મેલબોર્ન
ક્રિકેટના ઈતિહાસમાં એક અનોખો અને વિચિત્ર કહી શકાય તેવો પ્રસંગ નોંધાયો છે. આ ઘટના ઓસ્ટ્રેલિયામાં બની છે. સૌથી રસપ્રદ બાબત તો એ છે કે આ ઘટનાને કારણે ક્રિકેટના એક ચાહકને રાતોરાત સેલિબ્રિટીનું પદ મળી ગયું છે અને પૂરા ક્રિકેટ વિશ્વમાં તેની નામના થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં લોકો આ ચાહકને હવે લિજેન્ડ તરીકે ગણવા લાગ્યા છે. ક્રિકેટની એક લીગ મેચમાં આ ચાહકે તેના બિયર કપમાં બોલ કેચ કર્યો હતો અને બોલ ગ્લાસમાં હતો ત્યારે જ તે બિયર ગટગટાવી ગયો હતો. આ ઘટના શનિવારે હોબર્ટના બેલેરાઈવ ઓવલ મેદાનમાં બની હતી. સૌથી મોટી બાબત એ હતી કે ચાહકે ગ્લાસમાં બોલ કેચ કર્યો તેની સાથે હોબર્ટ હરિકેન નામની ટીમનો વિજય પણ નિશ્ચિત થઈ ગયો હતો. મેલબોર્ન સ્ટાર્સ આ મેચ હારી ગઈ હતી. 16મી ઓવરમાં હરિકેન મુશ્કેલીમાં હતી ત્યારે દુનિયાના ટ્વેન્ટી20 ક્રિકેટના બેસ્ટ બેટ્સમેન ડેવિડ મલાને ફાઈન લેગ પર સિક્સર ફટકારી હતી. બોલ ક્રાઉડમાં જઈને પડ્યો હતો. જે સમયે બોલ ક્રાઉડમાં પડ્યો તે સમયે વ્હાઈટ શર્ટમાં બેઠેલો એક યુવાન ત્યાં બેઠોબેઠો જોરજોરથી હસવા લાગ્યો હતો. તેણે કેમેરા સામે પોતાનો હાથ ઊંચો કર્યો હતો. કેમેરા ઝુમઈન કરાયો અને રિપ્લે ટીવી પર બતાવાઈ ત્યારે ક્લિયર થયું હતું કે, આ યુવાને કેચ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ તે મિસ થઈ ગયો હતો. મજાની વાત એ છે કે યુવાનની બાજુમાં તે વખતે એક વૃદ્ધ માણસ બેઠાબેઠા બિયર પીતા હતા અને બોલ તેમના બિયરના ગ્લાસમાં જઈને પડ્યો હતો. કેમેરાને ઝુમ ઈન કરાયો ત્યારે દેખાયું હતું કે, બિયરના ગ્લાસમાં વ્હાઈટ બોલ પડેલો છે. આ ઘટનાને પગલે આ માણસ રાતોરાત ઓસ્ટ્રેલિયા અને તે પછી સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગયો હતો. બિયરના ગ્લાસમાં બોલ પડ્યો તેને કાઢીને બાજુએ મૂકવાને બદલે આ ચાહકે બોલ સાથે જ બિયર પીવા માંડી હતી. કેમેરામાં આ દ્રશ્ય બતાવાયું હતું. બિયર પૂરી થઈ તે પછી જ તેમણે બોલ ટીમને પાછો આપ્યો હતો. આ મેચની કોમેન્ટરી કરી રહેલા માર્ક વોએ ત્યારે સવાલ કર્યો હતો કે, ‘આ માણસ શું કરી રહ્યો છે?’ એ પછી થોડીવાર બાદ મેચ શરૂ થઈ હતી અને પેલો બોલ ભીનો હોવાથી બદલી નાખવામાં આવ્યો હતો.