કુલદીપસિંહ-ઘનશ્યામસિંહે ચકલાશીના બુટલેગરને પૈસે-ટકે એટલો નિચોવી લીધો કે પેલાને પત્ની-દીકરીનાં ઘરેણાં વેચવાં પડેલાં, ખાવાનાં સાંસાં પડવાં માંડેલાં

કુલદીપસિંહ-ઘનશ્યામસિંહે ચકલાશીના બુટલેગરને પૈસે-ટકે એટલો નિચોવી લીધો કે પેલાને પત્ની-દીકરીનાં ઘરેણાં વેચવાં પડેલાં, ખાવાનાં સાંસાં પડવાં માંડેલાં

એક વહીવટદાર બુટલેગર પાસેથી 6 લાખ તો લઈ આવ્યો પણ એસીબીનો રેલો આવ્યો એટલે ચુપચાપ જઈને તેના બારણે આ રૂપિયા મૂકી આવેલોઃ ચરોતરના લોકોની સમૃદ્ધિ જોઈ ગયેલા કેટલાક પત્રકારો અમદાવાદથી તોડ કરવા એક સમયે આણંદ આવતા

 

યાયાવર ડેસ્ક>આણંદ

 

સામાન્ય માણસને પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોણ સાહેબ અને કોણ તેની નીચેનો કર્મચારી છે તેની ખબર નથી હોતી ત્યારે આ ‘વહીવટદાર’ શું ચીજ છે તેની તો શું ખબર હોય? મૂળભૂત રીતે, ‘વહીવટદાર’ જેવી કોઈ પોસ્ટ પોલીસ વિભાગમાં હોતી નથી પણ, 2003-04 પછી તેનો જન્મ થયો છે. આણંદમાં વર્ષો સુધી પોલીસ વિભાગનું રિપોર્ટિંગ કરનારા એક સિનિયર જર્નાલિસ્ટ કહે છે, હું જ્યારે ક્રાઈમ રિપોર્ટર તરીકે કામ કરતો હતો ત્યારે ‘વહીવટદાર’ જેવું કશું હતું જ નહીં. ટાઉન કે રૂરલ પીઆઈ તેના કોન્સ્ટેબલને મૌખિક સૂચના આપી દેતો કે તારે પોલીસ સ્ટેશન વતી જે ઉઘરાવાનું થતું હોય તે ઉઘરાવી લાવવાનું. આ રીતે, ઘણાં કોન્સ્ટેબલ માર્કેટોમાંથી નાનાંનાનાં ઉઘરાણાં કરતાં હતાં. દેખીતી રીતે, આ વહીવટ વિ-કેન્દ્રીય હતો અને તેમાં કોઈ મોટો તોડ થતો નહોતો. 2004 પછી કેટલાંક રાજકીય આકાઓએ પોલીસ તંત્રમાં ઘુસપેઠ કરી અને તેની સાથે ‘વહીવટદાર’નો પણ પ્રવેશ થયો.

‘વહીવટદાર’ના આવવાથી રોકડ હિસાબો(તોડબાજી)નું કેન્દ્રીયકરણ તો થઈ જ ગયું પણ, તેની સાથે ‘મોટા વહીવટો’ પણ હાથમાં આવવા માંડ્યાં. આ એકલા આણંદમાં જ બન્યું હતું એમ નહીં, આખા ગુજરાતમાં આવું શરૂ થઈ ગયું હતું. અમદાવાદમાં તો જે વિસ્તારમાં સૌથી વધુ ક્રાઈમની ઘટનાઓ બનતી હોય  ત્યાં જવા માટે પોલીસ કર્મચારીઓ તલપાપડ હોય છે. કેટલાંય પોલીસ સ્ટેશનનાં ‘ઓન’ બોલાય છે. આણંદમાં પણ 2004ની સાલ પછી આમ થવા માંડ્યું છે. સિનિયર જર્નાલિસ્ટ કહે છે કે 2009માં લઠ્ઠાકાંડ થયો તે વખતે છેક અમદાવાદથી આણંદમાં પત્રકારોની એક ચોક્કસ ટોળકી આવતી અને તેનું કામ મેટર નહીં છાપવા માટેનાં ઉઘરાણાં કરવાનું હતું. સૌરભસિંઘ નામના પોલીસ અધિકારી એસપી તરીકે આવ્યા પછી આવી અમદાવાદી પત્રકારોની ગેંગનું આણંદમાં વહીવટો કરવાનું બંધ થયું હતું. બાકી તો, એનઆરઆઈ હબ હોવાને કારણે અહીં કોન્સ્ટેબલના વહીવટમાં ભાગીદાર થવા ઘણાં પત્રકારો આણંદમાં આવી જતા હતા.

