આણંદ
ચરોતરમાં કોરોનાની મહામારી વચ્ચે વિવિધ સ્કૂલો અને સંસ્થાઓમાં દર્દીઓને સારવારની સુવિધા મળી રહે તે માટે પ્રયાસ શરૂ કરાય છે. આ અંતર્ગત આણંદ નજીક ચિખોદરા ખાતે આવેલી રવિશંકર મહારાજ આંખ (આઈ) હોસ્પિટલમાં હાલ કોરોના સંક્રમણ સમયે ઓ.ટુ.ની સુવિધા સાથેની ૫૩ બેડ સાથેની હોસ્પિટલમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું.
કલેક્ટર આર.જી.ગોહિલ અને સાંસદ મિતેષ ભાઈ પટેલ દ્વારા ચિખોદરા ખાતેની રવિશંકર મહારાજ (આઈ) હોસ્પિટલ મુલાકાત લીધી હતી અને તેઓએ આ હોસ્પિટલમાં ૫૩ બેડ સાથે કોરોના સારવાર માટે કાર્યરત કરાવી હતી.
કલેક્ટર આર.જી.ગોહિલે હોસ્પિટલમાં સેવારત તબીબો અને નસિંગ સ્ટાફ સાથે ચર્ચા વિમર્શ અને હોસ્પિટલ ની મુલાકાત બાદ જણાવ્યું હતું કે અહીં ૫૩ બેડ ની વ્યવસ્થા છે અને બીજી તમામ સુવિધાઓથી સજ્જ છે. ઉમરેઠ , આંકલાવ , અને બોરસદ વિસ્તારના કોરોના સંક્રમિત દર્દી ઓ માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી પુરવાર થશે .
સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું કે આણંદ જિલ્લાનું વહીવટી તંત્ર અને કલેક્ટર આર.જી.ગોહિલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર હાલની જિલ્લાની કોરોના સંક્રમણની સ્થિતિ જોઈ અને વિસ્તાર મુજબ આવતા દર્દીઓને ધ્યાને રાખીને એડવાન્સ આયોજન કરી રહયા છે અને તેના કારણે મહત્તમ દર્દીઓને ઝડપથી સારવાર મળી રહી છે એટલું જ નહીં દર્દીઓ સાજા થવાની સંખ્યા પણ વધી રહી છે.
આ ઉપરાંત તારાપુર તાલુકામાં બુધેજ, ખડા, ખાનપુર અને તારાપુરમાં પણ આ રીતની કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે. ખંભાત તાલુકામાં બામણવા, ધુવારણ, કલમસર,ઉદેલ, વડાદરા, સાયમા, રોહિણી અને વડગામમાં કોવિડ હોસ્પિટલો શરૂ થઈ છે.
દરમિયાન, આણંદ, કરમસદ અને વલ્લભ વિદ્યાનગરના તમામ વેપારી એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કોરોના સંક્રમણથી શહેરીજનોને બચાવવા અને વધુ સંક્રમણ ના થાય તે માટે ગત રોજ જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે આણંદ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટે ૨૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી રોજ સાંજે પાંચ વાગે તમામ બજારો સ્વૈચ્છિક બંધ થઈ જાય તે માટે એક સૌના હિતમાં કરેલી અપીલના પગલે વહેપારી એસોસિએશનના આગેવાનોએ પણ સમર્થન આપ્યું હતું અને આજે પણ તેઓએ ફરીથી તમામ નાના મોટા વહેપારીઓને સંપર્ક કરી અપીલ કરી રહ્યા છે.
જિલ્લામાં ધર્મજ સહિત અનેક મોટા નગરોએ સ્વૈચ્છિક બંધ પાળ્યા છે અને વધુને વધું ગામો અને નગરો કોરોના સંક્રમણને ખાળવા સ્વેચ્છાએ બંધમાં જોડાઈ રહ્યા છે, આણંદ, કરમસદ અને વલ્લભ વિદ્યાનગર શહેરમાં પણ સાંજે પાંચ વાગ્યાથી બધા જ બજારો બંધ રહે અને શહેરના નગરિકોના હિતમાં તેમજ પોતાના હિતમાં સહયોગ આપવા વહેપારી આગેવાનોએ આજે ફરીથી સૌને અનુરોધ કર્યો હતો.