દાંડી કૂચ વખતે ગાંધીજીએ નડિયાદના સંતરામ મંદિરમાં મુકામ કર્યો હતો. એ વખતના મંદિરના મહંત જાનકીદાસ મહારાજ પ્રોટોકોલ તોડીને તેમને લેવા માટે મંદિરની બહાર આવ્યા હતા

દાંડી કૂચ વખતે ગાંધીજીએ નડિયાદના સંતરામ મંદિરમાં મુકામ કર્યો હતો. એ વખતના મંદિરના મહંત જાનકીદાસ મહારાજ પ્રોટોકોલ તોડીને તેમને લેવા માટે મંદિરની બહાર આવ્યા હતા

ગાંધીજીને લેવા માટે માતર ગામના યુવાનો વાસણા ગામ સુધી ગયા હતા. ગાંધીજીએ માતરમાં જાહેર સભામાં કહ્યુ હતું કે,‘માતર ગામના છોકરાઓ મારી આગળ આગળ દોડ્યાને ધૂળની ડમરીઓ ઉડાડી અને જેથી મારો અવાજ બેસી ગયો છે.’

 

સમર પી. શાહ

 

અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવ્યો તેના વિરોધમાં મહાત્મા ગાંધીએ 12મી માર્ચ 1930ના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. 25 દિવસ પછી સાબરમતી આશ્રમથી ઉપડેલી આ યાત્રા દાંડી પહોંચી હતી અને અંગ્રેજો સામે નાફરમાનીની લડાઈનો પ્રારંભ થયો હતો. આ યાત્રાનો મોટો હિસ્સો ચરોતરમાં પડેલો છે અને ગાંધીજી અને તેમના લડવૈયાઓની ઘણી યાદો પણ હજુ અહીં સચવાયેલી છે. અલબત્ત, ક્યાંક ક્યાંક આપણે ભારતીયો જેના માટે જાણીતા છીએ તે લાપરવાહી અને ઐતિહાસિક વારસા પ્રત્યેની ઉદાસીનતા ઘણી જગ્યાએ દેખાઈ આવે છે.

દાંડી કૂચ વખતે ગાંધીજીએ નડિયાદ, માતર, બોરિયાવી, બોરસદમાં સભાઓ કરેલી. દાંડી સત્યાગ્રહ વખતે નડિયાદમાં એક સભામાં ગાંધીજીએ કહેલું: “હું તો નડિયાદ ઘણીવાર આવું છું. અહીં મેં ઘણાં ભાષણો કર્યાં છે. પણ, આટલી બધી મેદની ક્યારેય જોઈ નથી. આપણે બધાં ગુલામીની એક સાંકળથી બંધાયેલાં છીએ. આપણને કચડવામાં આવી રહ્યાં છે. આપણે આ સાંકળો તોડી નાંખવાની છે. મને ખાતરી છે કે તમે લોકો અહીં મારા માટે આવ્યા નથી પણ, પૂર્ણ સ્વરાજની લડત માટે આવ્યાં છો. સરદાર વલ્લભભાઈની ખેડા જિલ્લા માટેની સેવા તો જાણીતી છે. તેમણે પૂરમાં અનેક લોકોનાં જીવ બચાવેલા. આજે એ સરદાર જેલમાં છે.”

“મેં પણ ખેડા જિલ્લામાં ઘણું કામ કર્યું છે. એટલા માટે તમારી પણ ફરજ બને છે. વલ્લભભાઈ પટેલનો જેલવાસ એ તમારો પણ જેલવાસ છે. ખેડામાં તેમની ધરપકડ એ તમારી ધરપકડ સમાન છે. વલ્લભભાઈની ધરપકડ કરીને સરકારે તેમનું તો સન્માન કર્યું છે પણ તમારું, ખેડા જિલ્લાની પ્રજાનું અપમાન કર્યું છે. આ અપમાન સામે તમારો શું જવાબ હોવો જોઈએ? તમારો જવાબ સંપૂર્ણ આઝાદીનો જ હોઈ શકે. તમે તેના માટે શું કરી શકો? એ માટે તમારે મારા માર્ગે ચાલવું પડશે. નડિયાદે તો ગોવર્ધનરામ અને મણિલાલ નભુભાઈ જેવા લેખકો પેદા કર્યા છે. આ એવું શહેર છે જેણે અક્ષરોની આરત કરી છે. હવે આ કેળવણીકારોના કોઈ વારસો અહીં રહ્યા છે?”

ગાંધીજી નડિયાદ આવી પહોંચ્યા ત્યારે સંતરામ મંદિરમાં મુકામ કર્યો હતો. એ વખતના મંદિરના મહંત જાનકીદાસ મહારાજ તેમને લેવા માટે મંદિરની બહાર આવ્યા હતા. એ વખતે પ્રથા એવી હતી કે મહંતથી મંદિરની બહાર જઈ શકાય નહીં. છતાં પણ પ્રોટોકોલનો ભંગ કરીને મહંત મહાત્માને લેવા માટે બહાર આવ્યા હતા.

દાંડીકૂચ સાબરમતીથી અસલાલી, બારેજા, નિગામ, માતર થઈ 15મી માર્ચે ડભાણ પહોંચી હતી. ડભાણમાં વિશાળ સભા થઈ હતી. ડભાણથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા નડિયાદમાં તો જાણે સંતરામ મંદિરનો મેળો ભરાયો હોય તેવું વાતાવરણ હતું. ઉનાળાના ચઢતા તાપમાં પણ લોકો આસપાસના ગામોમાંથી કિડિયારાની જેમ ઉમટ્યા હતા.

ગાંધીજીને ડભાણ ભાગોળથી સંતરામ મંદિર પહોંચતાં ત્રણ કલાક લાગ્યા હતા. ગાંધીજીને સંતરામ મંદિરના મહંતે સુતરની આંટી પહેરાવીને મંદિરમાં આવકાર્યા હતા. આ મંદિરમાં સાયંકાળે 50 હજાર માણસો એકઠા થઈ ગયા. ગાંધીજીએ પાંચસો માણસોની સાથે પ્રાર્થના બોલાવી હતી. ગાંધીજીએ બધાંને સંભળાય તે રીતે અગાસીમાં ખુરશી મુકાવીને અગાઉ દર્શાવ્યું છે તે ભાષણ કર્યું હતું.

ગાંધીજીએ નડિયાદના ઉદ્યોગો અને મહેનતકશ પ્રજાની પ્રશંસા કરી હતી અને તમામ લોકોને લડતમાં જોડાઈ જવા માટે આહવાન કર્યું હતું. પરોઢિયે ચાર વાગ્યે જાગીને ગાંધીજીએ ટપાલ લખવાનું શરૂ કર્યું હતું. એ પછી સવારે છ વાગ્યે પ્રાર્થના પૂરી કરીને પોતાની ટુકડી સાથે બોરિયાવી તરફ પ્રયાણ કર્યું હતું.

નડિયાદ પછી બોરસદમાં દાંડીકૂચનો છઠ્ઠો મુકામ રાખવામાં આવ્યો હતો. 18મી માર્ચે સવારે આણંદથી નીકળીને દાંડીકૂચ નાપા ખાતે વિસામો લઈને સાંજે બોરસદ ખાતે પહોંચી હતી. બોરસદની ઝવેરબેન ડાહ્યાભાઈ પટેલ કન્યા વિદ્યાલય ખાતે કૂચ આવી પહોંચી હતી. એ સાંજે ગાંધીજીએ સભાને સંબોધી હતી. જે ઝરૂખામાંથી તેમણે વિશાળ જનમેદનીને સંબોધી હતી તે આજે યથાવત રખાયો છે. સ્કૂલના ટ્રસ્ટ દ્વારા જ તેની જ સારસંભાળ લેવાય છે.

સ્કૂલના પ્રવેશદ્વારે જ ગાંધીજીનું હસતા મુખડાવાળું બાવલું છે અને જાણે રોજ સવારે નાના ભૂલકાંઓને આવકારે છે અને આઝાદીની લડત યાદ રાખવા માટે ઈશારો કરે છે. મહાત્માએ જ્યાંથી લોકોને સંબોધન કરેલું તે સ્કૂલની બાલ્કનીને આજે પણ જેમ તે વખતે હતી તેમ અત્યારે પણ રખાઈ છે. કોઈવાર બહુ વરસાદ પડેતો બાલ્કનીમાં ભેજ આવવાથી પોપડા ઉખતા રહે છે. આ સ્થળને હેરિટેજ સાઈટ જાહેર કરાયેલું છે.

