‘અલ્યા, સુધરી જાવ, વારેવારે જેલમાં જવું સારું નહીં. આ તમારું કામ પણ નહીં.’ બસ, આ શબ્દથી સુધીરનો પિત્તો ઉછળ્યો અને તેણે…

‘અલ્યા, સુધરી જાવ, વારેવારે જેલમાં જવું સારું નહીં. આ તમારું કામ પણ નહીં.’ બસ, આ શબ્દથી સુધીરનો પિત્તો ઉછળ્યો અને તેણે…

પોલીસ પર ચાકુ લઈને ધસી ગયેલા ઈમુ અને તેના દોસ્ત સુધીરને ત્યાં હાજર પોલીસે તરત પકડી લીધા. આ બંને પર કેસ ચાલ્યો અને સાત વર્ષની જેલની સજા થઈ. તેમને 15 દિવસ સુધી આણંદમાં રાખીને નડિયાદ સબ જેલમાં ટ્રાન્સફર કરાયા

 

અશોક પરમાર

 

જગદીશ અને ટિરિયો તડીપાર થયા બાદ રામુ ભૈયા મેરઠમાંથી મદન અને શંકર નામના પોતાના બે માણસો લાવેલો. આ બંને રામુના ડાબા-જમણા હાથ સમાન હતા. રામુ તેમની પર મુસ્તાક હતો. રામુ ભૈયાની હત્યા બાદ આણંદમાં આવીને ગજુ કાઢી રહેલા કાશ્મીરીઓ તાનમાં હતા. પરીખ ભુવન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાબુ ખાટકીનો અડ્ડો ચાલતો હોય તેની સામે આ બંનેનો અડ્ડો મેલડી માતાવાળી ઝૂંપડપટ્ટીમાં ચાલે તે એમને પસંદ નહોતું એટલે આખું કાશ્મીરી ટોળું ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ત્રાટક્યું અને મદન-શંકર પર હલ્લો બોલાવ્યો. ખુન્નસવાળું ટોળું જોઈ મદન અને શંકર પરિસ્થિતિ પામી ગયા અને ત્યાંથી જીવ લઈને ભાગ્યા.

મદન અને શંકર મેલડી માતા વિસ્તાર છોડી ભાગ્યા એ જ અરસામાં રમણ ભગત રોજની એક-બે બોટલ લાવીને દારૂ વેચવાનું કામ કરતો હતો. આણંદના બસ સ્ટેન્ડ સામેના ધગટ ફળિયામાં રહેતા રમણ ભગતના પિતા પછીથી લાલપુરામાં જમીન હોઈ ત્યાં કુટુંબ સાથે રહેલા ચાલ્યા ગયા હતા એટલે રમણ ભગત રોજ અપડાઉન કરે અને અહીં આવીને દારૂ વેચે.

આ અરસામાં ભાલેજ રેલવે ફાટક પાસે એક ઝૂંપડપટ્ટી હતી. અહીં ગેમલ સિંધીનો અડ્ડો ચાલતો હતો. આ અડ્ડો 500 રૂપિયા આપીને ભગતે ખરીદી લીધેલો. ધીરેધીરે આવક થતાં રમણ ભગત અને શાભાઈ નામના એક વ્યક્તિએ ભેગા મળીને અમીના મંઝિલથી આગલ આવેલ પોલસન ચાલ પાસેનું મંછા ભવન ભાગીદારીમાં ચિખોદરાના એક વ્યક્તિ પાસેથી લીધું હતું.

આ બે અડ્ડા ખરીદ્યા બાદ મેલડી માતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભગતે પગપેસારો કર્યો અને ત્યાં તેના પગ પણ જામી ગયા. ગામડામાંથી મોટા પ્રમાણમાં ભગત માલ લાવતા અને ત્યાંથી શહેરભરમાં વિતરણ થતું. એક જબરદસ્ત ચેનલ રમણ ભગતે વિકસાવી હતી જેના પ્રતાપે દારૂના ધંધામાં તેમની મોનોપોલી ઉભી થઈ ગઈ જે તેના મૃત્યુ સુધી ચાલી.

આ જ અરસામાં ઈમુનો ઉદય થયો. ઈમુની હિંમત પાછળ તેના મિત્ર સુધીરનો સિંહફાળો હતો. સુધીર જાંબાઝ અને ચપળ હતો. કોઈપણ કામ એ ઘડીના છઠ્ઠા ભાગમાં કરી નાંખતો. તેની હિંમત પણ લાજવાબ હતી. તેની તાકાત પર જ ઈમુ આગળ વધી રહ્યો હતો. 1969-1970ના એ અરસામાં આણંદમાં ત્યારે પીએસઆઈ પરમાર કરીને એક પોલીસ કર્મચારી હતા. ઈમુ, સુધીર, પ્રવિણ, લુસિયો અને બીજા લોકો ઘણીવાર દારૂ પીને તોફાન કરતા ત્યારે પીએસઆઈ પરમાર આખી ગેંગને પકડીને એકાદ બે દિવસ સુધી હવાલાતમાં ફિટ કરી રાખતા.

