આણંદ જિલ્લામાં પોલીસ પોતે જ ન્યાય તોળવા બેસતી હોવાનો તાજો કિસ્સોઃ લવ મેરેજ માટે ઘરમાંથી ભાગી ગયેલી યુવતીની માહિતી કઢાવવા નિરલ પટેલ નામના યુવક અને તેનાં પરિવારજનોને ઢોર માર માર્યો:ડો. મહેરિયાની પણ શંકાસ્પદ ભૂમિકા
યાયાવર ડેસ્ક> આણંદ
વર્દીનો સહારો લઈને ગુંડાગીરી કરવાના વધુ એક ખેલમાં આણંદ પોલીસ બદનામ થાય તેવી ચકચારી ઘટના બની છે. પ્રેમલગ્ન કરનાર યુવતીની માહિતી કઢાવવા માટે એક યુવક અને તેના ભાઈ-બહેનને પોલીસવાળાઓએ એટલો ઢોર માર માર્યો છે કે તેને કાયમ માટે શારિરીક ખોડ રહી જાય તેવા ઘા પડી ગયા છે. લવમેરેજ માટે ઘરેથી ભાગી છૂટેલી ઉમરેઠની યુવતીનીની માહિતી મેળવવા માટે પેટલાદ તાલુકાના બાંધણીના યુવક અને તેના ભાઈ-બહેનને પીએસઆઈ પી.કે. સોઢા, તેના રાઈટર અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સહિત પાંચથી છ જણાએ માર ભયંકર માર માર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં પીએસઆઈની રૂમમાં ગોંધી રાખ્યા હતાં. ચોંકાવનારી બાબત તો એ છે કે આ બનાવની ફરિયાદ છેક દોઢ મહિના બાદ મહેળાવ પોલીસ સ્ટેશને રવિવારે નોંધાઈ છે.
આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંય સમયથી જાણે પોલીસ પોતે જ કાયદો અને વ્યવસ્થા હોય તેવી વર્તી રહી છે. કહેવાતી શિસ્તના નામે પોલીસવાળાઓ નિર્દોષ પર અત્યાચાર કરવામાં આગળ પડતા છે જ્યારે અપરાધને નિયંત્રણમાં રાખવાનું આવે ત્યારે ઝીરો બની જાય છે. થોડાં સમય અગાઉ તારાપુરમાં જમીન પર કબજો જમાવવા માટે શહેરના પીઆઈ ગોહિલ અસામાજિક તત્વો સાથે મળીને કબ્જો જમાવવા ગયા હતા. આ બનાવમાં આરોપીઓ સામે હજુ તો કોઈ કાર્યવાહી થઈ શકી નથી ત્યાં આ બીજા બનાવથી પોલીસતંત્ર ચોંકી ઉઠ્યું છે અને લોકોમાં પોલીસ પરનો વિશ્વાસ સાવ જતો રહે તેવું વાતાવરણ સર્જાયું છે.
