વસોના રાજવી દરબાર ગોપાળદાસ અને ભકિતબાના પુત્રનું નામ પ્રિન્સ યોગેન્દ્ર હતું. ચરોતરના એક માત્ર નૃત્યનિપુણ તરીકે તેઓ જાણીતા છે. નૃત્યની સાધના સાથે તેમણે કયું નવું નામ ધારણ કર્યું હતું તે જાણો છો?

વસોના રાજવી દરબાર ગોપાળદાસ અને ભકિતબાના પુત્રનું નામ પ્રિન્સ યોગેન્દ્ર હતું. ચરોતરના એક માત્ર નૃત્યનિપુણ તરીકે તેઓ જાણીતા છે. નૃત્યની સાધના સાથે તેમણે કયું નવું નામ ધારણ કર્યું હતું તે જાણો છો?

અમેરિકામાં આજે મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતાં ભણતાં કામ કરે છે. એવું આજથી 80 વર્ષ પહેલાં રાજવી પુત્ર યોગેન્દ્રભાઈ કરતા. પરિવારના ગાંધીવાદી આચારવિચાર અને વાતાવરણે એમને આ હિંમત આપી હતી

 

પ્રા. ચંદ્રકાંત પટેલ

 

નાટ્ય કંપનીઓની બોલબાલા હતી. સિનેમાની ઝાઝી ખ્યાતિ નહોતી તેવા જમાનામાં ગામડાંમાં રામલીલા, કૃષ્ણલીલા અને ભવાઈ જોવા લોકો ટોળે વળે. એમાં ફી દેવાની નહીં. મન પડે તે આપવાનું. મુંબઈમાં ઉદયશંકરના નૃત્યનો એક કાર્યક્રમ. જોનારા ખુશ. તાળીઓનો ગડગડાટ અટકે જ નહીં. આ વખતે નાનકડો રાજકુમાર યોગેન્દ્ર આ કાર્યક્રમ એકીટશે જુએ. વિચારે, શી અંગભંગી છે? કેવી ઝડપ છે? લોકો કેટલું માન આપે છે? બાળકની લગન પણ જબરી. વણઝારાની જેમ એને પણ ભણવા માટે ફરતા રહેવું પડ્યું હતું. બારડોલી, સુણાવ, બોરસદ, આણંદ, ઝાડેશ્વર, દક્ષિણામૂર્તિ ભાવનગર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, શાંતિનિકેતન અને છેલ્લે કેરળમાં ભણ્યા પણ નૃત્યની લગન ચાલુ રહી.

1921ના જુલાઈ મહિનામાં લીમડીના દીવાન ઝવેરભાઈ અમીનને ત્યાં મોસાળમાં જન્મ. પિતા હતા ઢસા, રાય અને સાંકળીના રાજવી. વસોના દરબાર ગોપાળદાસ દેસાઈ અને મા હતાં ભકિત બા. બાળ યોગેન્દ્રના જન્મ વખતે દરબાર સાહેબનું રાજ્ય અંગ્રેજોએ ખાલસા કરેલું છતાં લોકહ્રદયના રાજવી તરીકે દરબાર સાહેબનું સ્થાન અચળ હતું. ગાંધી રંગે રંગાયેલા આ રાજવી દંપતી ગાંધી પ્રેરિત લડતોમાં સાથ આપતા. ફકીર રાજવી હતા.

યોગેન્દ્રભાઈ નૃત્યક્ષેત્રે યોગસુંદર તરીકે જાણતા થયા. ભારતમાં નૃત્ય ક્ષેત્રે એમણે ક્રાંતિ આણી. 1948માં એમણે કલકત્તામાં સરકારી ગ્રાન્ટ કે મદદ વિના, સ્વનિર્ભર એવી નૃત્ય નિર્ભર સંસ્થા સ્થાપી. તેનું નામ રાખ્યું- ઈન્ડિયન રિવાઈવલ ગ્રૂપ. 1970માં એ સંસ્થા દિલ્હીમાં ખસેડી. આ સંસ્થા કાર્યક્મો વેચે છે. તેમાં 17 પગારદાર લોકો છે. પિતાની સલાહ હતી કે કલાનો ઉપયોગ તે વેચીને ધનિક થવા ન કરવો. તેમને જે મળ્યું તે કલાકારોમાં વહેંચીને જીવ્યા.
યોગેન્દ્રભાઈનું જીવન પણ રસપ્રદ છે. 1928માં સરદાર પટેલે બારડોલીનો સત્યાગ્રહ કર્યો ત્યારે દરબાર સાહેબ અને ભક્તિ બા એમને સાથ આપવા બારડોલી રહ્યાં હતાં. અહીં યોગેન્દ્રભાઈએ પ્રથમ એકડો ઘુંટ્યો હતો. બારડોલી વિજય પછી દાંડીકૂચની તૈયારી માટ દરબાર સાહેબ બોરસદ રહ્યા તો અહીં એક વર્ષ ભણ્યા. આ પછી સુણાવમાં રવિશંકર મહારાજ અને દેસાઈભાઈએ રાષ્ટ્રીય વિનયન મંદિર સ્થાપ્યું. યોગેન્દ્રભાઈ અહીં રાષ્ટ્રગીતો, સાદાઈ અને સ્વાવલંબનના પાઠ શીખ્યા. ક્રાન્તિકારી દરબાર સાહેબે દીકરો પુસ્તકિયો કીડો ના બને અને નવા વિચારોનો અભિગમ વિકસે તે માટે ગુજરાતના આદ્ય ક્રાન્તિકારી નરસિંહકાકા પાસે રહીને ઘેર બેઠાં ભણે તે માટે મોકલ્યો. નરસિંહકાકાને ત્યાંથી વળી ભાવનગર દક્ષિણામૂર્તમાં ભણવા મૂક્યા. અહીં હરભાઈ ત્રિવેદી આચાર્ય, નાનાભાઈ ભટ્ટ મુખ્ય ગૃહપતિ, મનુભાઈ પંચોળી દર્શક, મૂળશંકર ભટ્ટ, વજુભાઈ શાહ, ભૂગોળવિદ ભાસ્કરરાવ વિદ્વાંસ જેવા શિક્ષકો.