પીએસઆઈ પરમારે એક દિવસ સુધીરને ચક્રવર્તી ફળિયા પાસે કહ્યું હતું, ‘અલ્યા, સુધરી જાવ, વારેવારે જેલમાં જવું સારું નહીં. આ તમારું કામ પણ નહીં.’ બસ, આ શબ્દથી સુધીરનો પિત્તો ઉછળ્યો અને તેણે સાફસાફ જણાવી દીધું, ‘તમે તમારું કામ કરો. બહુ બોલશો તો ચાકાવારી થશે.’ પીએસઆઈ પરમારે પણ
સામે સંભળાવી દીધું, ‘જોઉં છું, તારામાં કેટલી તાકાત છે. તાકાત હોય તો આવજે ચાકુ મારવા.’ આ ચેલેન્જ સુધીરે ઉઠાવી લીધી. તેણે ઈમુને વાત કરી. પોલીસના વારેઘડીએ પડતા મારથી એ પણ ત્રાસી ગયો હતો. એકદમ પાતળા બાંધાનો અને છ ફૂટ ઊંચો ઈમુ પોલીસનો જબરદસ્ત માર ખાઈ શકતો નહોતો એટલે તેને પોલીસ પ્રત્યે ભયંકર નફરત હતી.

આ નફરતને સુધીરે આગમાં પલટાવી. તેણે ઈમુને દારૂ પીવડાવ્યો અને બંને જણ પહોંચ્યા પોલીસ સ્ટેશને. પીએસઆઈ પરમાર ખુરશીમાં બેઠા હતા. સુધીરે તેમને હાક મારી, ‘અમે આવ્યા છીએ.’ તેને જોઈને પીએસઆઈ પરમાર બોલ્યા, ‘આવો જોઈએ તમારી તાકાત.’ પરમાર હજુ તેનું બોલવાનું પૂરું કરે ત્યાં તો પૂરા ઝનૂન સાથે ઈમુ ચાકુ લઈ ઓફિસની બારી કૂદીને અંદર પ્રવેશ્યો અને ખચાક કરતું ચાકુ પરમાને ઝીંકી દીધું.

જોકે, પરમાર ત્યાંથી ખસી ગયા એટલે ખુરશીના હાથા પર ચાકુ અથડાઈ તેમના પેટના ભાગે ઘસરકો કરી ગયું. આ બનાવ બાદ આખા પોલીસ સ્ટેશનમાં હાહાકાર મચી ગયો. આણંદ શહેરમાં પણ આ સમાચાર ફરી વળ્યા. બધે ઈમુ ઈમુ થઈ ગયું. તે વખતે હિન્દી ફિલ્મોમાં આવતા હીરોની જેમ ઈમુની ઈમેજ આ ઘટના પછી લોકમાનસમાં બંધાઈ ગઈ. બુટલેગરોમાં સોપો પડી ગયો અને આંધીની જેમ ઈમુ આણંદની અંધારી આલમમાં છવાઈ ગયો. આખા ખેડા જિલ્લામાં તેનું નામ પંકાવા માંડ્યું.

પોલીસ પર ચાકુ લઈને ધસી ગયેલા ઈમુ અને તેના દોસ્ત સુધીરને ત્યાં હાજર પોલીસે તરત પકડી લીધા. આ બંને પર કેસ ચાલ્યો અને સાત વર્ષની જેલની સજા થઈ. તેમને 15 દિવસ સુધી આણંદમાં રાખીને નડિયાદ સબ જેલમાં ટ્રાન્સફર કરાયા. ત્યાં બે વર્ષ તેઓ રહ્યા. દરમિયાન પોતાની હેરાનગતિ થઈ રહી હોવાનો આરોપ મૂકીને બંનેએ સાબરમતી જેલમાં અમને મોકલી આપો તેવી અરજી જેલ ઓથોરિટીને કરી. જેને માન્ય રાખવામાં આવી અને તેમને અમદાવાદની નામચીન સાબરમતી જેલમાં ધકેલાયા.

આ ગાળામાં ભારતની આઝાદીનાં 25 વર્ષ પૂરાં થતાં હોવાથી સરકાર કેદીઓને છોડી મૂકવાનું આયોજન કરી રહી હતી. પીએસઆઈ પરમાર અમદાવાદ ગયા અને આ બંને કેદીઓને છોડી મૂકવામાં આવે તેવી ભલામણ કરી. 1972માં આઝાદીનાં 25 વર્ષની ઉજવણીમાં આ બંનેને પણ જેલમાંથી આઝાદ કરવામાં આવ્યા.