પેટલાદ તાલુકાના બાંધણી ગામે નિરલકુમાર જિતેન્દ્રભાઈ પટેલ રહે છે. નિરલને બાંધણી ગામના જિજ્ઞેશ કનુભાઈ પટેલ સાથે મિત્રતા હતી. 21મી ઓક્ટોબરના રોજ જિજ્ઞેશે ઉમરેઠની શ્યામા તરૂણ શાહ નામની યુવતી સાથે ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કરી લીધા હતાં. પુત્રી ઘરેથી ગુમ થતાં શ્યામાના પિતા તરુણકુમાર શાહે દીકરી ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ખંભોળજ પોલીસ મથકના ઈનચાર્જ પી.એસ.આઈ પી. કે. સોઢા તેમજ હેડ કોન્સ્ટેબલ જયેશ પારેખને માહિતી મળી હતી કે યુવતી સાથે ભાગનારો યુવક પેટલાદના બાંધણી ગામના યુવક નિરલ સાથે મિત્રતા ધરાવે છે અને તેના બહેન-બનેવી હાલ ખંભોળજમાં રહે છે. જેને પગલે તેમણે નિરલની બહેન મોના અને બનેવી સાગરને બોલાવી ખખડાવ્યા હતા. એજ દિવસે રાત્રિના નવ વાગ્યે તેમને સરકારી અને પ્રાઈવેટ ગાડીમાં બાંધણી ખાતે લઈ ગયા હતા. નિરલને બોલાવીને ત્યાંથી જિજ્ઞેશના ખેતર પર લઈ ગયા હતા. જ્યાં પીએસઆઈ સોઢા, રાઈટર જયેશ તથા ધારાસભ્ય ગોંવિદ રયજી પરમારના પુત્ર હર્ષદ સહિત ત્રણથી ચાર પોલીસના માણસો અને ચારથી પાંચ અન્ય માણસોએ ખેતરની રખેવાડી કરી રહેલા જશભાઈ રયજીભાઈ સોલંકીને માર મારી યુવક-યુવતી ક્યાં છે તેની પૂછપરછ કરી હતી. પોલીસ અને ધારાસભ્યના પુત્રે નિરલને પણ પટ્ટાથી બેરહેમીપૂર્વક માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જોકે, તેઓએ તેમને લોકેશનની કોઈ જાણ ન હોવાનું કહેવા છતાં પણ આખરે નિરલ અને તેના બેન-બનેવીને ખંભોળજ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. જ્યાં રાત્રિના સમયે તેમને ગોંધી રાખીને તેમને માર માર્યો હતો. બાદમાં સવારે તેમને છોડી મૂક્યા હતા.
પોલીસના ટોર્ચરનો ભોગ બનેલા યુવક નિરલ પટેલને ઘરે આવ્યા બાદ કાનમાં સંભળાતું નહોતું. જેને પગલે તે ગત 24મી ઓક્ટોબરના રોજ બાંધણી પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સારવાર કરાવવા માટે ગયા હતા. બાંધણી આરોગ્ય કેન્દ્રના ડોકટર મહેરિયાને મળ્યા હતા અને સમગ્ર હકીકત જણાવી હતી. જોકે, ડો. મહેરિયાએ દર્દીને જણાવ્યું હતું કે, પોલીસ સામેનો આક્ષેપ હોવાથી હું સારવાર નહીં કરું. આમ કરીને ડોકટર મહેરિયાએ યુવકના કેસ પેપર પણ ફાડી નાંખ્યા હતા.
પોલીસની સાથે મળીને ગુંડાગીરી કરનારા ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ રઈજીભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારે યુવક નિરલને લાફા મારતા તેને કાનમાં સાંભળવાનું બંધ થઈ ગયું હતું. સરકારી તબીબે સારવાર ન કરતાં નિરલ પટેલ આણંદ કાનના સ્પેશ્યાલિસ્ટ ઈએનટી સર્જન પાસે ગયો હતો અને કાનની સારવાર કરાવી હતી. જેમાં કાનના પડદામાં કાણું પડી ગયું હોય સંભળાવાનું બંધ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. આણંદ જિલ્લાના પોલીસ વડા અજીત રાજીયાને પણ પીએસઆઈને છાવરવાના પ્રયાસ કર્યા હતા. પોલીસ વિરૂદ્ધની ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી નહીં જ હોય તેને પગલે કોર્ટના દ્વાર પીડિતે ખટખટાવ્યા હતા. દરમિયાન, સમગ્ર કેસમાં ડિપાર્ટમેન્ટ દ્વારા આરોપી પીએસઆઈ સોઢા સામે હાલમાં કોઈ એક્શન લેવામાં આવ્યા છે કે નહીં તે બાબતે જિલ્લા પોલીસ વડાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ કોર્ટ ઓફ ઈન્કવાયરી છે, એફઆઈઆર નથી. તપાસ થશે એ પછી તેમાં કાર્યવાહી કરવામાં આવશે. યુવક તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેના મોબાઈલ નંબર 9601714909 પર ઉમરેઠ પોલીસના પી.એસ.આઇ પી.કે. સોઢાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તારા બેન-બનેવીને ઉઠાવી લીધા છે. હવે તું તૈયાર રહેજે અમેં તને પણ ઉઠાવવા માટે આવી રહ્યા છે. આ પછી તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો.