કિચનમાં પાણી લેવા જાય તે પહેલાં જ જબ્બરસિંગે શાંતાના માથામાં ગોળીઓ ધરબી દીધી, ડ્રોઈંગ રૂમમાં લોહીના ફુવારા ઉડ્યાઃ ઈમુના બુલેટ પર બેસીને જબ્બર અને પીટર બ્રુકહિલ ગયા અને ઘરમાં છુપાઈ ગયા

કિચનમાં પાણી લેવા જાય તે પહેલાં જ જબ્બરસિંગે શાંતાના માથામાં ગોળીઓ ધરબી દીધી, ડ્રોઈંગ રૂમમાં લોહીના ફુવારા ઉડ્યાઃ ઈમુના બુલેટ પર બેસીને જબ્બર અને પીટર બ્રુકહિલ ગયા અને ઘરમાં છુપાઈ ગયા

શાંતાએ આ રીતે પાંચ હત્યાઓ કરાવી નાખી અને છઠ્ઠી હત્યા ઈમુદાદાની કરાવી. પાંચ હત્યાઓ સુધી શાંતાનું નસીબ દોડતું રહ્યું પણ ઈમુની હત્યા પછી તેના દહાડા ભરાઈ ગયા. ઈમુની હત્યા પોતાનો કાળ બનીને આવશે તેનો અંદાજ શાંતાને નહોતો

 

અશોક પરમાર

 

ઈમાનુએલ કાળીદાસ પરમાર ઉર્ફે ઈમુદાદાને પતાવી દીધા બાદ શાંતા નિશ્ચિંત બની ગઈ હતી. આ તેના હાથે થયેલી છઠ્ઠી હત્યા હતી. શાંતા અત્યંત મહત્વાકાંક્ષી બાઈ હતી અને ઐતિહાસિક રીતે સત્તાલાલચુ સ્ત્રીનું જે વર્ણન થયેલું છે તે તમામ તેને લાગુ પડતું હતું. પુરુષોની હાજરી તેને ખટકતી અને તેનું સામ્રાજ્ય કેમનું વિસ્તરે તેમાં જ તેને રસ હતો. સૌથી મોટી વક્રતા એ હતી કે પોતાનું સામ્રાજ્ય વિકસાવવા માટે તેને પુરુષોનો જ સાથ લેવો પડતો હતો.

એ કેવી ટ્રેજેડી હતી કે પોતાનું સામ્રાજ્ય ઊભું કરવા માટે જે બાઈએ પતિને જ પતાવી દીધો હતો તે બિન્દાસપણે રહેતી હતી અને પુરુષ તરફના ધિક્કાર છતાં હત્યાઓ કરાવવા માટે પુરુષોની જ મદદ લેતી હતી. ઈમુદાદાની હત્યામાં પણ તેણે પુરુષોની જ મદદ લેવી પડી હતી. ઈમુ એકલ દોકલ ગુંડા-મવાલીને ગાંઠે તેવો નહોતો તે જાણતી હતી અને આ જ કારણથી તેને પતાવવા માટે ડઝનબંધ ગુંડાઓને રોકવામાં આવ્યા હતા.

ઈમુદાદાની હત્યા કરાવ્યા પછી તે આણંદની અંધારી આલમમાં નંબર વન બની ગઈ હતી અને હવે તેને એમ લાગતું હતું કે તેનું કોઈ હરિફ નથી. એ એવું માનવા માંડી હતી કે અજરાઅમર છે અને અમરપટ્ટો લખાવીને આવી છે. સૌથી મોટી કરૂણતા એ હતી કે છ-છ હત્યા તેના માથે લખાયેલી હતી તેમ છતાં તે બહાર, જેલમાં હોવી જોઈએ તેને બદલે મુક્ત રીતે આઝાદ ફરતી હતી.

શાંતા અને તેના પતિએ સૌ પ્રથમ પોતાના હરિફ કાળિયા ભીલને દારૂ પીવડાવીને 1966માં ખતમ કરી નાખ્યો હતો. ત્યારબાદ શાંતાએ દારૂના નશામાં ચુર એવા પતિ માવસિંગને માથામાં નરાસ ફટકારીને પૂરો કરી દીધો હતો અને પોતે કેટલી મહત્વાકાંક્ષી સ્ત્રી છે તે પુરવાર કર્યું હતું. પતિ માવસિંગનું મોત વધુ પડતો દારૂ પીતાં પડી જવાથી થયું હતું તેમ સાબિત કરનારી શાંતા શું શું ન કરી શકે તે કોઈ વિચારી શકાય તેમ હતું. પતિની હત્ચાના મામલાને તેણે સિફતપૂર્વક દબાવી દીધો હતો.