જેલમાં કરેલા કામના બદલામાં ઈમુને એ વખતે રૂપિયા 700 મળ્યા હતા. ઈમુના માતા ત્યારે લીમડાવાળા દવાખાનામાં નર્સ હતાં અને પિતા મિશનરીઓનાં રસોઈયા તરીકે નોકરી કરતા હતા. તેના માતાપિતા બંને અત્યંત ભક્તિભાવ વાળાં ખ્રિસ્તી હતાં. મિશનરીઓએ તેમના દીકરાને સુધરી જવા માટે સૂચન કર્યું અને જૂના બસ સ્ટેન્ડની સામે પાન બીડીનો ગલ્લો નાંખવા માટે જગ્યા આપી. મિશનરીઓએ ઈમુને બોલાવી બધા ખરાબ ધંધા છોડીને સારો માણસ બનવાની સલાહ આપી. પાદરીઓની સલાહ માનીને ઈમુએ સ્વીટી પાન સેન્ટર શરૂ કર્યું હતું. ઉનાળાની સીઝનમાં શેરડીના રસનું કોલું પણ નાખ્યું હતું. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ત્યારે ક્યાંય શેરડીનો રસ મળતો નહોતો એટલે આખી સીઝન તેનો ધંધો ધમધોકાર ચાલ્યો હતો.

જોકે, સીઝન પછી સ્થિતિ પાછી એવીને એવી જ થઈ ગઈ. કશી કમાણી ના થઈ એટલે ઈમુ અકળાયો હતો. પૈસા તેને જીવવા માટે જ નહીં વટ પાડવા માટે પણ મહત્વના લાગતા હતા. સ્થિતિ એવી હતીકે તેનું નામ ઈમુદાદા તરીકે લેવાતું હતુ. આ વટ સાચવવો પણ જરૂરી હતો. આ દરમિયાન રમણ ભગત આણંદની બુટલેગર આલમમાં મોટું નામ થઈ ગયું હતું.

ઈમુ ભગતને મળ્યો અને કંઈક લાઈન બતાવવા કહ્યું. ભગતે થોડો દારૂ ઉધારમાં આપ્યો. આ દારૂ લઈ ઈમુએ લીમડાવાળા દવાખાનાના ખાંચામાં પ્રવેશતાં આવતા લાલ બંગલા નજીક વેચવાનું શરૂ કર્યું. સારી ઘરાકી મળતાં તેણે ધંધો વિસ્તાર્યો અને સ્વીટી પાન સેન્ટરનો પાછળનો ભાગ વિસ્તારીને આગળ પાનમસાલા અને પાછળ દારૂનો વેપલો શરૂ કર્યો. સુધીર, પ્રવીણ, લુસિયો, અનિલ, મયુર તેની સાથે રહ્યા અને એ રીતે ઈમુની ગેંગ બુટલેગિંગમાં પણ આગળ ધપવા માંડી.

તકલીફ એ હતીકે રમણ ભગત માલ આપતો પણ તેની સામે ઈમુ પૈસા નહોતો આપતો. દારૂની સાથે તેણે જુગારના ધંધામાં પણ પગપેસારો કર્યો અને રામુભૈયાના ટપોરીઓ જગદીશ અને ટિરિયાને રોક્યા. આ બંનેને ભાલેજ રેલવે ફાટક પાસે ભગતના અડ્ડા નજીક તીનપત્તી લઈ બેસાડી દીધા. આ સાથે જ લક્ષ્મી અને ગોપાલ ટોકિઝમાં ટિકિટો બ્લેક કરવાનો ધંધો પણ ચાલતો રહ્યો. લક્ષ્મીના ધંધામાં તેને બે મુસ્લિમ પાર્ટનર મળી ગયા.

એ વખતે ઈમુ માટે લક્ષ્મી ટોકિઝમાં એક યુવક ફિલ્મોની ટિકિટ બ્લેક કરતો હતો. એનું નામ રતિલાલ હતું. રતિલાલ ચિખોદરાનો હતો અને માથાભારે યુવાનોમાં સામેલ હતો.

(આવતા અંકમાં વાંચોઃ સર્વોપરિ બનવાની મહત્વકાંક્ષાએ શાંતા માવસિંગનું રોમેરોમ ભડકાવી દીધું અને તે વિફરી…)

One thought on “‘અલ્યા, સુધરી જાવ, વારેવારે જેલમાં જવું સારું નહીં. આ તમારું કામ પણ નહીં.’ બસ, આ શબ્દથી સુધીરનો પિત્તો ઉછળ્યો અને તેણે…

Leave a Reply

Your email address will not be published.

EnglishGujaratiSpanish
error: Content is protected !!