‘વહીવટદાર’ ઉઘરાણાં કરી લાવે તેવું જ હોતું નથી. એ તમામ પ્રકારના તોડમાં માહેર હોય છે. દરેકને સાચવી પણ જાણે છે. ઘણાં પત્રકારોને પણ તેણે સાચવવાનાં હોય છે. આરોપીઓ સાથે પણ તેના સેટિંગ રહે છે.

ગુજરાત પોલીસમાં વહીવટદાર બનવા રીતસરની પડાપડી થતી હોય છે

  • સિનિયર IPS અધિકારીનો વહીવટદાર કોઇને પણ ગાંઠતો નથી. 
  • કેટલાક કોન્સ્ટેબલોને મોટા અધિકારીઓના વહીવટદાર તરીકે કામ કરવાનું ગમે છે. 
  • કોન્સ્ટેબલ હોવા છતાં વહીવટદારો સિનિયર અધિકારીઓને પણ સાંભળતા નથી.
  • અધિકારીની ઓફિસમાં જાય એટલે આવા કોન્સ્ટેબલો રૂઆબમાં આવી જતા હોય છે.
  • ઘણાં સિનિયર પોલીસ અધિકારીઓને ધંધા-પાણી સાચવવા આવા કોન્સ્ટેબલોને સલામ કરવી પડે છે.
  • કેટલાક કેસોમાં વહીવટદારની સાથે પાયલોટ કાર પણ સેવામાં લાગી જતી હોય છે.
  • વહીવટદારો પોલીસ સ્ટેશનમાં હાજરી પણ આપતા નથી અને તેમને આ અંગે કોઈ કશું કહી શકતું નથી. 
  • વહીવટદારને માત્ર વહીવટ કરવામાં જ રસહોય છે અને આ પદ માટે રીતસરની પડાપડી થાય છે.
  • સરકારના મહેકમમાંવહીવટદાર નામની કોઇ જગ્યા નથી.

પાસા નહીં કરવા માટે પણ પાંચ લાખ સુધીનો ભાવ બોલાતો હોય છે. સામાન્ય રીતે, બુટલેગરો પાસામાં જવા માટે રાજી હોતા નથી એટલે ગમે તે ભાવે તે વહીવટ(તોડ) કરવા માટે રાજી થઈ જાય છે. અમદાવાદમાં એક બુટલેગરને આવા વહીવટદાર પોલીસ કર્મચારીઓએ એટલો બધો ખંખેરી લીધેલો કે તેને અંતે ‘ભૈ બાપા’ કરવું પડેલું. આ બુટલેગર એક સમયે બહુ મોટો ‘ભૈ’ હતો અને છેક ગાંધીનગર સુધી તેનું ભરણું પહોંચતું હતું. આજે એ ક્યાં છે એ કોઈ જાણતું નથી. તેની તમામ પ્રોપર્ટી તેણે વેચી નાંખવી પડી છે. એક વખતે એ છેક ગાંધીનગર સુધીના અધિકારીઓને ઓળખતો હતો તેમ છતાં વહીવટદારો સામે તેનું કશું ચાલ્યું નહોતું. અંતે, તેને પાસામાં પીસાવા માટે જવું તો પડ્યું જ પણ તેનો ધંધો ય ચોપટ થઈ ગયો. વહીવટદારોએ તેની સામે એક હરિફ ઉભો કરી દીધો અને તેની પાસેથી વહીવટો કરવા માંડ્યાં હતાં.