1978માં શાંતાને આણંદની લક્ષ્ની ટોકિઝ પાસે રામસિંગ સાથે અણબનાવ બન્યો હતો. શાંતાએ આ બનાવની રીસ રાખીને આણંદના જૂના બસ સ્ટેન્ડની પાછળ તે વખતે ચાલતા 12 નંબરના અડ્ડા પર ઘાતક હુમલો કરાવ્યો હતો. રામસિંગ આ હુમલામાં એટલો બધો ઘવાયો હતો કે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

રામસિંગ બાદ શાંતાની ચક્કર બળદેવ સાથે ચાલ્યું હતું. બળદેવ સાથે ધંધાની વાતે બબાલ થતાં શાંતાએ 1979માં તેની હત્યા કરાવી નાંખી હતી અને તેની લાશને કોથળામાં ભરીને ધોળકા પાસે ફેંકાવી દીધી હતી. શાંતા, ધીમેધીમે આણંદમાં તેના તમામ હરિફોને અથવા હરિફ થાય તેવા લોકોને ખતમ કરી રહી હતી. હકીકતમાં, શાંતા પુરુષો પ્રત્યે અત્યંત ધિક્કાર ધરાવતી હતી અને કાંટો કાંટાને કાઢે તેમ પુરુષ પાસે જ પુરુષ હરિફની હત્યા કરાવતી હતી.

રામસિંગ અને બળદેવ પછી પરીખ ભુવનમાં રહેતા મનુભાઈ પટેલ નામના એક યુવક સાથે શાંતાની ‘ગાઢ’ દોસ્તી થઈ ગઈ હતી. તા. 15-10-1980ના દિવસે આણંદ રેલવે ઈન્સ્ટીટ્યુટમાં નવરાત્રિ નિમિત્તે ‘ચરોતરની ચંપા’ નામનું ગુજરાતી પિકચર બતાવવામાં આવી રહ્યું હતું. લોકો ગ્રાઉન્ડમાં ફિલ્મ જોઈ રહ્યા હતા તે વખતે મનુભાઈ પટેલ ગોધરા પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહ્યો હતો.

શાંતાએ મોકાનો લાભ લઈને એ વખતે મનુભાઈની પોતે મોકલેલા મારાઓ મારફતે હત્યા કરાવી નાખી હતી. શાંતા કોઈ સાયકોલોજિકલ કેસ નહોતી કે સાયકો પણ નહોતી. હકીકત એ હતી કે એ અત્યંત મહત્વાકાંક્ષી સ્ત્રી હતી જે સહેજપણ શંકા જાય ત્યારે કોઈને પણ, પોતાના સ્વજનને પણ ખતમ કરાવી નાખતી હતી.

શાંતાએ આ રીતે પાંચ હત્યાઓ કરાવી નાખી અને છઠ્ઠી હત્યા ઈમુદાદાની કરાવી. પાંચ હત્યાઓ સુધી શાંતાનું નસીબ દોડતું રહ્યું પણ ઈમુની હત્યા પછી તેના દહાડા ભરાઈ ગયા. ઈમુની હત્યા પોતાનો કાળ બનીને આવશે તેનો અંદાજ શાંતાને નહોતો. શાંતા ઈમુદાદાની હત્યાની તારીખ ભૂલી જાય તે પહેલાં તો ઈમુના પરિવારજનોએ તેનો ખેલ ખતમ કરી નાખ્યો.

ઈમુનાં પત્ની મરિયમ, ઈમુની બહેન દક્ષા અને બનેવી રાયમુન્દ વિગેરે મળીને શાંતાને ખતમ કરવાની ફિરાકમાં હતાં. શાંતાના ખાસ માણસો જબ્બરસિંગ કોલેસિંગ દુબે(ભૈયા) અને શંભુપ્રસાદ હનુમાનપ્રસાદ દુબેએ સાથે મળીને ગોધરા પ્લેટફોર્મ પર મનુભાઈ પટેલની હત્યા કરી નાંખી હતી. જબ્બરસિંગ યુપીના ભદ્રનો જ્યારે શંભુપ્રસાદ યુપીના ભંડારાનો રહેવાસી હતો અને તેઓ પ્રોફેશનલ કિલર જેવા હતા.

જબ્બર અને શંભુને શાંતાએ સોપારીના પૈસા આપવામાં નાગાઈ કરી એટલે બંને તેની પર અકળાયેલા હતા. શાંતાએ હત્યા કરાવ્યા પછી પૈસા ઓછા આપતાં જબ્બર અને શંભુ સારા મોકાની તલાશમાં હતા. બીજી તરફ, શાંતાએ કાયદાના ચક્કરમાંથી બચવા માટે પરીખ ભુવનમાં જબ્બર અને શંભુ જ્યાં રહેતા હતા તે મકાન પણ ખાલી કરાવ્યું હતું.

શાંતાએ ઘા ભેગો મારેલો ઘસરકો બંનેને ખટકતો હતો અને એવા મોકાની તલાશમાં હતા જેમાં તે શાંતાને સબક શીખવાડે. બંનેએ પહેલાં મનુભાઈ પટેલના ભાઈ કનુ પટેલનો સંપર્ક કરી જોયો પણ તેઓ માન્યા નહીં. અપમાન અને અવગણનાનો બેવડો માર સહન કરી ચુકેલા બંને જણે ઈમુના બનેવી રાયમુન્દનો સંપર્ક કર્યો. 14મી ઓક્ટોબરે આ બંનેને રિવોલ્વર લાવવા માટે રૂપિયા 5,000 અપાયા.

તા. 17.10.1983.

શાંતાની હત્યા તેના બંગલામાં જ કરવાનું પ્લાનિંગ થયું. શાંતા માવસિંગ પરીખ ભુવનમાંથી અમુલ ડેરી પાસે આર્યનગરમાં એક બંગલો ખરીદી ત્યાં રહેવા ગઈ હતી. એ વખતે અમુલડેરી રોડ અત્યારે છે તેટલો ભીડભાડવાળો નહોતો. રોડ પરથી ખેતરો નરી આંખે દેખાતાં અને માણસોની અવરજવર પણ એટલી નહોતી.

શંભુપ્રસાદ શાંતા માવસિંગના ઘરે ગયો અને તેના 16 વર્ષના દીકરા પ્રતાપને બહાર ફરવા જઈએ તેમ કહીને લઈ ગયો. શંભુપ્રસાદ ગયો તે પછી બપોરના સવા બે વાગ્યે જબ્બરસિંગ શાંતાના બંગલે ગયો. જબ્બરને જોઈને તરત શાંતાએ દરવાજો ખોલ્યો અને તેને અંદર લીધો.

જબ્બર ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠો. શાંતા તેના માટે કિચનમાં પાણી લેવા માટે જતી હતી ત્યાં જ જબ્બરે પેન્ટના ખિસ્સામાં સંતાડી રાખેલી દેશી બનાવટની રિવોલ્વર કાઢીને શાંતાના માથામાં એક સાથે ગોળીઓ ધરબી દીધી. શાંતાના મોંમાંથી દુઃખનો એક ચિત્કાર પણ નીકળી ના શક્યો. ડ્રોઈંગ રૂમમાં માથાની ખોપરી વીંધીને નીકળેલા લોહીના ફુવારા ચારેબાજુ રેલા બનીને ફેલાઈ ગયા. છ-છ હત્યા કરાવીને શાંતિની નીંદ લઈ શકતી શાંતા એક મિનિટમાં કાયમની નીંદરમાં સરી પડી.

કાતિલ કોન્ટ્રાક્ટ કિલર એવો જબ્બર ઘડીનોય વિલંબ કર્યા વિના બંગલામાંથી બહાર નીકળ્યો અને દીવાલ કૂદીને સીધો રસ્તા પર આવી ગયો. રસ્તા પર લોટિયા ભાગોળનો પીટર પ્રેમચંદ ખ્રિસ્તી ઈમુ જે વાપરતો હતો તે બુલેટ લઈને તેની રાહ જોતો ઊભો હતો. જબ્બર અને પીટર બુલેટ પર બેસીને બોરસદ તાલુકાના ખડોલ ગામ નજીક આવેલા બ્રુકહિલ ગયા અને ત્યાં એક ઘરમાં સંતાઈ ગયા.

શાંતાની હત્યા કરીને ઈમુના ગ્રૂપે વેરની વસૂલાત કરી લીધી હતી. ઈમુની હત્યા પછી શાંતા બહુ થોડો સમય જીવી. ઈમુને મારતાં પહેલાં તેણે ઈમુની ગેંગના પાવરનો ક્યાસ કાઢી લીધો હોત તો કદાચ તે જીવતી રહી હોત!

શાંતાની હત્યા પછી ઈમુના ગ્રૂપે જૂના આણંદ બસ સ્ટેન્ડની સામે આવેલા સ્વીટી પાન સેન્ટરની પાછળ જુગારનો અડ્ડો ફરી ચાલુ રાખ્યો. જોકે, 1988માં ઈમુની ગેંગે આ અડ્ડો બંધ કરી દીધો. 1985 પછી ઈમુની હત્યાના કેસમાંથી રતિલાલ ઉર્ફે રતિયો જેલમાંથી છૂટ્યો હતો. તેણે રાજા રણછોડ માર્કેટમાં પોતાનો ધંધો શરૂ કર્યો હતો.

રમણ ભગત

તેની સાથે જૂના દાદરની સોસાયટીમાં રહેતો ચીનો ઉર્ફે મહેબુબબેગ મિરઝા અને તેનો ભાઈ પોપો જોડાયો હતો. રતિલાલની સાથે થોડો સમય ઈકબાલ સિંધી, અબ્દુલ કરીમ ઉર્ફે વેપારી, નન્નુમિયાં, ગફુર અને સિરાજ ઘાંચી સહિતના ગેંગસ્ટરો પણ જોડાયા હતા. જોકે, ધંધામાં એકબીજા સાથે મનમેળ ન થતાં આ લોકો છૂટા પડી ગયા હતા.

ઈમુની અને શાંતાની હત્યા બાદ આણંદમાં રતિલાલ અને રમણ ભગત બે જ મોટા માથાં હતાં. જેમાં રતિલાલ જેલમાં હતો. રમણ ભગત પાસે કોઈ પીઠબળ નહોતું. આ દરમિયાન, પોતાની ધાક જમાવવા અબ્દુલ કરીમ ઉર્ફે વેપારી, ગફુર અને ઈકબાલ સિંધી મેલડી માતા ઝૂંપડપટ્ટીમાં ગયા અને રમણ ભગતની હત્યા કરી નાંખી. રમણ ભગતની હત્યા 24 ઓગસ્ટ 1984ના દિવસે થઈ હતી. પોતાના ગોડફાધર સમાન રમણ ભગતની હત્યાની ઘટનાએ મેલડી માતા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓમાં આઘાત ફેલાવી દીધો હતો.

(વાંચો આવતા અંકેઃ રતિલાલ અને વેપારી વચ્ચે શરૂઆતથી જ ધંધાની બાબતે એટલો ખટરાગ ચાલતો રહ્યો કે…)  

આણંદની અંધારી આલમના આગળના તમામ ભાગ માટે આ લિંક પર ક્લીક કરોઃ https://www.yayavarcharotar.com/category/local/

One thought on “કિચનમાં પાણી લેવા જાય તે પહેલાં જ જબ્બરસિંગે શાંતાના માથામાં ગોળીઓ ધરબી દીધી, ડ્રોઈંગ રૂમમાં લોહીના ફુવારા ઉડ્યાઃ ઈમુના બુલેટ પર બેસીને જબ્બર અને પીટર બ્રુકહિલ ગયા અને ઘરમાં છુપાઈ ગયા

  1. આણંદ ની અંઘારી આલમ…અશોક પરમાર અને કિરીટભાઈ સૌને ખૂબ ખૂબ અભિનંદન…આ વિષય ખુબ અઘરો છે દરેક માહિતી સચોટ અને ઝીણવટભરી રીતે રજુ કરવી પડે,સત્ય ના પુરાવા ન પણ હોય છતાં જાત તપાસ થી નાની નાની વાત શોઘી લાવવી પડે છે, આપે ખુબ સરસ માહિતી રજૂ કરી છે, પુસ્તક પ્રકાશિત કરો….આ એક સુચન છે…
    આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!