છે. જોકે, હવે બંધ હવેલીની એવી કોઈ દરકાર થતી ન હોવાથી થોડાં વર્ષો પહેલાં તેનો જે મિજાજ અને રુતબો હતાં તે ધીમેધીમે આછાં થવાં માંડ્યાં છે. કાષ્ટ પર ઘણાં મંદિરોની આકૃતિઓ પણ કોતરાયેલી છે. સામાન્ય રીતે ચરોતરનાં ભાતીગળ કહેવાય તે પ્રકારનાં ઘરમાં હોય તેવાં પરસાળ, ઓસરી,વરંડો, ઓરડો સહિતનાં રૂમ હવેલીમાં જોવા મળે છે. આગળ ઉલ્લેખ કર્યો તે ચોક આ હવેલીનું સૌથી આકર્ષક નજરાણું છે. તમે કલ્પી શકો કે એક વખતે અહીં રાજદરબાર ભરાતો હશે અને અહીંથી જ વસો નગરીનો વહીવટ ચાલતો હશે! કેટલાક ઉલ્લેખો પ્રમાણે હવેલીમાં જે કાષ્ટ વપરાયું છે તે દમણ, મલબાર કે બર્માથી લાવવામાં આવેલું છે. અડાલજની વાવ, મોઢેરા સૂર્યમંદિર અને અમદાવાદમાં સલ્તનત કાળના સ્મારકો પર જે પ્રકારની નકશી કરવામાં આવેલી છે તેવી નકશી આ હવેલીના પથ્થરો પર છે. એક નોંધ પ્રમાણે બાદશાહ ઔરંગઝેબના વખતમાં દરબાર ગોપાળદાસના પૂર્વજોને ગુજરાતના સુબાઓએ કોઈ પજવણી કરી હતી. તેની ફરિયાદ બાદશાહને થતાં તાબડતોબ તેમ ન કરવા અને ભવિષ્યમાં તેમ ન થાય તે માટેના ઉપાયો યોજવા માટે બાદશાહે હુકમ કર્યો હતો. આ હુકમ આજે પણ વસોના દરબાર મહેલમાં પડેલો છે. 

વસોની આ હવેલી થોડા વર્ષો પહેલાં લોકો જોઈ શકે તે માટે ખુલ્લી રખાતી હતી પણ હવે તેની પર વસો ગ્રામ પંચાયતે મોટી નોટિસ મારીને બહારના લોકોનો પ્રવેશ નિષેધ કરી દીધો છે. નોટિસમાં લખ્યું છેઃ

વસો ગ્રામ પંચાયત સર્વને 5/1, ઘરને, 55ના વાળી મિલકત કે જે દરબાર ગોપાળદાસની હવેલી તરીકે ઓળખાતી મિલ્કતના શાંત ખાલી અને પ્રત્યક્ષ કબજો દરબાર ગોપાળદાસ દેસાઈના વારસદારોનો છે. ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનો પ્રયત્ન તથા પ્રવેશ કરનાર સામે કાયદેસરની પોલીસ કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.

લિ.દરબાર ગોપાળદાસ દેસાઈના વારસો વતી, ઋતુરાજ, જિતેન્દ્ર દેસાઈ

 થોડાં વર્ષ પહેલાં આ હવેલીને કારણે વસો ગામમાં તંગદિલૂપર્ણ વાતાવરણ ફેલાઈ ગયું હતું અને પોલીસ પહેરો ગોઠવી દેવો પડ્યો હતો. રાજકોટના રાજવી પરિવારના માધાંતાસિંહ જાડેજાને આ હવેલી લીઝ પર આપવામાં આવી હતી. લીઝ દરમિયાન હવેલીમાંથી પૌરાણિક ચીજ-વસ્તુઓની ચોરી થઈ હોવાનો આરોપ મૂકાયો હતો. આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચમકી હતી અને વસો ગામમાં તનાવ ઊભો થયો હતો. પોલીસ ફરિયાદ પછી પણ આ પૌરાણિક વસ્તુઓ પાછી ન મળતાં વસોવાસીઓ ઉશ્કેરાયા હતા અને ધરણાં સહિતનાં આંદોલન કાર્યક્રમો શરૂ કર્યા હતા.

પોલીસમાં દાખલ થયેલી ફરિયાદ પ્રમાણે 2005માં આ હવેલી રાજકોટના રાજવી માંધાતાસિંહને લીઝ પર આપવામાં આવી હતી. 2015માં લીઝ કરાર પૂરો થતો હતો પણ કબજો સોંપાતો નહોતો. ગોપાલદાસના વારસદારોએ એવો આરોપ મુક્યો હતો કે સાત ટેમ્પા ભરીને હવેલીમાંથી પૌરાણિક ચીજ-વસ્તુઓ ચોરી જવાઈ હતી. આ ઘટના પછી હવેલી હવે બંધ પડી છે. તેની પર સરકારી નોટિસ મુકી દેવામાં આવી છે. જાળવણીના અભાવે જોકે, તેની હાલત પણ વિટ્ઠલભાઈની હવેલી જેવી થઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!