વેકેશનમાં મામા હરિભાઈને ત્યાં મુંબઈ રહે. ભારતની વડી ધારાસભાના પ્રમુખ વિઠ્ઠલભાઈ મામાના મિત્ર. મામાને ત્યાં રહેવા આવે. ભાતભાતના લોકો અને નેતાઓ અહીં આવતા. 1938માં હરિપુરામાં કોંગ્રેસનું 51મું અધિવેશન થયું. દરબાર સાહેબ અને ભક્તિબાએ અહીં દેશભરમાંથી આવતા આગેવાનો અને સભ્યો માટે આતિથ્યની જવાબદારી સંભાળી. હજી મૂછનો દોરો ફૂટતો હતો એવા યોગેન્દ્રભાઈ સ્વયંસેવક બનીને થાક્યા વિના ચીંધ્યું કામ કરવા દોડધામ કરતા.

બાળવાર્તાઓના લેખક અને મૂછાળી મા તરીકે જાણીતા ગિજુભાઈ બધેકા દક્ષિણામૂર્તિમાં હતા. આમાં કોઈ શિક્ષકે શિકારી નૃત્ય કર્યું. યોગેન્દ્રભાઈએ આ જોયું. 16 વર્ષના યોગેન્દ્રભાઈ એમાં તન્મય થયા. રસ પડ્યો અને વગર શીખ્યે એમણે દક્ષિણામૂર્તિના કાર્યક્રમમાં શિકારી નૃત્ય કર્યું. આ પહેલાં વેકેશનમાં અમદાવાદ આવીને ભીમભાઈ દેસાઈ પાસે મણિપુરી નૃત્ય શીખ્યા. દક્ષિણામૂર્તિમાંથી તેઓ અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ આવ્યા. વિનયમ મંદિરમાં જોડાયા. મેટ્રિકને બદલે અહીં વિનિતની પરીક્ષા પાસ કરી પણ, વિનીતને બીજો કોઈ કોલેજમાં પ્રવેશ મળતો નહીં.

ગુજરાત વિદ્યાપીઠનું મહાવિદ્યાલય બંધ થઈ ગયું. 1940માં રવિન્દ્રનાથ ટાગોર સ્થાપિત શાંતિ નિકેતનની વિશ્વ ભારતીમાં જોડાયા. શાંતિ નિકેતનમાં બે વર્ષ ભણ્યા પછી નંદલાલ બોઝ પાસે પેન્ટિંગ શીખ્યા. પેન્ટિંગનો રસનો પાયો જ્યારે દક્ષિણામૂર્તિમાં ભણતા હતા ત્યારે કપડવંજના સોમાલાલ શાહે નાખ્યો. શાંતિ નિકેતનમાંથી કથકલી નૃત્ય શીખવા તેઓ કેરાલામાં કોચિન નજીક શોરનુરનગર ગયા હતા. સત્યજીત રે જે લલિકકલા એકેડેમીનના ચેરમેન હતા તે યોગેન્દ્રભાઈના સહાધ્યાયી હતા. શોરનુર નગર પાસે આવેલ શોરથુરુથિમાં કલામંડપ નામની સંસ્થામાં કથકલી અને મોહિની આટ્ટમ એમ બે પ્રકારનાં નૃત્ય તે શીખ્યા.

અમેરિકામાં આજે મોટાભાગના વિદ્યાર્થીઓ ભણતાં ભણતાં કામ કરે છે. એવું આજથી 80 વર્ષ પહેલાં રાજવી પુત્ર યોગેન્દ્રભાઈ કરતા. પરિવારના ગાંધીવાદી આચારવિચાર અને વાતાવરણે એમને આ હિંમત આપી હતી. કલા પ્રત્યેનો લગાવ એવો ભારે હતો કે પોતે એકલું નૃત્ય જ નહીં, પણ પેઈન્ટિંગમાંય પારવધા બન્યા.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. આઝાદી નજીક આવતી હતી ત્યારે યોગેન્દ્રભાઈએ રૂપિયા 500 ઉછીના લઈને કલકત્તાના ભવાનીપુર વિસ્તારમાં નૃત્યનું આયોજન કર્યું. આ વખતે બે વાત નવી હતી. જીવનમાં પ્રથમવાર જ તેઓએ એમની કલાનો વ્યવસાયી રીતે જાહેર કાર્યક્રમ યોજ્યો હતો. ગઈકાલ સુધી યોગેન્દ્રભાઈ તરીકે ઓળખાતા તેમણે પોતાની પોતાની નવી ઓળખ ઊભી કરી. નવું નામાભિધાન યોગસુંદર કર્યું. આ માટે છાપામાં જાહેરાત આપીને જૂથ ભેગું કર્યું. તેનું નામ આપ્યું- ઈન્ડિયન પ્રોગ્રેસિવ બેલ ગ્રૂપ. આ જ દિવસોમાં દરબાર સાહેબને પોતાનું રાજ્ય પાછું મળવાનો કાર્યક્રમ યોજાવાનો હતો. યોગસુંદર પોતાના જ કાર્યક્રમમમાં વ્યસ્ત હોવાથી ના જઈ શક્યા. યોગસુંદરે 1948માં કલકત્તામાં રિવાઈવલ ગ્રૂપની સ્થાપના કરી. નવા નવા કલાકારોની ભરતી કરતા. આ ફકીર રાજકુમાર શોષણના વિરોધી હોવાથી રકમ સરખા ભાગે બધાંને વહેંચતા. જોકે, કલાકારો જવાબદારી સરખી ના ઉપાડતા એટલે ના છૂટકે પગારની રીત અપનાવી.

યોગસુંદર નૃત્ય પણ શીખવતા. આ દરમિયાન એક ડોકટર પિતાની ગીતશ્રી નામની બંગકન્યા મૃત્ય શીખતાં શીખતાં યોગસુંદરને દિલ દઈ બેઠી. યોગસુંદર પણ ગીતશ્રીમય બની બેઠા. 44 વર્ષના યોગસુંદર 1965માં ગીતશ્રીને પરણ્યા. દિલ્હીમાં વધારે કામ મળે તેમ માનીને 1970માં તેઓ ત્રણેક વર્ષની દીકરી પપીહા સાથે દિલ્હી આવ્યાં. પપીહા નાની વયથી જ નૃત્યમાં રસ લેતી હતી. 125મી ટાગોર જયંતી નિમિત્તે ઈંગ્લેન્ડની ટાગોર સોસાયટી શ્યામા બેલે માટે તેને ખાસ આમંત્રણથી બોલાવવામાં આવી. પપીહા એક મહિના સુધી લંડનમાં રહી.

સરકાર આયોજિત મનોરંજન કાર્યક્રમમાં સારા પૈસા મળવાની તક હોય પણ એ મેળવવા માટે લાંચ કે ભેટસોગાદ માટે તૈયાર ન હોવાથી વંચિત રહેતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશનના ઉપક્રમે તેમને વિદેશમાં બગદાદ, ઈસ્તંબુલ, દુબઈ, નૈરોબી, દારેસલામ, કુવૈત, અબુધાબી, મસ્તક, કાબુલ, તહેરાન, કેરો, દમાસ્કસ, બૈરૂત, ફ્રાન્સ અને જર્મનીમાં કાર્યક્રમની તક મળી હતી.

ચોરતર કે ગુજરાતમાં કોઈનેય યોગસુંદર જેવી નૃત્યકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ નથી. પાટીદાર વળી નૃત્યમાં શું જાણે? બહુબહુ તો પટલાઈના પેચ લડાવીને રાજકારણમાં જાય અને ફાવે પણ નૃત્ય કે કલામાં એને શો રસ? આવી સામાન્ય છાપ યોગસુંદરે ભૂંસી નાખી. અર્થકારણ, રાજકારણ, સમાજસેવા વગેરે ક્ષેત્રોમાં પાટીદારોને ફાવટ છે તો કલાજગતને પણ પાટીદારોએ અબોટ રાખ્યું નથી એ યોગસુંદરે સિદ્ધ કરી બતાવ્યું. તાજેતરના જીવનના શતાબ્દિ વર્ષમા પ્રવેશીને થોડા માસ વિત્યા પછી યોગસુંદર કાયમી નિદ્રામાં પોઢી ગયા છે. કદાચ, ઈન્દ્રરાજાને ત્યાં પણ સ્ત્રી નૃત્યાંગનાઓ જ હોવાથી કોઈ પુરુષ નર્તકની ખામી રહેતી હશે!

(ચરોતરના પ્રજાજીવન અને ઈતિહાસના અભ્યાસુ લેખક હાલમાં અમેરિકા નિવાસી છે.)

એક એવો યાયાવર ગુજરાતી જે પોર્ટુગલમાં રહીને ફિનલેન્ડથી નોકિયા ફોન ખરીદતો અને ચીનાઓને વેચતો હતો

 

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!