દાંડી યાત્રા માતર પહોંચી ત્યારે ગાંધીજીને લેવા માટે માતર ગામના યુવાનો વાસણા ગામ સુધી ગયા હતા. ગાંધીજીએ માતરમાં જાહેર સભામાં કહ્યુ હતું કે,‘માતર ગામના છોકરાઓ મારી આગળ આગળ દોડ્યાને ધૂળની ડમરીઓ ઉડાડી અને જેથી મારો અવાજ બેસી ગયો છે.’

માતરમાં ગાંધીજીએ છબીલદાસ ટ્રસ્ટ ધર્મશાળામાં રાત્રિ રોકાણ કર્યું હતું તે ઓરડી અત્યારે બંધ હાલતમાં છે. તેને તોડીને નવું બાંધકામ થઈ ગયું છે. માતરના ધર્મશાળા વિસ્તારમાં ગાંધીજીની પ્રતિમા છે. આ સ્ટેચ્યુની હાલત દાંડી માર્ચે સિવાય વર્ષના તમામ દિવસોમાં દયનીય રહે છે.

નડિયાદથી 16મી માર્ચે સવારે શરૂ થયેલી દાંડીકૂચે બોરીઆવીની ધર્મશાળામાં વિસામો લીધો હતો. સાંજે કૂચ આણંદ પહોંચી હતી. તે દિવસે ગાંધીજીનો રાતનો પડાવ ચરોતર એજ્યુકેશન સોસાયટીના મેદાનમાં હતો. જે ઝાડની નીચે ગાંધીજીએ જાહેરસભાને સંબોધી હતી તે ચરોતર એજ્યુકેશન સોસાયટીના મેદાનને ગાંધીચોક નામ અપાયું છે. જે મકાનમાં તેમણે રાત્રિરોકાણ કર્યું હતું તે વિઠ્ઠલકાકા ભવનને મહાત્મા કુટિર તરીકે ઓળખવામાં આવે છે.

19મી માર્ચે સવારે રાસ ગામે દાંડીકૂચ આવી પહોંચી હતી જ્યાં ગાંધીજીએ ગામના પાદરે સભા સંબોધીને કંકાપુરા તરફ રવાના થયા હતા. કંકાપુરામાં ગાંધીજીએ રાત્રિ રોકાણ કર્યું હતું અને સાંજના સમયે સભાને સંબોધી હતી. કંકાપુરામાં જે ચોતરા પર ગાંધીજીએ સભા સંબોધી હતી તે આજે પણ કંકાપુરા ગામમાં મોજૂદ છે.
અમદાવાદથી લઈને કંકાપુરા સુધી ગાંધીજીએ માત્ર રસ્તાઓમાં ચાલ્યાં હતાં પરંતુ કંકાપુરાથી કારેલી તરફ જવા માટે નાવડીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગાંધીજીની ઐતિહાસિક દાંડી કૂચ જ્યાંથી પણ પસાર થઈ હતી તેમાંથી ચરોતરના ઘણાં રસ્તાઓ પર અત્યારે દબાણ થઈ ગયાં છે. સરકાર પાટિયું મારીને લોકોને કહેવાનું ભૂલી જાય છે કે તેમણે અહીં દબાણ ન કરવું. નડિયાદમાં દાંડી યાત્રાના રૂટમાં આડેધડ રિક્ષાઓ ગોઠવાયેલી જોવા મળે છે.

અમદાવાદમાં હેરિટેજ રસ્તો જાહેર કરાયો એટલે અને આ ઐતિહાસિક માર્ગ જૂના અમદાવાદમાં ગોઠવાઈ ગયો તેથી તે ગર્વ લેવા જેટલો હેમખેમ છે. બાકી, આણંદમાં બોરસદ ચોકડીએ પાલિકા વારંવાર દબાણો હટાવે છે પણ દાંડી માર્ગ પરથી ક્યારેય કાયમ માટે તેને દૂર કરી શકતી નથી. બોરસદ ચોકડી પરનો દાંડી માર્ગ શોધ્યો જડતો નથી.

‘મહાત્મા ગાંધી, જહાં હો વહાં’, દુનિયાના કોઈપણ ખૂણેથી લખેલો કાગળ ગાંધીજીને મળી જતો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!