આણંદમાં કુલદીપસિંહ અને ઘનશ્યામ સિંહ નામના બે વહીવટદારોએ આવો જ એક કાંડ કર્યો હતો. ચકલાશીમાં અડ્ડો ચલાવતા બુટલેગરની સામે પોલીસ કેસ ન થાય તે માટે આ બંને જણાંએ તેની પાસેથી આજીવન પૈસા લીધા જ કર્યા હતા. એક તબક્કો તો એવો આવ્યો કે આ બુટલેગરની પત્ની અને દીકરીની નાક-કાનની વાળી પણ આ વહીવટદારોએ સેરવી લીધી. તેણે બધું જ વેચી દેવું પડ્યું. આ બુટલેગરને ખાવાનાં સાંસાં પડવા માંડ્યાં હતાં. ‘કર્મની ગતિ ન્યારી હોય છે’ તેમ કહેનારા વહીવટદારો પોતે પાછાં આવાં કાંડ કરવામાં પાછા પડતા નથી.

નરેશ રબારી કરીને એક કોન્સ્ટેબલ પ્રકાશસિંહની સાથે વહીવટોમાં ઉસ્તાદ હતો. સૌરભસિંઘ જ્યારે એસપી તરીકે આવ્યા ત્યારે એન્ટી કરપ્શન બ્યૂરો(એસીબી)એ તેની સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધ્યો હતો. નરેશ રબારી સામે આરોપ હતો કે તેની સંપત્તિમાં 123 ગણો વધારો થઈ ગયો છે. નરેશ રબારીની સાથે ખેડાના તત્કાલીન વન સંરક્ષક અધિકારી જગદીશચંદ્ર જોષી વિરુદ્ધ પણ એસીબીએ અપ્રમાણસર સંપત્તિનો ગુનો નોંધ્યો હતો.

આણંદ એનઆરઆઈ હબ હોવાથી તેમજ લોકોને પરદેશ જવાની તકો સરળ અને ભરપૂર હોવાથી કોઈ પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચઢવા માટે રાજી હોતા નથી. સામાન્ય રીતે, ચરોતરવાસીઓ શાંતિપ્રિય લોકો મનાય છે અને તેમને પોતાના કામ સિવાય બીજી કશી વાતમાં રસ હોતો નથી. જોકે, ઘણી વખત ઝઘડો કે ટંટોફિસાદ થઈ જતાં હોય છે. આવા સંજોગોમાં પોલીસ કેસ નોંધાઈ જાય તો વિઝા કે પાસપોર્ટ મેળવવામાં તકલીફ પડતી રહે છે. આ જ કારણથી ચરોતરમાંથી લોકો પોલીસ સ્ટેશનનાં પગથિયાં ચઢવા માટે રાજી હોતા નથી અને બને તો સમાધાનનો પ્રયાસ કરાતો રહે છે. બીજું કે, ચરોતર પહેલેથી સમૃદ્ધ પ્રદેશ રહ્યો છે એટલે સ્વાભાવિક રીતે, અહીંથી કોઈને પણ બે-પાંચ પૈસા કમાઈ લેવાની લાલચ કે આશા જાગે છે. આ જ કારણથી આણંદમાં છેલ્લાં દોઢેક દાયકાથી પોલીસના ‘વહીવટદારો’ની ભારે ડિમાન્ડ રહે છે. ત્યાં સુધી કે અધિકારીઓ પોતે પણ આ વહીવટોના ભાગીદાર હોય છે. એક વખતે એક અધિકારી માટે વહીવટ કરીને આવેલા એક વહીવટદારની નીચે જ્યારે રેલો આવી ગયો અને તપાસ પ્રારંભાઈ ત્યારે ખરો ખેલ થયો હતો. આ અધિકારી માટે વહીવટ કરી આવનારા વહીવટદારને જ્યારે એમ લાગ્યું કે, હું ખુલ્લો પડી જઈશ ત્યારે તેણે 6 લાખ રૂપિયાની નોટો જે બુટલેગર પાસેથી લીધી હતી તેના બારણે જઈને પાછી મૂકી આવ્યો હતો.

કર્મની ગત ન્યારી હોય છે એ સિદ્ધાંતમાં ભલે પોલીસ તંત્રમાં કામ કરનારા લોકો માનતા હોય પણ જ્યારે મફતનું, અણહકનું લેવા-ખૂંચવવાનું હોય છે ત્યારે તેમને ગીતાનો આ સિદ્ધાંત કદી યાદ આવતો નથી. વહીવટદાર સ્થાનિક હોય તે જરૂરી નથી, તેની આયાત પણ થતી હોય છે વાંચો કાલે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!